યાદગાર ગીતો :૦૧: ગુણવંતી ગુજરાત – અરદેશર ખબરદાર
ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !
મોંઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યાં અમ શીશ :
માત મીઠી ! તુજ ચરણ પડીને માગીએ શુભ આશિષ !
. અમારી ગુણવંતી ગુજરાત !
મીઠી મનોહર વાડી આ તારી નંદનવન-શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરીએ નિત્ય કલ્લોલ !
. અમારી ગુણવંતી ગુજરાત !
સંત મહંત અનંત વીરોની વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરીએ જાત !
. અમારી ગુણવંતી ગુજરાત !
ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય;
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય
. અમારી ગુણવંતી ગુજરાત !
સર સરિતા રસભર અમીઝરણાં રત્નાકર ભરપૂર;
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર !
. અમારી ગુણવંતી ગુજરાત !
હિન્દુ, મુસલમિન, પારસી, સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે કરીએ સેવા સહુ કાળ !
. અમારી ગુણવંતી ગુજરાત !
ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
. અમારી ગુણવંતી ગુજરાત !
નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !
– અરદેશર ફ. ખબરદાર ‘અદલ’
(જન્મ: ૦૬-૧૧-૧૮૮૧, મૃત્યુ: ૩૦-૦૭-૧૯૫૩)
સંગીત સંયોજન : મેહુલ સુરતી
સ્વર : દ્રવિતા ચોક્સી
ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં પારસી કોમના જે કવિઓનો ફાળો રહ્યો છે, એમાં અરદેશર ખબરદારનું સ્થાન ધ્રુવના તારા સમું છે. ‘ગુણવંતી ગુજરાત’ અને ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કાવ્યો થકી એ અમર કીર્તિ પામ્યા છે. દમણમાં જન્મેલા અને ત્યાં જ વસેલા, માત્ર પ્રાથમિક શિક્ષણ પામેલા આ કવિ મોટર-સાઇકલનો સામાન વેચવાનો ધંધો કરતા હતા પણ અનિર્વચનીય વતનપ્રેમથી છલકાતા હતા. (કાવ્યસંગ્રહો: ‘કાવ્યરસિકા’, ‘વિલાસિકા’, ‘પ્રકાશિકા’, ‘ભારતનો ટંકાર’, ‘સંદેશિકા’, ‘કાલિકા’, ‘ભજનિકા’, ‘રાસચંદ્રિકા-1’, ‘દર્શનિકા’, ‘રાષ્ટ્રિકા’, ‘કલ્યાણિકા’, ‘રાસચંદ્રિકા-2’, ‘નંદનિકા’, ‘ગાંધીબાપુ’, ‘કીર્તનિકા’)
‘સદાકાળ ગુજરાત‘ આપ માણી ચૂક્યા છો એટલે યાદગાર ગીતોની શ્રેણીની શરૂઆત આજે એમના આ બીજા ગીતથી કરીએ. નંદનવન જેવી મનોહર આ વાડીમાં શું શું નથી? સંત, મહંત, વીરોની આ ભૂમિ અરણ્ય, ઉપવન, સરોવર-નદીઓ, ઝરણાં-સમુદ્ર વડે શોભાયમાન છે. પણ કવિને જે ભાવ અભિપ્રેત છે એ છે કોમી એખલાસનો અને એ દ્વારા ગગન ગાજે એવો જયજયકાર કરવાનો છે…