દ્વારમાં ક્યાંય આવકાર નથી,
આપણામાંય કંઈ ખુમાર નથી.

જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મળી માતૃભાષા મને ગુજરાતી…

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. બાંગલાદેશ જ્યારે પૂર્વ-પાકિસ્તાન હતું ત્યારે ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે માથા પર મારી બેસાડવાની આજના પાકિસ્તાનની ચેષ્ટા સામે 1952ની સાલમાં આજના દિવસે હજારો વિદ્યાર્થીઓ અને ભાષાશાસ્ત્રીઓ-પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલિસે કરેલ અંધાધૂંધ લાઠીમાર અને ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા પણ આ ઘટનાનો પડઘો આખી દુનિયામાં પડ્યો. બંગાળી બાંગ્લાદેશની માતૃભાષા બની અને બાંગ્લાપ્રજાએ પોતાની ભાષા માટે દાખવેલ અપ્રતિમ પ્રેમના માનમાં 2000ની સાલથી યુનેસ્કોએ આજના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

આજે લયસ્તરો પર માતૃભાષાનો મહિમા અને ચિંતા કરતી કેટલીક કાવ્યકડીઓ વડે આપણે પણ આપણી ભાષાના સંવર્ધન માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થઈએ… પણ પહેલાં કેટલીક પ્રતિજ્ઞા લઈએ-

• ઘરમાં અને રોજમરોજના વ્યવહારમાં ગુજરાતી ભાષાના પ્રયોગને પ્રાધાન્ય આપીશું. ખાસ કરીને બાળકો સાથે ફક્ત માતૃભાષામાં જ વાત કરીશું અને એમને પણ આપણી સાથે માતૃભાષામાં જ વાત કરવાની ટેવ પાડીશું.

• રોજ ઓછામાં ઓછો અડધો કલાક સત્વશીલ ગુજરાતી સાહિત્યનું વાંચન કરીશું. વૉટ્સએપિયા અને ફેસબુકિયા સાહિત્યનો પ્રયોગ વિવેકબુદ્ધિથી કરીશું

• મોબાઇલમાં ઓનલાઇન ગુજરાતી શબ્દકોશો અને જોડણીકોશોની એપ ડાઉનલોડ કરી એનો નિયમિત વપરાશ કરવાની આદત કેળવીશું. (ભગ્વદગોમંડલ, ગુજરાતી લેક્સિકોન અને સાર્થ ગુજરાતી જોડણીકોશ)

• મોબાઇલ પર ગુજરાતી ભાષામાં લખતી વખતે ભાષાશુદ્ધિ તરફ ખાસ ધ્યાન આપીશું

હવે થોડી કાવ્યકણિકાઓ:

દલપતરામે મહારાજા ખંડેરાવ પાસે ગુજરાતી ભાષાના પુસ્તકાલય માટે હિંમતભેર ધા નાંખી ધાર્યું કરાવ્યું હતું… બે’ક કડી જોઈએ:

આવ ગિરા ગુજરાતી તને, અતિ શોભિત હું શણગાર સજાવું;
જાણની પાસ વખાણ કરાવું, ગુણી જનમાં તુજ કીર્તિ ગજાવું;
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

વાત ગુજરાતી ભાષાની હોય અને ઉમાશંકર જોશીને યાદ ન કરીએ એ કેમ ચાલે?:

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

ઉમાશંકરે જ બહુ તાર્કિક સવાલ પણ કર્યો છે-

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી?

વિનોદ જોશીએ બહુ માર્મિક જવાબ આપ્યો-

હું એવો ગુજરાતી જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
હું ગિ૨નારી ગોખ, દ્વારિકા હું જ સુધા૨સ પાતી….

અરદેશર ખબરદારની ઉક્તિ તો કહેવત બની એક-એક ગુજરાતીનો હૃદયધબકાર બની રહી છે-

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.

ઉશનસ્ શું કહી ગયા એય સાંભળીએ:

સહજ, સરલ મુજ માતૃભાષા, મા સમ મીઠી-વ્હાલી,
જેનાં ધાવણ ધાવી ધાવી અંગ અંગ મુજ લાલી,
જેના ઉદગારે ઉદગારે ઊછળતી મુજ છાતી,
ધન્ય ગિરા ગુજરાતી, મારી ધન્ય ગિરા ગુજરાતી.

તો ખલીલ ધનતેજવીનો હુંકાર પણ કંઈ જેવો તેવો નથી-

વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.!

તુષાર શુક્લ પણ આ જ વાત કહે છે, પણ મિજાજ પોતાના સ્વભાવ મુજબ જ ઋજુ રાખીને:

શબ્દ એક પણ લખી બોલી ના બિરદાવું ગુજરાતીને
ગુજરાતીનો મહિમા, શાને સમજાવું ગુજરાતીને!

વિશ્વપ્રવાસી રઈશ મનીઆરે પણ વિશ્વસાહિત્યના આચમન બાદ પણ પોતાના ધબકારાની ભાષા બદલાઈ ન જાય એની તકેદારી રાખી છે:

મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે.
ભૂંસાવા કયાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે.
મલક કંઈ કેટલા ખૂંદયા, બધાની ધૂળ ચોંટી પણ,
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.

તો રઈશ મનીઆરે જ ભાષા માટે અદકેરી ચિંતા અને આવનારી પેઢી સામેના પડકારને ગાગરમાં સાગર પેઠે શબ્દસ્થ કર્યો છે:

પુત્રમાં શોધું છું ગુજરાતીપણું, શું મેં વાવ્યું ને હવે હું શું લણું?
આ વસિયત લે લખી ગુજરાતીમાં પુત્ર એ વાંચી શકે તોયે ઘણું.

રઈશ મનીઆરની ચિંતામાં વિકી ત્રિવેદી પણ સૂર પૂરાવે છે-

એથી આશા ઘાયલ થઈ છે,
મારી ભાષા ઘાયલ થઈ છે.

પણ રમેશ આચાર્યને આવી પરિસ્થિતિમાં કાળા વાદળની કોરે સોનેરી આભા વર્તાય છે:

હું છું અને મારી ભાષા છે;
કૈક થશે એવી આશા છે!

આવી જ કંઈક આશા પીયૂષ ભટ્ટ પણ સેવી રહ્યા છે-

કેવળ એ અભિલાષા,
સકળ જગતને ખૂણે ખૂણે પહોંચે મારી ભાષા.

કેશુભાઈ દેસાઈની અભિલાષા પણ મનોરમ્ય છે:

ત્રિલોકમાં ને નવે ખંડ તુજ ફોરમ રહો છવાતી,
તું ઘણું જીવો ગુજરાતી

હરીશ જસદણવાળા લિપિની વિશિષ્ટતાને ખપમાં લઈ મજાનું ભાષાકર્મ કરી બતાવે છે:

વાંચે કાનો, બોલે રાધા,
છે એવી ગુજરાતી ભાષા!

પણ આજે હાલત એવી છે કે આજની પેઢીને ઉમાશંકર-સુંદરમ-મુનશી-પન્નાલાલ વગેરે મૂર્ધન્ય સાહિત્યકારોની ગુજરાતી પરદેશની ભાષા જેવી અજાણી લાગવા માંડી છે. હરદ્વાર ગોસ્વામી આપણને આ બાબતે અજરામર શેર આપે છે:

એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!

અદમ ટંકારવી આંગ્લભાષા સામે વિલાઈ જતી ગુજરાતીનો ખરખરો કેવો હૃદયંગમ રીતે કરે છે-

આંગ્લકન્યા જોઈ વિલાઈ ગયું
ગુર્જરીનું રૂપ નજરાઈ ગયું
સોળ શણગારો સરર સરકી ગયા
સેંથીનું સિંદૂર ભૂંસાઈ ગયું

પન્ના નાયક એમના એક લઘુકાવ્યની પ્રારંભે માતૃભાષાની સર્ળ પણ મજાની વ્યાખ્યા આપે છે:

આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.

રવીન્દ્ર પારેખે પણ એ જ રીતે ગુજરાતી ભાષાની દુર્દશા પર લખેલ કવિતાના પ્રારંભે માતૃભાષાની સ-રસ વ્યાખ્યા કરી છે:

જન્મનું નિમિત્ત પિતા છે
પણ જન્મ આપે છે માતા
એ દૂધ નથી પાતી
ત્યારે ભાષા પાય છે
એ પાય છે તે
તળની ભાષા છે.

તો વિપિન પરીખ એક કાવ્યના અંતે પોતાને માતૃભાષા ગમવાનું પ્રમુખ કારણ છતું કરે છે:

બા નવી નવી ‘ડીશ’ શીખવા ‘Cooking Class’માં ગઈ નહોતી.
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે.
કારણ મને મારી બા ગમે છે.

ડૉ. મનોજ જોશી ‘મન’ પણ મજાનું મુક્તક આપે છે:

પ્રેમ, ખુશી ને પીડમાં કાયમ વ્હારે ધાતી;
ક્રોધ, વિવશતા, ચીડમાં સ્હેજે ના શરમાતી;
દુનિયાનાં આ નીડમાં ટહુકા કરતી! ગાતી;
ભાષાઓની ભીડમાં નોખી છે ગુજરાતી!

શબનમ ખોજા પણ શબનમ જેવો તાજો-મુલાયમ શેર કહે છે:

મારા લોહીનું એ ગુજરાતીપણું
ટેરવાની ટોચ પર કક્કો ફૂટે!

ભાવિન ગોપાણી અમદાવાદના અને અમદાવાદીથી સારો વ્યવહારુ ગુજરાતી બીજો કોણ હોય? જુઓ તો-

ઈશારાથી કીધું બચાવો તો સમજ્યું ન કોઈ,
જો ભાષાના શરણે ગયો તો બચાવ્યો છે સૌએ.

જગદીપ નાણાવટી પણ દેશદેશાવરમાં આપણી ભાષાનો સિક્કો પાડવા કૃતનિશ્ચયી જણાય છે:

ચટ ને પટ, કે ક્રોસ-કિંગ હો, દુનિયાને હર ખૂણે
જ્યાં પણ પડશે, પડશે મારી ગુજરાતીનો સિક્કો

અંતે માતૃભાષાની સમસ્યા અને ઉકેલ બંનેને રજૂ કરતા વિવેક મનહર ટેલરના થોડા શેર માણીએ વિરમીએ-

આડે-અવળે નહીં, સીધા સામા મળો,
દિલ સુધી પહોંચો એ આશામાં મળો;
‘હાય-હેલ્લો’ છોડો, પૂછો- ‘કેમ છો?’
મળવું છે? તો માતૃભાષામાં મળો.

માતૃભાષાની દશા પર દિલ દ્રવે,
કેટલું ને ક્યાં સુધી રડવું હવે?
આ તરફ રંગમંચ છે, ત્યાં બ્રોડ-વે,
જોઉં, દીકરો કોને કેટલું સાચવે?

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (10)

એના કરતાં – હરદ્વાર ગોસ્વામી

એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!

એ જ પામશે પાન નવાં ને નવી હવા,
જેણે શીખ્યું દોસ્ત, સમયસ૨ ખ૨વાનું.

મોજું આવ્યું માથે ત્યારે સમજાયું,
પુસ્તક વાંચી શીખાશે નહીં તરવાનું.

બટન ટાંકવાનો લાગે છે વેંત નથી,
તો જ બને ખુલ્લી છાતીએ ફ૨વાનું.

ઈશ્વરથી પણ મોટો હો તો કહી દે તું,
શરૂ આજથી તને સલામો ભરવાનું.

– હરદ્વાર ગોસ્વામી

લયસ્તરોના આંગણે કવિશ્રીના નૂતન સંગ્રહ ‘લખચોરાશી લાગણી’નું સહૃદય સ્વાગત..

આપણી ભાષાની સાંપ્રત કરુણતાને યથાતથ રજૂ કરતો મત્લા તો વર્ષોથી સાચા ગુજરાતીઓના હૈયે મઢાઈ ગયેલ છે. પણ એ સિવાયના શેર પણ બધા જ સુવાંગ સંતર્પક થયા છે.

Comments (1)

પડી છે… – હરદ્વાર ગોસ્વામી

મંદિર અંદર રાડ પડી છે,
ધર્મો કરતાં ધાડ પડી છે.

એક શબ્દમાં, બીજો ગુપચુપ,
મારામાં બે ફાડ પડી છે.

ખુલ્લા ખેતર જેવું જીવન,
આખેઆખી વાડ પડી છે.

મારું જંગલ ખોવાયું છે,
એથી તો આ ત્રાડ પડી છે.

લે, તારું સરનામું આપું,
તું તો હાડોહાડ પડી છે.

દરિયામાં વહુવારુ જેવી,
નટખટ નદિયું પ્હાડ પડી છે.

કેમ ગઝલને ભેટું, બોલો!
શબ્દોની આ આડ પડી છે.

– હરદ્વાર ગોસ્વામી

મસ્ત મજાની દમદાર ગઝલ… કોઈપણ પિષ્ટપેષણ વિના મમળાવ્યે રાખવા જેવી…

Comments (2)

થાય છે – હરદ્વાર ગોસ્વામી

લાખ ઇચ્છાઓને અવઢવ થાય છે,
એક સપનું ત્યારે સંભવ થાય છે.

ક્યાંક કોઈ વૃક્ષ હોવું જોઈએ,
શ્હેરમાં લ્યો, આજ કલરવ થાય છે.

દ્વાર દિલનાં ખોલવાં પડશે હવે,
પાંપણે કોઈના પગરવ થાય છે.

પથ્થરોના દિલને પ્હોંચે ઠેસ, તો
ડુંગરોના દેશમાં દવ થાય છે.

કેમ ચાહું કોઈ બીજાને, ગઝલ ?!
એક ભવમાં દોસ્ત, બે ભવ થાય છે.

– હરદ્વાર ગોસ્વામી

સરળ ભાષામાં હૃદયસ્પર્શી વાતો… પણ આખરી શેર તો શિરમોર. ગઝલ સિવાય કોઈ બીજાને ચાહવું માત્ર એ કવિ માટે તો એક ભવમાં બે ભવ કરવા જેવું પાતક છે… આનાથી ચડિયાતી ગઝલ પરસ્તી બીજે ક્યાં જોઈ શકાય? વાહ કવિ…

Comments (3)

બની ગયો છું વૃક્ષ – હરદ્વાર ગોસ્વામી

આજ સવારે સાવ અચાનક બની ગયો છું વૃક્ષ !
કેટકેટલી કૂંપળ ફૂટી
આવ્યાં અઢળક ફૂલ
મારી ડાળે બાંધી હીંચકો
મારામાં તું ઝૂલ.
પથ્થર મારે એને પણ બસ ફળ દેવાનું લક્ષ.
આજ સવારે સાવ અચાનક બની ગયો છું વૃક્ષ !

પોતાનો જો હાથો બનશે
તો જ થવાનો નાશ.
એના છાયામાં પીધેલી
અમૃત થાતી છાશ.
મ્હેક સજેલી દુનિયાનો હું બની ગયો છું દક્ષ.
આજ સવારે સાવ અચાનક બની ગયો છું વૃક્ષ !

– હરદ્વાર ગોસ્વામી

મજાનું કલ્પન. મજાનું ગીત. બીજા અંતરો પણ પહેલા અંતરા જેવો જ બળવત્તર થયો હોત તો વધુ મજા આવત.

Comments (3)

ખાસમખાસું – હરદ્વાર ગોસ્વામી

તારી આંખો, તારા આંસુ,
મારે હૈયે કાં ચોમાસુ ?

જેના પર તું હાથ મૂકતી,
એ જ કિરણ થઈ જાતું ત્રાંસું.

નજર મેળવી શક્યા નહીં, લ્યો,
દૂર પડેલું ખાસમખાસું.

સંવેદનના સાસરિયામાં,
ખૂબ નડી શબ્દોની સાસુ.

માધુરીના મૌન વચાળે,
ચારેપા બિપાશા બાસુ.

ભારે ભારે ગઝલ લખે છે,
માણસ છે ભારે અભ્યાસુ.

બધે જ તારા સી.સી. ટીવી,
છટકીને હું ક્યાં ક્યાં નાસું ?

– હરદ્વાર ગોસ્વામી

પહેલો શેર વાંચીને જ હું તો પલળી ગયો… ત્રાંસા કિરણ, શબ્દોની સાસુ, સી.સી. ટીવી- બધા જ શેર મજાના થયા છે.

Comments (9)

ગઝલ – હરદ્વાર ગોસ્વામી

દોસ્ત, સૌના આભનો આવી રીતે થાતો મરો,
સૌને સૌના સૂર્યનો કરવો પડે છે ખરખરો.

આવી છે જ્યાં પર્વતાઈ આ સમંદરમાં જરા,
ચૂપ થયા ઝરણા બધા, જાણે ઉભા છે પથ્થરો.

આપણે ક્યારેય પણ જેને મળ્યા ના હોય, ને-
આપણામાં રાત-દિન એના વિશે મુશાયરો.

જિંદગીભર આપની શાહી વિશે અક્ષર બનું,
સાવ કોરા કાગળે જીવી બતાવો સાક્ષરો.

એ પછી સૌ ધારણામાં તું હશે ‘હરદ્વાર’ પણ,
સૌ પ્રથમ હોવા વિશેની ધારણા પૂરી કરો.

– હરદ્વાર ગોસ્વામી

ભીતરમાં થતો મુશાયરો અને કોરા કાગળે જીવી બતાવતા સાક્ષરો… મસ્ત-મજાની ગઝલ !

Comments (5)

યુવાગૌરવ: ૨૦૦૯: હરદ્વાર ગોસ્વામી

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૯ માટે હરદ્વાર ગોસ્વામીને આપવામાં આવ્યો. હરદ્વાર ગોસ્વામીને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_hardwaar

ફૂલ સાથે ડાળ આખી આ ખરી,
પાનખરની છે પરીક્ષા આખરી.

મીણ જેવી એ હતી ને ઓગળી,
સૂર્ય સામે આંગળી ક્ષણભર ધરી.

હું સતત ખેંચાઉં છું, ખેંચાઉં છું,
આ સ્મરણના ચુમ્બકે ભારે કરી.

હું ગગન જેવો જ પ્હોળો થઇ ગયો,
જ્યાં હવા અસ્તિત્વના ફૂગ્ગે ભરી.

મન હશે દરજી મને ન્હોતી ખબર,
ઝંખના હર એક કાયમ વેતરી.

એક અણમાનીતી રાણી શી પીડા,
હર જનમ ‘હરદ્વાર’ સાથે અવતરી.

-હરદ્વાર ગોસ્વામી

સ્મરણનું ચુંબક અને મનરૂપી દરજીનો જવાબ નથી !

Comments (21)

(એક માણસ કેટલો ઘરડો પડે!) – હરદ્વાર ગોસ્વામી

એક પડઘાનો પછી પડઘો પડે,
મૌનના ઘરનો સીધો રસ્તો પડે.

આયના એના વિષે ઝગડી પડ્યા,
કોઈના ચહેરા વિશે પડદો પડે!

છે લપસણી આજની એવી હવા,
પંખીને પણ ઉડતા ફડકો પડે!

એક લીલી લાગણીને પામવા
એક માણસ કેટલો ઘરડો પડે!

ભીતરે સળગાટ કૈં એવો હતો,
આંખમાંથી આંસુ નહીં, તણખો પડે!

-હરદ્વાર ગોસ્વામી

મારો સૌથી પ્રિય શેર – એક લીલી લાગણીને પામવા, એક માણસ કેટલો ઘરડો પડે. હા, રમૂજ તો છે જ, પણ વાત પણ એટલી જ ઊંચી છે. કોઈની લાગણી કદી ઓછી હોતી નથી, એ તો આપણો માહ્યલો જ ‘ઘરડો’ પડતો હોય છે !

કવિની વેબસાઈટ ગુજરાતી છું… પર એમની વધારે રચનાઓ હાજર છે.

Comments (14)

પસંદગીના શેર – હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામી ગુજરાતી ગઝલના આકાશમાં ઝડપભેર આગળ વધતું નામ છે. એમની ગઝલોની ગલીઓમાં ફરતાં-ફરતાં કેટલાક શેર જે મારા મનને હળવેથી પસવારી ગયા, એ અહીં રજૂ કરું છું. ભાષાની સરળતા અને બાનીની સહજતા આ બધા જ શેરોમાં ઊડીને આંખે વળગે છે. સાદગી જો એમની ગઝલોનું પહેલું ઘરેણું હોય તો અટકીને વાંચતા જે ઊંડાણ અનુભવાય છે એ બીજું છે-

ઠેસ મારી, વિચાર ચાલે છે,
હિંચકો ના લગાર ચાલે છે.

ઓશિકું આકાશનું હું પણ કરત,
આભની કિંમત જરા ઊંચી પડી.

એક લીલી લાગણીને પામવા,
એક માણસ કેટલો ઘરડો પડે.

લોકના હોઠે હજી ચાલ્યા કરે છે ક્યારની,
ચાર હોઠે વિસ્તરેલી વારતા પૂરી થઈ.

તારો ઇશ્વર તારા જેવો,
મારા જેવો મારો ઇશ્વર.

છબી કોઈ ખેંચો, તરત આ ક્ષણે,
આ એકાદ વરસે હસાયું હશે.

હોય ઈશ્વર, તો તને વંદન કરી,
દોસ્ત, તારા નામ ઉપર ચોકડી.

આપણું હોવું છુપાવો શી રીતે ?
છે અરીસો એ તો સામો બોલશે.

એક માણસ કેવી રીતે જીવશે ?
એક પડછાયાએ તાક્યું તીર છે.

પરમ કૃપાળુ પરમાત્માનો પ્રશ્ન પૂછો છો !
ઉત્તર છે એક જ તસતસતો, એની માને …

અંધારું છે એથી ના દેખાઉં પરંતુ,
દૂર કરીશ તું ક્યાંથી ? તારો પડછાયો છું.

કોઈ કૂંપળ કોળી ઊઠશે,
પથ્થરને પણ પાણી પાજે.

હું ગઝલનો શેર છું સાહેબજી,
તું મને અખબાર માફક વાંચ મા.

-હરદ્વાર ગોસ્વામી

Comments (6)

ક્ષણના અવસર – હરદ્વાર ગોસ્વામી

ખુદને ખુદથી એમ અલગ કર;
સ્હેજ અમસ્તું રહે ન અંતર.

જોજન ઈચ્છાઓને તેડી,
બોલો કયારે પ્હોચાયું ઘર !

તારો ઈશ્વર તારા જેવો,
મારા જેવો મારો ઈશ્વર.

આંખો સામે તું આવે છે,
મને પુકારું મારી અંદર.

સાત જનમનો શોક મૂકીને,
ઊજવી લે તું ક્ષણના અવસર.

– હરદ્વાર ગોસ્વામી

‘ખુદને ખુદથી એમ અલગ કર…’ થી શરુ થતી ગઝલ મનને  તરત ગમી ન જાય તો જ નવાઈ. ઈચ્છાઓની લાંબી યાદીના બોજ હેઠળ દબાઈ જવાની વાત સરસ રીતે આવી છે. ઈશ્વર ખરેખર તો આપણા અંતરમનનું પ્રતિબિંબ માત્ર છે એની વાત પણ મર્મભેદી રીતે કરી છે. ક્ષણોના અવસરને ઊજવી લેવાની વાત આપણે દર વખતે ભૂલી જઈએ છીએ અને જીવનને વિના કારણ સંકુલ બનાવતા રહીએ છીએ.

Comments (10)