કેટલા સાચા છે એ પડશે ખબર,
આયનાની સામે રાખો આયના.
– જુગલ દરજી

એના કરતાં – હરદ્વાર ગોસ્વામી

એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!

એ જ પામશે પાન નવાં ને નવી હવા,
જેણે શીખ્યું દોસ્ત, સમયસ૨ ખ૨વાનું.

મોજું આવ્યું માથે ત્યારે સમજાયું,
પુસ્તક વાંચી શીખાશે નહીં તરવાનું.

બટન ટાંકવાનો લાગે છે વેંત નથી,
તો જ બને ખુલ્લી છાતીએ ફ૨વાનું.

ઈશ્વરથી પણ મોટો હો તો કહી દે તું,
શરૂ આજથી તને સલામો ભરવાનું.

– હરદ્વાર ગોસ્વામી

લયસ્તરોના આંગણે કવિશ્રીના નૂતન સંગ્રહ ‘લખચોરાશી લાગણી’નું સહૃદય સ્વાગત..

આપણી ભાષાની સાંપ્રત કરુણતાને યથાતથ રજૂ કરતો મત્લા તો વર્ષોથી સાચા ગુજરાતીઓના હૈયે મઢાઈ ગયેલ છે. પણ એ સિવાયના શેર પણ બધા જ સુવાંગ સંતર્પક થયા છે.

1 Comment »

  1. pragnajuvyas said,

    April 9, 2022 @ 6:19 PM

    કવિશ્રી હરદ્વાર ગોસ્વામીના નૂતન સંગ્રહ ‘લખચોરાશી લાગણી’નું સહૃદય સ્વાગત.
    એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
    ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!
    વાહ
    મરીને માતૃભાષાનું ગૌરવ કેવી રીતે કરશો ? સામાન્ય રીતે તેને માટે અંગ્રેજીને જવાબદાર ગણે છે પણ આજે અંગ્રેજી વૈશ્વિક ભાષા છે, એટલે એ તમને જગત સાથે જોડી આપશે, પણ માતૃભાષા તમને જાત સાથે જોડી આપશે. આઈઝેકની વાત સટિક છે. એમને પૂછવામાં આવ્યું: ‘તમે યીડિશ જેવી મરણોન્મુખ ભાષામાં શું કામ લખો છો?’ જવાબમાં લેખકે કહ્યું: ‘ યીડિશ મારી માતૃભાષા છે અને મા ક્યારેય મરતી નથી.’
    ખબરદારે કહ્યું-
    ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
    ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.’
    ઉમાશંકર જોશીએ લખ્યું,
    ‘સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
    મળી માતૃભાષા મને ગુજરાતી.’
    અખો કહે છે તેમ
    ‘ભાષાને શું વળગે ભૂર,
    રણમાં જે જીતે તે શૂર.’
    યાદ આવે…
    વાત મારી જેને સમજાતી નથી;
    એ ગમે તે હોય ગુજરાતી નથી.!
    – ખલીલ ધનતેજવી..
    દૂધ નહીં તો પાણી દે, ડોલ મને કાં કાણી દે;
    તગતગતી તલવારો દે, યા ગુજરાતી વાણી દે.!
    – હરનામ ગોસ્વામી..
    એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી;
    હું ને મારી ભાષા બન્ને ગુજરાતી.!
    – વિનોદ જોષી..
    હું છું અને મારી ભાષા છે;
    કૈક થશે એવી આશા છે.!
    – રમેશ આચાર્ય..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment