પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.
‘આસીમ’ રાંદેરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અદમ ટંકારવી

અદમ ટંકારવી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મળી માતૃભાષા મને ગુજરાતી…

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. બાંગલાદેશ જ્યારે પૂર્વ-પાકિસ્તાન હતું ત્યારે ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે માથા પર મારી બેસાડવાની આજના પાકિસ્તાનની ચેષ્ટા સામે 1952ની સાલમાં આજના દિવસે હજારો વિદ્યાર્થીઓ અને ભાષાશાસ્ત્રીઓ-પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલિસે કરેલ અંધાધૂંધ લાઠીમાર અને ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા પણ આ ઘટનાનો પડઘો આખી દુનિયામાં પડ્યો. બંગાળી બાંગ્લાદેશની માતૃભાષા બની અને બાંગ્લાપ્રજાએ પોતાની ભાષા માટે દાખવેલ અપ્રતિમ પ્રેમના માનમાં 2000ની સાલથી યુનેસ્કોએ આજના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

આજે લયસ્તરો પર માતૃભાષાનો મહિમા અને ચિંતા કરતી કેટલીક કાવ્યકડીઓ વડે આપણે પણ આપણી ભાષાના સંવર્ધન માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થઈએ… પણ પહેલાં કેટલીક પ્રતિજ્ઞા લઈએ-

• ઘરમાં અને રોજમરોજના વ્યવહારમાં ગુજરાતી ભાષાના પ્રયોગને પ્રાધાન્ય આપીશું. ખાસ કરીને બાળકો સાથે ફક્ત માતૃભાષામાં જ વાત કરીશું અને એમને પણ આપણી સાથે માતૃભાષામાં જ વાત કરવાની ટેવ પાડીશું.

• રોજ ઓછામાં ઓછો અડધો કલાક સત્વશીલ ગુજરાતી સાહિત્યનું વાંચન કરીશું. વૉટ્સએપિયા અને ફેસબુકિયા સાહિત્યનો પ્રયોગ વિવેકબુદ્ધિથી કરીશું

• મોબાઇલમાં ઓનલાઇન ગુજરાતી શબ્દકોશો અને જોડણીકોશોની એપ ડાઉનલોડ કરી એનો નિયમિત વપરાશ કરવાની આદત કેળવીશું. (ભગ્વદગોમંડલ, ગુજરાતી લેક્સિકોન અને સાર્થ ગુજરાતી જોડણીકોશ)

• મોબાઇલ પર ગુજરાતી ભાષામાં લખતી વખતે ભાષાશુદ્ધિ તરફ ખાસ ધ્યાન આપીશું

હવે થોડી કાવ્યકણિકાઓ:

દલપતરામે મહારાજા ખંડેરાવ પાસે ગુજરાતી ભાષાના પુસ્તકાલય માટે હિંમતભેર ધા નાંખી ધાર્યું કરાવ્યું હતું… બે’ક કડી જોઈએ:

આવ ગિરા ગુજરાતી તને, અતિ શોભિત હું શણગાર સજાવું;
જાણની પાસ વખાણ કરાવું, ગુણી જનમાં તુજ કીર્તિ ગજાવું;
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

વાત ગુજરાતી ભાષાની હોય અને ઉમાશંકર જોશીને યાદ ન કરીએ એ કેમ ચાલે?:

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

ઉમાશંકરે જ બહુ તાર્કિક સવાલ પણ કર્યો છે-

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી?

વિનોદ જોશીએ બહુ માર્મિક જવાબ આપ્યો-

હું એવો ગુજરાતી જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
હું ગિ૨નારી ગોખ, દ્વારિકા હું જ સુધા૨સ પાતી….

અરદેશર ખબરદારની ઉક્તિ તો કહેવત બની એક-એક ગુજરાતીનો હૃદયધબકાર બની રહી છે-

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.

ઉશનસ્ શું કહી ગયા એય સાંભળીએ:

સહજ, સરલ મુજ માતૃભાષા, મા સમ મીઠી-વ્હાલી,
જેનાં ધાવણ ધાવી ધાવી અંગ અંગ મુજ લાલી,
જેના ઉદગારે ઉદગારે ઊછળતી મુજ છાતી,
ધન્ય ગિરા ગુજરાતી, મારી ધન્ય ગિરા ગુજરાતી.

તો ખલીલ ધનતેજવીનો હુંકાર પણ કંઈ જેવો તેવો નથી-

વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.!

તુષાર શુક્લ પણ આ જ વાત કહે છે, પણ મિજાજ પોતાના સ્વભાવ મુજબ જ ઋજુ રાખીને:

શબ્દ એક પણ લખી બોલી ના બિરદાવું ગુજરાતીને
ગુજરાતીનો મહિમા, શાને સમજાવું ગુજરાતીને!

વિશ્વપ્રવાસી રઈશ મનીઆરે પણ વિશ્વસાહિત્યના આચમન બાદ પણ પોતાના ધબકારાની ભાષા બદલાઈ ન જાય એની તકેદારી રાખી છે:

મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે.
ભૂંસાવા કયાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે.
મલક કંઈ કેટલા ખૂંદયા, બધાની ધૂળ ચોંટી પણ,
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.

તો રઈશ મનીઆરે જ ભાષા માટે અદકેરી ચિંતા અને આવનારી પેઢી સામેના પડકારને ગાગરમાં સાગર પેઠે શબ્દસ્થ કર્યો છે:

પુત્રમાં શોધું છું ગુજરાતીપણું, શું મેં વાવ્યું ને હવે હું શું લણું?
આ વસિયત લે લખી ગુજરાતીમાં પુત્ર એ વાંચી શકે તોયે ઘણું.

રઈશ મનીઆરની ચિંતામાં વિકી ત્રિવેદી પણ સૂર પૂરાવે છે-

એથી આશા ઘાયલ થઈ છે,
મારી ભાષા ઘાયલ થઈ છે.

પણ રમેશ આચાર્યને આવી પરિસ્થિતિમાં કાળા વાદળની કોરે સોનેરી આભા વર્તાય છે:

હું છું અને મારી ભાષા છે;
કૈક થશે એવી આશા છે!

આવી જ કંઈક આશા પીયૂષ ભટ્ટ પણ સેવી રહ્યા છે-

કેવળ એ અભિલાષા,
સકળ જગતને ખૂણે ખૂણે પહોંચે મારી ભાષા.

કેશુભાઈ દેસાઈની અભિલાષા પણ મનોરમ્ય છે:

ત્રિલોકમાં ને નવે ખંડ તુજ ફોરમ રહો છવાતી,
તું ઘણું જીવો ગુજરાતી

હરીશ જસદણવાળા લિપિની વિશિષ્ટતાને ખપમાં લઈ મજાનું ભાષાકર્મ કરી બતાવે છે:

વાંચે કાનો, બોલે રાધા,
છે એવી ગુજરાતી ભાષા!

પણ આજે હાલત એવી છે કે આજની પેઢીને ઉમાશંકર-સુંદરમ-મુનશી-પન્નાલાલ વગેરે મૂર્ધન્ય સાહિત્યકારોની ગુજરાતી પરદેશની ભાષા જેવી અજાણી લાગવા માંડી છે. હરદ્વાર ગોસ્વામી આપણને આ બાબતે અજરામર શેર આપે છે:

એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!

અદમ ટંકારવી આંગ્લભાષા સામે વિલાઈ જતી ગુજરાતીનો ખરખરો કેવો હૃદયંગમ રીતે કરે છે-

આંગ્લકન્યા જોઈ વિલાઈ ગયું
ગુર્જરીનું રૂપ નજરાઈ ગયું
સોળ શણગારો સરર સરકી ગયા
સેંથીનું સિંદૂર ભૂંસાઈ ગયું

પન્ના નાયક એમના એક લઘુકાવ્યની પ્રારંભે માતૃભાષાની સર્ળ પણ મજાની વ્યાખ્યા આપે છે:

આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.

રવીન્દ્ર પારેખે પણ એ જ રીતે ગુજરાતી ભાષાની દુર્દશા પર લખેલ કવિતાના પ્રારંભે માતૃભાષાની સ-રસ વ્યાખ્યા કરી છે:

જન્મનું નિમિત્ત પિતા છે
પણ જન્મ આપે છે માતા
એ દૂધ નથી પાતી
ત્યારે ભાષા પાય છે
એ પાય છે તે
તળની ભાષા છે.

તો વિપિન પરીખ એક કાવ્યના અંતે પોતાને માતૃભાષા ગમવાનું પ્રમુખ કારણ છતું કરે છે:

બા નવી નવી ‘ડીશ’ શીખવા ‘Cooking Class’માં ગઈ નહોતી.
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે.
કારણ મને મારી બા ગમે છે.

ડૉ. મનોજ જોશી ‘મન’ પણ મજાનું મુક્તક આપે છે:

પ્રેમ, ખુશી ને પીડમાં કાયમ વ્હારે ધાતી;
ક્રોધ, વિવશતા, ચીડમાં સ્હેજે ના શરમાતી;
દુનિયાનાં આ નીડમાં ટહુકા કરતી! ગાતી;
ભાષાઓની ભીડમાં નોખી છે ગુજરાતી!

શબનમ ખોજા પણ શબનમ જેવો તાજો-મુલાયમ શેર કહે છે:

મારા લોહીનું એ ગુજરાતીપણું
ટેરવાની ટોચ પર કક્કો ફૂટે!

ભાવિન ગોપાણી અમદાવાદના અને અમદાવાદીથી સારો વ્યવહારુ ગુજરાતી બીજો કોણ હોય? જુઓ તો-

ઈશારાથી કીધું બચાવો તો સમજ્યું ન કોઈ,
જો ભાષાના શરણે ગયો તો બચાવ્યો છે સૌએ.

જગદીપ નાણાવટી પણ દેશદેશાવરમાં આપણી ભાષાનો સિક્કો પાડવા કૃતનિશ્ચયી જણાય છે:

ચટ ને પટ, કે ક્રોસ-કિંગ હો, દુનિયાને હર ખૂણે
જ્યાં પણ પડશે, પડશે મારી ગુજરાતીનો સિક્કો

અંતે માતૃભાષાની સમસ્યા અને ઉકેલ બંનેને રજૂ કરતા વિવેક મનહર ટેલરના થોડા શેર માણીએ વિરમીએ-

આડે-અવળે નહીં, સીધા સામા મળો,
દિલ સુધી પહોંચો એ આશામાં મળો;
‘હાય-હેલ્લો’ છોડો, પૂછો- ‘કેમ છો?’
મળવું છે? તો માતૃભાષામાં મળો.

માતૃભાષાની દશા પર દિલ દ્રવે,
કેટલું ને ક્યાં સુધી રડવું હવે?
આ તરફ રંગમંચ છે, ત્યાં બ્રોડ-વે,
જોઉં, દીકરો કોને કેટલું સાચવે?

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (10)

ખયાલ ન કર – અદમ ટંકારવી

નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.

એ જ સંબંધની ચરમસીમા,
એમનાથી કોઈ સવાલ ન કર.

કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.

કેમકે, તું નથી તારી મિલકત,
દોસ્ત, તારામાં ગોલમાલ ન કર.

તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.

લોક માલિકને ભૂલી બેસે,
સંત, તું એટલી કમાલ ન કર.

– અદમ ટંકારવી

ટાઇમલેસ ક્લાસિક. છેલ્લો શેર તો સર્વકાલીન સર્વશ્રેષ્ઠ શેરોની પંગતમાં મોખરે બિરાજમાન થાય એવો…

Comments (5)

(કપૂરી પાન જેવું) – અદમ ટંકારવી

સ્મરણ લીલું કપૂરી પાન જેવું
હવામાં ચોતરફ લોબાન જેવું

ઉડાડી છેક દરિયાપાર લઈ ગઈ
હસી એક છોકરી વિમાન જેવું

ઉઘાડી આંખ છે મેં દૃશ્ય ગાયબ
સહજમાં થઈ ગયું છે ધ્યાન જેવું

હશે આ ઘરની બારીનેય આંખો
હશે આ ભીંતને પણ કાન જેવું

ખબરઅંતર પૂછે ખેરાત જાણે
કરે છે સ્મિત તે પણ દાન જેવું

ઊભી પૂછડીએ જે ભાગી રહ્યું છે
એ લાગે છે કોઈ ઇન્સાન જેવું

હતું જે સ્વપ્નમાં રેશમ ને મલમલ
ને જાગી જોઉં તો કંતાન જેવું

અદમ આ શ્વાસની ખીંટીએ લટકે
અમારું હોવું ખાલી મ્યાન જેવું

– અદમ ટંકારવી

ફરી ફરીને મમળાવવી ગમે એવી હળવીફૂલ અર્થસભર ગઝલ…

Comments (1)

ભાષાભવન – અદમ ટંકારવી

એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દોનાં ભીંતો ચણી
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી

ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે

થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ ‘તું’
ટોડલે નામોના દીવા ઝળહળ્યા
સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા

કે અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો

– અદમ ટંકારવી

ભાષાની ભવ્યતા અને પ્રેમ સામે એની નિરર્થકતા કવિએ આ સૉનેટમાં કેવી સરસ રીતે juxtapose કરી છે ! ગુજરાતી ભાષાના નાનાવિધ અંગ વાપરી કવિ પહેલા અષ્ટકમાં ભવ્ય ભાષાભવન ખડું કરે છે ત્યારે તો સમય પણ એની કાંગરી નહીં ખેરવી શકે એવું અડીખમ હોવાની પ્રતીતિ કરાવે છે પણ ષટકની શરૂઆતમાં જ ત્યાં પ્રિયપાત્રનો ‘તું’ ધજા થઈને ફરફરે છે અને પ્રેમની દિવ્ય અનુભૂતિ થાય છે અને એના સૂસવાટા માત્રથી આખેઆખું ભાષાભવન પત્તાંના મ્હેલની જેમ ઊડી જાય છે. પ્રેમની અનુભૂતિ ભાષાતીત હોય છે…

Comments (3)

ગઝલ – અદમ ટંકારવી

અરૂપરુ અજવાળું છે.
તારું રૂપ નિરાળું છે.

એના હોઠ સીવાઈ ગયા
મારા મોઢે તાળું છે.

ક ખ ગ નું કીડિયારું
કરોળિયાનું જાળું છે.

ઝળઝળાં તારા પગલે
પાદર પણ ઉજમાળું છે.

કુલટા પેન કુટિલ કાગળ
પાછું એ જ છિનાળું છે.

અર્થો પણ નાદાર અને
શબ્દોનું દેવાળું છે.

જીભાજોડી છોડ “આદમ”
કજિયાનું મોં કાળું છે.

– અદમ ટંકારવી

બંને પક્ષે બોલી શકાય એવી ગઝલ… ગમે તો વખાણી લ્યો, ન ગમે તો…

Comments (2)

ગઝલ – અદમ ટંકારવી

યાદોનાં પરફ્યુમ્સ ઊડે છે,
ડનલોપી સપનાં આવે છે.

તારી ગલીના લૅમ્પપોસ્ટ પર,
સાઠ વૉલ્ટનું ફૂલ ખીલે છે.

આજકાલ તો તારા બદલે,
નેઈમપ્લેટ ઉત્તર દઈ દે છે.

પ્રેમપત્ર પૂરો થઈ જાતાં,
ટાઈપરાઈટર આહ ભરે છે.

તારા શહેરની રોનક કેવી,
સઘળી ટ્રેનો ત્યાં થોભે છે.

– અદમ ટંકારવી

ગુજલિશ ગઝલોથી આપણી ભાષામાં એક અલગ જ ચોકો ચાતરનાર અદમ ટાંકારવીની એક રમતિયાળ ગઝલ… આજે તો જો કે ટાઇપરાઇટર પણ રિટાયર્ડ થઈ ગયા છે પણ ગઝલનું પર્ફ્યુમ હજી પણ એવું જ મઘમઘ થાય છે…

Comments (3)

કશા જેવી – અદમ ટંકારવી

મીઠ્ઠી માલિકની દયા જેવી
વાત છે ચોખ્ખી દીવા જેવી.

તારા જ શહેરમાં જિન્દગી મારી
તેં જ ફેલાવેલી અફવા જેવી.

છોડ રૂપક ઉશેટી દે ઉપમા
એ નથી કોઇ કે કશા જેવી.

દિલ બન્યું જામ ત્યારથી ઝાહિદ
હરકોઇ ચીજ છે સુરા જેવી.

સ્મરણ તારું છે સાતસોછ્યાસી
યાદ તારી છે શ્રી ૧| જેવી.

ગઝલ લખી દ્યો સીધીસાદી, અદમ
જીવીકાકીની સવિતા જેવી.

– અદમ ટંકારવી

દરેક શેર અર્થસભર હોવા ઉપરાંત નાની નાની રમૂજથી પણ સભર છે. સ્મરણને સાતસોછ્યાસી અને યાદને શ્રી સવા કહેવાની વાત એકદમ નવીનક્કોર છે. ગઝલ સીધીસાદી હોવી જોઈએ એવું તો ઘણાએ કહ્યું છે, પણ ‘જીવીકાકીની સવિતા જેવી’ નવી જ અસર જન્માવે છે 🙂 મારો પ્રિય શેર જોકે છોડ રૂપક.. છે. કોઈક ચહેરા રૂપકો ને ઉપમાઓથી તદ્દન પર હોય છે !

ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.

Comments (12)

અમે ન્યાલ થઈ ગયા – ‘અદમ’ ટંકારવી

લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,
દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા.

શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,
છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા.

ડહાપણને રામ રામ, અમે ન્યાલ થઈ ગયા,
દીવાનગી સલામ ! અમે ન્યાલ થઈ ગયા.

યુગયુગની તરસનો હવે અંત આવશે,
તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા.

છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ,
ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા.

છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા.

સોંપી હવે તો દિલની મતા એમને અદમ,
માંગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા.

-‘અદમટંકારવી

Comments (3)

એક પોએટ એટલે મૂંઝાય છે – અદમ ટંકારવી

એક   પોએટ    એટલે    મૂંઝાય   છે
ભાષાબાઈ    એઇડ્સથી   પીડાય  છે

વ્હેર ધ શુ પિન્ચીઝ ખબર પડતી નથી
બ્લડસ્ટ્રીમમાં   પીડા   જેવું   થાય  છે

એઈજ  સિક્સટીની  થઈ ગઈ  એ  ખરું
કિન્તુ    તું     સિક્સટીન   દેખાય   છે

હું   લખું   ઇંગ્લીશમાં   તારું   નામ ને
એમાં    સ્પેલિંગની    ભૂલો    થાય છે

શી  વુડન્ટ  લિસન ટુ એનિવન  અદમ
આ   ગઝલને   ક્યાં  કશું   કહેવાય છે

– અદમ ટંકારવી

 

વર્ષોથી બ્રિટનમાં વસેલાં અદમ ટંકારવીએ અંગ્રેજી શબ્દોનો ગઝલના અવિભાજ્ય અંગ તરીકે ઉપયોગ કરીને ‘ગુજlish ગઝલો’ નામે આખો સંગ્રહ કર્યો છે. અંગ્રેજી ભાષા અહીં અર્થમાં ઉમેરો કરતી આવે છે અને ગઝલને એક નવું પરિમાણ આપે છે.  એક પોએટ એટલે મૂંઝાય છે, ભાષાબાઈ એઇડ્સથી પીડાય છે – એ વાત ગુજરાતી કરતા અંગ્રેજીમાં જ વઘારે સચોટ લાગે છે.

Comments (1)