(કપૂરી પાન જેવું) – અદમ ટંકારવી
સ્મરણ લીલું કપૂરી પાન જેવું
હવામાં ચોતરફ લોબાન જેવું
ઉડાડી છેક દરિયાપાર લઈ ગઈ
હસી એક છોકરી વિમાન જેવું
ઉઘાડી આંખ છે મેં દૃશ્ય ગાયબ
સહજમાં થઈ ગયું છે ધ્યાન જેવું
હશે આ ઘરની બારીનેય આંખો
હશે આ ભીંતને પણ કાન જેવું
ખબરઅંતર પૂછે ખેરાત જાણે
કરે છે સ્મિત તે પણ દાન જેવું
ઊભી પૂછડીએ જે ભાગી રહ્યું છે
એ લાગે છે કોઈ ઇન્સાન જેવું
હતું જે સ્વપ્નમાં રેશમ ને મલમલ
ને જાગી જોઉં તો કંતાન જેવું
અદમ આ શ્વાસની ખીંટીએ લટકે
અમારું હોવું ખાલી મ્યાન જેવું
– અદમ ટંકારવી
ફરી ફરીને મમળાવવી ગમે એવી હળવીફૂલ અર્થસભર ગઝલ…
Girish Parikh said,
July 1, 2018 @ 10:17 PM
સલામ જનાબ અદમ ટંકારવીજીઃ
“કરે છે સ્મિત તે પણ દાન જેવું” પંક્તિ વાંચતાં આ યાદ આવ્યુંઃ
મોડેસ્ટો કેલિફોર્નિયાના અમારા એક પડોશીએ અમેરિકનોની વ્યાપારી વૃત્તિ વિશે એક વાર કહેલુંઃ
અમેરિકનો જો સ્માઈલ આપે તો પછીથી એનું બીલ મોકલી આપે!