મળ્યો એક રોકડો ડૂમો ને પરચૂરણ કંઈ ડૂસકાં,
અહીં બીજું તો શું પામે નયન દેસાઈ એસ.એસ.સી.?
નયન દેસાઈ

(અડાડે છે કોઈ) – શબનમ

પ્રથમ છોડ રૂપે ઉગાડે છે કોઈ
પછી મૂળસોતી ઉખાડે છે કોઈ!

જો દરિયે ડૂબું, કોઈ આવી ઉગારે
ને રણ ચીતરું તો ડૂબાડે છે કોઈ!

પ્રતીક્ષામાં તારી થયા કાન આંખો
સતત લાગતું કે કમાડે છે કોઈ !

વહી જાય મન મારું મૂષકની માફક
મધુરી-શી બંસી વગાડે છે કોઈ !

થયો સ્પર્શ ત્યાં કેવી ખીલી ઉઠી છે!
કે ‘શબનમ’ ને ફૂલો અડાડે છે કોઈ.

– શબનમ

કલાપીની અમર પંક્તિ -‘જે પોષતું એ મારતું, એવો દીસે ક્રમ કુદરતી’- યાદ આવી જાય એવો મજાનો મત્લા. પણ ખરી મજા તો પ્રિયજનની પ્રતીક્ષામાં કમાડે ટકોરાના ભણકારા સાંભળતા કાન આંખનું કામ કરતા થઈ ગયા હોવાનો જે ઇન્દ્રિયવ્યુત્યય કવયિત્રી લઈ આવ્યાં છે એમાં છે. વાંસળીવાળાની ધૂન પર મદહોશ થઈ દોરાતા ઉંદરોની વાર્તા યાદ કરાવતો શેર તો સ-રસ જ થયો છે, પણ મક્તા તો ભઈ, વાહ! આમ તો ફૂલ પર ઝાકળ હોય એટલે ઝાકળ ફૂલોને અડતી હોય એવું આપણને લાગે પણ તિર્યક દૃષ્ટિએ જગત જુએ નહીં એ કવિ શાનો? અહીં ફૂલને ઝાકળ નહીં, ઝાકળને ફૂલ કોઈક અડાડી રહ્યું છે અને ફૂલના બદલે ઝાકળ ખીલી ઊઠ્યું છે, સૉરી ‘શબનમ’ ખીલી ઊઠી છે!! પોતાના નામનો કેવો અર્થસભર અને ચપોચપ પ્રયોગ!

10 Comments »

  1. Hiren gadhavi said,

    October 11, 2019 @ 4:35 AM

    પ્રતીક્ષા વાળો શેર લાજવાબ.. 😍

  2. Lalit Trivedi said,

    October 11, 2019 @ 4:43 AM

    વાહ વાહ

  3. સુનીલ શાહ said,

    October 11, 2019 @ 5:36 AM

    વાહ… સુંદર ગઝલ..
    એટલો જ સરસ આસ્વાદ.

  4. Parbat said,

    October 11, 2019 @ 6:15 AM

    વાહ
    સરસ ગઝલ

  5. Sandip Pujara said,

    October 11, 2019 @ 6:20 AM

    આજે રોજ દિવસ ઉગેને અસંખ્ય ગઝલો સોશિયલ મીડિયામાં ઠલવાય છે
    અમે એમાંથી બેનમૂન રચનાઓ વીણીને અહીંયા મુકવાનું કાર્ય સરળ તો ના કહી શકાય
    પણ વિવેકભાઈ અને ટીમ એ કાર્ય ઉમદા રીતે કરે છે એટલે
    ગઝલકારની સાથે સાથે ટીમ લયસ્તરોને પણ અભિનંદન

  6. રસિક ભાઈ said,

    October 11, 2019 @ 8:14 AM

    શબનમ ને ફુલો અડાડીને ખુશ કરી દીધા ્

  7. શબનમ ખોજા said,

    October 11, 2019 @ 11:15 AM

    ફરી એક વખત મારી ગઝલને લયસ્તરો પર સ્થાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર વિવેકસર

  8. Vinod manek said,

    October 14, 2019 @ 8:20 AM

    Very nice makta n matla share.. Congratulations..

  9. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    October 14, 2019 @ 11:38 PM

    સરસ ગઝલ,જો દરિયે ડુબુ, કોઈ ઉગારે…..સરસ મઝાના બધા જ શેર…..અભિનદન…….આપનો આભાર….

  10. રશ્મિ અગ્નિહોત્રી said,

    July 8, 2024 @ 10:24 AM

    વાહ.. ખૂબ સુંદર ગઝલ 💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment