મહાસમુદ્રના પેટાળ મોટી વાત નથી,
છે આ તો આંસુનું ઊંડાણ, ઝંપલાવ નહીં.
વિવેક મનહર ટેલર

(અહો રૂપ એનું!) – ડૉ. મનોજ જોશી ‘મન’

અહો રૂપ એનું! અહો એનો લટકો!
ને અફસોસ સામે હું પણ વટનો કટકો.

ઝલક એકલી ખુદ હતી જાનલેવા,
ઉપરથી આ લટ હાય! મરણતોલ ફટકો…

નિતરતાં એ રાખી ઘણાં જીવ લીધાં,
વધુ ક્રૂર થઈ, ના ભીનાં કેશ ઝટકો.

નયન, નેણ, નર્તન, વદન, વેણ, વર્તન;
અમારું જરા કંઈ વિચારો ને અટકો.

પ્રથમ યાદનું આખ્ખું જંગલ ઉગાડ્યું,
પછી સ્મિત સાથે કહ્યું, ‘આવો, ભટકો!’

– ડૉ. મનોજ જોશી ‘મન’

છંદ સામાન્યરીતે કવિતાને રજૂ કરવાનું વાહન માત્ર બની રહેતો હોય છે, પણ ક્યારેક કવિ છંદનો બખૂબી પ્રયોગ કરીને છંદને માત્ર વાહન ન રહેવા દેતાં, કાવ્યવહનના વહેણમાં આબાદ ભેળવીને કવિતાની એક અલગ જ ફ્લૅવર સર્જવામાં સફળ થતા હોય છે. જુઓ આ ગઝલ… મત્લામાં અહો અહોના બે વારના લટકા અને નયન, નેણ. નર્તન સાથે વદન, વેણ, વર્તનના આંતર્પ્રાસની સાંકળી તથા ‘ન’-‘વ’ની વર્ણસગાઈ પ્રયોજીને કવિએ લગાગા લગાગાના આવર્તનોને કેવા ખપમાં લીધા છે!

બસ, આટલી ટિપ્પણી કર્યા બાદ આ મસ્તમૌલા શૃંગાર-રચના અને આપની વચ્ચે હું ક્ષણભરનો પણ અંતરાય નહીં બનું… મોટેથી વાંચો અને મજા લો…

7 Comments »

  1. Kajal kanjiya said,

    October 29, 2021 @ 3:16 AM

    ખૂબ સરસ ગઝલ અભિનંદન અને શુભેચ્છાઓ 💐

  2. DILIPKUMAR L CHAVDA said,

    October 29, 2021 @ 4:22 AM

    વાહ વાહ વાહ ને માત્ર વાહ
    આ ગઝલ પણ વાટનો કટકો બાકી હો

  3. હેમંત પુણેકર said,

    October 29, 2021 @ 5:13 AM

    લટકો મટકો કરતી સુંદર ગઝલ!

  4. Rajesh hingu said,

    October 29, 2021 @ 5:31 AM

    આહાહા..અદભૂત ગઝલ

  5. Harihar Shukla said,

    October 29, 2021 @ 5:42 AM

    અહો રુપ તારું! અહો તારો લટકો!
    મોટેથી આમ બોલું તો ચાલશેને? 👌💐

  6. pragnajuvyas said,

    October 29, 2021 @ 11:28 AM

    ડૉ. મનોજ જોશી ‘મન’ની મજાની ગઝલ
    અહો રૂપ એનું! અહો એનો લટકો!
    ને અફસોસ સામે હું પણ વટનો કટકો.
    અહો રૂપમ અહો લટકો! વાતે યાદ આવે
    સાક્ષરો પણ એકબીજાનો વાંસો થાબડી ‘અહો રૂપમ અહો ધ્વનિ’ કરતા અને કરે છે !
    મધુ રાયે કહેલું કે ‘ગઝલ એ ગુજરાતી ભાષાનો મોટો ફ્રોડ છે!’
    ચંદ્રકાંત શેઠ જેવા ઉત્તમ સર્જકે દેડકીને ઉદ્દેશી લખેલી પંક્તિઓ
    “બેસ બેસ દેડકી!
    ગાવું હોય તો ગા
    ને ખાવુ હોય તો ખા,
    નહીં તો જા.””
    કવિશ્રી ઉમાશંકર જોષીને કહેવૂ પડ્યું હતું કે આપણા કવિ સંમેલન મફતમાં યોજાય છે છતાં ભાવકો આવતા નથી અને મુશાયરામાં ભાવકો ટીકીટ લઈનેય સાંભળવા જાય છે!પણ, આ તો નવા કવિઓ માટેની ફરજથી પ્રેરાઈને લખ્યું છે,તેમાં જો ઉપયોગીતાપણું લાગે તો ઠીક.નહિ તો, મિત્રો, કવિ થવું એમ સસ્તું નથી, આજે ગુજરાતીમાં…
    ગઝલ વિશે અમુક લોકોને સુગ છે તેના અનુસંધાનમાં કિશોર મોદીજી –
    શે’ર આમદનો કહું કેવી રીતે કિશોર ?
    ફિલબદી ક્યારે ફળે નહિ;દ્રાક્ષ ખાટી છે.
    આજે ગઝલ એની ઉચ્ચોચ્ચ સપાટીએ છે – સમયના પ્રવાહનું જ એ તોફાન છે
    ઢ્ંગધડા વગરની કોઈક વાર ગાળાગાળી વાળી પંક્તીઓને પણ કાલીદાસના કાવ્ય સાથે સરખાવાય!
    અને ‘જો શેરીઅત કે ગલીઅત કે ગલગલિયત કે ગઝલિયત આમાં નથી
    ‘ એવો ફેંસલો તમે ઘણું કરગર્યા પછી ચોથા પેગ બાદ પણ તમારા ખર્ચે આપ્યો હોય,
    તો પછી એ જ કૃતિને અછંદાસ ગણાવી છપાવવામાં બાધ નથી.”
    સમાધાન લેવું પડે કે અછાંદસ તો ગણ્યું!
    ,,, આગળથી ચાલ્યું આવે છે.ગઈ સદીના પાંચમા દાયકાના શિક્ષક કહેતા કે ઉમાશ્શંકર,સ્નેહરશ્મી,સુંદરમ એક બીજાની સાધારણ રચનાને કહેતા
    ” અહો રુપં,અહો ધ્વની!”
    ત્યારે અને હંમણા પણ ઘણાને લાગે છે-એમા ખોટું શું છે?
    ’મરીઝ’સાહેબ કહે
    હાસલ ન થશે કાંઈ વિવેચતથી કદી,
    રહેવા દે કલાને એ બની જેવી બની;
    તસવીર જો દરિયાની નિચોવી તો ‘મરીઝ’,
    બે ચાર બુંદ રંગની એમાંથી મળી.

  7. Sureshkumar Vithalani said,

    October 29, 2021 @ 6:09 PM

    શ્રી મનોજ જોશી, ‘મન’ ની આ ખૂબ સુંદર રચના છે. તેઓ શ્રી નિ:શંકપણે હાલના ગુજરાતી કવિઓમાં અગ્રપંક્તિ ના ગણી શકાય એવા કવિ છે એ એમની સતત બહુ સારી રચનાઓ આપણને વાંચવા મળતી રહે છે તેથી સિદ્ધ થાય છે. એમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment