આ ગઝલ ક્યાં દોસ્તો અમથી લખાય છે?
કેટલીયે સાંજના શ્વાસો રૂંધાય છે !
અંકિત ત્રિવેદી

(ઢબૂરી ઢબૂરીને) – ડૉ. મનોજ જોશી ‘મન’

ઢબૂરી ઢબૂરીને રાખેલ સપનાં,
જગાડો ને જાગો પછી થાય ખપનાં!

અમે ચાને ચુસ્કીઓ લઈલઈને પીધી,
તમે ધીમે રહીને પૂછ્યા ભાવ કપના!

અમે નામ ધબકારે-ધબકારે લીધું,
તમે પુસ્તકો ચીતર્યાં નામજપનાં.

ન પૂર્વે ભૂમિકા, ન પ્રસ્તાવના કંઈ;
મને જોઈએ તું; બીજી કોઈ લપ ના!

ગુફામાં કે જંગલમાં જઈને શું કરશો?
ફરજથી વધી ક્યાંય પણ કોઈ તપ ના!

– ડૉ.મનોજ જોશી ‘મન’

કેવળ સૂતેલ સ્વપ્નોને જગાડવું પૂરતું નથી. આપણે ન જાગીએ ત્યાં સુધી બધું નકામું. ‘પ્રાઇઝ ટેગ’ની ચિંતામાં ડૂબેલા જિંદગી માણવાનું ચૂકી જાય છે. ત્રીજો શેર તો રામમંદિર શિલાન્યાસના ટાંકણે ખૂબ જ સંતર્પક બની રહે છે. ઈશ્વરને હૃદયમાં ઘર આપ્યું હોય એ બીજાઓ જોઈ શકે એવી દેખાડાની તપસાધના કરતાં વધુ અગત્યનું છે. છેલ્લો શેર પણ આ વાત સાથે એક કડી વધારાની જોડી આપે છે. એમાં ઝેન સાધનાનો સિદ્ધાંત પણ નજરે ચડે છે.

7 Comments »

  1. Daxa sanghavi said,

    January 18, 2024 @ 2:22 PM

    વાહ સાદ્યંત સુંદર ગઝલ. કોઈ તપ ના… ક્યા બાત

  2. DILIPKUMAR CHAVDA said,

    January 18, 2024 @ 2:23 PM

    વાહ વાંચતાવેંત સાહજિક આનંદ થાય એવી મજાની રચના

    ન પૂર્વે ભૂમિકા, ન પ્રસ્તાવના કંઈ;
    મને જોઈએ તું; બીજી કોઈ લપ ના!

    આ શેર તો શિરોમણી

  3. Minaxi Bhailal soni said,

    January 18, 2024 @ 2:30 PM

    ખૂબ ખૂબ સરસ રચના

  4. Pinki said,

    January 18, 2024 @ 8:03 PM

    વાહ… મીરા જેવી લત … બીજી કોઈ લપ ના !!
    કંઈક ભાળી ગયેલા જીવને કશુંક પામવાની કેવી ઘેલછા !!

  5. Prabhakar Dholakia said,

    January 19, 2024 @ 9:17 AM

    અમે ભાવ પૂછતા..
    સરસ પ્રાસંગિક રચના

  6. Poonam said,

    February 2, 2024 @ 12:56 PM

    ગુફામાં કે જંગલમાં જઈને શું કરશો?
    ફરજથી વધી ક્યાંય પણ કોઈ તપ ના! Bahoot ache.
    – ડૉ.મનોજ જોશી ‘મન’

  7. રશ્મિ અગ્નિહોત્રી said,

    March 2, 2024 @ 6:02 PM

    અમે ચાને ચુસ્કીઓ લઈલઈને પીધી,
    તમે ધીમે રહીને પૂછ્યા ભાવ કપના!

    જીવનરસ માણી લેવો… કપની લપમાં ન પડવું…’મરીઝ’ કહે છે ને, ઓછી મદિરા અને ગળતું જામ…. !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment