‘જૂનું એ જ સોનું’ જીવનમાં ઉતારી,
સમયસર નવુંયે સ્વીકારી લીધું છે.
ભાવિન ગોપાણી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દિવ્યા મોદી

દિવ્યા મોદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કદર નથી હોતી – દિવ્યા રાજેશ મોદી

મંઝિલોની ખબર નથી હોતી,
એને માટે સફર નથી હોતી.

આંખ તો હોય છે બધા પાસે,
સૌની પાસે નજર નથી હોતી.

હા, અસર વધતી-ઓછી હોવાની,
લાગણી બેઅસર નથી હોતી.

લે, તને આખેઆખું દિલ આપ્યું;
પ્રેમમાં કરકસર નથી હોતી.

એક બાજુ સદા સમર્પણ ને
બીજી બાજુ કદર નથી હોતી.

મેં જે સુખની બનાવી છે સૂચિ,
પૂરી તારા વગર નથી હોતી.

– દિવ્યા રાજેશ મોદી

સ્ત્રીઓની કવિતા સામાન્યરીતે સીધી દિલમાંથી નીકળતી હોય છે. પરિણામે સીધી જ દિલને પણ સ્પર્શી જતી હોય છે… જુઓ આ રચના! કેવી મજાની! એકદમ હૃદયસ્પર્શી…

Comments (5)

તમે સાથ આપો… – દિવ્યા મોદી

અમારી સફર ને તમારો તરાપો;
જવું પાર સામે, તમે સાથ આપો!

મુહબ્બતમાં કીધી આ મબલખ કમાણી,
કદી ડૂસકાં તો કદી બસ ઝુરાપો!

અમારા હૃદય પર કરો ના પ્રહારો;
ભલે, ટુકડે-ટુકડે એને કાપો!

નથી કાંચળી કે ઉતારી શકું હું,
ડસે રોજ મનને વિચારોના સાપો!

અમારી ખુશીના બધા સ્પંદનોને,
તમે દર્દની માપપટ્ટીથી માપો!

અમે તો સદા આપની વાત માની,
તમે ના અમારી વિનંતી ઉથાપો!

– દિવ્યા મોદી

કેટલીક રચના ઊઘડતાની સાથે તમને જકડી લે છે. જુઓ આ ગઝલ… મત્લાનો શેર વાંચ્યા પછી આગળ જવાનું મન જ ન થાય. એકદમ સરળ ભાષામાં કેવી મજાની વાત! કાફિયાનો આવો મજબૂત પ્રયોગ સુખદ અનુભૂતિ કરાવે છે. અને આમ જુઓ તો આખી ગઝલ પણ આસ્વાદ્ય છે…

Comments (4)

હરફર નથી… – દિવ્યા મોદી

સ્હેજ પણ જ્યાં વહાલની હરફર નથી,
ત્યાં દીવાલો હોય તો પણ ઘર નથી.

સ્નેહની ક્યાંથી ઊગે કોઈ ફસલ,
લાગણીનાં કોઈ વાવેતર નથી.

એમ સમજીને તમે કોરાં રહો,
આંખથી વરસે છે તે ઝરમર નથી.

પ્રેમની બારાખડી ક્યાંથી લખું ?
ઘૂંટવા માટે હવે અક્ષર નથી.

ઉપવનોમાં પણ હવે ચર્ચાય છે,
પાનખરનો અમને કોઈ ડર નથી.

હું મને ક્યારેક નડતી હોઉં છું,
એકલી દુનિયા અહીં નડતર નથી.

– દિવ્યા મોદી

મજાની ગઝલ. બધા જ શેર સુંદર પણ આખરી શેર હાંસિલ-એ-ગઝલ. મત્લાનો શેર વાંચીને ખૂબ જાણીતી પંક્તિ યાદ આવી જાય: “ઘર એટલે ચાર દીવાલ ? ઘર એટલે ચાર દી’ વહાલ”

Comments (12)

દીવો ધરી બેઠાં – દિવ્યા રાજેશ મોદી

અમે તો આંખમાં વરસાદના વાદળ ભરી બેઠાં,
અચાનક સ્નેહના આવેશમાં આ શું કરી બેઠાં ?

સવારે સૂર્યને થોડો અમે અસ્વસ્થ જોયો’તો,
અહીં તેથી જ તો આકાશને દીવો ધરી બેઠાં !

હજી ઝાકળના કૂણાં સ્પંદને ઝળકી રહ્યાં’તાં જે,
પ્રખર તડકાના તીખા તેજમાં ફૂલો ખરી બેઠાં !

તમારી ખાસિયત છે કે તમે મરજી મુજબ જીવો,
અમે મરજીથી મળતાં મોત માટે કરગરી બેઠાં !

કદી જ્વાળામુખી જેવી બળતરા ભીતરે ઊઠી,
અને પાંપણ ઉપર બે આંસુ આવીને ઠરી બેઠાં !

– દિવ્યા રાજેશ મોદી

કવિ અને કવયિત્રી, પુરુષ અને સ્ત્રી – આ બંનેના ઊર્મિજગતમાં જમીન-આસમાનનો ફરક હોવાનો જ. સ્ત્રીની સંવેદના કેટલી સૂક્ષ્મ હોઈ શકે એ જોવું હોય તો આ ગઝલના બીજા અને છેલ્લા શેર પર નજર નાંખો. સૃષ્ટિ આખીના કેન્દ્રબિંદુ સમો સૂર્ય જરા જેટલો વ્યાકુળ લાગે એવામાં દીવો ઓફર કરી બેસે એ માત્ર સ્ત્રી જ હોઈ શકે. કૃષ્ણની ટચલી આંગળી અને ગોવાળિયાની લાકડીઓના ટેકા યાદ આવી જાય. છેલ્લો શેર પણ એક સ્ત્રીના ચિત્તતંત્રમાંથી જ સંભવી શકે…. સૂર્ય અને દીવાની જેમ અહીં જ્વાળામુખી અને બે બુંદ આંસુ બ-ખૂબી juxtapose કરવામાં આવ્યાં છે !

Comments (11)

‘શ્રી સવા’ લાગી… – દિવ્યા રાજેશ મોદી

surya na hastaksharo

*

હું તને કેમ ચાહવા લાગી ?
દિલને હું એમ પૂછવા લાગી.

જળની વચ્ચે જગા થવા લાગી,
શું નદી સાવ તૂટવા લાગી ?

ટોચ પર સડસડાટ પ્હોંચીને,
આ હવા કેમ હાંફવા લાગી ?

બાગ પણ પાયમાલ લાગે છે,
પાનખરની જરા હવા લાગી.

દ્વાર જ્યાં બંધ થાય છે કોઈ,
એક બારી ત્યાં ખૂલવા લાગી.

વાત તારી ઉતારી કાગળમાં,
તો ગઝલને એ ‘શ્રી સવા’ લાગી !

સાથ તારો અહીં દુઆ જેવો,
પ્રીત તારી મને દવા લાગી !

– દિવ્યા રાજેશ મોદી

સુરતના પ્રતિભાવંત કવયિત્રી દિવ્યા રાજેશ મોદી એમના પ્રથમ ગઝલસંગ્રહ “સૂર્યના હસ્તાક્ષરો” લઈને આવ્યા છે. ટીમ લયસ્તરો તરફથી એમનું ઉષ્માસભર સ્વાગત છે…

પ્રસ્તુત ગઝલમાં કોઈ એક શેર પર આંગળી મૂકવી એ સૂર્યના હસ્તાક્ષરો કાગળ પર લેવા જેવું વિકટ કામ છે… બધા જ શેર અનવદ્યપણે સંતર્પક થયા છે…

કવયિત્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ…

Comments (16)

કવિ V/s કવયિત્રી : ગઝલ V/s ગઝલ

લયસ્તરો પર કોઈ કૃતિ પ્રકાશિત થઈ હોય અને એના અનુસંધાનમાં કોઈ અગત્યની સાહિત્યિક ઘટના બને અને કૃતિના સર્જક સંપાદકો પાસે દાદ માંગે ત્યારે પીછેહઠ કરવાના બદલે એ ઘટનાને યોગ્ય પ્રકાશમાં લાવવું એ લયસ્તરોની નૈતિક ફરજ બની રહે છે… લયસ્તરોના ચારેય સંપાદકમિત્રોએ પરસ્પર સવિસ્તૃત ચર્ચા કર્યા બાદ અમે આ ગઝલોનો જાહેર ઘટનાક્રમ અહીં મૂકીએ છીએ…

ન તારી ન મારી નથી કોઈની પણ,                  ન તારી, ન મારી નથી કોઈની પણ,
સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ.               દશા સાવ સારી, નથી કોઈની પણ.

કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,                              બધા જિન્દગીને ગળે લઈ ફરે છે,
દશા એકધારી નથી કોઈની પણ.                             અને એ ધુતારી, નથી કોઈની પણ.

બિછાને નહીં તો હશે મનમાં કાંટા,                           અધૂરી ખુશીની યે ચૂકવી છે કિંમત,
ફૂલોની પથારી નથી કોઈની પણ.                           અમારે ઉધારી નથી કોઈની પણ.

બધા જિંદગીને ગળે લઈ ફરે છે,                         કરોડો સૂરજથી ઉજાગર છે હૈયું,
અને એ ધુતારી નથી કોઈની પણ.                     અહીં એ ખુમારી નથી કોઈની પણ.

જરા આયના પાસ બેસી વિચારો,                            અહીં સ્વપ્ન તૂટે જ, તેથી જ રાતો
બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.                        પ્રભુએ વધારી નથી કોઈની પણ.

– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’                                    – દિવ્યા રાજેશ મોદી

આ બે ગઝલમાં હાઇ-લાઇટ કરેલા બે શેરની સમાનતા જોઈ?

ડૉ. મનોજ જોશીની આ ગઝલ લયસ્તરો પર (https://layastaro.com/?p=6842)13 જુલાઈ, 2011ના રોજ મૂકવામાં આવી હતી. એ અગાઉ આ ગઝલ શ્રી રશીદ મીર સંપાદિત ‘ધબક‘ સામયિકમાં ડિસેમ્બર, 2009માં પ્રકાશિત થઈ ચૂકી હતી.  દિવ્યા રાજેશ મોદીની આ ગઝલ શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન સંપાદિત ‘ગઝલવિશ્વ‘માં ડિસેમ્બર, 2011ના અંકમાં પ્રકાશિત થઈ.  અને દિવ્યાની આ જ ગઝલ શ્રી પ્રવીણ શાહના બ્લૉગ ‘ગુર્જર કાવ્ય ધારા‘ (http://aasvad.wordpress.com/2012/05/30/d-310/) પર ત્રીસમી મે, 2012ના રોજ પુનઃપ્રકાશિત થઈ.

Comments (60)

બે- પળની વચ્ચે… – દિવ્યા મોદી

વમળ તો રહે છે સદા જળની વચ્ચે,
મળી જાય દુનિયા અહી છળની વચ્ચે.

હતું આંખમાં કૈંક કાજળની વચ્ચે,
સમાયું છે જળ જેમ વાદળની વચ્ચે.

હવે તો ગઝલને હું જીવી રહી છું,
કશું શોધ ના આમ કાગળની વચ્ચે.

પડી જાય સોપો પછી આમ્રકુંજે,
નભી જાય ટહુકા જો બાવળની વચ્ચે.

કશું એ અટક્યું નથી તે છતાંયે,
નજર એક અટકી છે સાંકળની વચ્ચે.

વિચારો તો, સઘળું હતું એનું એ પણ;
હતી જિંદગી માત્ર બે-પળની વચ્ચે.

-દિવ્યા મોદી

આશાવાદી અભિગમ ઝલકાવતી ગઝલ.  અને ખરે જ, સાચી જિંદગી તો બે-પળની વચ્ચે જ જીવાતી હોય છે ને…

Comments (9)

ભીતર – દિવ્યા મોદી

Divya Modi_bhitar
(કવયિત્રીના હસ્તાક્ષરોમાં એક ઓર ગઝલ લયસ્તરો માટે)

*

અજંપો આ મોસમનો ઘૂંટાય ભીતર,
ને વાદળ ઉદાસીનાં ઘેરાય ભીતર…

આ આંખોમાં આવીને ચોમાસુ બેઠું,
ને અશ્રુની ધારાથી ભીંજાય ભીતર…

કમાડોનાં તોરણ તો સૂકાં થયાં પણ
પ્રતીક્ષા તો અકબંધ સચવાય ભીતર…

અહીં તું તને હર ક્ષણે ના મળે તો,
કશું ચૂભતું કેમ વર્તાય ભીતર…?

ખુલાસા, પુરાવાથી આગળ વધી જો,
કે ઉત્સવ આ મનખાનો ઉજવાય ભીતર…

– દિવ્યા મોદી

હવે આ ગઝલના કયા શેરને ગમાડીએ અને કયાને નહીં? પ્રેમ અરુઢતાથી વ્યાખ્યાયિત કરતો ચોથો શેર જો કે મને વધુ ગમી ગયો…

Comments (26)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૨)

ગઈકાલે આપણે શ્રી ભગવતીકુમાર શર્માની છોત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે કવિશ્રીની અલગ-અલગ ગઝલની પંક્તિઓ પર પોતાની ગઝલ રચી  સુરત ખાતે યોજેલ તરહી મુશાયરાની એક ઝલક માણી… આજે ભાગ બીજો..

*

IMG_4689

ખુલ્લાં હૃદયનાં દ્વાર, ઉમળકોય જોઈશે,
મોટું મકાન, દોસ્ત ! ઉતારો નહીં બને.

તેથી જ હું હવે તો તમારો બની ગયો,
પડછાયો મારો કોઈ દી મારો નહીં બને.

-ગૌરાંગ ઠાકર

*

IMG_4693

ઉતાવળ ક્યાં હતી આંખોને પાણીદાર થાવાની ?
અમસ્તા તોય લોકો જાય છે એને રડાવીને.

ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.

– દિવ્યા મોદી

*

IMG_4711

સ્પર્શોનો ભવ્યરમ્ય એ ઉત્સવ થતો નથી,
હરદમ એ તાજગીનો અનુભવ થતો નથી.

આંસુઓ મારા ક્યાં જઈ સંતાડ્યા, પ્રિયે !
સાડીનો છેડો પણ હવે પાલવ થતો નથી.

– ડેનિશ જરીવાલા

*

IMG_4716

આ ઝાડવે ને પાંદડે જૂનું થયું હવે,
કંડારવું છે નામ તારા કાળજે મને.

હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.

– કવિતા મૌર્ય

*

IMG_4696

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જીવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.

-સુનીલ શાહ

*

IMG_4726

હોવાપણાંમાં કોઈ ઉણપ હોવી જોઈએ,
પ્રતિબિંબ જોતાં લાગે, અરીસો ચિરાય છે.

આવે નહીં અવાજ ને આંસુ ઢળી પડે,
જ્યારે કોઈ હૃદયનો ભરોસો ચિરાય છે.

– પ્રમોદ અહિરે

*

IMG_5167

હજી ક્યાં પ્રણયની સમજ આવી છે,
હૃદય છે, અહર્નિશ બળે પણ ખરું.

અમે તો કિનારે જ તરતાં રહ્યાં,
ડૂબ્યાં હોત તો કંઈ મળે પણ ખરું.

– જનક નાયક

*

IMG_4676[1]

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (22)

શ્રી સવા લાગી… – દિવ્યા મોદી

જળની વચ્ચે જગા થવા લાગી,
શું  નદી સાવ તૂટવા લાગી?

ટોચ પર સડસડાટ પ્હોચીને,
આ હવા  કેમ હાંફવા લાગી?

બાગ પણ પાયમાલ લાગે છે,
પાનખરની જરા હવા લાગી.

દ્વાર  જ્યાં બંધ થાય છે કોઈ,
એક બારી ત્યાં ખૂલવા  લાગી.

વાત તારી ઉતારી કાગળમાં,
તો ગઝલને એ શ્રી સવા લાગી.

– દિવ્યા મોદી

પાંચ આંગળી સમાન વળે તો એક મુઠ્ઠીની તાકાત થાય… પાંચ એકસમાન મજબૂત શેર વડે બનેલી એક સફળ-સબળ ગઝલ…

Comments (19)

सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – २)

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘  અને ‘જંગ’ અખબારના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’નું જતન થઈ રહ્યું છે.. આ નિમિત્તે યોજવા વિચારેલ ફિલબદી મુશાયરામાં ઘણા ભારતીય કવિઓએ પોતાની રચનાઓ મોકલાવી. ગયા શનિવારે આપે આ ઉપક્રમે ભાગ – ૧ માણ્યો. આજે બીજો અને અંતિમ ભાગ…

કેટલીક રચનાઓ સરસ હોવા છતાં કવિતાના નિયમોને અનુસરતી ન હોવાના કારણે અહીં સમાવી શકાઈ નથી. આજે બારડોલી અને સુરતના કવિઓની કૃતિઓ માણીએ:

કવિ મુકુલ ચોક્સીને ગોળી-દારૂખાનાના રૂઢ થઈ ગયેલા ચલણના સ્થાને દિલોના-પ્રેમના અરૂઢ ચલન અપેક્ષિત છે:

बारूद गोलियों का न नामोनिशां रहे,
ऐसा करो की सिर्फ दिलो का चलन रहे  |

लाशें वहाँ गिरे तो यहाँ आँसू गिर पड़े,
हो जख्म इस तरफ तो वहाँ पर रुदन रहे |

બારડોલીના સંધ્યા ભટ્ટ કાંટા વિનાના ચમન અને ટુકડા વિનાના ભુવનના હિમાયતી છે:

કંટકને ચાલો આપણે ઉખાડી ફેંકીએ,
ધરતી ઉપર ફૂલોથી ચહેકતું ચમન રહે.

ટુકડાથી અહીં ચાલશે ન આપણું કશું,
બસ, આપણું તો આખું ને આખું ભુવન રહે.

ગૌરાંગ ઠાકર પ્રેમથી આગળ વધીને ઈંસાનિયત સુધી પહોં ચે છે:

उस पार तुझ में मैं रहुं, ईस पार मुझ में तुं
कुछ युं करे, हमारा मुहब्बत में मन रहे

मझहब की बात छोड के ईन्सानीयत लिखेँ
कोशिश हमारी है यहाँ शेरो-सुखन रहे

-સુરતના અગ્રસર કવિ કિરણકુમાર ચૌહાણ પણ બે દેશો વચ્ચેના સતત તણાવથી વ્યથિત છે અને ફૂલની જેમ કાંટાઓની વચ્ચે પણ મહેંકવા ઇચ્છે છે:

कब तक डरे यूँ और दिलो में घुटन रहे,
कब तक यूँ रोता और बिलखता ये मन रहे ?

आतंक से भी पेश चलो आयें इस तरह,
काँटों के बीच जैसे महकता सुमन रहे |

– સુરતના કવયિત્રી દિવ્યા મોદી સાંપ્રત ધારામાં વહી રહ્યા હોવાની પ્રતીતિ ‘ટશન’ જેવા કાફિયાપ્રયોગ વડે કરાવે છે.  એમની ગઝલમાં જે બદલાવની વાત છે એ તાજગીકર છે:

बदली  हुई  हवाए  हैं , बदली है हर  दिशा,
बदली हुई फिज़ाओमें  बदला पवन रहे.

संसार को  दिखा  दें  के  हम एक हैं सभी,
अपना ये भाईचारा ही अपना टशन रहे.

રઈશ મનીઆર સરહદની વાસ્તવિક્તા અને અનિવાર્યતા સ્વીકારી લઈને વધુ તાર્કિક વાત કરે છે:

કેવી રીતે આ વાડના વશમાં પવન રહે ?
વાદળ તો વરસે એમ ઉભયનું જતન રહે;
સરહદની આ લકીર જરૂરી ભલે ને હોય,
સરહદની બંને બાજુ મહેકતું ચમન રહે !

– અંતે ઉર્દૂ અને ગુજરાતી- મિશ્ર ભાષામાં લખેલી મારી એક બિનસરહદી ગઝલના બે શેર:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

-વિવેક મનહર ટેલર

Comments (10)

સમય પણ રિસાયો – દિવ્યા મોદી

Divya Modi_samay pan risaayo
(દિવ્યા મોદીની એક અક્ષુણ્ણ કૃતિ એમના જ અક્ષરોમાં ‘લયસ્તરો’ માટે)

*

આ તડકા મહીં એમ વર્તાય છાંયો,
કેચ્હેરા ઉપર એક ચ્હેરો છવાયો.

ને આંખો અમારી સજળ હોય તો યે,
ખુશીનો જ તખ્તો ફરી ગોઠવાયો.

અમારી સબરના પુરાવા ન માંગો,
ઇમારત છું એવી, નથી જેનો પાયો.

પહેલાં હલેસું, પછી નાવ ડૂબી,
શનૈ: શનૈ: કિનારો ફસાયો.

બહેતર એ છે કે શિકાયત ન કર તું,
ખફા થઈને જ્યારે સમય પણ રિસાયો.

-દિવ્યા મોદી

ભીની માટી જેવા હૈયા પર પગલાંની અમીટ છાપ છોડી જાય એ સાચી કવિતા. દિવ્યાની આ ગઝલ વાંચો અને અંદર કશુંક અમીટ પડતું ન અનુભવાય તો જ નવાઈ. તડકા વિના છાંયાનું વળી અસ્તિત્વ કેવું ? બંને સાથે જ સંભવી શકે એ ખરું પણ કદી એકમેકમાં ભળી શકે ખરા ? આપણા ચહેરા પર કેટકેટલા ચહેરા પડતા રહે છે ! પણ આપણે આપણી ઓળખ કદી ગુમાવીએ ખરા ?

શનૈ: શનૈ: જેવો સંસ્કૃત શબ્દપ્રયોગ રાજેન્દ્ર શુક્લ જેવી સાહજિક્તાથી કરીને ઉત્તમ શેર પણ આપવા બદલ કવયિત્રી શું અભિનંદનને પાત્ર નથી ?

Comments (17)

ચિતારમાં આવી – દિવ્યા મોદી

ભીડ પહેરી બજારમાં આવી,
યાદ તારી હજારમાં આવી.

રાત  જાણે  ખુમારમાં આવી,
ઓસ લઈને સવારમાં આવી.

ઘાસ પર છે પવનની પગલીઓ,
જોઈને હું નિખારમાં આવી.

મેઘ થઈ આંગણામાં વરસે તું,
હુંય બારીથી દ્વારમાં આવી.

રાતરાણી હસે છે પ્રાંગણમાં,
મ્હેંકની હું વખારમાં આવી.

જ્યાં પ્રવેશી ગઝલના ઘરમાં હું,
આ કલમ તેજ ધારમાં આવી.

‘પ્રેમ’ નામે અહી ઘટી ઘટના,
એ જ મારા ચિતારમાં આવી.

– દિવ્યા મોદી

યાદ ક્યારેક માણસને હજારોની ભીડમાં પણ પ્રગાઢતમ એકાંત આપી શકે છે તો ક્યારેક નીરવ એકલતામાંય ગૂંગળાવી દઈ શકે છે. યાદ વિશેનો આવો અદભુત મત્લા કદાચ આ પહેલાં ભાગ્યે જ લખાયો હશે. ભીડ પહેરીને હજારોની વચ્ચે યાદનું બજારમાં આવવાનું કલ્પન જ એટલું પ્રબળ છે કે એ શેરથી આગળ વધવાની ઇચ્છા જ ન થાય. બારીથી દ્વારમાં આવવાની વાત અને કલમના તેજ ધારમાં આવવાની વાત પણ એવી જ રોચક થઈ છે…

Comments (22)

ગઝલ – દિવ્યા મોદી

Divya Modi_Em na bolo tame gamta nathi
(દિવ્યા મોદીની એક અક્ષુણ્ણ ગઝલ, એના જ હસ્તાક્ષરોમાં લયસ્તરો માટે)

એમ ના બોલો તમે ગમતા નથી,
માત્ર તમને ચાહું એ ક્ષમતા નથી.

જિંદગીમાં આટલું હાર્યા પછી,
જીતવા માટે કદી રમતા નથી.

ભીડમાં એકાંત વહાલું લાગતું,
બસ હવે તો કોઈની મમતા નથી.

એક ઝંઝાવાતમાં તૂટી ગયા,
લાગણીના ઘર હવે બનતા નથી.

આંસુમાં પણ એટલી તાકાત છે,
હા, ભલે એને નદી ગણતા નથી.

જ્યારથી માણસને ઓળખતા થયા,
પથ્થરોના દેવને નમતા નથી.

– દિવ્યા મોદી

આ ગઝલ આવી સરસ, સામે તમે… હું નડું વચ્ચે તો એ કોને ગમે?

Comments (28)

ગઝલ – દિવ્યા મોદી


(ખાસ ‘લયસ્તરો’ માટે દિવ્યા મોદીએ સ્વહસ્તે લખી મોકલેલ અપ્રગટ કૃતિ)

જાત સાથે ગુફ્તગૂ કરવી  હતી,
એક સુંદર  શાયરી કરવી  હતી.

એટલે તો મનભરી  ચાહ્યો તને,
કાળજાની  કાળજી  કરવી  હતી.

પ્રેમના  કારણ કદી  પૂછો નહીં,
જિંદગીભર  બંદગી કરવી હતી.

છીપમાં દરિયો ભરી તમને ધરું,
યાદને  મારે  પરત કરવી હતી.

ડૂબતા  આ  સૂર્યને  રોકો  જરી,
સાંજને  વાતો  હજી કરવી હતી.

-દિવ્યા મોદી

દિવસનું પાનું ઊઘડે અને હોવાપણાંના સૂર્યના પહેલા કિરણને પુષ્પની મસૃણ પાંખડીઓ પરથી ઝાકળબુંદ જેવી ભીની ભીની તરોતાજા ગઝલ પીવાની ઈચ્છા થાય ત્યારે આવી ગઝલ કવિના અસ્તિત્વમાંથી ઝરે છે. પછી તમે આ આખી વાતને જાત સાથેની ગુફ્તેગૂ કહો યા ગઝલની શાબ્દિક વ્યાખ્યા- જાત સાથે વાર્તાલાપ-કહો એ તમારા ઉપર છે. કોઈ કહેશે કે કોઈ કોઈને શા માટે આટઆટલું ચાહે છે? પ્રેમ એટલે પોતાનું હૈયું અને પ્રિયતમ એટલે એનાથી જ ત્વન્મય થતી પોતાની જાત જ નહીં? પ્રેમની કેવી સચોટ અને સરળ વ્યાખ્યા કવયિત્રી અહીં લઈ આવ્યા છે? મનભરીને કોઈને ચાહવાનું ખરું કારણ તો પોતાના જ કાળજાની કાળજી કરવાનું છે. કાળજા સાથે કાળજી શબ્દનો વિનિયોગ અહીં કવયિત્રીની સજ્જતાનું સવિશેષ પ્રમાણ પણ બની રહે છે.

દિવ્યા મોદી સુરત શહેરની ગઝલોનું આવતીકાલનું અજવાળું છે… એની પાસે હજી ઘણી વાતો બાકી છે એટલે એ આજના ડૂબતા સૂર્યને પણ રોકી રાખવા ઈચ્છે છે… દિવ્યાને લયસ્તરો તરફથી અંતરંગ શુભેચ્છાઓ…

Comments (28)