એ મુસીબત એટલી ઝિઁદાદિલી ને દાદ દે
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો !
જમિયત પંડ્યા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સંધ્યા ભટ્ટ

સંધ્યા ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સમજાય છે – સંધ્યા ભટ્ટ

એકધારા કામથી અકળાય છે,
એટલે આ મોસમો બદલાય છે.

કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ,
સૌની સામે રોજ ડૂબી જાય છે !

કોણ કહે, પાષાણને ભાષા નથી ?
પથ્થરોમાંથી તો મૂર્તિ થાય છે !

જયારે કોઈ પંખીનો માળો તૂટે,
વૃક્ષ પણ સાથે જ ત્યાં વીંધાય છે.

વન અને વનવાસીને જોયા પછી,
દેહ ને આત્મા વિશે સમજાય છે.

– સંધ્યા ભટ્ટ

બારડોલીથી સંધ્યા ભટ્ટ એમનો બીજો કાવ્યસંગ્રહ “શૂન્યમાં આકાર” લઈને આવ્યા છે. લયસ્તરોના આંગણે એમનો સહૃદય સત્કાર. એમની આ ગઝલ જૂની-જાણીતી અને મારી માનીતી હોવા છતાં લયસ્તરો પર છેક આજે પધારી છે. બધા જ શેર સરળ અને સંતર્પક.

Comments (16)

…જોઈએ – સંધ્યા ભટ્ટ

એક નક્શીકામ કરવું જોઈએ,
આંસુમાં અક્ષરથી તરવું જોઈએ.

બાગમાં ફૂલોની ગોષ્ઠિ માણવા,
વાયરાની જેમ ફરવું જોઈએ.

ભાવનાથી મેં સજાવ્યું પાત્ર આ,
ધ્રૂજતા હાથે જ ધરવું જોઈએ.

હું સહજતાને જો પામું તો પછી,
નાવ થઈ જળમાં ઊતરવું જોઈએ.

જાણવું છે આપને મૃત્યુ વિશે ?
તો પછી જાતે જ મરવું જોઈએ.

– સંધ્યા ભટ્ટ

વિચારોની સુંદરતા… ભાષાની સહજતા… ભાવની ઉત્કૃષ્ટતા… બીજું શું જોઈએ એક સ-રસ ગઝલ માટે ?

Comments (11)

सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – २)

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘  અને ‘જંગ’ અખબારના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’નું જતન થઈ રહ્યું છે.. આ નિમિત્તે યોજવા વિચારેલ ફિલબદી મુશાયરામાં ઘણા ભારતીય કવિઓએ પોતાની રચનાઓ મોકલાવી. ગયા શનિવારે આપે આ ઉપક્રમે ભાગ – ૧ માણ્યો. આજે બીજો અને અંતિમ ભાગ…

કેટલીક રચનાઓ સરસ હોવા છતાં કવિતાના નિયમોને અનુસરતી ન હોવાના કારણે અહીં સમાવી શકાઈ નથી. આજે બારડોલી અને સુરતના કવિઓની કૃતિઓ માણીએ:

કવિ મુકુલ ચોક્સીને ગોળી-દારૂખાનાના રૂઢ થઈ ગયેલા ચલણના સ્થાને દિલોના-પ્રેમના અરૂઢ ચલન અપેક્ષિત છે:

बारूद गोलियों का न नामोनिशां रहे,
ऐसा करो की सिर्फ दिलो का चलन रहे  |

लाशें वहाँ गिरे तो यहाँ आँसू गिर पड़े,
हो जख्म इस तरफ तो वहाँ पर रुदन रहे |

બારડોલીના સંધ્યા ભટ્ટ કાંટા વિનાના ચમન અને ટુકડા વિનાના ભુવનના હિમાયતી છે:

કંટકને ચાલો આપણે ઉખાડી ફેંકીએ,
ધરતી ઉપર ફૂલોથી ચહેકતું ચમન રહે.

ટુકડાથી અહીં ચાલશે ન આપણું કશું,
બસ, આપણું તો આખું ને આખું ભુવન રહે.

ગૌરાંગ ઠાકર પ્રેમથી આગળ વધીને ઈંસાનિયત સુધી પહોં ચે છે:

उस पार तुझ में मैं रहुं, ईस पार मुझ में तुं
कुछ युं करे, हमारा मुहब्बत में मन रहे

मझहब की बात छोड के ईन्सानीयत लिखेँ
कोशिश हमारी है यहाँ शेरो-सुखन रहे

-સુરતના અગ્રસર કવિ કિરણકુમાર ચૌહાણ પણ બે દેશો વચ્ચેના સતત તણાવથી વ્યથિત છે અને ફૂલની જેમ કાંટાઓની વચ્ચે પણ મહેંકવા ઇચ્છે છે:

कब तक डरे यूँ और दिलो में घुटन रहे,
कब तक यूँ रोता और बिलखता ये मन रहे ?

आतंक से भी पेश चलो आयें इस तरह,
काँटों के बीच जैसे महकता सुमन रहे |

– સુરતના કવયિત્રી દિવ્યા મોદી સાંપ્રત ધારામાં વહી રહ્યા હોવાની પ્રતીતિ ‘ટશન’ જેવા કાફિયાપ્રયોગ વડે કરાવે છે.  એમની ગઝલમાં જે બદલાવની વાત છે એ તાજગીકર છે:

बदली  हुई  हवाए  हैं , बदली है हर  दिशा,
बदली हुई फिज़ाओमें  बदला पवन रहे.

संसार को  दिखा  दें  के  हम एक हैं सभी,
अपना ये भाईचारा ही अपना टशन रहे.

રઈશ મનીઆર સરહદની વાસ્તવિક્તા અને અનિવાર્યતા સ્વીકારી લઈને વધુ તાર્કિક વાત કરે છે:

કેવી રીતે આ વાડના વશમાં પવન રહે ?
વાદળ તો વરસે એમ ઉભયનું જતન રહે;
સરહદની આ લકીર જરૂરી ભલે ને હોય,
સરહદની બંને બાજુ મહેકતું ચમન રહે !

– અંતે ઉર્દૂ અને ગુજરાતી- મિશ્ર ભાષામાં લખેલી મારી એક બિનસરહદી ગઝલના બે શેર:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

-વિવેક મનહર ટેલર

Comments (10)

એક દરિયો – સંધ્યા ભટ્ટ

એક દરિયો આંખ સામે ઊછળે છે,
એક દરિયો ભીતરે પણ વિસ્તરે છે.

હર ક્ષણે દરિયો કિનારાને મળે છે,
ને કિનારાને પ્રતીક્ષા હર ક્ષણે છે.

એક દરિયો આંખની અંદર હશે ને !
આંસુ એમાંથી જ તો છૂટાં પડે છે.

નાવનું અસ્તિત્વ દરિયાથી સભર છે,
ને દરિયો નાવથી શું સૂચવે છે !

શાંત ને ધ્યાનસ્થ મુદ્રામાં કદી એ,
તો કદી એ ખૂબ તોફાને ચઢે છે.

-સંધ્યા ભટ્ટ

સંધ્યા ભટ્ટ (જન્મ: ૩૦-૦૬-૧૯૬૪) બારડોલીની કોલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે કાર્યરત્ છે અને સુંદર ગીત-ગઝલ લખે છે. પ્રસ્તુત મુસલસલ ગઝલમાં દરિયાની અલગ અલગ રંગછટા એમણે બખૂબી ઉપસાવી છે. નાવનું સાચું સાફલ્ય દરિયામાં ઉતર્યા પછી જ છે એ વાત તો ઘણા લોકો કરી ગયા પણ નાવના દરિયામાં હોવા અંગે દરિયાના દૃષ્ટિકોણની એક અલગ જ વાત કવિ અહીં લાવ્યા છે એ એમની પ્રતિભા સૂચવે છે. આપણું હોવાપણું વિરાટકાય ઈશ્વર અને એની અનંત સૃષ્ટિથી સભર થાય છે પણ આ વિશાળ ઈશ્વરીય સૃષ્ટિમાં આપણા હોવાપણાંનું એક નાનકડું બિંદુ પણ કદાચ એટલું જ મહત્વનું છે…

Comments (19)