ભીંત વચ્ચેથી સોંસરું પડશે -
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દેશભક્તિ

દેશભક્તિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પથપ્રવર્તક કાવ્યો: ૦૫ : આઝાદી -પોલ એલ્યુર્ડ

મારી નિશાળની નોટબુકો પર,
મારા ટેબલ અને વૃક્ષો પર,
પોચા બરફ પર
હું તારું નામ લખું છું

મેં વાંચેલા પૃષ્ઠો પર
બધા કોરા પાનાઓ પર
પથ્થર, લોહી, કાગળ કે રાખ પર
હું તારું નામ લખું છું

સોનેરી ચિત્રો પર
યોદ્ધાઓના હથિયારો પર
રાજાના મુકુટ પર
હું તારું નામ લખું છું

જંગલ અને રણ પર
પંખીના માળા અને ઝાંખરા પર
મારા બાળપણના પડઘા પર
હું તારું નામ લખું છું

મારા ભૂરા રૂમાલ પર
સૂર્યપ્રકાશિત ખાબોચિયા પર
ચાંદનીના જીવંત સરોવર પર
હું તારું નામ લખું છું

ખેતરો પર, ક્ષિતિજ પર
પક્ષીઓની પાંખો પર
અને પડછાયાઓની હારમાળા પર
હું તારું નામ લખું છું

૫રોઢની દરેક લહેરખી પર
દરિયા પર, હોડીઓ પર
ઉન્માદી પર્વતના શિખર પર
હું તારું નામ લખું છું

વાદળના ગાભા પર
વાવાઝોડાની વાછટ પર
મુસળધાર વરસાદ અને સપાટ જમીન પર
હું તારું નામ લખું છું

ઝબકતા આકારો પર
રંગબેરંગી ઘંટડીઓ પર
કુદરતી સત્ય પર
હું તારું નામ લખું છું

ઊંચી પગદંડીઓ પર
ઉભરાતા માર્ગો પર
ભીડથી ભરેલા ચોક પર
હું તારું નામ લખું છું

પ્રગટાવેલા દીવા પર
ઓલવાયેલા દીવા પર
મારા એકજૂટ વિચારો પર
હું તારું નામ લખું છું

બે ભાગમાં કપાયેલા ફળ પર
મારા અરીસા અને મારા ઓરડા પર
મારી ખાલી પથારી પર
હું તારું નામ લખું છું

મારા દીલદાર અને લોભી કુતરા પર
તેના સરવા કાન પર
તેના ભુલકણા પંજા પર
હું તારું નામ લખું છું

મારા દરવાજાના આગળા પર
તે જાણીતી વસ્તુઓ પર
આગની જ્વાળાઓ પર
હું તારું નામ લખું છું

દેહના તાલ-મેલ પર
મારા મિત્રોના ચહેરા પર
દરેક લંબાયેલા હાથ પર
હું તારું નામ લખું છું

આશ્ચર્યની બારી પર
રાહ જોતા હોઠ પર
મૌનથી પણ ઊંડી અવસ્થા પર
હું તારું નામ લખું છું

મારી જીર્ણ છુપવાની જગ્યાઓ પર
મારી ડૂબેલી દીવાદાંડી પર
મારી દીવાલો અને મારી ઉદાસી પર
હું તારું નામ લખું છું

ઈચ્છા વગરના અમૂર્ત ભાવ પર
નગ્ન એકાંત પર
મૃત્યુના પગલાં પર
હું તારું નામ લખું છું

અને એક શબ્દ ખાતર
હું મારું જીવન ફરી શરૂ કરું છું
કારણ કે હું તને જાણવા જ જન્મ્યો હતો
તારું નામ લેવા માટે :

આઝાદી.

– પોલ એલ્યુર્ડ
(અનુવાદઃ ધવલ શાહ)

Paul Éluard Overview and Analysis | TheArtStory
(Paul Éluard, 1895–1952)

Liberté કવિતા એક સરળ અને લયબદ્ધ માળખા પર રચાયેલી છે જેથી તેને યાદ રાખવી અત્યંત સરળ બને છે—જે યુદ્ધ દરમિયાન કવિતાનાં મૌખિક પ્રસારણ માટે એક નિર્ણાયક પાસું હતું. પ્રાર્થના અને ગીત જેવી શૈલીવાળી (Litany) આ કવિતામાં ૨૧ કડીઓ (quatrains) હોય છે. દરેક કડીની પ્રથમ ત્રણ પંક્તિઓ કોઈ સ્થાન (મૂર્ત અથવા અમૂર્ત)નું વર્ણન કરે છે, અને ચોથી પંક્તિ એ ટેક છે “J’écris ton nom” (હું તારું નામ લખું છું).  કવિતા નિર્દોષ બાળપણની છબીઓ (“મારી સ્કૂલની નોટબુક્સ”, “મારું ડેસ્ક”)થી લઈને કુદરત (“વરસાદ”, “વાદળો”), અને પછી પુખ્ત વય અને યુદ્ધની ઘેરી છબીઓ (“યોદ્ધાના શસ્ત્રો”, “નાશ પામેલા ઘરો”) તરફ આગળ વધે છે, અને અંતે “લિબર્ટી” (સ્વતંત્રતા) નામના વિસ્ફોટક ઘટસ્ફોટ સાથે સમાપ્ત થાય છે. સાવ સરળ લાગતી આ કવિતામાં દર ત્રણ પંક્તિ પછી પુનરાવર્તિત થતી રહેતી પંક્તિનો સ્વર અંત તરફ જતા વધુ ને વધુ ઘેરો બની અંતિમ પંક્તિમાં સ્વતંત્રતાની ઈચ્છાને ચરમસીમાએ લઈ જાય છે, કવિતાને સર્વોચ્ચ કક્ષાએ લઈ જાય છે.

Liberté એ પોલ એલ્યુર્ડની બીજા વિશ્વયુદ્ધ સમયની French Resistance (પ્રતિકાર) ની સૌથી પ્રખ્યાત કવિતા છે. આઝાદીની આ એક એવી ઉત્કૃષ્ટ કૃતિ છે કે જેમાં પ્રેમની કવિતાની અંગત ભાષા અત્યાચાર વિરુદ્ધ વિશ્વવ્યાપક યુદ્ધના નાદમાં પરિવર્તિત થાય છે. આ કવિતાએ બૌદ્ધિક વર્ગ અને સામાન્ય લોકો વચ્ચેનું અંતર ઘટાડ્યું હતું કારણ કે તેની છબી દરેક જણ માટે સુલભ હતી. ૧૯૪૨માં ફ્રાંસના જર્મન કબ્જાના સૌથી અંધકારમય દિવસો દરમિયાન આ કવિતા લખવામાં આવી હતી.  તે સૌપ્રથમ Poésie et Vérité 1942 (કવિતા અને સત્ય ૧૯૪૨) નામના ગુપ્ત પુસ્તકમાં પ્રકાશિત થઈ હતી. સેન્સરશીપ ટાળવા માટે, એ પુસ્તકનું વિતરણ ઘણીવાર ખોટા કવર અથવા ખોટી તારીખો સાથે કરવામાં આવતું હતું. આ કવિતાને કબજા હેઠળના ફ્રાન્સમાંથી લંડન (જનરલ દ ગૌલના ફ્રી ફ્રેન્ચ દળોનું મુખ્ય મથક) અને અલ્જિયર્સમાં છૂપી રીતે મોકલવામાં આવી હતી. આ કવિતા સાથે જોડાયેલી સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના એ હતી કે ૧૯૪૩માં બ્રિટિશ રોયલ એર ફોર્સ (RAF) એ હજારો પત્રિકાઓ પર આ કવિતા છાપીને વિમાનો દ્વારા કબજા હેઠળના ફ્રાન્સ પર આ પત્રિકાઓ ફેંકી હતી. હવે આ દ્રશ્યની કલ્પના કરો- નાઝી શાસન હેઠળ જીવતા ફ્રેન્ચ નાગરિકો સવારે જાગે છે અને જુએ છે કે આકાશમાંથી હજારો કાગળના ટુકડાઓ વરસી રહ્યા છે, જેમાં કોઈ લશ્કરી આદેશો નથી, પરંતુ સ્વતંત્રતાના પુનરાગમનનું વચન આપતી એક કવિતા છે. જે કવિતા વાંચીને આજે પણ આપણા રૂંવાડા ઊભા થઈ જાય છે તે કવિતાએ ત્યારે નાગરિકોનાં ગુલામ બની ગયેલા માનસને સ્વતંત્રતાની ઈચ્છા જગાડવા માટે કેટલી હદે ઝંઝોળ્યું હશે!

પોલ એલ્યુર્ડ અતિવાસ્તવવાદી (Surrealist) ચળવળના સ્થાપકોમાંના એક હતા. યુદ્ધ પહેલાં, તેઓ સપના, અર્ધજાગ્રત મન અને તીવ્ર રોમેન્ટિક પ્રેમના અન્વેષણ માટે જાણીતા હતા. જો કે, જ્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને ફ્રાન્સ નાઝી જર્મનીના હાથમાં ગયું, ત્યારે એલ્યુર્ડ ત્યાંથી ભાગ્યા નહીં. તેઓ પેરિસમાં રહ્યા અને તેમની કવિતાનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. તેઓ ફરીથી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા (જે તેમણે અગાઉ છોડી દીધી હતી) અને ગેસ્ટાપો (નાઝી પોલીસ) ની નજર હેઠળ ગુપ્ત સાહિત્ય પ્રકાશિત કરવામાં મદદ કરીને બૌદ્ધિક પ્રતિકારમાં કેન્દ્રિય વ્યક્તિ બન્યા.

જેમ ‘વંદે માતરમ‘ને ભારતનું બિનસત્તાવાર રાષ્ટ્રગીત ગણવામાં આવે છે, તેમ “લિબર્ટી”ને ઘણીવાર રેઝિસ્ટન્સનું બિનસત્તાવાર રાષ્ટ્રગીત માનવામાં આવે છે.

Comments (8)

પથપ્રવર્તક કાવ્યો: ૦૪ : વંદે માતરમ્ – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

National identity behind national flag | PPT | Hinduism | Religion ...

વંદે માતરમ્
સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્
સસ્ય શ્યામલામ્ માતરમ્ ॥વંદે॥ ૧*

શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીમ્
ફુલ્લકુસુમિત દ્રુમદલ શોભિનીમ્
સુહાસિનીમ્ સુમધુર ભાષિણીમ્
સુખદામ્ વરદામ્ માતરમ્ ॥વંદે॥ ૨*

કોટિકોટિ કંઠ કલકલ નિનાદકરાલે
દ્વિસપ્ત કોટિ ભુજૈર્ધૃત ખરકરવાલે
કે બોલે મા તુમિ અબલે
બહુબલ ધારિણીમ્  નમામિ તારિણીમ્
રિપુદલવારિણીમ્ માતરમ્ ॥વંદે॥ ૩

તુમિ વિદ્યા તુમિ ધર્મ તુમિ હૃદિ તુમિ મર્મ
ત્વં હિ પ્રાણાઃ શરીરે
બાહુતે તુમિ મા શક્તિ હૃદયે તુમિ મા ભક્તિ
તોમારૈ પ્રતિમા ગડિ મંદિરે મંદિરે ॥વંદે॥ ૪

ત્વં હિ દુર્ગા દશપ્રહરણધારિણી
કમલા કમલદલ વિહારિણી
વાણી વિદ્યાદાયિની
નમામિ ત્વામ્
નમામિ કમલામ્ અમલામ્ અતુલામ્
સુજલામ્ સુફલામ્ માતરમ્ ॥વંદે॥ ૫

શ્યામલામ્ સરલામ્ સુસ્મિતામ્ ભૂષિતામ્
ધરણીમ્ ભરણીમ્ માતરમ્ ॥વંદે॥ ૬

– બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

આ વર્ષ ભારતના રાષ્ટ્રગાન ‘વંદેમાતરમ્’નું સાર્ધ શતાબ્દી વર્ષ છે. ૭ નવેમ્બર ૧૮૭૫ના દિવસે રચાયેલ ‘વંદે માતરમ્’ ગીતને ૧૫૦ વર્ષ પૂરાં થયાં એની ઉજવણી માટે કેન્દ્ર સરકારે આખું વર્ષ દેશભરમાં વિવિધ અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સંસદમાં હાલ આ ગીતના નામે જે ફારસ ચાલી રહ્યું છે એ અશોભનીય પણ છે અને અપ્રસ્તુત પણ. જો કે આ ઉજવણી અને વિવાદના કારણે ગીત ફરી ચર્ચાના ચોતરે ચડ્યું એય એક હકીકત છે.

કહેવાય છે કે જ્યારે બંકિમચંદ્રની નાનકડી દીકરીએ ‘માતૃભૂમિ કેવી છે?’ એવો પ્રશ્ન એમને પૂછ્યો ત્યારે તેના પ્રત્યુત્તરમાં પિતાએ આ કાવ્યની રચના કરી હતી. ગીતના પ્રથમ બે છંદ સરળ, બોધગમ્ય અને માતૃભૂમિની સૌમ્ય સ્તુતિ માટે સમર્પિત છે, પરંતુ ત્યારબાદના છંદ દેવી દુર્ગાની દિવ્ય શક્તિને રાષ્ટ્રરક્ષાના પ્રતીક તરીકે પ્રસ્તુત કરે છે. ભારતમાતાની રૂપકાત્મક છબીને આકાર અપાયો છે. માતૃભૂમિને એમાં શાંતિ, શાન અને સમૃદ્ધિના પ્રતિનિધિ તરીકે બતાવવામાં આવી છે. ગીતના શબ્દો માત્ર ભૌગોલિક ખૂણાઓ અને નદી-સરોવર માટે જ નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ અને આત્માને પણ અંજલિ આપે છે. આ ગીતે મંત્ર બનીને ગુલામીની અંધારી રાતોમાં ભારતીયોના હૃદયમાં ક્રાંતિની જ્વાળા પ્રગટાવી હતી. અને બ્રિટિશ સામ્રાજ્યને ભયભીત કર્યું હતું.

ભારતીય સ્વતંત્રતાની ચળવળનો આત્મા બની ગયેલી ક્રાંતિકારી રચના ‘વંદે માતરમ’નો ઇતિહાસ ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો છે. ૧૮૭૫માં એ સૌપ્રથમ બંગદર્શન પત્રિકામાં પ્રકાશિત થયું. ‘વંદે માતરમ્’ના માધ્યમથી કવિએ સંદેશ આપ્યો કે માતૃભૂમિ જ સર્વોચ્ચ દેવી છે જે ભારતીય રાષ્ટ્રવાદનો વૈચારિક પાયો બન્યો. ૧૮૭૫માં વંદે માતરમ ગીતનાં પ્રથમ બે છંદ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયા હતા. ૧૮૮૨માં જ્યારે બંકિમચંદ્રએ સત્યઘટના પર આધારિત પોતાની પ્રસિદ્ધ બંગાળી નવલકથા ‘આનંદમઠ’માં એને સંમિલિત કર્યું ત્યારે બીજા ચાર છંદ બંગાળી ભાષામાં ઉમેર્યા. આમ, એક જ ગીતમાં સંસ્કૃત અને બંગાળી –બેય ભાષાનું સંમિશ્રણ થયું. ‘આનંદમઠ’માં આ ગીતનો ઉપયોગ સંઘર્ષગાન અને માતૃવંદના રૂપે થયો અને ત્યારે લોકોનું ધ્યાન એના તરફ ખેંચાયું. વંદે માતરમ્ રચાયું તે પહેલાં ભારતમાતાનું કોઈ ચિત્ર જ નહોતું. વંદે માતરમ્ ગીતમાં ભારતમાતાનું એવું સુંદર શબ્દચિત્ર આલેખાયેલું હતું કે અનેક ચિત્રકારોને આ ગીત પરથી ભારતમાતાનું ચિત્ર બનાવવાની પ્રેરણા મળી.

૧૮૯૬માં કલકત્તા કોંગ્રેસ અધિવેશનમાં આ ગીત સાર્વજનિક રૂપે સૌપ્રથમવાર રવીન્દ્રનાથ ટાગોરે ગાયું. ૧૯૦૫ના બંગાળ વિભાજનનાં ‘બંગભંગ’ આંદોલન દરમિયાન એ આઝાદીનો નારો બની ગયું. લોકો રસ્તાઓ પર ઉતરી આવીને “વંદે માતરમ્”ના જયઘોષથી બ્રિટિશ શાસનને પડકારવા લાગ્યા હતા. ૧૯૦૬માં અંગ્રેજોએ ગીત પર પ્રતિબંધ મૂક્યો, પણ ત્યાં સુધીમાં ગીત દરેક આંદોલનનો આત્મા, દરેક ભારતવાસીનો અવાજ અને ક્રાંતિકારીઓનો પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યુ હતુ. પ્રતિબંધે ગીતને વધુ લોકપ્રિય બનાવ્યું. ૭ ઑગસ્ટ ૧૯૦૬ના રોજ સુરેન્દ્રનાથ બૅનરજીએ કોલકાતા ખાતે જે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવેલો, તેમાં વચ્ચેના પીળા રંગના પટ્ટા પર ‘વંદે માતરમ’ શબ્દો દેવનાગરી લિપિમાં અંકિત થયેલા હતા. સુભાષચંદ્ર બોઝને એ કૂચ ગીત તરીકે એટલું પ્રિય થઈ ગયેલું કે આઝાદ હિંદ ફોજના રેડિયો પરથી એ દૈનિક પ્રસારિત થતું. વંદે માતરમ્ એ માત્ર ગીત જ નહી, દેશભક્તો માટે અભિવાદન અને અભિપ્રેરણાનું સૂત્ર પણ બની ગયું હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓ, જેમ કે સરદાર વલ્લભભાઈ, એકબીજાને પત્રો લખતા કે મળતા ત્યારે અચૂક ‘વંદે માતરમ’થી શરૂ કરી ‘વંદે માતરમ’થી જ પૂર્ણ કરતા. ૧૯૪૦ પછી આ અભિવાદનનું સ્થાન ‘જય હિંદ’ એ લઈ લીધેલું. આઝાદીની લડતમાં લોકજાગૃતિ લાવવા અને ભારતવાસીઓનાં મનમાં આત્મગૌરવ તથા સ્વરાજ્યની મહત્તાની પ્રેરણા પૂરી પાડવાના હેતુથી લખાયેલું ભારતભક્તિના સ્રોત સમું આ ગીત એક અમોઘ શસ્ત્ર સાબિત થયેલું.

૧૯૨૦માં જ્યારે આ ગીતનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો ત્યાર સુધીમાં એ રાષ્ટ્ર્ગાનની લાયકાત મેળવી ચૂક્યું હતું. પરંતુ હિન્દુ-મુસ્લિમ સંબંધો અંગે ચકમક ઝરતા એ વિરોધનું નિશાન પણ બન્યું. મુસ્લિમ લીગે ગીતમાં મૂર્તિ પૂજાને પ્રોત્સાહન અપાયું હોવાનું કહીને એને બિન-ઈસ્લામિક ગણાવ્યું. વળી, જે બંકિમચંદ્રનાં ‘આનંદમઠ’ ઉપન્યાસથી એ પ્રસિદ્ધ થયું, એમાં મુસલમાનોને દેશનાં દુશ્મન બતાવવામાં આવ્યા હતા. ૧૯૩૭માં કોંગ્રેસ કમિટી (રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, અબ્દુલ કલામ આઝાદ, જવાહરલાલ નહેરુ) દ્રારા વંદે માતરમનાં છેલ્લા ચાર છંદને હટાવી લેવાયા. વંદે માતરમની રાજનૈતિક વિવાદની આગમાં અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમ વિભાજનનો રોટલો બરાબર શેક્યો.

૧૫મી ઑગસ્ટ ૧૯૪૭થી આકાશવાણીના કાર્યક્રમોનો શુભારંભ ‘વંદે માતરમ્’ના ગાનથી શરૂ થયેલો, જે પરંપરા હજી પણ આકાશવાણી અને બાદમાં દૂરદર્શન દ્વારા જાળવવામાં આવી છે. ૧૯૫૦માં બંધારણ સભાએ સર્વાનુમતે વંદે માતરમને ભારતનું રાષ્ટ્રીય ગાન જાહેર કર્યું તેમજ એને રાષ્ટ્રગીત જનગણમન સમકક્ષ સન્માન આપવાનું નક્કી થયું. ૧૯૭૬માં શતાબ્દી વર્ષ નિમિત્તે ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. સતત વિરોધ અને વિવાદો વચ્ચે આજેય ‘વંદે માતરમ્’ ગીત દરેક ભારતીયના હૃદયમાં ગુંજે છે, ધબકે છે અને સતત યાદ અપાવે છે કે ભારતની શક્તિ તેની એકતા અને સંસ્કૃતિમાં રહેલી છે.

Comments (18)

માતમ (છાજિયાં) – શેખાદમ આબુવાલા

(પંદરમી ઓગસ્ટ ૧૯૫૨ ઉપર)

હાય આ કેવી મળી અમને બહારો હાય હાય
પાનખરના હરઘડી આવે વિચારો હાય હાય

સાંઝ પણ પડતી નથી કે ક્યાંક છાંયે બેસિયે
આમ તો ક્યાંથી મળે રણમાં ઉતારો હાય હાય

ફૂલ ને ઝાકળ ગળે વળગી રડે છે બાગમાં
રાતની પાછળ હતી કેવી સવારો હાય હાય

કાળજું કળિયોનું ચીરાયું ઘવાયા કંટકો
રંગ કેવા અવનવા લાવી બહારો હાય હાય

આ કયા કાંઠા ઉપર નૈયા અમારી લાંગરી
ઝાંઝવા પેઠે ઠગી બેઠો કિનારો હાય હાય

મ્હેફિલોમાં ઝૂમવા ખાતર અમે ઝૂમ્યા હતા
એટલે આવી ગઈ હોઠે પુકારો : હાય હાય

આટલાં ઠંડાં કદી સૂરજના કિરણો હોય ના
અર્ધી રાતે તો નથી જાગી સવારો હાય હાય

-શેખાદમ આબુવાલા

આઝાદી મળ્યાના માત્ર પાંચ વર્ષ પછી લખાયેલી આ ગઝલ – સૉરી, માતમ માટેનાં છાજિયાં – આજે પણ એટલી જ કન્ટેમ્પરરી (સાંપ્રત) છે. આઝાદી પછી જોવામાં આવેલા સપનાં કોઈના પૂરાં ન થયાં એમાં માત્ર દેશનેતાઓનો જ વાંક કેમ કઢાય, આપણું લોહી પણ અમીચંદોના રક્તકણોનું બનેલું છે… સાંપ્રત કવિતા ક્યારેક કાવ્યતત્ત્વના ભોગે લખાતી હોય છે પણ સમર્થ કવિનો સ્પર્શ વર્તાયા વિના રહેતો નથી. અડધી રાત્રે આઝાદી મળી હોવાનો ચાબખો ગઝલના આખરી શેરમાં કેવા ઠંડા કલેજે કવિ ફટકારે છે !

જેવી છે તેવી, સહુને આઝાદી મુબારક !

Comments (2)

હિંદમાતાને સંબોધન – કવિ કાન્ત

ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !

હિંદુ અને મુસલ્મિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !

પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !

રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !

વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !

સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !

ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !

– કવિ કાન્ત

(સૌજન્ય: ટહુકો)

લયસ્તરોના વાચકમિત્રોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ પ્રસ્તુત છે, આપણી પાઠશાળાઓમાં ગવાતું એક ખૂબ જ જાણીતું અને માનીતું ગીત…  જય હિંદ !

Comments (8)

ઉમાશંકર વિશેષ :૧૫: ભારત

UJo

ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય,
.                             ભારત ઉન્નત નરવર;
ભારત નહિ ગંગા, નહિ યમુના,
.                             ભારત સંસ્કૃતિનિર્ઝર.
ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર,
.                             ભારત આત્મની આરત;
ભારત તપ્ત ગગન કે રણ નહિ,
.                            જીવનધૂપ જ ભારત.
ભારત તે રતનાગર રિદ્ધિ ન,
.                            ભારત સંતતિરત્ન;
ભારત ષડ્ ઋતુ ચક્ર ન, ભારત
.                           અવિરત પૌરુષયત્ન.
ભારત ના લખચોરસ કોશો
.                           વિસ્તરતી જડભૂમિ,
ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ-
.                           વીર પ્રાણની ઊર્મિ.
ભારત એકાકી અવધૂત ન,
.                            કે ચિરનિરુદ્ધ કારા;
ભારત જગની જમાત વચ્ચે
.                            મનુકુલ-મનનની ધારા.

– ઉમાશંકર જોશી

‘લયસ્તરો’ તરફથી સહુ કાવ્ય રસિક મિત્રોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ !!

કવિવર્ય શ્રી ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દીવર્ષની ઉજવણીના અનુસંધાનમાં આજના દિવસનું ઔચિત્ય ધરાવતી કૃતિ.  આઝાદીના ત્રેંસઠ વર્ષ પછી પણ શું આપણે સાચા અર્થમાં સમજી શક્યા છીએ કે ભારત શું છે ?

(ગિરિગહ્વર = પર્વત અને ગુફા, રતનાગર= રત્નોની ખાણ, સમુદ્ર; ચિરનિરુદ્ધ = લાંબા સમય સુધી રોકી ન શકાય એવું)

Comments (12)

એ તે કેવો ગુજરાતી – -ઉમાશંકર જોશી

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર – બધે અનુકૂલ.
જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દૃઢમૂલ.
સેવાસુવાસ જેની ખ્યાતિ;
તે જ બસ નખશિખ ગુજરાતી.

ના, ના, તે નહિ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.
એ તે કેવો ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી,
ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી ?

સાગરપાર આફ્રિકા એડન લંકા સિંગાપુર
મોરિશ્યસ ફિકી ન્યૂઝીલૅન્ડ જાપાન બ્રિટન અતિ દૂર.
કાર્યકૌશલ-આતિથ્ય સુહાતી
બધે ઉર-મઢૂલીઓ ગુજરાતી.

તે નહિ નહીં જ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.

એ તે કેવો ગુજરાતી,
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
ભારતભક્તિ દેશવિદેશ મ જેની ઊભરાતી,
એ તે કેવો ગુજરાતી ?

– ઉમાશંકર જોશી
(૨૯-૦૪-૧૯૬૦)

અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એના બે દિવસ પૂર્વે ઉમાશંકર જોશીએ લખેલું કાવ્ય આજે પણ એટલું જ પ્રસ્તુત લાગે છે.  ગુજરાત સ્થપાયું એ પહેલાંથી કવિને વિશ્વગુર્જરીની વ્યાખ્યા અભિપ્રેત હતી. જે કેવળ ગુજરાતી હો એ તે વળી કેવો ગુજરાતી? ખરો ગુજરાતી તો ન કેવળ ભારત પણ વિદેશમાંય ક્યાંય જઈ વસે તો ત્યાંય અનુકૂલન સાધીને દૃઢમૂલતાથી રહી શકે. ખરો ગુજરાતી તો એ જ જેના હૃદયની મઢૂલીઓ કાર્યકુશળતા અને આતિથ્યભાવથી જ શોભતી હોય. સાચો ગુજરાતી તો એ જ જેની છાતી દેશપ્રેમથી છલકાતી હોય…

આજે ગુજરાત સ્થાપના દિને વિશ્વભરના ગુજરાતીઓને એમનું ગુજરાતીપણું વધુ ને વધુ વિસ્તરતું રહે એવી શુભકામનાઓ…

Comments (16)

सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – २)

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘  અને ‘જંગ’ અખબારના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’નું જતન થઈ રહ્યું છે.. આ નિમિત્તે યોજવા વિચારેલ ફિલબદી મુશાયરામાં ઘણા ભારતીય કવિઓએ પોતાની રચનાઓ મોકલાવી. ગયા શનિવારે આપે આ ઉપક્રમે ભાગ – ૧ માણ્યો. આજે બીજો અને અંતિમ ભાગ…

કેટલીક રચનાઓ સરસ હોવા છતાં કવિતાના નિયમોને અનુસરતી ન હોવાના કારણે અહીં સમાવી શકાઈ નથી. આજે બારડોલી અને સુરતના કવિઓની કૃતિઓ માણીએ:

કવિ મુકુલ ચોક્સીને ગોળી-દારૂખાનાના રૂઢ થઈ ગયેલા ચલણના સ્થાને દિલોના-પ્રેમના અરૂઢ ચલન અપેક્ષિત છે:

बारूद गोलियों का न नामोनिशां रहे,
ऐसा करो की सिर्फ दिलो का चलन रहे  |

लाशें वहाँ गिरे तो यहाँ आँसू गिर पड़े,
हो जख्म इस तरफ तो वहाँ पर रुदन रहे |

બારડોલીના સંધ્યા ભટ્ટ કાંટા વિનાના ચમન અને ટુકડા વિનાના ભુવનના હિમાયતી છે:

કંટકને ચાલો આપણે ઉખાડી ફેંકીએ,
ધરતી ઉપર ફૂલોથી ચહેકતું ચમન રહે.

ટુકડાથી અહીં ચાલશે ન આપણું કશું,
બસ, આપણું તો આખું ને આખું ભુવન રહે.

ગૌરાંગ ઠાકર પ્રેમથી આગળ વધીને ઈંસાનિયત સુધી પહોં ચે છે:

उस पार तुझ में मैं रहुं, ईस पार मुझ में तुं
कुछ युं करे, हमारा मुहब्बत में मन रहे

मझहब की बात छोड के ईन्सानीयत लिखेँ
कोशिश हमारी है यहाँ शेरो-सुखन रहे

-સુરતના અગ્રસર કવિ કિરણકુમાર ચૌહાણ પણ બે દેશો વચ્ચેના સતત તણાવથી વ્યથિત છે અને ફૂલની જેમ કાંટાઓની વચ્ચે પણ મહેંકવા ઇચ્છે છે:

कब तक डरे यूँ और दिलो में घुटन रहे,
कब तक यूँ रोता और बिलखता ये मन रहे ?

आतंक से भी पेश चलो आयें इस तरह,
काँटों के बीच जैसे महकता सुमन रहे |

– સુરતના કવયિત્રી દિવ્યા મોદી સાંપ્રત ધારામાં વહી રહ્યા હોવાની પ્રતીતિ ‘ટશન’ જેવા કાફિયાપ્રયોગ વડે કરાવે છે.  એમની ગઝલમાં જે બદલાવની વાત છે એ તાજગીકર છે:

बदली  हुई  हवाए  हैं , बदली है हर  दिशा,
बदली हुई फिज़ाओमें  बदला पवन रहे.

संसार को  दिखा  दें  के  हम एक हैं सभी,
अपना ये भाईचारा ही अपना टशन रहे.

રઈશ મનીઆર સરહદની વાસ્તવિક્તા અને અનિવાર્યતા સ્વીકારી લઈને વધુ તાર્કિક વાત કરે છે:

કેવી રીતે આ વાડના વશમાં પવન રહે ?
વાદળ તો વરસે એમ ઉભયનું જતન રહે;
સરહદની આ લકીર જરૂરી ભલે ને હોય,
સરહદની બંને બાજુ મહેકતું ચમન રહે !

– અંતે ઉર્દૂ અને ગુજરાતી- મિશ્ર ભાષામાં લખેલી મારી એક બિનસરહદી ગઝલના બે શેર:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

-વિવેક મનહર ટેલર

Comments (10)

૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ – ઉમાશંકર જોશી

લયસ્તરોના વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ !

*

જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે ? આવ.
જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા
પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું છે ? આવ.
જેની પ્રભાત-લહરી મહીં અમ સ્વપ્નભરી
આશાઓની ખુશ્બો જઈ વસી છે, તે તું જ ? આવ.
આવ હે સુદિન અમ મુક્તિ તણા !

ઊગેલો જે સૂર્ય આર્ય-ગોત્રો પરે,
ગાયત્રીમંત્રની શુચિ વંદનાને પામેલો જે,
હોમાગ્નિના સુગંધી ધૂપે જે સદા સ્પર્શાયેલો;
સિંધુતટ ઉપરના પાતાલ-વિલીન મહા
હડપ્પા આદિ પ્રાચીન નગરોની અગાશીએ
હાસ્યના ફુવારા નિત્ય ઉડાવી રમેલો જેહ;
કુરુક્ષેત્રમાં ક્યારેક સુભટોના ધનુષ્યોના
ટંકારે જાગ્રત થયો, કૈંક વાર ફેલાયેલી
સર્વભક્ષી ખડ્ગજિહ્વાઓ પરે જે નર્તી રહ્યો;
શક દૂણો ક્ષત્રપો ને ગુર્જરોનાં –
અરબો પઠાણો તુર્ક મુઘલોનાં –
રેલ્યાં પૂર, તેનાં મહાતરંગોમાં
ડોલતો આકાશ થકી મલક્યા કરતો જે હતો;
કૃષ્ણ મહાવીર બુદ્ધ રાજર્ષિ અશોક હર્ષ
અકબ્બરના ખમીર વડે જે તેજસ્વી હતો;
ધૂંધળો રહેલો બે શતક જે,
ધૂંધવાયો પૂરો એક શતક જે,
એ જ કે પ્રકાશવાનો સૂર્ય આજે ?

ઊગે તું નિષ્પ્રભ ભલે આજે મેઘાચ્છન્ન નભે,
પુરુષાર્થના પ્રખર પ્રતાપે મધ્યાહ્ન તારો
દીપો ભવ્ય તપોદીપ્ત !
હે સુદિન મુક્તિ તણા !
રાહ જોતા હતા જેની, તે જ તું આવ્યો છે ? આવ.

– ઉમાશંકર જોશી

આજના જ દિવસે- પંદરમી ઑગસ્ટે બાંસઠ વર્ષ પૂર્વે જ્યારે લગભગ બસો વર્ષની ગુલામી અને સોએક વર્ષની લડત બાદ આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે લોકોમાં જે જુસ્સો અને ઉમંગ હતો એ અવર્ણનીય અને કદાચ અનિર્વચનીય હતો. છતાં કવિઓએ એ દિવસને કાવ્યદેહે કંડારવાની મથામણ તો કરી જ.

સવાર પડે ત્યારના આકાશની લાલિમામાં કવિને મોઢેથી ધાવણ સૂકાયું ન હોય એવા યુવાન શહીદોનું લોહી નજરે ચડે છે. સવારના પહેલા પવનમાં જે સુગંધ છે એ જાણે ભારતવાસીઓની આશાની ન હોય !

જે સૂર્ય આર્યાવર્ત પર પ્રકાશ્યો હતો, વેદકાળના ઋષિઓના હોમ-હવનનો સ્પર્શ પામ્યો હતો, સિંધુતટની પ્રાચીન સંસ્કૃતિનો સાક્ષી હતો, કુરુક્ષેત્ર જેવી ભીતરની લડાઈથી માંડીને શક, હૂણ, આરબ, મુઘલો જેવા બાહ્યાક્રમણોથી સંક્રાંત થયા પછી પણ જેનું હાસ્ય વિલોપાયું નહોતું, જે સૂર્યે કૃષ્ણ, મહાવીર, બુદ્ધ જેવા મહર્ષિઓના ખમીરગાન ગાયા છે એ જ સૂર્ય બબ્બે સદીઓની ગુલામી અને એક સદીની લડાઈના અંતે આજે પ્રકાશવાનો છે કે શું ? આજે ઑગસ્ટ મહિનાના ચોમાસાચ્છાદિત આકાશમાં કદાચ એ નજરે ન પણ ચડે, પણ પુરુષાર્થના આકાશમાં તો એ સદૈવ મધ્યાહ્ને જ તપવાનો ને ?

કવિતાની શરૂઆતમાં અને અંતે એમનો સાશંકિત પ્રશ્ન દોહરાવ્યે રાખે છે કે જે મુક્તિદિવસની અમે રાહ જોતા હતા એ જ સાચે આવ્યો છે ? અને મુક્તિનું આગમન કેવું હોય ? એમાં કોઈ શરત કે ઉપાલંભ ક્યાંથી હોય ? એના આગમનમાં કોઈ વૃથા શબ્દાડંબર પણ કેમ શોભે ? મુક્તિ તો જ્યારે અને જે સ્વરૂપે મળે, એ માત્ર આવકાર્ય જ હોવાની. અને એટલે જ કવિ એના સ્વાગત કાવ્યારંભે ત્રણવાર અને અંતે ફરીથી એકવાર માત્ર એક જ શબ્દથી કરે છે – આવ.

Comments (7)

ગાંધીને પગલે પગલે – ઉમાશંકર જોશી

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;
પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.
અશોકધર્મલિપિથી ઉર પાવન;
જિનવર-શિષ્યોની મનભાવન.
સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,
મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.
મસ્જિદ મંદિર વાવ તોરણે
લચે રમ્યતા તવ વને-રણે.
બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

-ઉમાશંકર જોશી

આજે ત્રીસમી જાન્યુઆરી, ગાંધીનિર્વાણદિને લયસ્તરો તરફથી આ યુગમાનવને શત શત કોટિ વંદન…

પોતાના ગુજરાત રાજ્યને ગાંધીના પગલે પગલે ચાલવાનું આહ્વાન આપતા કવિ આ ધરતી કૃષ્ણ, જરથુષ્ટ્ર, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના સંસ્કારોથી સિંચિત હોવાનું અને નરસિંહ-મીરાં જેવા ભક્તકવિઓ અને સરદાર જેવા શૂરાઓની સિંહડણક અને ગાંધીના સત્ય-અહિંસાની આંખે દેખતી હોવાનું યાદ કરાવે છે.

ગુજરાતના જન્મસમય સમીપે લખાયેલા આ ગીતમાં કવિ ગુજરાતને મળેલા ‘વિવેકબૃહસ્પતિ’ બિરુદની વાત કરે છે. આ વિશેનો સંદર્ભ શોધવામાં હું નિષ્ફળ રહ્યો છું. કોઈ સુજ્ઞ વાચકમિત્ર એના વિશે જાણકારી આપશે તો અહીં સાભાર નોંધ લઈશું…

Comments (10)

ભારતમહિમા – ન્હાનાલાલ

પ્રાચીનોમાંયે પ્રાચીન,
પૃથ્વીની પહેલી પુત્રી
છે આર્યાવર્તની આર્યપ્રજા.

જગતના મહાધર્મોની ધાત્રી,
પૃથ્વીના તત્વજ્ઞાનની જનની
પ્રેમશૌર્યના રણશિંગડા સરિખડી
ગગનભેદી સદા કવિતા ગાતી,
વેદોચ્ચારિણી યશસ્વિની અંબા
ભારતમાતા બીજી નથી અવનિ ઉપર.

એના વિજયટંકાર રક્તરંગી નથી,
દેહના નહીં, પણ દૈવી છે;
આત્માની પરમ શાન્તિના છે;
જડના નથી, ચેતનના છે
માટે જ દૃશ્ય છે ચેતનદ્રષ્ટાને.

યુગયુગથી લૂંટાય ત્હોય
સદા શણગારવતી શોભતી :
સૈકે-સૈકે ઘવાય ત્હોય
સદાની એ સજીવન.

નક્ષત્રમાલાની પરંપરા સમી
ત્હેના ધર્મોદ્ધારકોની પરંપરા
બીજું આકાશ હોય
તો દાખવાય ત્હેમાં.

સમસ્ત દુનિયાના ઈતિહાસનું
મધ્યબિંદુ છે એશિયા :
ને ભરતખંડની મહાકથા છે
એશિયાના ઈતિહાસનું કેન્દ્ર.

પૂર્વ અને પશ્ચિમનાં પલ્લાંની
દાંડી ભારત છે;
ને ઉભય ગોલાર્ધની દૈવી સંપત્તિ
તોળશે તે નજીકના ભવિષ્યમાં.

– ન્હાનાલાલ

લયસ્તરોના વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ !

છંદના ઝાંઝર બંધનરૂપ લાગતાં કવિ ન્હાનાલાલે નાની-મોટી પંક્તિઓમાં આંતરિક લય જાળવીને ડોલનશૈલીની રચના કરી હતી જે કદાચ આપણી ભાષામાં છંદ-મુક્તિનો પ્રથમ પ્રયોગ હતો. આ શૈલીમાં ભાવનાતત્ત્વને કેન્દ્રમાં રાખી લખેલાં કેટલાક નાટકોમાંના “ઇન્દુકુમાર અંક:1″માંનો અછાન્દસ ખંડ અહીં લીધો છે. દેશભક્ત નેપાળી જોગણ નામની સંન્યાસિની ભારત અને એની પ્રાચીનતમ સંસ્કૃતિની લાગણીસભર પ્રશંસા કરી ભારતમહિમા ગાય છે. એમાં સ્વદેશવત્સલતા છે અને સચ્ચાઈનો ભાવ પણ છે. ભારતની અહિંસા, સત્ય, ધર્મ, આધ્યાત્મિક્તા વગેરેની સંપત્તિને કવિએ છટાદાર વાણીમાં વ્યક્ત કરીને પોતાનો દેશપ્રેમ-સંસ્કૃતિપ્રેમ સબળ રીતે વ્યક્ત કર્યો છે.

(કાવ્ય અને ટૂંકનોંધ ‘ગુજરાતી વાચનમાળા’ ધોરણ-૯, ૧૯૮૧માંથી સાભાર)

(ધાત્રી=પોષણ આપનારી, ઉભય=બંને)

Comments (5)

ગૂજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી

મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમરતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
.             ગૂજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
.             ગૂજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે,
.             ગૂજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે,
.             ગૂજરાત મોરી મોરી રે.

નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગૂજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ?
.             ગૂજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.

-ઉમાશંકર જોશી

આજે પહેલી મે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે લયસ્તરોના ભાવકમિત્રો માટે ઉમાશંકર જોશીનું આ લોકપ્રિય ગીત એની મૂળ જોડણી સાથે. ગુજરાત રાજ્ય તો મળી ગયું, હવે એને ટકાવી રાખવાનું છે આપણે. આપણું ગુજરાતીપણું અંગ્રેજીની લ્હાયમાં આવનાર પચાસ-સો વર્ષમાં લોપ ન થઈ જાય એની જવાબદારી આપણા  સૌના માથે છે. ગુજરાત સ્થાપના દિને અમારો આજ સંદેશો છે – “બનીએ હજી વધુ ગુજરાતી.”

Comments (7)

સપૂત – કૃષ્ણલાલ શ્રીધરાણી

Daandi-kuch
(દાંડીકૂચ….                                                             …પ્રારંભ, ૧૨-૦૩-૧૯૩૦)

“આવવું ન આશ્રમે – મળે નહિ સ્વતંત્રતા !
જંપવું નથી લગાર – જો નહિ સ્વતંત્રતા !
સ્નેહ, સૌખ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા !
જીવવું મર્યા સમાન – ના યદિ સ્વતંત્રતા !
પુત્ર-દાર !
જન્મમૃત્યુના જુહાર !
જંપવું ન, જાલિમો ય જંપશે ન, સૌ ખુવાર !
મૃત્યુ કે સ્વતંત્રતા : લખી ન આ લલાટ હાર !”
આકરા પુકારી કોલ, વીરલા રણે ચડ્યા !
ખેતરો ખૂંદ્યાં અને ભમ્યા અનેક ગામડાં !
મહી વટ્યા, ઝૂલ્યા સપૂત માત-અંક-નર્મદા !
ઝૂંપડે જઈ વસ્યા, પ્રજા-અવાજ પામવા !
મોખરે ધપે હસી હસી જવાન ડોસલો !
સર્વ સાથ – કોઈ ના – બધું સમાન : એકલો !
રાષ્ટ્રદેવ ! રાષ્ટ્રપ્રાણની પીછે સહુ ધસ્યા !
એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા !
પગો પડે !
સુવર્ણ માટીમાં મઢે !
અસંખ્ય ઊમટી પ્રજા પુનિત પાદમાં પડે !
જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે !
જીવશે ન – જીવવા દઈ સપૂત – જાલિમો !
મારશે ય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો !

-કૃષ્ણલાલ શ્રીધરાણી

આજે બારમી માર્ચના ઐતિહાસિક દિવસે કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો આશ્રમમાં નહીં ફરૂંની ઐતિહાસિક પ્રતિજ્ઞા કરીને મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમમાંથી મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા માટે ઓગણાએંસી અંતેવાસીઓ સાથે દાંડી તરફ કૂચ આદરી હતી. સુખ-શાંતિ, પત્ની-પુત્ર બધાને જાણે કે અંતિમ જુહાર કરીને, જંપવું નહીં અને જાલિમોને જંપવા દેવું નહીં એવા આકરા કોલ સાથે બાપુ ફનાના માર્ગે નીકળી પડ્યા હતા. આ પ્રસંગને સુપેરે આલેખતું આ કાવ્ય એ સમયના ઈતિહાસને સાંગોપાંગ આપણી નજર સમક્ષ ખડો કરી દે છે. મુક્તિનો મહેલ કંઈ સોના-ચાંદીની ઈંટોનો નથી ચણાતો, એ તો ચણાય છે રાખનો જેવી અગત્યની વાત કરીને આ આખા પ્રસંગચિત્રમાં સનાતન કવિતાનો પ્રાણ રેડી દે છે. આખા કાવ્યમાં -નાનપણમાં ભણવામાં આવતું હતું ત્યારથી- જે શબ્દપ્રયોગ મારા હૃદયમાં અંકિત થઈ ગયો છે એ છે ‘જવાન ડોસલો’. આ એક જ શબ્દ-પ્રયોગમાં રાષ્ટ્રપિતાને જે અંજલિ આ ગુજરાતી કવિએ આપી છે, એ અન્ય કોઈ ભાષામાં કદાચ કદી નહીં અપાઈ હોય!

(સૌખ્ય=સુખ, શાતા; દાર=પત્ની; જુહાર=નમસ્કાર; અંક=ખોળો)

Comments (18)

યાહોમ કરીને પડો – કવિ નર્મદ

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..

સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે…યા હોમ..

-કવિ નર્મદ

કવિ નર્મદની જન્મજયંતી નિમિત્તે આજે એમની એક લબ્ધપ્રતિષ્ઠ કૃતિ… “યાહોમ કરીને પડો, ફતેહ છે આગે“- આ પંક્તિ તો આજે કહેવતકક્ષાએ પહોંચી ચૂકી છે. કવિ નર્મદનો પરિચય અને એમની અન્ય કૃતિઓ આપ અહીં વાંચી શક્શો. લયસ્તરો તરફથી યુગક્રાંતિના આ પ્રણેતાને સો સો જુહાર…

Comments (4)