મનગમતી કોઈ પંક્તિ અચાનક કદી જડે
તો થાય છે, આવી ગઈ જાગીર હાથમાં !
નયન દેસાઈ

ભારતમહિમા – ન્હાનાલાલ

પ્રાચીનોમાંયે પ્રાચીન,
પૃથ્વીની પહેલી પુત્રી
છે આર્યાવર્તની આર્યપ્રજા.

જગતના મહાધર્મોની ધાત્રી,
પૃથ્વીના તત્વજ્ઞાનની જનની
પ્રેમશૌર્યના રણશિંગડા સરિખડી
ગગનભેદી સદા કવિતા ગાતી,
વેદોચ્ચારિણી યશસ્વિની અંબા
ભારતમાતા બીજી નથી અવનિ ઉપર.

એના વિજયટંકાર રક્તરંગી નથી,
દેહના નહીં, પણ દૈવી છે;
આત્માની પરમ શાન્તિના છે;
જડના નથી, ચેતનના છે
માટે જ દૃશ્ય છે ચેતનદ્રષ્ટાને.

યુગયુગથી લૂંટાય ત્હોય
સદા શણગારવતી શોભતી :
સૈકે-સૈકે ઘવાય ત્હોય
સદાની એ સજીવન.

નક્ષત્રમાલાની પરંપરા સમી
ત્હેના ધર્મોદ્ધારકોની પરંપરા
બીજું આકાશ હોય
તો દાખવાય ત્હેમાં.

સમસ્ત દુનિયાના ઈતિહાસનું
મધ્યબિંદુ છે એશિયા :
ને ભરતખંડની મહાકથા છે
એશિયાના ઈતિહાસનું કેન્દ્ર.

પૂર્વ અને પશ્ચિમનાં પલ્લાંની
દાંડી ભારત છે;
ને ઉભય ગોલાર્ધની દૈવી સંપત્તિ
તોળશે તે નજીકના ભવિષ્યમાં.

– ન્હાનાલાલ

લયસ્તરોના વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ !

છંદના ઝાંઝર બંધનરૂપ લાગતાં કવિ ન્હાનાલાલે નાની-મોટી પંક્તિઓમાં આંતરિક લય જાળવીને ડોલનશૈલીની રચના કરી હતી જે કદાચ આપણી ભાષામાં છંદ-મુક્તિનો પ્રથમ પ્રયોગ હતો. આ શૈલીમાં ભાવનાતત્ત્વને કેન્દ્રમાં રાખી લખેલાં કેટલાક નાટકોમાંના “ઇન્દુકુમાર અંક:1″માંનો અછાન્દસ ખંડ અહીં લીધો છે. દેશભક્ત નેપાળી જોગણ નામની સંન્યાસિની ભારત અને એની પ્રાચીનતમ સંસ્કૃતિની લાગણીસભર પ્રશંસા કરી ભારતમહિમા ગાય છે. એમાં સ્વદેશવત્સલતા છે અને સચ્ચાઈનો ભાવ પણ છે. ભારતની અહિંસા, સત્ય, ધર્મ, આધ્યાત્મિક્તા વગેરેની સંપત્તિને કવિએ છટાદાર વાણીમાં વ્યક્ત કરીને પોતાનો દેશપ્રેમ-સંસ્કૃતિપ્રેમ સબળ રીતે વ્યક્ત કર્યો છે.

(કાવ્ય અને ટૂંકનોંધ ‘ગુજરાતી વાચનમાળા’ ધોરણ-૯, ૧૯૮૧માંથી સાભાર)

(ધાત્રી=પોષણ આપનારી, ઉભય=બંને)

5 Comments »

  1. pragnaju said,

    August 15, 2008 @ 8:06 AM

    પ્રસંગ અનુરુપ ખૂબ સુંદર

  2. Pinki said,

    August 15, 2008 @ 8:07 AM

    સ્વાતંત્ર્યદિન મુબારક !!

    પૂર્વ અને પશ્ચિમનાં પલ્લાંની
    દાંડી ભારત છે;
    ને ઉભય ગોલાર્ધની દૈવી સંપત્તિ
    તોળશે તે નજીકના ભવિષ્યમાં.

    નજીક હવે વર્તમાનકાળ બની ચૂક્યું છે….કે નહિં ?!!
    સમૃદ્ધ ભૂતકાળને તરોતાજા રાખે તેવી રચના

  3. ધવલ said,

    August 15, 2008 @ 12:20 PM

    સરસ ! સ્વતંત્રતાદિન મુબારક !

  4. Jayshree said,

    August 15, 2008 @ 12:56 PM

    સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ….

  5. mahesh Dalal said,

    August 15, 2008 @ 2:19 PM

    આજ્ના દિને યાદ કરિ ફરિ ગિત ગુન ગુનાવિ એ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment