આપણો વહેવાર જૂઠો, આપણી સમજણ ગલત,
લાગણીમય તોય છે તારી રમત, મારી રમત.
− ચિનુ મોદી

ગૂજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી

મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમરતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
.             ગૂજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
.             ગૂજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે,
.             ગૂજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે,
.             ગૂજરાત મોરી મોરી રે.

નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગૂજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ?
.             ગૂજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.

-ઉમાશંકર જોશી

આજે પહેલી મે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે લયસ્તરોના ભાવકમિત્રો માટે ઉમાશંકર જોશીનું આ લોકપ્રિય ગીત એની મૂળ જોડણી સાથે. ગુજરાત રાજ્ય તો મળી ગયું, હવે એને ટકાવી રાખવાનું છે આપણે. આપણું ગુજરાતીપણું અંગ્રેજીની લ્હાયમાં આવનાર પચાસ-સો વર્ષમાં લોપ ન થઈ જાય એની જવાબદારી આપણા  સૌના માથે છે. ગુજરાત સ્થાપના દિને અમારો આજ સંદેશો છે – “બનીએ હજી વધુ ગુજરાતી.”

7 Comments »

  1. tirthesh said,

    May 1, 2008 @ 2:50 AM

    હવે હુ આવી ગયો છુ મેદાન મા.હજુ ગુજરાતી લખતા ફાવતુ નથી.

  2. Niraj said,

    May 1, 2008 @ 7:56 AM

    ગુજરાત દિનની હાર્દિક શુભેચ્છાઓ.. જય જય ગરવી ગુજરાત..

  3. pragnaju said,

    May 1, 2008 @ 9:26 AM

    ગુજરાત દિનનાં અભિનંદન
    ગુજરાત,ગુજરાતી ભાષા,ગુજરાતીપણું લોપ ન થઈ જાય તેના પ્રયત્નોમાં સર્વ શક્તીમાન શક્તી દે તેવી પ્રાર્થના-ત્રીજી ચોથી પેઢીની વાત જવા દઈએ તો પહેલી બીજી પેઢી પણ આ વાત સ્વીકારે તો આનંદ!

  4. ધવલ said,

    May 1, 2008 @ 6:58 PM

    ગુજરાત દિનના અભિનંદન !

    ગુજરાત વિષે દિવ્ય-ભાસ્કરે સરસ લેખ-સંપૂટ પ્રકાશિત કર્યો છે એ જોવા જેવો છે. લીંક : http://shrunklink.com/apvn

  5. Pinki said,

    May 2, 2008 @ 12:41 AM

    મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
    ગૂજરાત મોરી મોરી રે.

    ગુજરાત સ્થાપના દિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ……..! !

  6. ચૈતન્ય એ. શાહ said,

    May 2, 2008 @ 1:27 AM

    ગુજરાત દિનની હાર્દિક શુભેચ્છાઓ.. જય જય ગરવી ગુજરાત..

  7. ચાંદસૂરજ said,

    May 2, 2008 @ 5:07 AM

    ગુજરાત દિન નિમિત્તે હાર્દિક અભિનંદન !
    ઉમાશંકર જોશીની કલમે મા ગુર્જરીની કેટલી સુંદર વંદના !
    ગુર્જરીમાને કંઠેથી નીતરતાં ગુર્જર હાલરડાં તો ભલા ગુજરાતી ભાષામાં જ મીઠાં લાગે ને ! વળી ગુજરાતના નરકેસરીઓની ત્રાડ સાંભળવાનો આનંદ પણ ગુર્જરીમાને ખોળે બેસી, એને હૈયેથી વહેતી ગુર્જરભાષાની સરવાણીમા સાંપડે ! આવો એજ સંકલ્પ કરીએ કે ગુજરાતી ભાષાની અસ્મિતાને કદી ઝાંખી પડવા નહિ દઈએ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment