કૃષ્ણલાલ શ્રીધરાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
April 6, 2024 at 12:42 PM by તીર્થેશ · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, ગીત
સંધ્યા આવી પૂરે કોડિયાં,
. આભ અટારી શણગારે;
વિભાવરી શરમાતી આવી,
. નવલખ જ્યોતિ પ્રગટાવે!
. ચાર દિશાના વાયુ વાય;
. થથરે, પણ નવ બૂઝી જાય!
અંબર ગરબો માથે મેલી,
. આદ્યા જગમાં રાસ રમે!
નવલખ તારા છિદ્રો એનાં,
. મીઠાં મહીંથી તેજ ઝમે!
. વ્યોમ તણેયે પેલે પાર!
. જયોત ઝબૂકે જગ-આધાર
– કૃષ્ણલાલ શ્રીધરાણી
સાવ ટબૂકડું પણ કેવું મજાનું ગીત! રાત્રે આકાશમાં તારાઓને ટમટમતાં આપણે સહુ જોઈએ છીએ. આ તો રોજેરોજનું દૃશ્ય છે, પણ કવિની તો દૃષ્ટિ જ અલગ. કવિના લેન્સમાંથી હજારોવાર જોયેલી વસ્તુ પણ અચંબો થાય એવી નવીન લાગે. પ્રસ્તુત રચના એનું બળકટ દૃષ્ટાંત છે. સાંજ આકાશના કોડિયાઓમાં લાલ-કેસરી રંગોનું તેલ પૂરીને આભઅટારીને શણગારે છે. સાંજના ધીમે ધીમે ઢળવા અને રાતના ધીમે ધીમે રેલાવાની ક્રિયાને કવિ રાત શરમાતી શરમાતી આવે છે એમ કહીને નવું જ પરિમાણ બક્ષે છે. અંધારું થાય નહીં ત્યાં સુધી તારાઓ ચમકતા દેખાય નહીં એ તથ્યમાં કવિને શર્મિલી વહુ નવલખ જ્યોતિ પ્રગટાવતી નજરે ચડે છે. સામાન્યરીતે વાયુ વાય એટલે દીવાની જ્યોત થથરવા માંડે અને બુઝાઈ પણ જાય. ઝબુક ઝબુક કરતા પણ ગાયબ ન થતા તારાઓમાં કવિને આ દૃશ્ય દેખાય છે. હવે તો નવરાત્રિમાં માથે ગરબો મેલીને રમવાની પ્રથા નામશેષ થવા આવી છે, પણ જે સમયે આ ગીત રચાયું હતું એ સમયે એવું નહોતું. ગરબો એટલે ઘણાબધાં કાણાંવાળું માટલું, જેની અંદર દીવડો મૂક્યો હોય અને એને માથે લઈને સ્ત્રી માતાની મૂર્તિ કે તસવીર સમક્ષ રાસ રમે. (આજે આપણે આ ક્રિયાને જ ગરબો કહેવા માંડ્યા છીએ.) આખું અંબર એક ગરબો હોય, મીઠાં તેજ વરસાવતા તારાઓ એમાં કરાયેલ નવલખ છિદ્રો હોય અને સ્વયં આદ્યાશક્તિ એને માથે મેલીને રાસ રમતી હોય એ કલ્પન ધ્યાનમાં રાખીને રાત્રે આકાશમાં મીટ માંડજો. કવિએ કેવી કમાલ કરી છે એ સમજાશે. જે રીતે ગરબામાં કરાયેલ છિદ્રોમાંથી તેજ ઝમતું તો નજરે ચડે છે, પણ તેજ રેલાવનાર દીવો નજરે ચડતો નથી એ જ રીતે નજરે ચડતા આકાશની પેલે પાર દુનિયાના આધાર સમી જ્યોત ઝબૂકી રહી છે એમ કહીને ઈશ્વર તરફ અંગૂલિનિર્દેશ કરીને કવિ ગીતને નવી જ ઊંચાઈ બક્ષે છે.
Permalink
September 18, 2017 at 4:23 AM by તીર્થેશ · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, ગીત
ઘંટના નાદે કાન ફૂટે મારા,
. ધૂપથી શ્વાસ રૂંધાય;
ફૂલમાળા દૂર રાખ પૂજારી,
. અંગ મારું અભડાય:
. ન નૈવેદ્ય તારું આ!
. પૂજારી પાછો જા!
મંદિરના આ ભવ્ય મહાલો,
. બંધન થાય મને;
ઓ રે, પૂજારી! તોડ દીવાલો,
. પાષાણ કેમ ગમે?
. ન પ્રેમનું ચિહ્ન આ!
. પૂજારી પાછો જા!
એરણ સાથે અફાળે હથોડા
. ઘંટ તણો ઘડનાર;
દિન કે રાત ન નીંદર લેતો:
. (ને) નૈવેદ્ય તું ધરનાર?
. ખરી તો એની પૂજા!
. પૂજારી પાછો જા!
દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે?
. બહાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું,
. પ્રેમ નહીં, પથરા:
. ઓ તું જોને જરા!
. પૂજારી પાછો જા!
માળી કરે ફૂલ-મહેંકતી વાડી,
. ફૂલને તું અડ કાં?
ફૂલને ધરે તું : સહવા એને
. ટાઢ અને તડકા!
. આ તે પાપ કે પૂજા?
. પૂજારી પાછો જા!
ઓ રે, પૂજારી! આ મંદિર કાજે
. મજૂર વ્હે પથરા;
લોહીનું પાણી તો થાય એનું
. ને નામ ખાટે નવરા!
. અરે તું ના શરમા?
. પૂજારી પાછો જા!
ખેડૂતને અંગ માટી ભરાતી
. અર્ધ્ય ભર્યો નખમાં;
ધૂપ ધર્યો પરસેવો ઉતારી
. ઘંટ બજે ઘણમાં:
. પૂજારી સાચો આ!
. પૂજારી પાછો જા!
Permalink
August 5, 2016 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કૃષ્ણલાલ શ્રીધરાણી
સૂતી હતી બાથ મહીં સુંવાળી,
હતાં કર્યાં બંધ બધાંય બારણાં :
છાતી પરે સ્નિગ્ધ સુકેશ ઢાળી,
બુઝાવીને દીપક કીકીઓ તણા :
ન દેખવું કે નવ બોલવું જરી,
ન વાંચવી અંતરની કિતાબ;
બે દેહની એક અખંડતા કરી,
છાતી કરે બેઉ અબોલ સાદ :
અંધારની અંગ ધરી પછેડી;
નિસ્તબ્ધતાના પડદા રહ્યા લળી :
ચંપા તણાં પર્ણ જરા ખસેડી
બારી થકી ચંદ્રી પડે જરા ઢળી :
જે ઓષ્ઠ મારા, મુજ એકલાના,
તે ચૂમવા ચંદ્ર કરે ? નહીં! નહીં!
ચંપા તણાં પર્ણ વદેય ‘ના, ના!’
ને છાંય એની વળી ઓષ્ઠ પે પડી !
પ્રકાશને મ્હાત કર્યો તદા ફરી,
અંધાર જીત્યું સઘળું જતો હરી!
– કૃષ્ણલાલ શ્રીધરાણી
દેશ આખો ગાંધીજીના પ્રભાવમાં અને પ્રવાહમાં કેદ હતો એવા ટાણે ૧૯૩૨ની સાલમાં શ્રીધરાણી પાસેથી આવું ઉમદા રતિરાગનું કાવ્ય મળે છે.
સંભોગની ચરમસીમા પછીની આરામની પળોમાં જોવા-બોલવાનું કશું હોતું નથી, મનોભાવ વાંચવાનુંય વ્યર્થ છે. બે દેહ એક થઈ જાય એનું પ્રેમગાન જ અબોલ સાદ કરતું હોય છે. આવામાં ચંદ્રની ચાંદની પ્રિયાના હોઠ પર પડતી જોઈ કવિની ‘પઝેસિવનેસ’ જાગૃત થાય છે. પણ ચાંદનીને હટાવવા ચંપાના પાંદડાનો પડછાયો કામમાં આવે છે એ પણ બીજી જ ક્ષણે પ્રિયાના અધરોષ્ઠ ચુંબનમાં ભાગ પડાવી કવિને હરાવી જતો હોય એમ લાગે છે.
કવિતા વાંચીએ ત્યારે આધિભૌતિક કવિતા (મેટાફિઝિકલ પોએટ્રી)ના પિતા જોન ડૉનની “ધ સન રાઇઝિંગ” કવિતા યાદ આવી જાય જેમાં રતિરત પ્રિયતમાને બારીના પડદા વચ્ચેથી પ્રવેશીને ખલેલ પહોંચાડતા સૂર્યને કવિ ખખડાવે છે.
Permalink
September 27, 2014 at 12:30 AM by વિવેક · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, સોનેટ
(પૃથ્વી)
અમે જઈ ઊભાં ઊંચે લળતી નાળિયેરી તળે,
સમુદ્ર મરજાદ શી નીલમ વેલ લૂમે વળે
નીચે પગ કને : તિમિર તણી પાંખ માંહી જરી
લપાઈ સુણતા પણે મુખર સાગરી ખંજરી.
પુરુષ અડતો સ્ત્રીને પ્રથમ વાર, ને સ્ત્રીય તે
વ્રીડા પ્રથમ ચુંબને ધરત; ને ઉન્હી સંગતે
સમુદ્ર, તરુ, વેલીઓ, સમીર ને દીવા દૂરના,
ત્રિલોક ગળતું મિષે ઉભય નેહના નૂરમાં.
જરીક થડકી ઊઠી હું અણચિંતવ્યા પ્રશ્નથી:
‘પ્રિયા ! પ્રિયતમા ! કહે, ક્યમ તું આટલા વર્ષથી
હતી વરી ચૂકી છતાંય મુજથી રહી વેગળી?’
‘તમેય…’ હુંય ઉચ્ચરી, ‘ક્યમ ન વાંસળી સાંભળી?’
અમે વરસ વેડફ્યાં ઉભય પ્રીતની શંકમાં,
કદી ન અળગાં થશું ! જીવશું એકડા અંકમાં !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
વરસોની મિત્રાચારી હોય પણ શરમ ને શંકામાં પ્રીતનો એકરાર કરી ન શકનાર એક યુગલ આજે ઢળતી સાંજે સમુદ્રકિનારે આવ્યું છે. પોતાનું એકાંત ન ઓજપાય એ માટે સમુદ્રથી દૂર એમણે ઝાડ પણ નારિયેળીનું પસંદ કર્યું છે – રખે ને એમનો પ્રેમાલાપ સાંભળી જાય ! અંધારાની આડશે લપાઈને દરિયાના મોજાંનું સંગીત સાંભળતા ઊભા છે.
પ્રથમ સ્પર્શ ! પ્રથમ ચુંબન ! સ્ત્રી પોતાની શરમ એ ચુંબનને અર્પણ કરી દે છે. પ્રણયના અજવાળામાં ત્રણેય લોક ઓગળી જાય છે. (શબ્દ પ્રયોગ તો જુઓ, સાહેબ – “ઉન્હી સંગતે” ! ત્રીસીના દાયકાનો કવિ પરંપરાના સૉનેટમાં હિન્દી શબ્દ ગોઠવી દે છે અને એ પણ એવી કુશળતાથી કે જરાય ખટકે નહીં)
Permalink
August 10, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કૃષ્ણલાલ શ્રીધરાણી
કયા ખૂણામાં નગર તણા આ
શી ગમ મુજને થાય ?
વીજળી તેલ તપેલું ખાલી
તાર સૂકી હોલાય.
ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દ્યે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠે કપાળ.
એણી નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ને આપ્યો ઉજાસ.
– કૃષ્ણલાલ શ્રીધરાણી
આપણી ભાષામાં ભાગ્યે જ કોઈ કવિના જીવનના બે સાફ ભાગ પડતા જોઈ શકાય… પરદેશ જતા પહેલાના “પૂર્વ શ્રીધરાણી” અને દોઢ દાયકાનો નખશિખ કાવ્યવટો અને દેશવટો ભોગવી પરદેશથી પરત ફરેલા “ઉત્તર શ્રીધરાણી”- આવા બે સુસ્પષ્ટ ફાંટા આ કવિની કવિતામાં તંતોતંત જોઈ-આસ્વાદી શકાય છે…
ખૂબ નાની ઉંમરે અદભુત કવિકર્મ કરનાર શ્રીધરાણી પરદેશથી દોઢ દાયકા બાદ પરત ફરે છે ત્યારે આઝાદી ઢૂંકડી આવી ઊભી હતી અને ગુજરાતી કવિતાની તાસીર આખી બદલાઈ ગઈ હતી. કવિતાની આ બદલાયેલી સિકલ શ્રીધરાણી અદભુત રીતે ઝીલી શક્યા એની પ્રતીતિ સમું આ કાવ્ય…
કવિના પ્રિય સવૈયા છંદમાં શરૂ થયેલ આ કાવ્યમાં અંતિમ ત્રણ પંક્તિઓ શ્રીધરાણી-છાપ ચુસ્ત-પ્રાસબદ્ધ પણ અછાંદસ મૂકી દઈ કવિએ એ જમાનામાં પણ સારસ્વતોને ચોંકાવ્યા હતા. વીજળી તેલ તપેલાં ખાલી, તાર સૂકી હોલાય જેવા વાક્યપ્રયોગમાં વીજળી જતાં અને તેલના અભાવમાં છવાઈ વળતાં અંધકારને કવિએ કેવો અદભુત રીતે ઉપસાવી આપ્યો છે ! અંધારાનો લાભ ઊઠાવી દિવાસળી આરસની પાળ જેવા ઠંડા મીણબત્તીના માથે-હોઠે ચુંબન ચોરી લે છે એ કલ્પના જ કેવી હૃદ્ય છે !
Permalink
May 31, 2013 at 12:30 AM by વિવેક · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, સોનેટ
(પૃથ્વી)
અસંખ્ય મુજ બાંધવો રવડતા, સડ્યાં ચીંથરાં
ધરી શરીર-માળખે કકડતી ધ્રૂજે ટાઢમાં;
સહે સળગતા બપોર-દવ ચૈત્ર-વૈશાખના,
વિતાન ઘર-છાપરું : દિશ દીવાલ : શય્યા ધરા !
અસંખ્ય મુજ રાંકડાં કકળતાં રહે લાડકાં
ભૂખે ટળવળી : અને હૃદય દુઃખના તાપમાં
બળી-સમસમી પડે સકળ પાશવી પાપમાં.
રમે મરણ જીવને અતુલ માનવીનાં મડાં.
પરંતુ નવ હું સ્તવું વચન આળપંપાળનાં,
ન ઇચ્છું લવલેશ લ્હાવ ધન, વસ્ત્ર કે ધાન્યના;
સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના,
મરો ટળવળી મુખે હૃદયહીન દુષ્કાળના !
સહુ વીતક વીતજો ! વિઘન ના નડો શાંતિનાં !
બળી-ઝળી ઊઠી કરો અદમ નાદ સૌ ક્રાંતિના !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
નાની વયે પિતાને ગુમાવનાર કવિ બાળપણમાં મોસાળમાં જૂનાગઢ ખાતે ભણવા ગયા. નાની ઉંમરે જ “ટ્રેડિશનલ” શાળાશિક્ષણ એમને જરાય કોઠે ન પડ્યું. ગણિતની પરીક્ષામાં ઉત્તરવહી સાવ કોરી રાખી અને ઉપરથી નોંધ મૂકી કે સફાઈ માટેના દસ માર્ક્સ મને મળવા જ જોઈએ અને વિજ્ઞાનના પેપરમાં કવિતા લખી આવ્યા… જો કે ગુજરાતી ભાષાનું સદભાગ્ય કે એમના વિધવા માતાને એવું સૂઝ્યું કે ગાંધીની આંધીમાં જાગેલ દેશભક્તિના જુવાળમાં બેમાંથી એક પુત્રે તો રાષ્ટ્રીય શાળામાં ભણવું જ જોઈએ અને કૃષ્ણલાલ ભાવનગરની ‘દક્ષિણામૂર્તિ’ શાળામાં દાખલ થયા જ્યાંનું શિક્ષણ એમને કોઠે પડી ગયું… ત્યાર બાદ ગાંધીજીના પ્રત્યક્ષ સંપર્કમાં ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) અને પછી ટાગોરની નિશ્રામાં શાંતિનિકેતન ખાતે ભણ્યા અને પછી ન્યૂયૉર્ક જઈ MA, MS અને PhD પણ કર્યું…
પ્રસ્તુત સૉનેટમાં કવિ આંચકો લાગે એવી વાત કરે છે. ચંદરવો જેમના ઘરનું છાપરું છે, દિશાઓ જ દીવાલો છે અને ધરતી જ પથારી છે એવા ગરીબજનોના પ્રત્યક્ષ ઉત્કર્ષના બદલે કવિ ઝંખે છે કે એમને વધુ ને વધુ તકલીફો પડે, શાંતિ નામનું વિઘ્ન ન નડે જેથી કરીને ક્રાંતિનો માર્ગ મોળો ન પડે… ઉમાશંકર જરૂર યાદ આવે કે ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.’
Permalink
May 3, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કૃષ્ણલાલ શ્રીધરાણી
(પૃથ્વી)
સલામ, સખી ! આજથી નવ વદું તને હું કદી,
હવે હૃદયમાં નહિ જ અભિમાન તું રાખતી;
ભૂલ્યો, ગણી ગણી તને હૃદયની અને માહરી,
ગુલાબ નહિ તું કરેણ, મુજ આંખડી ઊઘડી.
ખુશામત ગણી ? કરું ન પ્રભુ પાસ, ને તાહરી?
કદીક અભિમાનથી મલકી જાય વિભાવરી-
ખુશામત તણી ગણી, અલખની જ એ ગર્જના,
ગમે અગર રાતને, કદી ન, સિંધુને શી પડી ?
સલામ, સખી ! છો પડે અગર આંસુડાં આંખથી,
નહીં જ મુજ હાથથી કદીય તેમ લ્હોવાં નથી;
નિશામુખ પરે પણે ચળકતા નહિ તારકો,
તનેય, સખી ! રાતનેય અભિમાનનાં આંસુડાં !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
સત્તર વરસની લબરમૂછિયા ઉંમર એટલે માણસની પ્રેમમાં મુગ્ધ થવાની અવસ્થા. આ કાચી ઉંમરે કવિ પ્રણયભ્રમનિરસન નિમિત્તે પ્રિયતમાને ઉપાલંભ આપવાની વાત જે પ્રગલ્ભતાથી કરી શકે છે એને સલામ !
કવિ સખીને સલામ કરીને વાત શરૂ કરી કહે છે કે હું તારા પ્રેમમાં મરી ફીટ્યો છું એવું અભિમાન હવે ન રાખીશ. હું સમજ્યો હતો કે તું ગુલાબ છે જે સાથે રહી ખુશબૂ ફેલાવશે પણ તું તો માત્ર ઊંચે ને ઊંચે વધવા માંગતી કરેણ છે. દરિયાના મોજાં એકધારું ગર્જન કર્યાં કરે છે એને પોતાની ખુશામત માનીને રાત જેમ હરખાય કે ન હરખાય એનાથી દરિયાને કશો ફરક નથી પડતો તેમ તેંય મારા પ્રેમને ખુશામત ગણી લીધી હોય તો એ તારી ભૂલ છે, મારી નહીં… રાત્રિના મુખ પર ચળકતાં તારાઓ એ રાત્રિના અભિમાનના આંસુ છે. તારા ચહેરા પર પણ જે આંસુ ઉપસી આવ્યાં છે એ અભિમાનનાં છે અને હું મારા હાથથી એ કદી નહીં લૂંછું…
બાર પંક્તિના અંતે ચોટ આપી વિરમી જતું આ કાવ્ય કવિની કાવ્યનિષ્ઠાનું પણ દ્યોતક છે. આજે જેમ ગઝલ એમ જે જમાનામાં સોનેટનો સુવર્ણયુગ હતો એ જમાનામાં આવું મજાનું કાવ્ય રચીને માત્ર બે નવી પંક્તિઓ ઉમેરીને એને સૉનેટાકાર આપવાનો મોહ જતો કરવો એ પણ એક મોટી વાત હતી…
સલામ કવિ ! સો સો સલામ !
Permalink
April 18, 2013 at 12:30 AM by વિવેક · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, સોનેટ
(પૃથ્વી)
સહસ્ત્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે-હણહણે : વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા !
ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી;
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.
કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક : શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે ? અવનિ-આભ ભેગાં થશે ?
ધડોધડ પડી-ખરી ગગનગુંબજો તૂટશે?
ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
ગુજરાતીના સર્વશ્રેષ્ઠ સોનેટની પંગતમાં અગ્રિમ સ્થાને વિરાજતું આ સોનેટ શ્રીધરાણીની કાવ્યસૂઝ, છંદોલય અને ભાવોર્મિના કારણે ચિરસ્મરણીય બન્યું છે. વીસ વરસની ઊંમરે લખાયેલ આ સોનેટમાં કવિ દરિયાના મોજાંઓ હજારો થનગનતા ઘોડા અવનિ-આભ ભેગાં કરવા કૂચે ચડ્યા હોય એવું અદભુત શબ્દચિત્ર દોરી આપે છે. પહેલા ત્રણ ચટુષ્ટકમાં પ્રકૃતિની વાતો કર્યા પછી છેલ્લી બે કડીમાં સોનેટ સાવ જ અણધાર્યો વળાંક લઈ દેશભક્તિ અને સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોને પછાડી આઝાદી હાંસિલ કરવાના પોતાના અરમાન પ્રગટ કરી ભાવકને સુખદ આંચકો આપવામાં સફળ રહે છે.
કવિ ઉમાશંકર જોશીએ આ સોનેટ વિશે કહ્યું છે કે ગુજરાતી ભાષા આટલી ઓજસ્વિતા સાથે ભાગ્યે જ કોઈ કવિતામાં પ્રયોજાઈ હશે…
Permalink
August 4, 2012 at 2:06 AM by વિવેક · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, ગીત
“વીર પસલી આપે જો વીર!
કેવાં કેવાં દેશે, ચીર ?
મેઘધનુની સાડી કરું,
પહેરી તારી સાથે ફરું.
બીજું શું શું દેશે, બોલ?
આપ્યા કયારે પાળે કોલ? ”
” સપ્તર્ષિના તારા સાત,
પાંચીકડાની કેવી જાત ?
હમણાં લાવું, ગમશે બે’ન?
મૂકીશ ને તું તારું વેણ?
સાથે, બહેની, રમશું રોજ!
છલકાશે હૈયાના હોજ.”
– કૃષ્ણલાલ શ્રીધરાણી
આમ તો રક્ષાબંધન બે દિવસ પહેલાં થઈ ગયું પણ કેટલાક સંબંધમાં ક્યારેય એક્સપાયરી ડેટ નથી હોતી. પંચમ શુક્લએ પ્રેમભાવે મોકલાવેલ આ રચના લયસ્તરોના તમામ ભાઈ-બહેનોને સમર્પિત કરું છું…
Permalink
May 16, 2011 at 9:37 PM by ધવલ · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી
ક્યા ખૂણામાં નગર તણા આ
શી ગમ મુજને થાય ?
વીજળી તેલ તપેલું ખાલી
તાર સૂકી હોલાય.
ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠ કપાળ.
એણે નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ને આપ્યો ઉજાસ.
– કૃષ્ણલાલ શ્રીધરાણી
‘લાઈટ’ જતી રહી હોય એ મોકાનો લાભ લઈને દીવાસળી મીણબત્તીને ચુંબન કરે – એ કલ્પના જ કેટલી રોમાંચક છે ! વળી, ચુંબન પછી – એક નિશ્વાસ (હવે બળવાનો વખત આવ્યો !)…એક શ્વાસ (હવે જ મીણબત્તીનું ખરું ‘જીવન’ આરંભાય છે !) … અને છેલ્લે ઉજાસ !
અમારા અમેરિકામાં તો આ મૂઈ લાઈટ પણ કદી જતી નથી, એનું શું કરવું ? 🙁
Permalink
November 19, 2010 at 1:46 AM by વિવેક · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, ગીત
સંધ્યાની સોનેરી ભાત
ઝાંખી થાતાં ઊગે રાત;
ઊઘડ્યાં એ હૈયાનાં દ્વાર,
કવિતા શો થાતો ચમકાર.
ચળકે શુક્ર.
રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ ?
ઝળકે શુક્ર.
ઉષા તણી નથડીનું નંગ,
સ્નેહ સરીખડો તેનો રંગ.
મલકે શુક્ર.
– કૃષ્ણલાલ શ્રીધરાણી
આ વર્ષ કવિશ્રી ઉમાશંકર જોશીનું જન્મશતાબ્દી વર્ષ તો છે જ પણ કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનું પણ જન્મ શતાબ્દી વર્ષ છે. તો આ પ્રસંગે ઉમાશંકરના મોઢે શ્રીધરાણીની કવિતા વિશે બે વાત સાંભળીએ તો કેવું ? : “રાત્રિનો હૃદયઉઘાડ અને એમાં કવિતાના ચમકાર સમી શુક્રની આભા. પહેલી કડીમાં સંધ્યાશુક્રનું વર્ણન છે. બીજીનું વર્ણન સંધ્યાશુક્ર વિશે છે કે પભાતશુક્ર અંગે કે બંને અંગે ? અંતમાં પ્રભાતશુક્રની દ્યુતિને ‘ઉષા તણી નથડીનું નંગ’ એ અપૂર્વ ચિત્રમાં મઢી લીધી છે. પલક પલક થતી શુક્રની તેજસ્વિતાને ‘ચળકે’… ‘ઝળકે’… ‘મલકે’ એ શિલ્પ દ્વારા પ્રગટ કરી દીધી છે એ છૂપું રહેતું નથી.“
Permalink
October 2, 2010 at 12:40 AM by વિવેક · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, સોનેટ
“જાગો ! ઊઠો ! ભરતભૂમિનાં, રાષ્ટ્રનાં પુત્ર-પુત્રી !
જાલીમોના નખ ઉઝરડે લોહી વ્હેતી ધરિત્રી.”
માતા માટે જીવન ત્યજતાં જંગલી પ્રાણી-પક્ષી,
વર્ષા-વીજે શરીર ઘસતા ડુંગરા ભૂમિ રક્ષી.”
ગાજી ઊઠે અખિલ નભમાં મેઘનો જેમ નાદ,
સાતે સિંધુ ઉપર ફફડે કોઈ તોફાન સાદ,
એવાં એનાં રણ-રમણ-આહલેક નાં ગાન ગાજ્યાં,
ચૌટે, ચોરે, પુર, નગરમાં, ગામડે, લોક જાગ્યાં.
બિડાયેલા કમલદલમાં જેમ વર્ષે તુષાર,
મૃત્યુબીડ્યાં નયનકમલે અમૃતી છંટકાર;
એવા એના જન સકળનાં દુઃખથી આર્ત્ત નેને,
દૈવી દીપ્તિ અકળ પ્રગટી, લોક ઉત્સાહ વ્હેણે !
લોઢામાંથી ધન પ્રગટતું પારસી સ્પર્શ થાતાં !
માટીમાંથી અમર વચને, માનવી ઊભરાતા !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
16 સપ્ટેમ્બર 2010ના રોજથી કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનું જન્મશતાબ્દી વર્ષ શરૂ થયું… કવિશ્રીને લયસ્તરો તરફથી સ્મરણાંજલિ આપવાની સાથોસાથ આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે એ મહામાનવને પણ હૃદયપૂર્વક સ્મરી લઈએ…
Permalink
February 16, 2010 at 10:22 PM by ધવલ · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, ગીત
માન તમારે હાથ ન સોંપ્યું;
કેમ કરી અપમાનશો ?
વજ્ર સમું અણભેદ હ્રદય આ,
શર સૌ પાછાં પામશો.
ઘન ગરજે, વાયુ ફૂંકાયે,
વીજળી કકડી ત્રાટકે;
બાર મેઘ વરસી વરસીને
પર્વત ચીરે ઝાટકે – માન…
હિમાદ્રિ અમલિન સુહાસે
ઊભો આભ અઢેલતો;
આત્મા મુજ તમ અપમાનોને
હાસ્ય કરી અવહેલતો – માન…
રેતી કેરા રણ ઉપર ના
બાંધ્યા મ્હેલ સ્વમાનના;
શ્રદ્ધાના અણડગ ખડકો પર
પાયા રોપ્યા પ્રાણના !
માન તમારે હાથ ન સોંપ્યું,
કેમ કરી અપમાનશો ?
વજ્ર સમું અણભેદ હ્રદય આ,
શર સૌ પાછાં પામશો.
– કૃષ્ણલાલ શ્રીધરાણી
આ ગીતની ધૃવપંક્તિનો કહેવત સમાન થઈ ગઈ છે. એલેનોર રૂઝવેલ્ટની પ્રખ્યાત વાત યાદ આવે છે, No one can make you feel inferior without your permission.
Permalink
March 12, 2008 at 12:17 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કૃષ્ણલાલ શ્રીધરાણી, દેશભક્તિ
(દાંડીકૂચ…. …પ્રારંભ, ૧૨-૦૩-૧૯૩૦)
“આવવું ન આશ્રમે – મળે નહિ સ્વતંત્રતા !
જંપવું નથી લગાર – જો નહિ સ્વતંત્રતા !
સ્નેહ, સૌખ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા !
જીવવું મર્યા સમાન – ના યદિ સ્વતંત્રતા !
પુત્ર-દાર !
જન્મમૃત્યુના જુહાર !
જંપવું ન, જાલિમો ય જંપશે ન, સૌ ખુવાર !
મૃત્યુ કે સ્વતંત્રતા : લખી ન આ લલાટ હાર !”
આકરા પુકારી કોલ, વીરલા રણે ચડ્યા !
ખેતરો ખૂંદ્યાં અને ભમ્યા અનેક ગામડાં !
મહી વટ્યા, ઝૂલ્યા સપૂત માત-અંક-નર્મદા !
ઝૂંપડે જઈ વસ્યા, પ્રજા-અવાજ પામવા !
મોખરે ધપે હસી હસી જવાન ડોસલો !
સર્વ સાથ – કોઈ ના – બધું સમાન : એકલો !
રાષ્ટ્રદેવ ! રાષ્ટ્રપ્રાણની પીછે સહુ ધસ્યા !
એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા !
પગો પડે !
સુવર્ણ માટીમાં મઢે !
અસંખ્ય ઊમટી પ્રજા પુનિત પાદમાં પડે !
જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે !
જીવશે ન – જીવવા દઈ સપૂત – જાલિમો !
મારશે ય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો !
-કૃષ્ણલાલ શ્રીધરાણી
આજે બારમી માર્ચના ઐતિહાસિક દિવસે કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો આશ્રમમાં નહીં ફરૂંની ઐતિહાસિક પ્રતિજ્ઞા કરીને મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમમાંથી મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા માટે ઓગણાએંસી અંતેવાસીઓ સાથે દાંડી તરફ કૂચ આદરી હતી. સુખ-શાંતિ, પત્ની-પુત્ર બધાને જાણે કે અંતિમ જુહાર કરીને, જંપવું નહીં અને જાલિમોને જંપવા દેવું નહીં એવા આકરા કોલ સાથે બાપુ ફનાના માર્ગે નીકળી પડ્યા હતા. આ પ્રસંગને સુપેરે આલેખતું આ કાવ્ય એ સમયના ઈતિહાસને સાંગોપાંગ આપણી નજર સમક્ષ ખડો કરી દે છે. મુક્તિનો મહેલ કંઈ સોના-ચાંદીની ઈંટોનો નથી ચણાતો, એ તો ચણાય છે રાખનો જેવી અગત્યની વાત કરીને આ આખા પ્રસંગચિત્રમાં સનાતન કવિતાનો પ્રાણ રેડી દે છે. આખા કાવ્યમાં -નાનપણમાં ભણવામાં આવતું હતું ત્યારથી- જે શબ્દપ્રયોગ મારા હૃદયમાં અંકિત થઈ ગયો છે એ છે ‘જવાન ડોસલો’. આ એક જ શબ્દ-પ્રયોગમાં રાષ્ટ્રપિતાને જે અંજલિ આ ગુજરાતી કવિએ આપી છે, એ અન્ય કોઈ ભાષામાં કદાચ કદી નહીં અપાઈ હોય!
(સૌખ્ય=સુખ, શાતા; દાર=પત્ની; જુહાર=નમસ્કાર; અંક=ખોળો)
Permalink
April 29, 2007 at 1:16 AM by વિવેક · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, ગીત
અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !
સૂરજ આવશે સાત ઘોડલે,
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલું બંદી બાંકો,
પ્રકાશ ગીત ગાનાર ! અમે0
નીંદરને પારણીએ ઝૂલે,
ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી,
જગને જગાડનાર ! અમે0
પ્રભાતના એ પ્રથમ પ્હોરમાં,
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે,
જાગૃતિ રસ પાનાર ! અમે0
જાગો ઊઠો ભોર થઈ છે,
શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો,
સકલ વેદનો સાર ! અમે0
– કૃષ્ણલાલ શ્રીધરાણી
વહેલી સવારે છડી પોકારી જગતને જાગવાનો સંદેશ પાઠવતા કૂકડા વિશે લખાયેલું આ મજાનું ગીત શાળેય અભ્યાસક્રમનો એક ભાગ પણ હતું.કૂકડાની બાંગમાં સકલ વેદનો સાર વાંચી શકે એ જ કવિ.
(બંદી= ચારણ, વખાણ કરનાર; બાંકો=ફાંકડો)
Permalink
September 6, 2006 at 7:33 AM by સુરેશ · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, ગીત
ઘંટનાં નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય;
ફૂલમાળ દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય;
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા !
મંદિરના આ ભવ્ય મહાલો, બંધન થાય મને;
ઓ રે પૂજારી! તોડ દિવાલો, પાષાણ કેમ ગમે?
ન પ્રેમનું ચિહ્ન આ ! પૂજારી પાછો જા !
એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર;
દિન કે રાત ન નિંદર લેતો, (ને) નૈવેદ્ય તું ધરનાર?
ખરી તો એની પૂજા, પૂજારી પાછો જા !
દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે? બ્ હાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં પણ પથરા;
ઓ તું જો ને જરા ! પૂજારી પાછો જા !
માળી કરે ફૂલ– મ્હેંકતી વાડી, ફૂલને તું અડ કાં ?
ફૂલ ધરે તું : સહવાં એને ટાઢ અને તડકા!
એ તે પાપ કે પૂજા? પૂજારી પાછો જા !
ઓ રે પૂજારી ! આ મંદિર કાજે, મજૂર વહે પથરા;
લોહીનું પાણે તો થાય એનું, ને નામ ખાટે નવરા !
અરે તું ના શરમા? પૂજારી પાછો જા !
ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ઘ્ય ભર્યો નખમાં;
ધૂપ ધર્યો પરસેવો ઉતારી , ઘંટ બજે ઘણમાં;
પૂજારી સાચો આ ! પૂજારી પાછો જા !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
Permalink
February 2, 2006 at 10:55 PM by ધવલ · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, ગીત
વાદળના મ્હેલમાં બાર બાર બાળકી,
તેરમી હું બાળકી રોતી જી રે !
આંસુમાં જનમી ને આંસુમાં જીવતી,
વન વન વેરતી મોતી જી રે !
ફૂલડાં અપારને નથડી નથાવી,
ખડ ખડ મોતી પરોતી જી રે !
કુમુદિની કાનમાં મૂકું લવિગડાં,
હીરલા ગૂંથું હું ગોતી જી રે !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
Permalink