ઉમાશંકર વિશેષ :૧૮: પીંછું
જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી
ઝીણી પાતળી તેજ પિચ્છ-કલગી, દૃષ્ટિ પડે ના પડે,
ઓચિંતો તહીં જાય ડૂબી તિમિરે; જેવું લીલા વિસ્તરી
સોણું નીંદરમાં ઠરી ક્ષણ, સરે, જોવા પછી ના જડે;
ને જેવી કવિતા અખંડ ઉરની આરાધના તર્પવા
એક્લાએક છતી થઈ હૃદયમાં કો કલ્પના ખેરવી
ઊડી જાય, ન દે સમો શબદની શ્રદ્ધાંજલિ અર્પવા –
ક્યાંથી ક્યાં ગઈ ના લહે નજર એ, રહે માત્ર હૈયે છવી.
એવું એક મીઠા પ્રભાત સમયે કો પંખી આવ્યું ઊડી,
જોયું ને અણદીઠ એક પળમાં તો ક્યાંક ચાલ્યું ડૂબી;
એને તારકતેજરેખ સરખું, કે સ્વપ્નલીલા સમું,
કે મોંઘી કવિતાકુમાશ ઝરતું ના ગીત ગાવું ગમ્યું.
કૈં અસ્પર્શ્ય ન એવી સ્મૃતિ રાખી જવાને રૂડી
પીંછું ખેરવીને ગયું, ઊડી ગયું.
. ના ગીત મૂકી ગયું.
પોતે ના કંઈ ગાયું, કિંતુ મુજને ગાતો કરીને ગયું.
– ઉમાશંકર જોશી
ઉમાશંકર જોશી જન્મ શતાબ્દિ પર્વ ઉજવણી આ કવિતા સાથે અહીં પૂરી કરીએ છીએ.
પ્રસ્તુત કાવ્યનો આસ્વાદ આજે જૂનાગઢના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડાની કલમે માણીએ:
કવિશ્રી ઉમાશંકરનું સોનેટ સ્વરૂપનું (પંક્તિઓ સંખ્યા 15 છે) આ કાવ્ય આમ તો ખૂબ સરળતાથી કહેવાયું છે અને તેમ છતાં એના શીર્ષકને અનુરૂપ ખૂબ જ બારીક અને નખશિખ કલામયતાથી સભર છે. બે જુદા જુદા ભાગમાં વિભાજીત કાવ્યના પ્રથમ ભાગમાં કુદરતની એવી ઘટનાઓનો ઉલ્લેખ છે જે હોય છે તો ક્ષણજીવી પણ તેની અસર ક્યારેક માનસ પટલ પર ચિરંજીવ રહી જાય છે. એ કોઈક ખરી જતો નભતારલો હોય કે ક્ષણાર્ધ માટે ઝબકેલું સોણલું હોય, એની સ્મૃતિ આપણી ભીતર અમાપ સ્પંદનો પેદા કરે છે.
આ વાતને સમાંતરે ચાલતી ઘટના એ એક પંખીના આગમનની છે. પ્રભાતે એ આવે છે, કવિ એ સમયે કદાચ ઉપર કહેલી વાતના વિચારોમાં વ્યસ્ત છે. એનું આગમન પોંખાય, ના પોંખાય ત્યાં તો એ અચાનક ગગનગામી થઈ જાય છે. આંખથી ઓઝલ થઈ જાય છે. નિજાનંદમાં વ્યસ્ત છે. એને અત્યારે ગીત ગાવાનો કોઈ ઉમળકો જ નથી. એ તો ઊડી ગયું, એક નાનકડું પીંછું ખેરવીને.
અવી ઘટના આમ તો ઘણીવાર થતી હોય છે. કવિ સાથે પણ થઈ હશે. પણ કવિના કોમળ સંવેદનો પર આજે કંઈક જુદી અસર થઈ છે. પંખીએ તો ન ગાયું પણ કવિને ગાતો કરી દીધો. આ ચમત્કાર એ જ કવિ અને કવિતાની ઉપલબ્ધિ, અને આ વાત કવિતામાં કેટલી સહજ રીતે અને નજાકતતાથી અહીં આવી છે !