દુઃખ અમર હોય તો વાંક મારો નથી,
હદ વગર હોય તો વાંક મારો નથી;
ચુપ અધર હોય તો વાંક મારો નથી,
આંખ તર હોય તો વાંક મારો નથી.
ગની દહીંવાલા

ઉમાશંકર વિશેષ :૦૩: ગાણું અધૂરું -ઉમાશંકર જોશી

Umashankar-Joshi8

ગાણું અધૂરું મેલ મા,
.          . ‘લ્યા વાલમા,
. ગાણું અધૂરું મેલ મા.

હૈયે આયેલું પાછું ઠેલ મા,
.               . ‘લ્યા વાલમા,
.                     . હોઠે આયેલું પાછું ઠેલ મા.   ગાણું અધૂરું o

હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
.              . ‘લ્યા વાલમા,
.                 . ભોળા સંગાથે ભૂંડું ખેલ મા.  ગાણું અધૂરું o

ઓરાં બોલાવી ધકેલ મા,
.                 . ‘લ્યા વાલમા,
.                       .છાતીથી છેટાં ધકેલ મા.  ગાણું અધૂરું o

છાતીથી છેટાં મેલ મા,
. ..          . ‘લ્યા વાલમા,
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.

અરધે અધૂરું મેલ મા,
.           . ‘લ્યા વાલમા,
.હોઠે આયેલું પાછું ઠેલ મા.
.                       . ગાણું અધૂરું મેલ મા.

– ઉમાશંકર જોશી

ગાણું અધૂરું મેલવાની વાત એટલે હૈયાનાં પ્રગટેલા હેતને પાછું ધકેલવાની વાત; અને હોઠે આવેલું પાછું ઠેલવાની વાત એટલે પ્રેમનું મધુરું ગાણું અધૂરું મેલવાની વાત.  આખા ગીતમાં અલગ અલગ રીતે ગોળ ગોળ ફેરવીને કવિ આ જ વાતનું સતત પુનરાવર્તન કરે છે… અને પોતાના ‘વાલમા’ને પ્રીતનું ગાણું અધૂરું ન રાખવા વારંવાર વિનવે છે.  અહીં ‘વાલમા’ એ કોઈ પ્રિયજન પણ હોઈ શકે અથવા પોતાનો માંહ્યલો પણ હોઈ શકે… અહીં ઉમાશંકર જોશીના જ બીજા એક ગીતની એક પંક્તિ યાદ આવે છે: કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે… કોઈ જોડે કોઈ તોડે પ્રીતડી…

9 Comments »

  1. વિવેક said,

    July 23, 2010 @ 2:49 AM

    ગીત જીવનનું હોય કે પ્રીતનું, અધૂરું મૂકવાની શી મજા? ભીતર ઊભરી આવ્યું હોય એને તો વહેતું જ મૂકવું…

  2. Girish Desai said,

    July 23, 2010 @ 8:53 AM

    જે હોઠે તે હૈયે

    જે હૈયે હોય તે હોઠે રાખો
    જે હોય હોઠે તે રાખો હૈયામાં
    આ રીતે જીવન જીવીયે તો
    ઉભરાતું રહે સુખ જીવનમાં

    ગિરીશ દેસાઇ

  3. ધવલ said,

    July 23, 2010 @ 6:18 PM

    ભાષાની મીઠાશ જ અદભૂત છે !

  4. Pancham Shukla said,

    July 24, 2010 @ 6:27 AM

    પ્રીતનું મીઠું ગીત.

    આ ગીતના પ્રાસ બાબતે… શરૂઆતનું ‘મેલ્ય’ – છેલ્લે ‘મેલ’ થઈ જાય એ જરા અજુગતું લાગે છે. ઉ.જો. ‘મેલ્ય’ની શરૂઆત સાથે ખેલ્ય, ઠેલ્ય એવા પ્રાસ વાપરે એવું લાગે છે. જો કે ગોપાલભાઈએ પણ આજ રીતે એમના બ્લોગ પર મૂક્યું છે એટલે આમ પણ હોઈ શકે.

    http://gopalparekh.wordpress.com/2010/07/20/%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B7%E0%AB%80/

    કોઈની પાસે કવિનો સમગ્રસંચય હોય તો ખાતરી કરી શકાય.

  5. Bharat Trivedi said,

    July 24, 2010 @ 9:42 PM

    બે વાતઃ

    ૧. ગીતનું શિષક છેઃ ગાણું અધૂરું

    ૨. શરૂઆતની પંક્તિઓ છેઃ

    “ગાણું અધૂરું મેલ્ય મા,
    ‘લ્યા વાલમા,
    ગાણું અધૂરું મેલ મા.”

    શરત ચૂકથી “મેલ્ય મા” છપાયું છે બાકી કવિનો દોષ નથી.

    સમગ્ર કવિતા પાન નંબરઃ ૨૫૦

    ભરત ત્રિવેદી

  6. ઊર્મિ said,

    July 24, 2010 @ 11:15 PM

    પ્રિય ભરતભાઈ,

    આ કવિતા મેં ચંદ્રકાન્ત શેઠ સંપાદિત પુસ્તક ‘અમર ગીતો’ માંથી લીધી છે, જેમાં-
    ૧) શિર્ષકમાં ભૂલ મારાથી જ થઈ છે, જે હું સુધારી લઉં છું.
    ૨) આ પ્રમાણે જ ‘મેલ્ય’ શબ્દ છે… પરંતુ તમે કવિશ્રીનાં કાવ્યસંગ્રહમાંથી ચકાસ્યું હોય એ જ સાચું હશે….એટલે એ પણ સુધારી લઉં છું.

    આપનો ખૂબ ખૂબ આભાર…

  7. ઊર્મિ said,

    July 24, 2010 @ 11:22 PM

    આપનો પણ ઘણો આભાર પંચમદા…

  8. saurabh shah said,

    July 27, 2010 @ 7:37 AM

    આ ગીતની કેટલીક પંક્તિઓ પન્નાલાલ પટેલે ‘મળેલા જીવ’માં સુંદર રીતે વાપરી છે.Pl correct me if I’m wrong.

  9. Kalpana said,

    August 18, 2010 @ 5:35 PM

    સુન્દર ગાણુ. હૈયુઁ ડોલી જાય. વાઁચવુઁ હોય તોયે ગવાઈ જાય. લખાયુઁ નથી પણ અઁતરમાથી વહ્યુ છે.

    આભાર

    ક્લ્પના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment