ઉમાશંકર વિશેષ :૦૬: રહ્યાં વર્ષો તેમાં –
રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઈ જ નિરમી ‘દુષ્ટ’ દુનિયા.
– અહો નાનારંગી અજબ દુનિયા ! શે સમજવી ?
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી !
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી –
મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે;
જનોત્કર્ષે–હ્રાસે પરમ ૠતલીલા અભિરમે.
–બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું –
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.
– ઉમાશંકર જોશી
21 જુલાઈ, 1952ના રોજ પોતાની 41મી વર્ષગાંઠે કવિએ ‘ગયાં વર્ષો-’ લખ્યું અને એ જ દિવસે આ સૉનેટ પણ લખ્યું. બંનેમાં કવિનો જીવન અને પ્રકૃતિ તરફનો નિરર્ગળ નિતાંત પ્રેમ જ વ્યક્ત થાય છે.
વીલે મોઢે જીવવાને બદલે લગ્નના સાત ફેરા ફરી જગ આખાનું સૌંદર્યપાન કરવા આહ્વાન કરે છે. દુઃખીજનને કાયમ એવું જ અનુભવાતું હોય છે કે આખી દુનિયા મારી જ દુશ્મન છે. હકીકત એવી નથી. પોતાના ‘હું’ને વિસારીને વરતીએ તો દુનિયા વધુ મીઠી લાગશે. જે વર્ષો રહ્યાં છે તેમાં અવનિના કણ-કણમાં વસેલું સૌંદર્ય શા માટે આકંઠ ન પીવું !
**
કવિના શબ્દો, ‘સર્જક કલાકાર તરીકે મને હમેશ લાગ્યાં કર્યું છે કે કવિતા પોતાનું ઘણું કામ લય દ્વારા કાઢી લેતી હોય છે. શબ્દના અર્થ-અંશ કરતાં નાદ-અંશનું મહત્ત્વ ઓછું નથી. એ નાદ-અંશ, કવિતા કાનની કળા હોઈ, અર્થ-અંશનો આધાર તો છે જ, પણ અર્થ-અંશને પ્રસ્તુત કરીને એ વિદાય લેતો નથી, કૃતિના સમગ્ર પિંડનો સ્વયં આવશ્યક ભાગ બની રહે છે. કવિતામાં શબ્દનો નાદ-અંશ અનુપ્રાસ, કાકુ, શબ્દક્રમ આદિની મદદથી અર્થના આરોહ-અવરોહમાં અનુપ્રવેશ સાધતો સમગ્ર સંદર્ભના – આખી કલાકૃતિના અવયવવિન્યાસના જ નહીં, અર્થવિન્યાસના બલકે રહસ્યવિન્યાસના હિલ્લોલ રૂપે, લય રૂપે પ્રતીત થાય છે. લય અંગેની આ વાત જેટલી ગીત અને છંદ અંગે સાચી છે તેટલી જ ગીત અને છંદ કરતાં વધુ મુશ્કેલ (કેમકે ગીત અને છંદની પહોંચમાં ન આવી શક્તા કશાકને પકડવા મથનાર) ‘અછાન્દસ’ માટે સાચી છે.’
કિરણસિંહ ચૌહાણ said,
July 24, 2010 @ 9:56 AM
બંને સોનેટની મજા નિરાળી છે. શિખરિણીનો લય પકડીને માણવાની તો મજા જ કંઇ ઓર છે.
satish Dholakia said,
July 24, 2010 @ 11:46 AM
ઉમશન્કર જોશિ ના કવ્યો નિ ઉન્ચાઈ પર પહોચવુ અઘ્રુરુ છે. વળિ તેઓ બહુ આયમિ વ્યક્તિત્વ ન સ્વામિ હતા. તેમન વિવિધ પાસા પર પણ રજુઆત થાય તેવુ આયોજન હ્શે જ !
Ramesh Patel said,
July 24, 2010 @ 4:08 PM
શિખરિણી છંઅદ અને સોનેટ તેમનો મનગમતો વિષય ને સાથે
જીવન દર્પણનો સંદર્ભ…ખૂબ જ મજાનું
રમેશ પટેલ(આકાશદીપ)
Girish Parikh said,
July 25, 2010 @ 12:12 AM
વાહ ! કવિવર ઉમાશંકર જોશીનાં પસંદ કરેલાં કાવ્યોની અદભુત રજૂઆત. આ અને અન્ય કાવ્યોના આસ્વાદ મોટે ભાગે ગદ્યમાં લખાયા છે પણ એમને હું ‘કાવ્ય વિશેષ’ કહીશ. આસ્વાદ નીચે અપાતા ઉમાશંકર જોશીના શબ્દો પણ કાવ્યના પૂરક બની રહે છે. કાવ્ય, આસ્વાદ, અને કવિવરના શબ્દોના ત્રિવેણી સંગમનાં આચમન કર્યા જ કરીએ એમ થાય છે.
Naresh Kapadia said,
July 20, 2022 @ 12:17 PM
‘ગયા વર્ષો તેમાં’ અને ‘રહ્યા વર્ષો તેમાં’ કવિની જન્મદિનની ભેટ છે. આ ભેટ આપણે આપણા માટે અને સ્નેહીઓને માટે વહેંચી શકીએ તેટલી માધુરી છે. તેમાંનું દર્શન આ કવિને કવિવર બનાવે છે. પ્રણામ.
આભાર લયસ્તરો..