October 3, 2026 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત
મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે
પાલવમાં આળખેલા ફૂલને સુગંધ ફૂટી પગલીથી ચિતરાયાં ફળિયાં
રમકડાંના મોરલા ગહેક્યા કરે ને ઊડ્યાં વાદળાં બનીને મારાં નળિયાં
મારા કમખામાં ચોમાસું એવું બેઠું કે હવે સહરાના કાંઠાયે છલકે
મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે
પંખા ઉપર કોઈ માળો ન બાંધશો પંખો ફરશે ને વિખરાશે
રમકડાંના મોરલા ગહેકશે નહીં અને ફળિયામાં પગલી ખોવાશે
મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ એનાં પાંદડાંઓ ડાળમાંથી સરકે
મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે
– અનિલ જોશી
વરસો પહેલાં ‘દે તાલ્લી’ ઑડિયો કેસેટમાં આ ગીત પહેલવહેલીવાર સાંભળ્યું હતું. પ્રથમ શ્રવણે જ આ ગીતે મને કાયમ માટે ઝાલી લીધો હતો. રાજેન્દ્ર ઝવેરીના સંગીત-સ્વરાંકન અને તૃપ્તિ છાયાનો સ્વર હજી આજેય અંતરમનમાં એવાં ને એવાં જ તરોતાજા છે. આટઆટલા વરસથી આ ગીત લયસ્તરો પર કેમ નહોતું એ જ આશ્ચર્ય. એક પંક્તિનું મુખડું એ પોતે જ એક સુવાંગ ગીત જેવું છે. એ એક પંક્તિમાં કવિએ જે કહી દીધું છે એ કહેવા માટે બે શું, બાવીસ અંતરા પણ ઓછા પડે.
ગીતનાયિકાના જીવનમાં પ્રણયનો પ્રથમ સંસ્પર્શ થયા પછીની અનુભૂતિનું આ ગીત છે. જડ કાયામાં અચાનક સંવેદનાઓ જાગી ઊઠી છે. અને તે કેવી? તો કે, પાલવમાં ગૂંથેલા ફૂલ, પગલી, રમકડાંના મોર, ઘરનાં નળિયાં અને કમખો-આ તમામ જીવંત થઈ ઊઠ્યાં છે. પણ ઉત્સાહનું વાવાઝોડું સાવધાનીને પણ સાથે ઘસડી લાવ્યું છે. પ્રણયસંબંધ પંખા પર બાંધેલા માળા જેવો નાજુક છે, પંખો ફર્યો નથી કે… અહીંથી આખું ગીત રિવર્સ ઓર્ડરમાં પરત ફરે છે… જે સીંચી સીંચીને હૈયાને પ્રણયપ્લાવિત કર્યું હતું, એ જળ જળ ન હોય ને મૃગજળ નીકળે તો?
ગાંધીજીએ લખ્યું હતું: ‘હું જો કવિ હોઉં તો પાંચ આંગળીઓનું મહાકાવ્ય લખું.’ આ ઇચ્છા પોતે જ એક કવિતા સમી છે. ૧૯૩૪ની સાલમાં હૈદરાબાદ કલ્યાણ કેન્દ્રમાં કામ કરતાં કુ. લિનફર્થે એમની પાસે ‘સંદેશા’ની માગણી કરેલી. તેના ઉત્તરરૂપે ગાંધીજીએ અંગ્રેજીમાં સ્તોત્રકાવ્ય જેવો સંદેશો લખી મોકલાવ્યો હતો. ઉમાશંકર જોશીએ આ સંદેશાને પ્રભાતિયાના ઢાળમાં ઢાળી અનુવાદ કર્યો હતો, પણ એનાય બે ‘વર્ઝન’ જોવા મળે છે. ઉપર જે અનુવાદ છે એ ઉમાશંકર લિખિત ‘નિશ્ચેના મહેલમાં’ પુસ્તકમાં છે, અને નીચે જે અનુવાદ છે એ નટુભાઈ જી શાહ સંપાદિત ‘રોજેરોજની કવિતા’ પુસ્તકમાં છે. બંને અનુવાદનું કર્તૃત્વ તો ઉમાશંકર જોશીનું જ છે અને બંને અનુવાદ ઝૂલણા છંદમાં જ છે. આપણે બંને માણીએ. (મૂળ અંગ્રેજી સંદેશો નીચે કમેન્ટવિભાગમાં પોસ્ટ કર્યો છે.)
October 1, 2026 at 12:30 AM by વિવેક · Filed under રમેશ પારેખ, સોનેટ
(વસંતતિલકા)
વંધ્યા અવાવરુડિબાંગ હથેળીઓમાં
કેવી રીતે અવતર્યાં ગુલમ્હોર વૃક્ષો
આ એ જ હાથ બટકી પડતા હતા તે
લીલાચટાક બસ આજ લીલાચટાક
ભૂલેચૂકેય કરું સ્પર્શ હું કાંકરીને
તો કાંકરીય ટહુકો થઈ જાય આજ.
સીધાં ચઢાણ ચડવા મથતી ન હોય
એ રીત ઊપડતી પાંપણ માંડ તારી
સામે મને (હું પણ ઢાળ જ હોઉં તેમ)
સ્પર્શે અને લપસી જાય સલજ્જ દૃષ્ટિ
ચોમેર ચંદ્ર સુખપાંચમનો પ્રકાશે
આખ્ખાય રોમવનને ભરતો ઉજાસે
ઊભો ઊભો હું નવજાત બની જઉં ને
મૂકી શરીર અળગું સરકી જઉં, ને…
– રમેશ પારેખ
શીર્ષક એટલે કવિતાનો ઉંબરો…’પ્રથમ રાત્રિ’ શીર્ષક વાંચતાવેંત સુખપાંચમનો ચંદ્ર આપણા રોમવનને ઉજાસથી છલકાવી દે… ખરું ને? જે હથેળીઓ આજદિનપર્યંત સ્પર્શસુખથી વંચિત હતી, એમાં લગ્નજીવનની પ્રથમ રાત્રિએ ગુલમહોરનાં વૃક્ષો અવતર્યાં છે. વંધ્યા અને અવતર્યાં- કવિએ વિશેષણ અને ક્રિયાપદનો જે સુમેળ કર્યો છે એ તરફ ધ્યાન દેવાનું ચૂકાય નહીં. પ્રેમ માણસને પારસમણિ બનાવી દે છે. આજની રાત એવી રાત છે કે ભૂલથી કાંકરીને સ્પર્શ કરી દેવાય તો એય ટહુકા કરી ગાતી થઈ જાય. એક તરફ આવેશ એની પરાકાષ્ઠાએ છે, તો બીજી તરફ લાજ પણ ચરમસીમાએ છે. પત્નીની નજર જાણે સીધો પહાડ કેમ ન ચડવાનો હોય, એમ માંડ માંડ ઊઠે છે અને પતિ ઢાળ હોય એમ તારામૈત્રક સધાવાની બીજી જ પળે સડેડાટ લપસી પણ જાય છે. મનપાંચમના મેળાનું ગાન ગાનાર કવિએ અહીં સુખપાંચમના ચંદ્રનો પ્રકાશ રેલાવ્યો છે. કવિએ સુખપાંચમના સ્થાને મુખપાંચમનો ચંદ્ર કહ્યું હોત તોય સૉનેટની લાલિમા કદાચ યથાવત્ રહેત. અદ્વૈતમાંથી દ્વૈત પામવાની આ પળે કાવ્યનાયક નવજાત બાળસહજ નિર્દોષતાથી….
September 30, 2026 at 10:31 AM by વિવેક · Filed under ગઝલ, બકુલેશ દેસાઈ
સ્વાગતમ્ શરદી અને જુકામને!
તું નિકટ તો વાર શી આરામને?
કોઈ પણ કાગળ મને કોરું મળે,
સૌ પ્રથમ ઘૂંટું હું તારા નામને!
રૂપ તારું કોઈ રૂબાઈથી પર!
મા’ત દે છે તું ઉમર ખૈયામને!
શબ્દ મીંચી અર્થ તુજ પામ્યા બદલ
ઝંખુ છું ઈનામને… અકરામને…
તું પ્રવાસે સાથ દે તો ઠીક છે,
શું કરું નહિતર હું આખા ગામને!
આ કથાનક આપણું સુખાન્ત હો!
કોઈ ના બદલી શકે અંજામને!
ના, ‘બકુલેશ’, ના મરણ મકતા મહીં,
ત્યાં ન તું પહોંચી શકે ‘બેફામ’ને.
– બકુલેશ દેસાઈ
ગઝલકાર ગઝલમાં સામે ચાલીને શરદી-જુકામનું સ્વાગત કરે એવી બીના ગુજરાતી ગઝલે કદાચિત્ સર્વપ્રથમવાર જોઈ હશે. પણ આ સ્વાગત કઈ ખુશીમાં એનો ખુલાસો કવિ સાની મિસરામાં કરે છે ત્યારે બે ઘડી મનને મોજ પડી જાય એવો હલકોફુલકો શેર હાથ લાગે છે. મકરન્દ દવે પણ આ જ રીતે દુઃખોને ‘સ્વાગતમ્!’ કરે છે, પણ કવિએ કવિએ અંદાજ કેવા નોખા હોય એ તો જુઓ:
સંકટો, દુઃખો, પધારો સ્વાગતમ્!
લેશ પણ આ માર્ગથી ચસવું નથી.
પ્રસ્તુત ગઝલ લગભગ આખી ગઝલ તગઝ્ઝુલના રંગે રંગાયેલ છે. કોઈ મોટી મોટી વાત નથી. પ્રેમમાં આમેય મોટી મોટી વાતો હોતી નથી. પ્રણય હૃદયની સાદગીના શણગારથી જ વધુ ઓપે. ત્રીજો શેર વાંચીએ ત્યારે આ ગઝલ લખાઈ (૧૯૯૧) એના અગિયાર વર્ષ પહેલાં આવેલ ‘અબ્દુલ્લા’ ફિલ્મના ગીતની એક કડી ‘મીર કી ગઝલ કહું તુઝે મેં, યા કહું ખૈય્યામ કી રૂબાઈ’ અવશ્ય યાદ આવે. મક્તામાં મરણની ગૂંથણી એ બરકત વિરાણી ‘બેફામ’ની ગઝલોનું વૈશિષ્ટ્ય ગણાય છે. કવિએ પોતે મક્તામાં મરણની વાત કરવાની (કુ)ચેષ્ટા કરનાર નથી એમ કહીને કાફિયામાં બેફામને યાદ કરીને પૂર્વસૂરિને સરસ અંજલિ આપી છે.
ઘણીવાર કવિતા ન કહે એ વાત કવિનું નામ કહી દેતું હોય છે. મત્લા જુઓ: એક એવી કબર, જ્યાં નીચે પૃથ્વી નથી બિછાવવાની ને માથે આકાશ પણ ઓઢવાનું નથી. આ કઈ જાતની કબર? સાંઈકવિ મકરન્દનો શેર હોય અને મારિફત (આધ્યાત્મિક્તા)થી રસાયેલ ન હોય એ કેમ બને? આ દૈહિક મરણ કે સ્થૂળ કબરની વાત નથી. જીવના શિવ સાથેના મિલનની આ વાત છે, જ્યાં પૃથ્વી કે આકાશ જેવા દ્વૈત પરિમાણોનું અસ્તિત્ત્વ જ નથી. આ મરણ, આ એ કબર છે, જ્યાં મરણ એટલે અંત નહીં, પરમ ચૈતન્ય સાથે એકાકાર થવું એ. પ્રિયજન સાથે હોય તો સાદામાં સાદું સુખ પણ દોઢું બની જાય. ખરી લગનની બંસી કાયમ કેવળ સ્વ માટે નહીં, સર્વ માટે જ હોવાની. એટલે જ કવિ સૌને સાગમટાં રાખી ચાલવાની વાત કરે છે, ચોથો શેર સુન્દરમના ‘કોણ?’ કાવ્યની યાદ અપાવે:
આ ગઝલ વાંચો. શું સમજાય છે? મત્લા છે, શેર છે, કાફિયા છે, રદીફ છે અને શેરિયત પણ છે. પહેલી નજરે એમ લાગે કે કવિએ સામાન્યતઃ સૉનેટમાં પ્રયોજાતા અપૂર્ણાન્વય (enjambment)નો વિનિયોગ કર્યો છે. ‘ઘાસમાંથી’ શબ્દમાંથી ‘થી’ છૂટો કરી એને સાની મિસરામાં દદડવા દીધો છે. અને આજ વિધા ચારેય શેરમાં પ્રયોજી છે. વિશુદ્ધ ગઝલના ચાહકો તરત જ નાકનું ટેરવું ચડાવશે, કે આવું તો કેમ ચાલે? પણ વિરામચિહ્નો પર ધ્યાન આપવામાં આવે તો આનાથી અનેકગણું મોટું આશ્ચર્ય નજરે ચડશે. અલ્પવિરામચિહ્ન તો દરેક શેરમાં નજરે ચડે છે, પણ પૂર્ણવિરામ? જરા શોધો તો.. અરે! આખી ગઝલમાં એક જ પૂર્ણવિરામ છે અને તેય આખી રચના પતી ગયા બાદ. હવે આખી ગઝલ એક જ વાક્ય હોય એમ વાંચી જુઓ તો! સમજાયું? આ છે ‘એક વાક્ય ગઝલ!” ચારેય શેરને એક જ હરોળમાં ગોઠવી દેવામાં આવે તો ખ્યાલ આવે કે આખી ગઝલ એક સળંગ વાક્ય જ છે.
આ ગઝલ વિશે ‘નખશિખ’માં સંપાદકો લખે છે: ‘સ્વયંપર્યાપ્ત અસ્તિત્ત્વ ધરાવતો પ્રત્યેક શેર અન્ય શેરોથી તદ્દન અલગ હોવાની વાત અહીં અદભુત રીતે ભૂલાવી દેવામાં આવી છે. સામાન્યતઃ શેરની વાત શેર બહાર છલકાતી ન હોય. શિલ્પિન્ છલકાવે છે, છલકાવ્યે જ જાય છે.,, …ગઝલની આકારગ્રંથિ તોડીને એક સળંગ પંક્તિમાં આખીયે ગઝલને લખતાં કાવ્યમય ગદ્યનું એક સરસ વાક્ય મળે છે.’
રમેશ પારેખે ચાર શેરની આ ગઝલ વિશે સાડા ચાર-પોણા પાંચ પાનાંનો આસ્વાદલેખ લખ્યો છે, જેમાં કવિએ કરેલ ભાષાપ્રયોગ તેમજ ભાવક ચેતનાને કાવ્યાભિમુખ બનાવતા શીર્ષક અને ઉપશીર્ષકની અરુઢતાના વખાણ કર્યા બાદ અંતે લખ્યું છે: ‘પ્રસ્તુત કૃતિમાંથી, પ્રયોગોના ઘટાટોપને સોય શોધવા જેટલી ઝીણવટથી ફંફોસીએ તો પણ કોઈ પ્રતીતિજનક કાવ્યક્ષણ કે ‘તગઝ્ઝુલ’ કહીએ તેવો પદાર્થવિશેષ મળી શકતો નથી.’ ચાર શેરની આ ગઝલ શેરોપરાંત એક સળંગ વાક્ય છે એ આખી બાબત જ ર.પા.ના ધ્યાનબહાર રહી ગઈ હતી.
કવિએ એક જ પ્રલંબ વાક્યને ગઝલના છંદમાં, કાફિયા-રદીફની સંરચના જાળવીને એવી અભૂતપૂર્વ ખૂબીથી ઢાળ્યું છે કે ચારેય શેર સ્વતંત્ર અને પરસ્પર પર નિરાલંબ પણ બન્યા છે, અને આખી ગઝલને એક જ શ્વાસે વાંચતા અલગ જ પ્રકારનો કાવ્યપદાર્થ પણ હાથ આવે છે. હા, ઉચ્છવાસમાં તાજગી ભરવાની વાત કે ધૂસરસર હવા હોવાની વાત પ્રતીતિકર જણાતી નથી, કારણ આ બંને બીના શ્વાસ સાથે વધુ સુસંગત ગણાય.
શીર્ષક અને પેટાશીર્ષક બાબત્નો કોયડો ઉકેલવાનું લયસ્તરોના સુજ્ઞ ભાવકો પર છોડીએ તો?
September 24, 2026 at 12:30 AM by વિવેક · Filed under જગદીશ જોષી, સોનેટ
શબ્દને યોનિ છે, શબ્દને શિશ્ન છે
શબ્દને સ્તન અને છાતીએ વાળ છે
સમૂહમાં શબ્દ છે, શબ્દ છે એકલો
શબ્દ છે સૌમ્ય ને શબ્દ વિકરાળ છે
શબ્દ તો શરીર ને શબ્દ તો પ્રાણ છે
શબ્દ તો રેતી ને શબ્દ તો વ્હાણ છે.
શબ્દને પાંજરે પંખી બોલ્યા કરે
એક બીજું સદા અર્થ કરડ્યા કરે
અર્થ સબડ્યા કરે: શબ્દમાં શબ્દ તો
બાળ નાનો થઈ કાલું બબડ્યા કરે
બાણશૈયા પરે શબ્દ તો ભીષ્મ છે
શબ્દ રાધા અને શબ્દ તો કૃષ્ણ છે
શબ્દ ઇશુ અને શબ્દ તો બુદ્ધ છે
શબ્દ ઉત્તર અને શબ્દ તો પ્રશ્ન છે.
– જગદીશ જોષી
ઇટલીમાં સૉનેટ લખાવું શરૂ થયું ત્યારે ચૌદ પંક્તિઓ અષ્ટક-ષટકના સ્વરૂપમાં (પેટ્રાર્કન) લખાતું. એ અંગ્રેજીમાં આવ્યું ચતુષક-યુગ્મક (શેક્સપિરિઅન) સ્વરૂપે. મિલ્ટને ચૌદેચૌદ પંક્તિઓને સુગ્રથિત કરીને સૉનેટને નવો ઘાટ આપ્યો. ગુજરાતીઓએ કોઈ એક સ્વરૂપ કે પ્રાસવ્યવસ્થા પસંદ કરવાના બદલે યદૃચ્છા વિહાર કરવાનું રાખ્યું. જગદીશ જોષીનું આ સૉનેટ તો ગઝલસદૃશ કૃતિ છે. એમણે સાત યુગ્મક આપ્યા છે, પણ પ્રાસના મામલે મળે ત્યાં મેળવી લઈ બાકીના ભગવાનભરોસે છોડ્યા હોવાથી કૃતિમાં એકસૂત્રતા જળવાતી નથી.
પ્રસ્તુત રચના શબ્દનું મહિમાગાન છે. મોટાભાગની કડીઓમાં વિરોધાભાસી શબ્દોની યાદી આપીને કવિ શબ્દનો અમાપ વ્યાપ સ્થાપિત કરવાબો પ્રયત્ન કર્યો છે, પણ એમાં નાવીન્ય નથી. કદાચ એમણે અચંબિત કરે એવા શબ્દો પસંદ કર્યા છે. યથાકથિત સૉનેટનો ઉઘાડ ચોંકાવનારો છે. ચોંકાવવાના ઈરાદાથી જ લખાયો પણ જણાય છે. કારણ એ સમયે ઘણા કવિઓએ વાચકોને અચંબિત કરવા માટે યૌનક્રિયાના ઉઘાડા આલેખનને ખપમાં લીધું હતું. કદાચિત તેઓ નવી કવિતા અને નવી અભિવ્યક્તિની શોધમાં હતા. પણ અહીં શબ્દને યોનિ-શિશ્ન-સ્તન-છાતીના વાળ કહીને કવિ શું સિદ્ધ કરી શક્યા છે એ સમજાતું નથી. શબ્દ શરીર છે અને શબ્દ જ પ્રાણ પણ છે. શબ્દ વહાણ પણ છે, પણ આ વહાણ હંકારવું સહેલું નથી, કારણ એ પાણીમાં નહીં, રેતીમાં તરાવવાનું છે. સમૂહ-એકલગાન, સૌમ્યતા-વિકરાળતા એ પણ શબ્દના જાણીતા આયામ છે. એક તરફ એવા કવિઓ છે, જે શબ્દોના અર્થના પાંજરામાં કેદ રહીને બોલ્યે રાખે છે, તો બીજી તરફ અર્થને અતિક્રમીને આગળ વધતા સર્જકો પણ છે. અહીં સુધી તો બરાબર, પણ ભીષ્મ-રાધા-કૃષ્ણ-ઈશુ અને બુદ્ધના પ્રતીકોથી કવિ કોઈ ઊંચું નિશાન તાકી શક્યા હોય એવું લાગતું નથી. સરવાળે, એક સમર્થ સર્જકની ડાબા હાથની સરજત ગણી આવી કવિતાઓને હાંસિયામાં મૂકી શકાય એમ મારું માનવું છે.
હાથ બ્હારની વાત હવે,
ત્હારામય જો થતો જાઉં છું ત્હને સતત હું લહી લહી.
– રાજેન્દ્ર શાહ
ગીત એટલે હૃદયોર્મિની નાજુકતમ પેશકશ. ફૂલમાંથી સુગંધ પ્રસરે અને હવાને એનું જેટલું વજન લાગે, એટલું હળવું હોય તો ગીત વાંચનાર-સાંભળનારના હૃદયમાં ઉતરી જાય. અત્રે બે જણ વચ્ચેનો સંબંધ એવી કક્ષાએ આવી ઊભો છે, જ્યાં અર્થહીન વાતોના અડપલાંને કોઈ અવકાશ બચ્યો નથી. છે તો આરઝૂ જ, પણ ‘નહીં નહીં’નો બેવડો નકાર એને અધોરેખિત કરી નિર્દેશસદૃશ રૂપ આપે છે. માંજરની ગંધથી બેચેન કોકિલ રહી રહીને ટહુકી રહ્યો છે એમાં માંજરનો શો વાંક? નાયિકાના સૌંદર્યથી ગીતપુરુષ પ્રભાવિત થઈ ગયો એમાં નાયિકા બિચારી શું કરે? આ ઋણાનુબંધના મૂળ ક્યાંક હતા કે કેમ એ વિશે નાયક યાદ કરવા મથે છે પણ યાદ આવતું નથી. કદાચ ઉભય વચ્ચે આ અગાઉ મુલાકાત થઈ પણ હોય અને કદાચ આ déjà vu પણ હોય! પોતાની લાગણી હવે છૂપી રહી નથી. હૈયું દર્દ પણ અનુભવે છે અને ભરપૂર સુખ પણ મહેસૂસ કરે છે. પ્રણયના દર્દની આ જ તો મજા છે. અને હવે તો પરિસ્થિતિ સમૂળગી જ કાબૂ બહાર થઈ ગઈ છે. જેમ જેમ નાયક નાયિકાને ઓળખતો જાય છે, વધુને વધુ ધ્યાનમાં લેતો જાય છે એમ એમ એ નાયિકામય થતો જાય છે.
७ બેઠો શીશ ઢાળી ગોઠણે,
સ્થિતિએ ચહેરો સકલ બેજાર છે.
૮ તો ઉપનામ છે શાહમૃગનું.
રેતમાં માથું અને ધડ બહાર છે.
૯ તો જડબું મીન ગળતી વ્હેલનું,
કે પછી ચીતર્યો ધનુષ્યાકાર છે?
૧૦ તણું અવળા પગે પથ્થર પડે,
શું થશે? શિર આંકડાનો ભાર છે.
હું અને આ એકથી દશની કથા,
છોડ ‘પંથી’ ક્યાં કશો યે સાર છે?
– પંથી પાલનપુરી
મનુષ્યને બંધન વિના ચાલતું પણ નથી, અને બંધન સાથે ફાવતું પણ નથી. બે વ્યક્તિના સંબંધમાં પણ આ સાચું અને કલા-કવિતામાં પણ સાચું. કદાચ એટલે જ કવિઓ વારેતહેવારે પૂર્વનિર્ધારિત નિયમોને ચાતરીને અલગ ચીલો કંડારવાની મથામણ કરતા રહે છે. પ્રસ્તુત ગઝલમાં ગઝલનું સ્વરૂપ જાળવી રાખીને કવિએ એવી વાત ગઝલમાં કહેવાની કોશિશ કરી છે, જે આ પૂર્વે ભાગ્યે જ કહેવાઈ હોય. આ ગઝલ એકથી દસની કથાની ગઝલ છે. દરેક શેર દરેક અંકના બાહ્યાકારને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યા છે. એકડાનો આકાર કોઈ અવળા પગે ઊભું હોય એવો કલ્પવામાં આવ્યો છે, તો બગડામાં કવિને ખુલ્લું મોં નજરે ચડ્યું છે. ત્રગડાનો આકાર ઓમના પૂર્વાર્ધ જેવો હોવાથી કવિને એમાં અભિશાપિત અવતાર દેખાય છે. આ જ રીતે દસેદસ આંકડાઓને કવિએ શેરમાં ગૂંથ્યા છે. આંકડાઓના આકારોનું આલેખન જેટલું સચોટ થયું છે, એટલા જ ઉત્તમ બધા શેર પણ થયા હોત તો આ એકસૂત્રી (મુસલસલ) ગઝલ માણવાની વધુ મજા આવત. આ સિવાય, કવિએ મત્લા પણ લખ્યો તો ગઝલ વધુ સંતર્પક બની હોત.
ગઈ કાલે આપણે દોહા ગઝલજોઈ. આજે એક સોરઠા ગઝલ જોઈએ. બંને દ્વિદલ માત્રામેળી છંદ છે. દોહા કે દોહરાની બંને કડીઓમાં પહેલા ચરણમાં ૧૩ અને બીજા ચરણમાં ૧૧ એમ કુલ ૨૪ માત્રા હોય છે. સોરઠામાંય માત્રા તો એટલી જ રહે છે, પણ પહેલા ચરણમાં ૧૧ અને બીજામાં ૧૩ –એમ માત્રાની ઉલટસૂલટ થાય છે. દોહાનું બંધારણ દાદા દાદા દાલદા, દાદા દાદા ગાલ જ્યારે સોરઠાનું બંધારણ દાદા દાદા ગાલ, દાદા દાદા દાલદા. દોહામાં બીજા અને ચોથા ચરણ વચ્ચે પ્રાસમેળ સર્જાય જ્યારે, સોરઠામાં પહેલા અને ત્રીજા ચરણ વચ્ચે પ્રાસસાંકળી રચાય. ઘણા કવિઓ સોરઠામાં ઉપરોક્ત રચના પ્રમાણે પહેલા-ત્રીજાના સ્થાને બીજા-ત્રીજા ચરણ વચ્ચે પણ પ્રાસ મેળવે છે. કવિએ આ કૃતિને સોરઠા ગઝલ એવું શીર્ષક આપ્યું હોવાથી કૃતિમાં સોરઠા અને ગઝલ –ઉભયના સંસ્કાર સમાવિષ્ટ હોવા ઘટે. કોઈપણ પ્રકારની ફ્યુઝન-પોએટ્રીનો પ્રયોગ ત્યારે જ સફળ બને જ્યારે ભાવકને બંનેની સહોપસ્થિતિ અનુભવાય. અહીં ભાવકને જે હમરદીફ-હમકાફિયા પ્રકારની ગઝલાનુભૂતિ થાય છે, એમાં મત્લાની અનુપસ્થિતિ ખટકે છે. બીજું, આ રચના શુદ્ધ સોરઠામાં લખાઈ નથી. દેખીતી રીતે જ અહીં દરેક શેરના ઉલા મિસરામાં દોહા છંદ (૧૩ વત્તા ૧૧) અને બીજા મિસરામાં સોરઠા છંદ (૧૧ વત્તા ૧૩) પ્રયોજાયો છે. વિનોદ જોશીની એક રચનામાં આ પ્રકારની મિશ્ર છંદરચના જોવા મળે છે:
સોલિડ મહેતાની આ સોરઠા ગઝલને પણ મિશ્રછંદ ગઝલ કહી શકાય. મત્લાની ગેરહાજરી છે, પણ આંખમતીના તીર અને સોલિડગઢની વચ્ચે ગઝલિયતના અનેકાનેક પ્રમાણ મળી આવે છે એ આપણું સદભાગ્ય.
ક્યાં રે એ તલ્લીન ને ક્યાં રે રાગાધીન
તેં ખોયા અભિયાસને દેખ કબીરા રોય!
લલિત ત્રિવેદી
ગઈકાલે આપણે એક ગરબા-ગઝલનો આસ્વાદ કર્યો.. આજે એક દોહા-ગઝલ માણીએ. કબીરના પદમાંથી ’देख कबीरा रोया’ ઉધાર લઈને કવિએ એને ગઝલની રદીફ તરીકે સ્થાપી છે. જરકશી જામા અને ભોગવિલાસની જિંદગીને જોઈને ભીતરનો કબીર વ્યથિત છે. આપણો ઉલ્લસ પણ અબરખ જેવો છે, ચમકીલો પણ બરડ અને ભંગુર. આપણા શાસ્ત્રોમાં જીવને હંસનું પ્રતીક આપવામાં આવ્યું છે. હંસ અને માનસરોવર વચ્ચેનો અવિનાભાવી સંબંધ પણ જાણીતો છે. પણ કવિ લાવ્યા છે મનસરની પાળ… માનસરોવરના ઇંગિતને જાળવી રાખીને મનના સરોવરને કવિએ હાથ ઝાલ્યું છે. સદૈવ અતૃપ્ત રહેતી તરસ-તૃષ્ણાને દેખીને માંહ્યલો રડી રહ્યો છે એ શેર હાંસિલે ગઝલ કહી શકાય. બાકીના શેર ખોલવાનું કામ લયસ્તરોના સક્ષમ વાચકવર્ગ માટે બાકી રાખું છું…
September 16, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી
એક વાગી અજાણી તાળી કે રંગમાં રંગતાળી,
એક અણદીઠ સૂરત ભાળી કે રંગમાં રંગતાળી.
કેમ રોકાય તાળી રોકે પળમાં જ પહોંચી ત્રિલોકે,
સાવ અમથી જરા ઉલાળી કે રંગમાં રંગતાળી.
દ્વાર દસ દસ દિશાનાં ઝૂલે કૈં અવનવાં દૃશ્ય ખૂલે,
હું તો બેઠો પલાંઠી વાળી કે રંગમાં રંગતાળી.
રંગબેરંગ આખીય સૃષ્ટિ કે માત્ર મારી જ દૃષ્ટિ?
ઓગળી ગઈ કે પાછી વાળી કે રંગમાં રંગતાળી
– જવાહર બક્ષી
ગુજરાતી કવિતા કે સાહિત્યમાં સહેજ પણ રસ ન હોય તોય ‘રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગમાં રંગતાળી’ -શ્રી વલ્લભ ભટ્ટના આ ગરબાથી અજાણ હોય એવો ગુજરાતી મળવો મુશ્કેલ છે. પ્રસ્તુત ગરબા-ગઝલમાં કવિએ ગરબાની ધ્રુવપંક્તિને રદીફ બનાવીને ગરવાના ઢાળમાં જ સ-રસ ગઝલ કહી છે. પણ આ રંગ ‘મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઈ ગઈ, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો’વાળો ભગવો રંગ છે. તાળી લાગી જવી એટલે ધ્યાન લાગી જવું. અહીં જે અજાણી તાળી લાગવાની વાત છે એ પણ પરમ ચેતના સાથે સુરતા જોડાવાની વાત છે. કરમણ ભગત જેવા અનેક ભક્તા કવિઓએ તાળી લાગવાનો મહિમા કર્યો છે:‘આંખમાં એવાં તો આંજણ આંજ્યાં કે તનડામાં તાળી લાગી ગઈ,’ ‘ત્રિકુટિમાં લાગી મુંને તાળી.’દરેક શેરના ઉલા મિસરામાં આંતર્પ્રાસગુંથણીના કારણે કૃતિમાં ગરબામાં હીચ લેતા હોઈએ એવી પ્રવાહિતા પણ ઉમેરાઈ છે. ઈશ્વર સાથે તાર જોડાઈ ગયા બાદ આખી સૃષ્ટિ રંગબેરંગી પ્રતીત થાય છે. આ પ્રતીતિ કેવળ સ્વયંની દૃષ્ટિનો કમળો જ હોય તોય હવે ફરક નથી પડતો, કારણ નજર ચરમ ચેતનામાં ઓગળી ગઈ હોય કે ભીતર પાછી વળી ગઈ હોય, હવે બધું એકસમાન છે.
શાળામાં હતો એ સમયગાળામાં આ ગઝલનો મત્લો ક્યાંક વાંચવા મળ્યો અને વાંચતાવેંત જ હૃદયસ્થ થઈ ગયો. સાડા ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો પણ આ મત્લા હજીય એવોને એવો જ પ્રિય છે. કમભાગ્યે કવિનું નામ યાદ ન હોવાથી અને ઇન્ટરનેટે કોઈપણ પ્રકારની સહાય કરવાની ના કહી દીધી હોવાથી આખી ગઝલ કદી હાથ લાગી નહીં. થોડા સમય પહેલાં મકરાન્દ દવે અને અમૃત ઘાયલ સંપાદિત ‘છીપનો ચહેરો ગઝલ’માંથી આ ગઝલના આ ત્રણ શેર અને કવિનું નામ હાથ લાગ્યું. કવિનો એક સંગ્રહ હાથ લાગ્યો, પણ એમાં તો આ રચનાનું અસ્તિત્ત્વ જ નથી… બીજો કોઈ સંગ્રહ થયો હોવાનું ધ્યાનમાં નથી.
લયસ્તરોના સહૃદય ભાવકોમાંથી કોઈક આખી રચના શોધી આપશે તો એનો સદૈવ ઓશિંગણ રહીશ…
શ્વાસમાં રમતો રહી ગુંજ્યા કરે,
નાભિ ઘૂમતા નાદને ખમ્મા ઘણી.
ચાલતા ચકડોળથી છટકી ગયો,
કો’ક એ અપવાદને ખમ્મા ઘણી.
– દિલીપ ધોળકિયા ‘શ્યામ’
શહેરમાં રહેતા લોકો કોઈ છીંક ખાય અને ‘બ્લેસ યૂ’ કહે, પણ કાઠિયાવાડમાં તો વાતે વાતે ‘ખમ્મા ઘણી’ સંભળાય. આમ તો ‘ખમ્મા’ શબ્દ ‘ક્ષમા’ પરથી બન્યો છે, પણ કોઈને આપણે ‘ઘણી ખમ્મા’ કહીએ ત્યારે માફી માંગવા કરતાં એનું ક્ષેમકુશળ ઇચ્છતા હોવાનો ભાવ વધુ વ્યક્ત થાય છે. સૌરાષ્ટ્રના સહજ ઉદગારને ગઝલની રદીફમાં વણી લઈને કવિએ સરસ મજાની ગઝલ આપી છે. મૌનનો અવાજ સાંભળી શકે અને એની સાથે મૌન સંવાદ પણ સાધી શકે એ જ માણસ કવિ બને, પણ અહીં કવિ કેવળ મૌનના અવાજને સાંભળતા જ નથી, એની ખેરિયત પણ પ્રાર્થે છે, પરિણામે શેર સિદ્ધ થાય છે. રાતભર ઉજાગરા કરાવતી નઠારી યાદનુંય કવિ ભલું જ ઇચ્છે છે અને સૉશ્યલ મિડિયા પર પ્રચલિત જેવી ખોટી વાહવાહીને હકીકત ઘણી લઈ બરબાદ થઈ જનારનુંય કવિ કલ્યાણ ઝંખે છે. ગાડરિયા પ્રવાહ જેવી ગતાનુગતિક ચિત્તવૃત્તિથી આઝાદ થઈ પોતાની રાહ પોતે કંડારનારને બિરદાવતો આખરી શેર તો સવિશેષ ગમી જાય એવો છે.
September 10, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જય કાંટવાલા
એકબીજાને કદી સમજી ગયા
સમજી લો કે જિંદગી સમજી ગયા.
જ્યાં જવાને મન કદી માન્યું નહીં
ત્યાં અમે સૌની ખુશી સમજી, ગયા.
ધાકધમકીથી ન સમજાઈ જે વાત
એ તમારા મૌનથી સમજી ગયા.
એક અમસ્તું સ્મિત આપ્યું કોઈએ
લોકો એને લાગણી સમજી ગયા.
જે અદાથી આપે ‘ના’ પાડી હતી
આપની પરવાનગી સમજી ગયા.
સૌને સમજાવીને થાક્યાં આપણે,
આપણે પણ એ પછી સમજી ગયા.
– જય કાંટવાલા
સરળ ભાષામાં લવ એટ ફર્સ્ટ સાઇટ જેવી જોતાવેંત ગમી જાય એવી ગઝલ. એકેય ભારીખમ શબ્દો, રૂપકો કે અલંકારોના આડંબર વિના જ કવિએ ગઝલિયત પ્રાપ્ત કરી બતાવી છે. જિંદગીનો દાખલો સમજવાની બહુ ઉમદા પણ બહુ જ અઘરી રીતે કવિએ મત્લામાં સમજાવી છે. બીજા શેરમાં લોકલાજનો પ્રભાવ કેવો કળાત્મક્તાથી રજૂ કરાયો છે! પછીના ત્રણેય શેર સામી વ્યક્તિના મનને એની વાણીથી નહીં, વલણથી વાંચવાની હિમાકત કરે છે. એક જ વિષય કેન્દ્રમાં હોવા છતાં ત્રણેય શેર અલગ અને આસ્વાદ્ય થયા છે. આખરી શેર પણ અર્થસભર. કુલ મળીને મજાની રચના.
September 9, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ધીરેન્દ્ર મહેતા
મુજ દૃષ્ટિ પાછી ના વળે તારા ગયા પછી,
રસ્તા બધાય ઓગળે તારા ગયા પછી.
ક્યાંથી જ સૂર નીકળે તારા ગયા પછી,
બાઝી ગયાં ગીતો ગળે તારા ગયા પછી!
જે પળને નામ પ્રેમનું આપ્યું’તું આપણે,
અશ્રુ બની એ ઊછળે તારા ગયા પછી!
પોલાણ મારી જિંદગીનું થઈ ગયું છતું,
કે કોણ આવીને ભળે તારા ગયા પછી!
શબ્દોની નાવ ડૂબી ગઈ છે ઘડીકમાં,
ખામોશી ખાલી ખળભળે તારા ગયા પછી!
ભીંતો બધીય આજ બહેરી બની ગઈ,
કોના જ શ્વાસ સાંભળે તારા ગયા પછી !
આકાશનું પંખીય રહે બેસી ટોડલે,
કોને ભલા ઊડી મળે તારા ગયા પછી!
પડદા પડી રહ્યા છે બધા અંધકારના,
આ સૂર્ય કેમ ના ઢળે તારા ગયા પછી!
– ધીરેન્દ્ર મહેતા
ગઝલના ભાવવિશ્વ પર કોઈનો સૌથી વધુ અંકુશ હોય તો એ છે રદીફનો. ગઝલનું સ્ટીયરિંગ જેટલું રદીફના હાથમાં છે, એટલું બીજા કોઈ બાહ્યાંગના હાથમાં હોતું નથી. કવિએ ‘તારા ગયા પછી’ રદીફ નક્કી કરી એટલે પ્રિયજનના ત્યજી ગયા પછીના વિષાદ-વિયોગ અને વ્યથા જ ગઝલનું વાતાવરણ બને. છોડીને જઈ રહેલ પ્રિયતમાની પાછળ પાછળ ગયેલી દૃષ્ટિ હવે પાછી ફરી શકતી નથી, કારણ પાછા ફરવા માટે રસ્તો તો જોઈએ ને, અને રસ્તા તો સઘળા ઓગળી ગયા છે! કેવો સુંદર મત્લા! સાથે ગાયેલ ગીતો ગળામાં બાઝી ગયા હોવાથી હવે સૂર નીકળી શકે એમ નથી એ શેર પણ સુંદર થયો છે, પણ છંદપૂર્તિ માટે વપરાયેલો ‘જ’ ભાવાસ્વાદમાં નડતર બને છે. આ જ સમસ્યા બહેરી બની ગયેલ ભીંતોવાળા શેરમાં પણ જોવા મળે છે. ત્રીજા શેરમાં અશ્રુ સાથે ઊછળવું ક્રિયાપદ પણ સુસંગત જણાતું નથી. થોડા સજગ કવિકર્મની મદદથી આવું નિવારી શકાયું હોત તો ગઝલ સુવાંગ સુંદર બની શકી હોત.
September 8, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દાન વાઘેલા
જોવું જ હોય તો, તું હવાની જ ગંધ જો!
અફવાની લાશ લઈ જતા ફૂલોના સ્કંધ જો!
દૃશ્યોની લૂંટમાર કરે છે પતંગિયાં;
શંકા ઓઢીને ઊગતા આ સૂર્ય અંધ જો!
એ વાત છે અલગ કે હૃદય બંધ થાય છે;
આઘાત – લાગણીનો પરસ્પર સબંધ જો!
લે પાણી, પૈસો, પાન પણ તુલસીનું ને આ ધૂળ;
છે જીવની તૃષાનો આ છેલ્લો પ્રબંધ… જો!
– દાન વાઘેલા
સૌંદર્યબોધ આ ગઝલના મત્લાનું મધ્યબિંદુ છે, પણ કવિ ભાવક પાસે ઇન્દ્રિયવ્યુત્ક્રમની અપેક્ષા પણ રાખે છે. દુનિયામાં જોવા જેવું તો ઘણું બધું છે, પણ કવિ આહ્વાન કરે છે કે જોવું જ હોય તો હવાની ગંધ જો. નાકથી કરવાનું કામ આંખથી કર. સુગંધને વહેતી કરનાર ફૂલોના સુકોમળ સ્કંધ અફવાની લાશનું પણ વહન કરે છે એ વાત સહેજ સંદિગ્ધ રહી જાય છે. બીજો શેર સાધારણ છે અને ‘ઓઢીને’માં છંદ પણ તૂટે છે. પણ ગઝલની ખરી મજા ત્રીજા-ચોથા શેરમાં છે. પ્રિયજને આઘાત આપ્યો, એના પ્રત્યાઘાતમાં કથકનું હૃદય બંધ થઈ રહ્યું છે, એ સામાન્ય બનાવને આઘાત-લાગણીના પરસ્પર સંબંધ સાથે જોડીને કવિએ કેવો મજાનો શેર કહી દીધો! અંતિમ શેરમાં ચિત્રણ તો મૃત્યુનું છે, પણ મૃત્યુસમયના રિવાજોને જીવની તરસના છેલ્લા પ્રબંધ તરીકે ઓળખાવીને કવિએ શેરને ચિરસ્મરણીય બનાવી દીધો. કેમકે અંતિમ શ્વાસ સુધી મનુષ્યની તૃષા-લાલસાઓનો અંત આવતો નથી.
ગુજરાતી ગઝલને વળાંકે વળાંકે સ્થિરતા બક્ષી વધુને વધુ ઊંચાઈએ લઈ જનારા ગઝલકારોના કર્તૃત્વને યાદ કરીએ ત્યારે એક નામ મસ્ત ‘હબીબ’ સારોદીનું પણ લેવું પડે. તરહી ગઝલોના દૌરની આ ગઝલ વાંચતાવેંત આ જ જમીન પર રચાયેલ મરીઝની જાણીતી ગઝલ તરત જ યાદ આવે:
ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.
મસ્ત ‘હબીબ’ સારોદીની આ ગઝલ દેખીતી રીતે જ મરીઝની ગઝલની ઊંચાઈએ પહોંચી નથી શકી, પણ કવિને ગુજરાતી ગઝલના ઇતિહાસના પરિશીલનમાં અગત્યના માઇલસ્ટોન તરીકે યાદ કરવા જ રહ્યા. બીજા શેરમાં પરમ શક્તિ પ્રત્યેની શ્રદ્ધા દાવા-દલીલની પરંપરાગત રીતિથી સરસ રીતે વ્યક્ત થઈ છે. જે શક્તિ આપણને કહ્યા વિના આપણાં નિરંતર આપણાં દુઃખ દૂર કરતી રહે છે, પૂર્ણ શરણાગતિથી એના કહ્યાનું અનુસરણ કેમ ન કરીએ! ત્રીજો શેર હાંસિલે-ગઝલ- પ્રથમ વાંચને ગમી જાય અને બીજા વાંચને કહ્યા વિના દિલમાં ઘર કરી જાય અને ત્રીજા વાંચને આદર પામે એવો! કેવી કળાત્મક્તાથી કવિએ પ્રણયમાં આદરને સ્થાન આપ્યું છે!
September 4, 2026 at 7:44 AM by વિવેક · Filed under ગઝલ, જમિયત પંડ્યા
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો.
ઓ મુસીબત! એટલી ઝિંદાદિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.
કોઈના ઇકરાર ને ઇન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.
કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં,
ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.
ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી તેનેય પણ,
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.
જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં,
હું કબરમાં પણ કરેલા પ્યાર પર હસતો રહ્યો.
નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ,
એ કિનારે જઈ ડૂબી, હું ’ધાર પર હસતો રહ્યો.
ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણજાર પર હસતો રહ્યો.
– જમિયત પંડયા ‘જિગર’
પચાસ વર્ષ પહેલાં ૧૯૭૬માં ‘ગઝલનું છંદશાસ્ત્ર’ પુસ્તક લખીને પાયાનું કામ કરનાર આ પરંપરાના શાયરની ગઝલમાં ગઝલવાંછિત મિજાજ તંતોતંત છતો થાય છે. જિંદગીનો હાથ ટૂંકો હોય કે આપણી અપેક્ષા વધારે હોય –જે હોય તે પણ મનગમતું ને જોઈતું કોઈને કદી મળી રહેતું નથી. ‘सब का ख़ुशी से फ़ासला एक क़दम है, हर घर में बस एक ही कमरा कम है।‘ (જાવેદ અખ્તર) અસંતુષ્ટિની આગ જ મનુષ્યને દોડતો રાખે છે, પણ દાદ દેવી પડે એવી જિંદાદિલી એને જ કહેવાય જે ડગલેને પગલે સાંપડતી વિષમતાઓ અને અપૂર્તિઓ પર પણ હસતો રહે. આખી ગઝલ આ જ બેફિકરીના પાયા પર ચણાયેલી છે. પહેલા બે શેર તો યાદગાર મુક્તક બની ગયા છે.
વ્હાલથી જ્યારે નિમન્ત્રણ છે દીધું,
પૂર્ણ સૌહાર્દે હૃદયનો રઙ્ગ આલ.
ફાગનો ઠેકો મૃદંગે છે ધર્યો,
કીરને ટહુકે ચરણની ચાલ ચાલ.
તેજ ત્હારી આંખમાં પ્રગટી રહે,
તે જ ફેલાતું હવામાં થઈ ગુલાલ.
જે મળ્યો અવસર ન એળે જાય તે,
જ્યાં થયાં તન્મય પછી તો ન્યાલ ન્યાલ.
– રાજેન્દ્ર શાહ
કવિવર રાજેન્દ્ર શાહે છણ્ણું ગઝલોનો આખો સંગ્રહ પણ આપ્યો છે. એમાંની આ એક ગઝલ. કેટલીક મર્યાદાઓને બાદ કરીએ તો સમર્થ કવિએ ગઝલોની ગલીઓમાં પણ અધિકૃતતાપૂર્વક વિહાર કરી દેખાડ્યો છે. હરસિઙ્ગારનું ફૂલ એટલે પારિજાતનું ફૂલ. અન્ય ફૂલોની સરખામણીમાં પારિજાતનાં ફૂલોનું આયુષ્ય કેવળ એક રાત પૂરતું જ હોય છે. શેરિયત જન્માવવામાં આ તથ્યને કવિએ કેવું કામે લીધું છે! નાની નાની બે જ પંક્તિઓમાં કવિએ આજનું મહિમાગાન કર્યું છે. બીજા શેરમાં માનવસહજ લાગણીના સૌહાર્દપૂર્ણ સ્વીકારની અને ત્રીજા શેરમાં ફાગના રાગનો મહિમા કરાયો છે. ચોથા શેરને ત્રીજાના extension તરીકે પણ માણી શકાય અને વિચ્છૃંખલ શેર તરીકે પણ. હવામાં જે ગુલાલનો નશો, રંગ છવાયા છે એ બીજું કંઈ નહીં, તારી આંખોમાં પ્રગટતું તેજ જ છે. તારી સંબોધન પ્રિયા અને પરમેશ્વર બંનેને લાગુ પાડી શકાય. ઈશ્કે મિજાજી અને ઈશ્કે હકીકી –ઉભયની સહોપસ્થિતિ. અંતિમ શેર મત્લાનું જ પ્રતિબિંબ જાણે. હાથ આવેલ અવસર એળે ન જવા દઈએ; પરસ્પરમાં તન્મય થઈ જઈએ એટલે જિંદગી ન્યાલ ન્યાલ! ચોથા શેરના ઉલા મિસરાની શરૂઆત ‘તેજ’થી થાય છે અને સાનીની શરૂઆત ‘તે જ’થી. ભાવક સતર્ક ન હોય તો સતર્ક કવિની કારીગરીથી નિષ્પન્ન થતું યમક અલંકારનું સૌંદર્ય ચૂકી જવાય. આવો જ યમક અલંકાર એની ઉપરના શેરમાં ‘ચાલ (ગતિ, છટા) ચાલ’ (ચાલવું, આગળ વધવું)માં પણ પ્રયોજાયો છે. ‘ચાલ ચાલ’ની દ્વિરુક્તિ સ્વયં ચરણોની લયબદ્ધ ગતિનો અનુભવ પણ કરાવે છે.
આયના તૂટી ગયા ને બિંબ તરડાઈ ગયાં;
એકમાં છે કેટલા ચહેરાઓ, પરખાઈ ગયા.
બીજનો હો કે પૂનમનો ચંદ્રમા તો એ જ છે;
વાસ્તવિકતા એ જ કેવળ રૂપ બદલાઈ ગયાં.
જિંદગીભર કાંઈ ના સમજી શકાયું એટલે;
અંતવેળાની નજરના અર્થ સમજાઈ ગયા.
એમ આવ્યાં, એમ બેઠાં, એમ ઊઠીને ગયાં;
ભાવ અંતરના બધા વર્તનમાં દેખાઈ ગયા.
એમની વાચાળતાનો છે અલગ અંદાઝ આ;
એ કશું બોલ્યાં નહીં ને મૌન પડઘાઈ ગયાં.
આખરે ‘નાદાનજી’ ના વ્યક્ત કંઈપણ થઈ શક્યું;
ભેદ સૌ ભીતરના, ભીતરમાં જ ધરબાઈ ગયા.
– દિનેશ ડોંગરે ‘નાદાન’
ગઝલનો મત્લા વાંચીએ ત્યારે સાહિર લુધિયાનવી લિખિત દાગ ફિલ્મના ગીતનું મુખડું માનસપટ પર ઝબકે:
जब भी जी चाहे नई दुनिया बसा लेते हैं लोग
एक चेहरे पर कई चेहरे लगा लेते हैं लोग
પ્રસ્તુત ગઝલનો મત્લા પણ મનુષ્યના એક ચહેરામાં અનેક ચહેરાઓ સંતાયેલ હોવાની જ વાત કરે છે, પણ સાહિરે અનુમાનથી જે વાત કરી હતી, દિનેશ ડોંગરે એને પ્રમાણ આપીને કહે છે. આયનો તૂટીને ટુકડેટુકડા થઈ જાય ત્યારે દરેક ટુકડામાં આપણો ચહેરો નજરે ચડે છે. જે ચહેરો આખા આયનામાં આખો દેખાતો હતો, એ કોઈપણ ટુકડામાં આખો દેખાઈ શકતો નથી અને દરેક ટુકડામાં ચહેરાના અલગ અલગ ભાગ નજરે ચડે છે. એક ચહેરો તરડાઈ જઈને અનેકમાં વિભાજિત થઈ જાય છે. અહીં આયનો એકવચનમાં નથી. વાત આયનાઓની છે એટલે જોનાર પણ વ્યક્તિ નહીં, વ્યક્તિઓ છે. આયનાનું બહુવચન કરીને કવિએ કોઈ એક વ્યક્તિના પ્રતીકથી સમાજની વાત કરવાના બદલે આખેઆખા સમાજને જ વરુણીમાં લઈ લીધો. બધા જ શેર વાંચતાવેંત ગમી જાય એવા છે.
ઝંખે છે એક સ્થિર ઘડી આ તરલ સમય,
મારી અધૂરી વાત અટકતાં પૂરી થશે.
ડૂબી ગયું વહાણ કિનારાને જોઈને,
મોજાં પડ્યાં છે શાન્ત, હવે જળ વિરામશે.
– રઘુવીર ચૌધરી
ગાંધી-અનુગાંધી યુગમાં ઉમાશંકર, સુન્દરમ્, નિરંજન ભગત જેવા મોટા કવિઓનો એક વર્ગ ગઝલથી આભડછેટ રાખતો હતો, તો ઉશનસ, જયન્ત પાઠક, રાજેન્દ્ર શાહ જેવા કવિઓએ ગઝલને અપનાવવા-અજમાવવાની કોશિશ યથામતિ કોશિશ પણ કરી હતી. રઘુવીર ચૌધરીએ પણ કેટલીક ગઝલો આપી છે. જો કે સૉનેટ, ગીત તેમજ અન્ય છાંદસ ઊર્મિકાવ્યોથી ટેવાયેલી કલમોએ ગઝલના આંતર-બાહ્ય સ્વરૂપને સમજવામાં ઘણી જગ્યાએ ગોથું ખાધું છે. પ્રસ્તુત ગઝલમાં મત્લા તેમજ બીજા શેરના સાની મિસરામાં છંદ જળવાયો નથી, પણ એ સિવાય ગઝલ સરસ થઈ છે. વાત તો એકલતાની છે, પણ પ્રિયપાત્રના સ્મરણનો સથવારો થતાં જ એકાંત એકાંત રહેતું નથી. દર્પણમાં આપણે સ્વયંને જોઈએ તો છીએ, પણ ઉપલક જ. દર્પણમાં દેખાતા શખ્સને ઓળખવા જઈશું તો ખુદનું પ્રતિબિંબ પણ પરાયું લાગવાની ભીતિ છે. ત્રીજો શેર સહેજ ઠીકઠાક છે, પણ છેલ્લા બે શેરમાં ખરી ગઝલિયત ઊભરી આવી છે. સમય તરલ છે, સતત વહેતો રહે છે, પણ એને એક જ સ્થિર ઘડીની તલાશ છે. આપણી વારતા નિરંતર ચાલતી રહે છે. પણ જે ઘડીએ સમયને પળભર માટેય સ્થિરતા સાંપડશે એ ઘડીએ મૃત્યુ આપણી છેવટ સુધી અધૂરી રહેલી વાર્તાને પૂરી કરી દેશે. ગઝલનો એક મિજાજ છે- કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં (શૂન્ય પાલનપુરી), અને બીજો મિજાજ છે કિનારાને જોતાવેંત, કિનારો જો આ જ છે તો તરીને કરવું શુંના વિચારે વહાણનું ડૂબી જવું. અસ્તિત્ત્વનો અંત આવતાં જ મોજાંય શાંત થઈ જાય છે, અને જળ પણ વિરામ લે છે.
August 29, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સોલિડ મહેતા
આકાશ આખ્ખું ચકરાય ત્યારે
ચારે દિશાઓ તરડાય ત્યારે
ફૂંકાય છે લૂ હર એક શ્વાસે
ઇચ્છા વ્રણોમાં ઠલવાય ત્યારે
ડૂબી જશે આ ઘરમાં ઉદાસી
સાતે સમુદ્રો છલકાય ત્યારે
હોવાપણાનો કરશું ખુલાસો
એકાન્ત ભીનું પડઘાય ત્યારે
સદર્ભ સાચો મળશે મને ત્યાં
સંકેતમા કૈં. સમજાય ત્યારે
હું હસ્તરેખા સળને ઉકેલું
ખુલ્લી હથેળી થઈ જાય ત્યારે
ઊઠાડશો ના ભરઊંઘમાંથી
જાગીશ સૂર્યોદય થાય ત્યારે
– સોલિડ મહેતા
ઘણા ગઝલકારોએ પ્રચલિત સંસ્કૃત છંદોને ગઝલમાં અજમાવ્યા છે. વધુ એક કવિની વૃત્ત ગઝલ આજે માણીએ. છંદનું નામ કવિએ શીર્ષકમાં જ જાહેર કરી દીધું છે. ગઝલનો મત્લા ભાવકને કોઈક રીતે પાશમાં જકડી લે તો ભાવક આખી ગઝલમાંથી પસાર થવાની જહેમત કરે. આ ગઝલમાં કમનસીબે એવું થયું નથી. જ્યારે આખું આકાશ ચકરાય છે, ત્યારે ચારે દિશાઓ તરડાય છે એ વિધાન શેર બની શકતું નથી. વળી, બેમાંથી એક મિસરામાં રદીફ બિનજરૂરી લટકણિયું બની રહે છે. વાક્યની રચના જ એવી છે કે જ્યારે-ત્યારેની જોડી તોડી ‘ત્યારે-ત્યારે’ની જોડી બનાવવા જાવ તો વાક્ય બેસી પડે. ઘા પોતે લૂ જેવા દાહક છે, એમાં વળી ઇચ્છા પણ ભળે એટલે દુકાળમાં અધિક માસ ને પડ્યા પર પાટુ. ઉદાસીના અજગરભરડામાંથી ઘર ત્યારે જ બચી શકશે જ્યારે સાતે સમુદ્રો છલકાશે, બધી જ મુરાદો બર આવશે. ભીનું એકાન્ત વિયોગ અને રુદન બંનેને ઈંગિત કરે છે. એકાંત પણ છે અને રુદન પણ છે, પણ બંને મૂંગા છે. અવાજ ઊઠે તો પડઘો પડે ને પડઘો પડે તો સામી વ્યક્તિ સુધી પહંચે. જીવનમાં આવું કશું ઘટવાનું નથી એની ખાતરી હોવા છતાં કવિ ઠાલો સધિયારો આપે છે કે આવું કશું થશે ત્યારે અમે અમારા હોવા વિશે ખુલાસો કરીશું, કારણ હાલમાં તો અમારું હોવું ન હોવા બરાબર જ છે. રહસ્યો છતા થઈ જવાની પળે તકદીરને સમજવાની મથામણ કરવાવાળો શેર સરસ થયો છે, પણ હસ્તરેખા સાથે છંદાનુવર્તી શબ્દ ‘સળ’ ભરતીનો પ્રતીત થાય છે. છેલ્લો શેર પણ ભાવગહન થયો છે.
રણ, તને કેવી મળી છે પ્રેયસી?
ઉમ્રભરની જે તરસ આપી ગયાં.
આવતાં’તાં હર વખત તોફાન લઈ,
સાવ ખામોશી અહીં રાખી ગયાં.
આવનારા કોઈ નવતર માફ કર,
આવનારાં જે હતાં આવી ગયાં.
– રાવજી પટેલ
રાવજી પટેલે એના ટૂંકા આયખામાં ચાર જ ગઝલ કહી છે, એટલે સમજી શકાય કે ગઝલ એમના માટે ડાબા હાથે કવિતા લખવા માટેના અખતરાથી વિશેષ નહીં હોય. આનંદ એ વાતનો છે કે ગઝલના મિજાજને ક્ષતિ પહોંચાડ્યા વિના આ કામ થયું છે. પહાડોની ભીતર સૂતેલાં ઝરણા અચાનક જાગી જાય એ સ્વયંસ્ફુર્ય ઘટનામાં આવકારો તો કવિ જ પામી શકે. બીજો શેર બહુ સરસ થયો છે. થાકી ગયેલાં ચરણોને કવિએ એક જ પંક્તિમાં લો-ચલો-ઊઠો-ઓ એમ ચતુર્વિધ આહ્વાન આપીને વાતને યથોચિતપણે અધોરેખિત કરી બતાવી છે. ચરણ અભાગી પણ છે અને થાકી પણ ગયાં છે. પણ હામી ગુમાવી બેઠેલ ચરણોને શબ્દોના ચાબુકથી દોડાવવાની નવતર કળ કવિને હાથ લાગી છે. ચાલો ભાઈ ચાલો… ક્યાંક મંઝિલ એવું ન ધારી લે કે તમે થાકી ગયાં છો… રણની સુક્કાશ પાછળનું કારણ પણ કવિએ મજાનું શોધી કાઢ્યું છે. ‘આવતાં’તાં હર વખત તોફાન લઈ’ –મતલબ, આવતાં તો હતાં, પણ કદી કાયમ માટે રહી જવા માટે નહીં… આવી આવીને ચાલ્યા જવા માટે જ. જે વ્યક્તિ કાયમ તોફાન લઈને-થઈને આવતી, એના ચાલી ગયાં પછી હવે અહીં કેવળ ખામોશી બચી છે. હવે આ જીવનમાં કશા નવતરને કોઈ અવકાશ નથી. જેમણે આવવું જોઈતું હતું એ તો આવી ગયાં…
ચાલ્યા કરે સમાન્તરે ચહેરોય સૂર્યનો,
કાસાર ક્યાંક, ક્યાંક કમળદળ સમાન્તરે.
તડકો ને છાંયડેો રહ્યા સાથે પ્રવાસમાં,
સ્મરણો, સપન ઉભય રહ્યાં સમથળ સમાન્તરે.
શબ્દો સમાન ઘર અહીં ઊભાં છે હારબંધ,
ખુલ્લાં જ દ્વાર ક્યાંક ને સાંકળ સમાન્તરે.
પડછાયો થાય છે કદી આગળ, કદી પછીત,
અણજાણ આવકારતાં કૈં સ્થળ સમાન્તરે.
‘પંથી’ ખભેથી સાંજ ઉતારી સરાઈમાં,
કર યાદ કોણ એ હતું પળપળ સમાન્તરે ?
– પંથી પાલનપુરી
ગઝલની વિચ્છૃંખલતાને બારીક તો બારીક પણ એકસૂત્રે બાંધી રાખવાની જવાબદારી રદીફના ભાગે ગણાય. રદીફ જેટલી વિશિષ્ટ એટલી આ જવાબદારી તો વધે જ, એને નિભાવવુંય મુશ્કેલ બને. પ્રસ્તુત ગઝલમાં કવિ ઉભય કસોટીએ પાર ઉતર્યા છે. મત્લા જુઓ. પહેલી નજરે સાધારણ લાગે, પણ સહેજ વિચારતાં જ રોમાંચ થઈ જાય. ક્યારેક ઝરણું તો ક્યારેક મૃગજળ જીવનની સમાંતરે રહે છે. ઝરણું ખળખળ થતી વાસ્તવિક્તા છે, જ્યારે મૃગજળ નકરો આભાસ. ઝરણું લાગણીઓની આર્દ્રતા અને વહન બંને સૂચવે છે, જ્યારે મૃગજળ ઉજ્જડતા અને સુક્કાશ. આ જ રીતે એક તરફ તૃષ્ણાનું બીડ છે અને બીજી તરફ એને જ સમાંતરે તૃપ્તિનું ઝાકળ છે. ઇચ્છાઓ કદી ખતમ થતી નથી અને તૃપ્તિ કદી લાંબુ ટકતી નથી, માટે જ ઇચ્છાઓનું જંગલ અને સંતુષ્ટિનું પળમાં ઊડી જનાર ઝાકળ. હવે ફરીથી ઉલા મિસરો વાંચો. આવી મજા? બધા જ શેર સરસ થયા છે, પણ મત્લા-મક્તાની જોડી સર્વોપરી છે.
પૂરી કરીને કાપણી ખડકું કડબના ગંજ,
સેતર વચાળ કાંય રૂંવે ચાડિયો છ બૈ!
પાણી ભરેલ ભાંભલી રઈ હાથમાં, છતાં-
તરસી મરું ને કંઠમાં ભડકો થિયો છ બૈ!
– પથિક પરમાર
જેનો પતિ વિદેશ ગયો હોય એવી વિરહિણી તે પ્રોષિતભર્તૃકા. પ્રતીક્ષારત વિયોગિનીની આ ગઝલ ને તેય જાનપદી બોલીમાં. નાયિકા બઈ એટલે કે સહેલી અથવા સાસુ સાથે એકતરફી સંવાદ સાધે છે. એક જમાનો હતો જ્યારે બે પૈસા રળવા પતિદેવો બહારગામ કે વિદેશ જતા અને પત્નીઓ મહિનાના મહિનાઓ રાહ જોઈ સૂકાઈને કાંટો થતી. વહાણા6 વાઈ જવા છતાં ઘરે પરત ન ફરેલ પતિના વિદેશગમન પાછળ નાયિકાને તો એક જ કારણ ભળાય છે-પોતાનું અક્કરમી હોવું તે. ગોવાલણીઓને ઊભી રહેવા હાકલ કરતો શેર શેરકક્ષાએ પહોંચી શક્યો નથી, ડાબી આંખ ફરકે તો મનગમતી વ્યક્તિ આવવાની વકી ગણાય, પણ અહીં તો દુઃખનો ડુંગરો આવતો હોવાના ભણકારા થાય છે, મતલબ વહાલમ આવવાની વાત પરથી ભરોસો જ ઊઠી ગયો છે. સૂરજને કોઈએ છબડીથી ઢાંકી ન દીધો હોય, એમ જીવનમાં હવે એકધારી રાત જેવા અંધારા સિવાય કશું નથી. પોતે તરસી મરતી હોવા છતાં ને પાણી ભરેલ ભાંભલી નદી હાથવગી હોવા છતાં કંઠમાં ભડકા કરતી તરસ છિપાવી શકાતી નથી. હાથવગી નદી માટે કવિએ નદી હાથમાં જ હોય એવો કાવ્યાત્મક પ્રયોગ કર્યો છે.
કવિ દશાવતારને ગઝલાવતાર આપવાનું વિચારે ત્યારે પુરાણના સંદર્ભો અને સાંપ્રત સમય વચ્ચે સાયુજ્ય ન સાધી શકાય તો ગઝલ ગઝલ ન રહેતાં, પુરાણકથા બનીને રહી જાય. સાવ અલગ પ્રકારની ગઝલમાં અદભુત કવિકર્મ કરીને કવિએ આપણને યાદગાર ગઝલ આપી છે.
• મત્સ્ય અવતાર: સત્યવ્રત રાજા (મનુ વૈવસ્વત)ને હાથ લાગેલ મત્સ્ય ક્રમશઃ સમુદ્ર જેટલું વિરાટ થઈ જાય છે, એમ માનવસંબંધોમાં અપેક્ષાઓ સાત દરિયાય નાના પડે છે.
• કચ્છપ (કૂર્મ) અવતાર: સમુદ્રમંથન વખતે કચ્છપે મંદરાચળને પીઠ પર ધારણ કર્યો હતો એમ દરેક માણસ વિપદાઓની કાંકરીઓના ખૂંચવાની ફરિયાદ કર્યા વિના પોતપોતાના સંસારનો ભાર ઊઠાવીને જીવી રહ્યો છે,
• વરાહ અવતાર: વરાહ ભગવાને અંધકારમય જળના પેટાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો, એમ મોહમાયાના પરપોટાને ફોડી પેટાળમાંથી પ્રકાશ/સત્ય બહાર લાવવાની વાત છે.
• નૃસિંહ અવતાર: અર્ધ નર- અર્ધ સિંહ (હિંસ્રતા) બનીને નૃસિંહના નખની ડાળે પુષ્પવત્ ઊગતું લોહી પ્રેમ અને રક્ષણની ભાવાભિવ્યક્તિ છે.
• વામન અવતાર: સાચા કવિની વિરાટ ચેતના નક્ષત્રોય પગ નીચે આવી જાય એ હદે વિસ્તરતી હોય છે,
• પરશુરામ અવતાર: પરશુરામના ક્રોધાગ્નિની જેમ અહીં આંખોમાં શસ્ત્રધારા અને છાતીમાં વડવાનલ જેવો આક્રોશ ઊછળે છે. અહીં શેરિયતનો અભાવ ખલે છે.
• રામ અવતાર: દસ માથાં અને સો હાથવાળા રાવણ સમી વાસનાની ચોતરફ કેવળ ક્ષારયુક્ત દુઃખનો દરિયો ઘૂઘવે છે.
• કૃષ્ણ અવતાર: ગામડાંની નૈસર્ગિક્તા અને પ્રેમ શહેરોની ભૌતિકતામાં ક્યાં મળવાની? આ જીવ હવે શેમાં ડૂબશે?
• બુદ્ધ અવતાર: મહાભિનિષ્ક્રમણ કરો કે ન કરો, આ જગતમાં માનવનો આંતરિક શોધનો પ્રવાસ ક્યારેય પૂરો થતો નથી.
• કલ્કિ અવતાર: ઈશ્વરને પણ વારંવાર અવતાર લેવા પડે છે અને આપણાં તો ચોર્યાસી લાખ ફેરા લખાયેલા જ છે. સંસારનો એવો તે કયો ભાર છે, જેને ઊંચકી જવા માટે વારંવાર પાછા આવવું પડે છે?
August 24, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પાર્ષદ પઢિયાર
શરણાઈ છેડે ગમ-સા-સારે-
શમણાં રુવે અંતર-દ્વારે.
આંસુ ખૂટયાં આંખ્યુંમાંથી
આહ! નિસાસા! આવો વ્હારે!
સપનાં જેવું સગપણુ રાખી-
સાથે રમવું તારે-મારે.
ઇચ્છાઓનું ટોળું હાલ્યું-
નાતો તોડી હૈયા હાર્યે.
– પાર્ષદ પઢિયાર
આવી ગઝલ હાથ ચડે ત્યારે કવિ ચાર શેર કહીને અટકી ગયા હોવાનો વસવસો અવશ્ય થાય. પણ સાથોસાથ સંયમને દાદ પણ દેવી રહી, કારણ આવી જ ક્ષમતાવાળા બીજા શેર આવવાના ન હોય તો આગળ વધવાથી ગઝલને જ નુકશાન થાય. સંગીતના સાત સૂરો –સારેગમપધનિ-ને તો ઘણા કવિઓએ પ્રયોજ્યા હશે. પણ અહીં જે કમાલ છે એ કમાલની છે. શરણાઈ સારેગમસા સૂર છેડવાના વદલે ગમ-સા-સારે સૂર છેડી રહી છે. કન્યાવિદાયના ટાણે આંખો આંસુ સારે એ રીતે શરણાઈ ‘ગમ’ ‘સારે’ છે એવો શ્લેષ અહીં સર્જાયો છે. રડતાં રડતાં આંખો ખાલી થઈ જાય પછી? આંખોનું રડવાનું પૂરું થાય એ પછી દિલના રડવાનો વારો છે. એટલે જ કવિ આહ અને નિસાસાઓને પોતાની વહારે આવવા આહ્વાન દે છે. કેવો અદભુત શેર! આખી ગઝલને કન્યાવિદાયની ગઝલ ગણી લઈએ તો બાપ-દીકરી, મા-દીકરી કે બે સહેલીઓ હવે સપનાંમાં જ રમવાને ભેળાં થઈ શકશે એ અર્થઘટન ગમી જાય એવું છે, અંતિમ શેર પણ એ પરિપ્રેક્ષ્યમાં આસ્વાદી શકાય. ચારેય શેરને સ્વતંત્ર રીતે પણ માણી શકાય. અંતિમ શેરમાં “હાર્યે”ના સ્થાને “હારે” કરીને કાફિયાચૂક ટાળવામાં આવી હોત તો ગઝલ અનવદ્યપણે આસ્વાદ્ય થઈ હોત.
August 22, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમંત ઘોરડા
વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ
હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ.
સુક્કા અધર પરે ન કોઈ શબ્દ કલરવે
ઊડી ન જાય ખુલ્લાં નયનથી કોઈ વલણ.
પથરાળ ટેરવામાં કોઈ સ્પર્શ ના વહે
બસ વિસ્તરે ઉદાસ હથેળીમાં રણનાં રણ.
અંતર કદી રુવાંથી રુવાંનું તૂટે નહીં
લીરા કરી ત્વચાના ઊડાવે ન કોઈ વ્રણ
ટપકે ન આંખથી કે એ છલકે ન લિંગથી
અવગત રુધિરને તો ન મળે કોઈ ઘાવ પણ.
– હેમંત ધોરડા
રાતની વાત છે, પણ રાત શેની છે એ વાત કવિએ અધ્યાહાર રાખી છે. ગઝલનો મિજાજ આપણને કહે છે કે આ રાત વિયોગની-વેદનાની રાત છે. અને એટલે જ આ રાત અકાટ્ય બની રહી છે. ઘડી તો દૂરની વાત છે, ક્ષણ પણ અટકી પડી છે. નથી સ્વયંનું અસ્તિત્ત્વ ખતમ થતું, નથી રાત ખતમ થતી. રાત માટેનું ‘કઠણ’ વિશેષણ સમયના જડત્વ-સ્થૈર્યની પરાકાષ્ઠા નિર્દેશે છે. લકવાગ્રસ્ત સંવેદના સૂકાયેલ હોઠેથી તો નથી જ ટહુકતી, ખુલ્લી આંખોથીય વ્યક્ત થવાને સક્ષમ નથી રહી. પથ્થર જેવા બધિર થઈ ગયેલ ટેરવાં સ્પર્શની ભીનાશ અનુભવી શકે એમ નથી. સતત વિસ્તરતા જતાં રણ જેવી ઉદાસીએ અસ્તિત્ત્વ પર કબ્જો કરી લીધો છે. રુવાંથી રુવાંના અંતરવાળો શેર પ્રથમ નજરે સહેજ દુર્બોધ લાગે. પીડાના ‘मुश्किलें मुझ पर पडी इतनी’ના ન્યાયે કોઠે પડી જવાની આ વાત છે. હવે કોઈ વેદના બૉમ્બની જેમ અસ્તિત્ત્વના લીરેલીરાં ઊડાવી શકતી નથી એ વાત બે રુંવાડા વચ્ચેનું અંતર ‘તૂટતું’ ન હોવાના રૂપકની મદદથી કવિએ કહી છે. વેદનાના અવિર્ભાવનો અભાવ અંતિમ શેરમાં સ્ફુટ થયો છે. વેદના ક્યાં તો આંખોથી વહી નીકળે, ક્યાં તો જાતિય આવેગ થઈને સ્ફોટ પામે. પણ થીજી ગયેલા લોહીને વહેતું કરી શકે એવો કોઈ ઘા અવગતિએ ગયેલા જન્મારાને નસીબ થતો નથી. આંખથી રુધિરના ન ટપકવાની વાતે મિર્ઝા ગાલિબ અવશ્ય યાદ આવે:
रगों में दौड़ते फिरने के हम नहीं क़ाइल,
जब आँख ही से न टपका तो फिर लहू क्या है।
August 21, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરિકૃષ્ણ પાઠક
રંગ કોના છે, રાગ કોના છે?
આ ફટાણાં ને ફાગ કોનાં છે?
ફાટ ને ફૂટ સૌ ફરેબી છે;
લૂંટમાં લાગ-ભાગ કોના છે?
અલ્પમતને અપાર તોષીને
દૂધ પાયેલ નાગ કોના છે?
હાંડીઓ ઝૂલતી હવાલાની,
તળિયાં એનાં અતાગ કોનાં છે?
રામનું નામ શુક નથી લેતા,
ને સતત રટે છે કાગ, કોના છે?
સત્યને ઠેર ઠેર ઠમઠોર્યું;
ઠેકા—ઠૈયા ને ઠાગ કોના છે?
જંગલો ને વનો ઉજાડીને
ખીલવ્યા છે એ બાગ કોના છે?
ઢોરની ચાર્ય પણ ચરી ચાલ્યા;
જાંગલે તેડ્યા જાગ કોના છે?
દેશ આખાને દોદળો કીધો,
કાળજે દીધા દાગ કોના છે?
– હરિકૃષ્ણ પાઠક
શાસકપક્ષ કોઈ પણ હોય, રાજકારણ કાયમ સ્વકારણ બનીને જ રહી જાય છે. સમય સમયાંતરે કવિઓ પ્રજાસત્તાકને સ્વસત્તાક બનાવી બેઠેલા ભ્રષ્ટાચારીઓનો ઉધડો લેતા રહે છે. નવેનવ શેર નાની પણ ધારદાર છરી જેવા. કવિ એવા સવાલો કરે છે જેના જવાબ બધા જ જાણે છે, પણ તોય આ સવાલો અનિવાર્ય છે. કારણ કે આવા સવાલ જ લોકશાહીનો પ્રાણવાયુ છે. પોપટ ભલેને રામનામ જપવાના બદલે કાગડાનું નામ લે, પણ આપણે સવાલો પૂછવાનું બંધ કરી દઈશું તો આપણાં જંગલો-વનોને ઉજાડીને નિભ્ભર રાજકારણીઓ પોતાના બાગ ખીલવવાનું બંધ નહીં કરે. (કાગવાળા શેરમાં ‘રટે’નો સાંકડો ઉચ્ચાર કરી એને એક ગુરુ તરીકે સ્વીકારવાનું સહેજ કઠિન થઈ પડે છે.)
પ્રારંભથી જ વિયોગ અને વિષાદ ગઝલનાં પ્રભાવી પહેલુ રહ્યાં છે. અહીં તો આખી ગઝલ જ ‘તારા વગર’ રદીફની ધરી પર ઊભી છે. સ્વપનમાં પણ મુલાકાત થઈ ન શકે એવી રણમાં ઝાંઝવા જેવી પરિસ્થિતિ વિયોગની પરાકાષ્ઠા ચાક્ષુષ કરે છે. મનનું આકાશ તો નિરભ્ર છે, પણ આંખોનો મોભ નીતરી રહ્યો છે. ક્યારેક પ્રિયજને દરવાજાના ટોડલે ચાકળો ટાંગ્યો હશે, એમાંના આભલા આજે રડી રહ્યા છે. ‘તારા’ શબ્દમાં શ્લેષ અનુભવી શકાય છે- એક તો બીજાપુરુષ એકવચન તરીકેનું સંબોધન અને બીજું, ચાકળામાં જે તારા અને આભલાનું ભરતકામ કરાયું હોય એ તારાનો સંદર્ભ. એકાંત એ હદે વ્યાપી ગયું છે કે સ્વયંની ઉપસ્થિતિ પણ અનુભવાતી નથી. જીવન કેવળ શ્વાસની હેરફેર થતી હોય એવી નિષ્પ્રાણ લાશ બનીને રહી ગયું છે.
શક્યતા છે ભીંતને નડશે તિરાડો,
આવ! સઘળી શર્તનો દરિયો તરીને
– વારિજ લુહાર
આમ તો ગઝલ પણ એક પ્રકારનું ઊર્મિકાવ્ય જ છે, પણ ગઝલમાં ઊર્મિઓ ઉપરાંત ચિંતન-વિચાર. અવલોકન વગેરેને પણ અવકાશ રહેલો છે. આમ તો સર્જન સમયનું કવિસંવેદન ભાવક યથાતથ અનુભવી શકે એ જ કવિતાનું સાર્થક્ય, પણ ગઝલમાં કેવળ ભાવસંવેદન જ પ્રત્યાયિત થાય એ આવશ્યક નથી. ગઝલને કદાચ ભાવાર્થ વધારે અભિપ્રેત છે. વિચારપ્રધાન ગઝલો શીઘ્ર પ્રત્યાયન સાધે એ જરૂરી નથી. આ ગઝલ જુઓ. દરેક શેરના સાની મિસરાની શરૂઆત ‘આવ’થી થતી હોવાથી ગઝલની રદીફ ‘આવ’ અને ‘દરિયો તરીને’ -એમ દ્વિભાજિત થયેલી પ્રતીત થાય છે. દરિયો તરીને આવવા માટેનું ઇજન છે, મતલબ બે જણ વચ્ચે દરિયાભરનું અંતર પડી ચૂક્યું છે. અને ભીતરના હનુમાનને જગાવીને એ પાર કરવાનું છે. મિલન માટે આતુર તો છે, પણ સ્વંય દરિયો તરીને જવા તૈયાર નથી. જે ગયું છે એણે જ દરિયા તરીને આવવાનું છે. કથક પ્રતીક્ષામાં શૂન્યવત થઈ, હૃદયમાં ફૂલશી સુકોમળ છબી સાચવીને, પાંપણોના પહાડ ઓગાળવા ને સઘળી શરતોને વિસારે પાડવા આ કાંઠે તૈયાર ઊભો છે. એ મિલન માટે આતુર તો છે, પણ સ્વંય દરિયો તરીને જવા તૈયાર નથી. જે ગયું છે એણે જ દરિયા તરીને આવવાનું છે. કવિ સ્પર્શ માટે ‘ભીનો’ વિશેષણ પ્રયોજે છે, ત્યારે સ્પર્શ ઉપલક કે ઔપચારિક ન રહેતાં લાગણીભર્યો ને ભીતરનો બની રહે છે. પણ બીજી પંક્તિમાં જે દરિયો તરવાનો છે એ પીળા અર્થનો છે, ઉદાસીનતાનો છે. ક્યારેક જે સ્પર્શ લાગણીભીના હતા એ હાલમાં ગ્લાનિની પીળાશ બની ગયા છે… નાયિકા હવે દરિયા પાર કરીને આ તરફ આવે તો જ સંદર્ભો અને મબલખ ગંધના દરિયા સજીવન થાય.
આઝાદી મળ્યાંને હજી દસ વર્ષ જ થયાં હતાં એ સમયે ૧૯૫૭ની સાલમાં પ્રગટ થયેલ સંગ્રહમાં આ કૃતિ છે. મતલબ, આ કવિતા તો આઝાદી મળ્યાંના થોડાં જ સમયમાં લખાઈ હશે. આઝાદી મળ્યાંને આજે એંસી વર્ષ થયાં, પણ કવિતા સમયની સાથે વાસી થવાના બદલે વધુને વધુ તાજી અને સાંપ્રત અનુભવાય છે. જે ભારતદેશને સર્વરાષ્ટ્રોમાં શિરોમણિ લેખ્યો છે એની દુર્દશા જોઈને કવિવાણી વેદનાથી વ્યાકુળ થઈ રહી છે. પહેલી બાર પંક્તિમાં કવિ ‘સોને કી ચિડિયા’ ગણાતા ભારતવર્ષના ભવ્ય ભૂતકાળ અને સંસ્કૃતિનું ભવ્યાતિભવ્ય વર્ણન કરે છે. ‘અને આજે!’ કહીને વાસ્તવિક દારુણતાથી મુખામુખ થાય છે. મિથ્યાને ભજતી ને કપટવેશ સજતી પ્રજા જુલ્મી સિંહાસનોને નમન-વિનવણી કરતી થઈ ગઈ છે. વિશુદ્ધ ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે ને અસત્યની પૂજા થઈ રહી છે. સિદ્ધિઓમાં શુદ્ધિ નથી ને પ્રવૃત્તિઓમાં પ્રાણ નથી. હતાશ થવા છતાં કવિએ આશ ત્યજી નથી. અંતિમ બંધમાં પ્રિય ભારત દેશ ફરી એકવાર દિગ્વિજય પામી, ઉષાના કિરણોથી સુવર્ણદેહ ધારશે અને અંધારું વિદાય લેશે એ અભિપ્સા કવિકલમેથી ટપકી રહી છે.
August 14, 2026 at 11:36 AM by વિવેક · Filed under ગીત, દાન વાઘેલા
આધિ-વ્યાધિ-ઉપાધિનો હિસાબ સઘળો સોપું!
જનમ-મરણની વચ્ચે અનહદ ઇચ્છાના મૂળ રોપું!
મારો રામ કરે રખોપું… મારો રામ કરે રખોપું !
અંતરમાંથી ઓઘ ઉછળે ને રુંવાડાં રણઝણતા;
વાદવિવાદના વંટોળિયા પણ મીણ સમા ઓગળતા!
જળથી ઝગમગ જ્યોત જોઈને ધન્ય સમય સંગોપું!
મારો રામ કરે રખોપું… મારો રામ કરે રખોપું!
મન લોચન પર મેઘ ઝળુંબે હૈયે અમી છલકાય;
ધીરગંભીરા સપનાં નવરંગ રૂપ-અનુપમાં ન્હાય!
વ્યોમ હોય કે ભોમ અવિચળ નિજાનંદ આટોપું!
મારો રામ કરે રખોપું… મારો રામ કરે રખોપું!
– દાન વાઘેલા
શ્રદ્ધાથી મોટી અવર કોઈ શક્તિ નથી. શ્રદ્ધાપૂર્વક સ્વયંનો હવાલો રામને આપી દેવાય પછી શું આધિ, શું વ્યાધિ ને શું ઉપાધિ? હરિશરણમાં જતાં જ રોમહર્ષણ સાથે અંતરમાંથી ફુવારા ફૂટી નીકળે છે, તમામ વાદવિવાદ શમી જાય છે. હરિનામનું કોડિયું મળે તો અસ્તિત્વની જ્યોત ઘી નહીં, જળથી પણ ઝગમગ થાય. આવી ઝળહળ ધન્યતા અનુભવાય એ સમય આ ધરતી પરથી પોતાની લીલાને સંગોપવાનો સમય છે. આખું ગીત સરસ થયું છે, પણ મુખડામાં જનમ મરણની વચ્ચેના જીવનમાં અનહદ ઇચ્છાઓ રોપવાની વાત સહેજ સ્થાને લાગી.. રામનામની તાળી લાગી ગઈ હોય, હૈયું અમીથી છલકાતું હોય અને અવિચળ નિજાનંદ અનુભવાતો હોય એ માણસ ઇચ્છાઓ ત્યાગે કે બીજમાંથી વૃક્ષ બનાવવા પ્રયત્ન કરે? મૂળ રોપવું પ્રયોગ પણ સંદિગ્ધ લાગ્યો. બીજ કે કૂંપળ તો રોપી શકાય, મૂળ શી રીતે રોપી શકાય?
‘બકુલેશ,’ ધન્ય પળ હતી જ્યારે એ આંખમાં,
નામ જ તમારું સાંભળી આવી ગઈ ચમક!
– બકુલેશ દેસાઈ
સર્જક પુરુષ છે, પણ અભિવ્યક્તિ સ્ત્રીની જણાય છે. કારણ મત્લાનો ઉઘાડ ‘સૈ’ સાથેના સંવાદ તરીકે થાય છે અને પુરુષ પરત ફરે એની પ્રતીક્ષામાં આંખો બંધ કમાડની આરપાર તાકી રહી છે. સ્મરણોનું પોતાનું આગવું જ ગણિત છે. એ ક્યારે ખુશીના સરવાળા કરી બેસે ને ક્યારે દુઃખના ગુણાકાર એ ખબર જ ન પડે. હલવી પળોમાં છલક છલક થતાં સ્મરણો એકાંતઘેરી મેડીના એકાંતને ઓર ગાઢું કરી દે છે. જ્યાં જુઓ, લ્હાય જ લાગી છે. કઈ તરફ જવું એ કેમ સૂઝે! જિંદગી પોતે કોઈ રસ્તો બતાવે તો ઠીક, બાકી… મિલનના અવસરની વાટમાં આંખો પલકવું ભૂલી જઈ ભીડ્યાં કમાડની આરપાર પહોંચી ગયેલ અધીરા મનને જોઈ રહી છે. પ્રિયજનનું નામ સાંભળતાવેંત આંખોમાં ચમક આવી ગઈ હતી એ ધન્ય પળ ભૂતકાળ બની ગઈ હોવાના ભાર ન અનુભવાય એવા હળવા વજન સાથે ચાર જ શેરમાં ગઝલ પૂરી થઈ જાય છે. ચારેય શેર આંખ અને પ્રતીક્ષાના એક જ તાંતણે બંધાયા છે. (હલક-છલક-મલક સાથે ચમક કાફિયા અનિર્વાહ્ય. એકાક્ષરી ગુરુને ગઝલમાં લઘુકરાર આપી શકાય, પણ ‘સૈં’ જેવા એકાક્ષરી જોડાક્ષરને લઘુ તરીકે ન લેવાય.)
ચકલા પર ઊભી રહે છે ઉઘાડી ઉઘાડી ચીસો
મળ્યું ષંઢ શહેર વિષે ભડવા બનવું, મનજી
– રમેશ પારેખ
સમર્થ સર્જક સતત નવું શું કરી શકાય એની મથામણમાં રહેતો હોય છે. ગઝલ વિદેશથી આપણે ત્યાં આવી તો પોતાના છંદ સાથે લેતી આવી, પણ આપણી કાવ્યપરંપરા પાસે તો પોતાના વૃત્તોની સમૃદ્ધ પરંપરા હતી જ… ઘણા સર્જકોએ આ બંનેનું કોકટેલ કરી જોયું છે. ર.પા.એ પણ કેટલીક વૃત્ત ગઝલો લખી છે. નવ વૃત્ત ગઝલોના ગુચ્છમાંથી નવમી ગઝલ આજે અહીં રજૂ કરીએ છીએ. સામાન્યરીતે તોટક છંદમાં સ,સ,સ, એમ કુલ બાર ગણ હોય, પણ કવિએ બે આવર્તન વધારે પ્રયોજી પ્રલંબતોટક છંદ બનાવ્યો છે. મનજીને સંબોધીને લખાયેલ આ વૃત્ત ગઝલ છંદવ્યાયામ કે ફ્યુઝન-એક્સપરિમેન્ટ ન બની રહેતાં ગઝલિયતને વરી છે એનો સવિશેષ આનંદ.
બારણાને હાથ લાગતાં જ
હાથ પકડી લે છે
બાઝેલાં જાળાં
અજાણ્યો ધારીને મને.
ભીતર
પૂર્વજોના ચહેરા પરની કરચલીઓ
ફોટામાંથી
ખરતી રહી ફેલાઈ ગઈ છે
કમરાની દીવાલ પર
ને
દર્પણમાં થીજી ગઈ છે
ઘરવખરી.
બારી ખોલતાં જ
વર્ષોથી ભરાઈ પડેલું
એકાંત
બહાર કૂદી પડે છે .
– ભરત ત્રિવેદી
કવિએ જે કહ્યું નથી એ કવિતા આપણને કહે છે. કાવ્યનાયક વર્ષો પછી (વતનમાં) ખાલી પડેલ ઘરે પરત આવ્યો છે. ઘરના મોભીઓ હવે હયાત નથી. વિદેશમાં અથવા શહેરમાં નાયકનું જે કુટુંબ હશે, એમને આ ઘર સાથે કોઈ સંબંધ કે લાગણી ન હોવાથી નાયકને એકલા જ આવવાની ફરજ પડી છે. બારણાં પર વિગત સમય જાળાં બનીને ફેલાઈ વળ્યો છે, અને દીવાલો પર ફોટામાંના પૂર્વજોના ચહેરા જેવી જ તિરાડો પડી ગઈ છે. દર્પણમાં થીજી ગયેલી ઘરવખરી થીજી ગયેલ સમયને ઈંગિત કરે છે. બારી ખોલતાં જ ઘરમાં વર્ષોથી પૂરાઈ રહેલું એકાંત જાણે કે બહાર કૂદી પડે છે… કાવ્યનાયક અહીં રહેશે, ત્યાં સુધી આ ઘર ફરી થોડા સમય પૂરતું સજીવન થઈ જશે… ઘરમાં વરસોથી પૂરાઈ રહેલ એકાંત બારીમાં થઈને આપણી ભીતર કૂદી પડ્યું હોય એવો વિષાદ રચનામાં સાદ્યંત અનુભવાયા કરે છે.
August 7, 2026 at 12:30 AM by વિવેક · Filed under કાબિલ ડેડાણવી, ગઝલ
કલા સાથે વ્યથાનું આ રીતે એકીકરણ આવ્યું,
કે કસ્તૂરીને સાથે લઈ ફફડતું કો’ હરણ આવ્યું.
બધાને એમ લાગ્યું પ્રેમમાં એકીકરણ આવ્યું,
ખબર કોને, મિલનરૂપે સરિતાનું મરણ આવ્યું
મહોબતના જગતમાં ખેલદિલી હોય છે આવી,
હતો સાગર જો બેપરવા તો દોડીને ઝરણ આવ્યું.
કદી સુંદર દિસે છે તો કદી નિષ્ઠુર લાગે છે,
તમારા રૂપમાંયે કેવું આ વર્ગીકરણ આવ્યું?
તમારી યાદ આવી તો હું સમજ્યો કે તમે આવ્યા,
મને લાગ્યું સૂરજ આવ્યો નજરમાં જ્યાં કિરણ આવ્યું.
ખુશી તારા વિચારે થાય છે તો એમ લાગે છે,
જીવનની રાહમાં ખળખળ થતું કોઈ ઝરણ આવ્યું.
તમે લાંબે જનારી મારી દષ્ટિને કરી ટૂંકી,
તમે આવ્યા ને દૃષ્ટિ પર તમારું આવરણ આવ્યું.
મહોબતમાં પ્રવેશ્યા બાદ મુજને સત્ય સમજાયું,
છલોછલ ઝાંઝવાનાં જળ ભરેલું કોઈ રણ આવ્યું.
ખુશીની વાત એથી તો નથી લખતો કવિતામાં,
કોઈ કહેશે કે ‘કાબિલ’ની ગઝલમાં અવતરણ આવ્યું
– કાબિલ ડેડાણવી
વાયકા છે કે કસ્તૂરીમૃગ જીવનભર કસ્તૂરીની સુગંધના સ્રોતને શોધવા આકળવિકળ દોડતું રહે છે. હકીકતમાં એ તો એની નાભિમાં જ હોય છે. કસ્તૂરીમૃગના સંદર્ભે કલા અને વ્યથાના અવિનાભાવી સંબંધને કવિએ કેવી કાબેલિયતથી દર્શાવી દીધો! નદી અને સાગરના મિલનમાં નદીનું મરણ થતું તો કોઈ સંવેદનશીલ કવિ જ જોઈ શકે. જે કવિ એક શેરમાં સાગરમાં ભળી જતી નદીમાં મરણ જુએ છે એ જ કવિ બીજા શેરમાં સાગરની બેપરવાહી જોઈને દોદી આવતા ઝરણની વાત કરે છે. બંને વળી, પ્રેમના સંદર્ભે જ. મતલબ, એક જ અહેસાસને એક જ કવિ અલગ-અલગ રીતે પણ જોઈ શકે છે. પ્રેમ છે જ ક્લાઇડોસ્કૉપ જેવો. ભાતીગળ. સતત પરિવર્તનશીલ. ખરું ને?
મસ્તિષ્ક ઉઘાડીને રુધિર હોમ કરી જોઉં,
પણ ચમકે ન વીજળી કે બળે વેશ જતિનો.
☆ ફારૂક શાહ
ખાટલે મોટી ખોડ હોય એ માણસ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જાય. ગંગાસતીનો ઢાળ બહેતો હોય અને મંજીરાં રણકતાં હોય એ સમયે આધ્યાત્મના અનવદ્ય પ્રવાહમાં વહી જવાના બદલે આવા માણસ પોતાની ખામીઓના સૂરતાલમાં રત રહે છે. બીજા શેરમાં બુદ્ધિ અને હૃદયનું દ્વંદ્વ નિર્દિષ્ટ છે. લાગણીને અટકાવી શકાતી નથી ને મનને હળવું કરી શકાતું નથી. જીવનની દરેક બાબતમાં એકધ્યાન રહેવું આવશ્યક છે. નજર હટી, દુર્ઘટના ઘટી. જીવને શિવ સાથે બાંધી રાખતો મંત્ર તૂટ્યો નથી કે છાતીમાં આરંભથી આજ સુધીની બળતરા વ્યાપી રહે. ચોથો શેર ઠીકઠાક થયો છે, પણ છેલ્લા બે શેર વળી જોરુકા. એમાંય સ્વપ્નવતી પર તો વારી જવાનું મન થાય.
પરંપરાની ગઝલોની મજા એ છે કે તેઓ એક બેઝ-લાઇનની ઉપર રહીને સતત કંઈક સારું કહેવાની મથામણમાં રહેતી હતી. આધુનિક ગઝલો આવી કોઈ આધાર-રેખાની આસપાસ ફરતી ન હોવાથી ક્યારેક એમાં એવરેસ્ટની ઊંચાઈ જોવા મળે તો ક્યારેક પાતાળનું ઊંડાણ પણ હાથ લાગે. પ્રસ્તુત ગઝલના પાંચેય શેર ઉત્તમ નહીં હોવા છતાં પરંપરાની મૂળભૂત ખુશબૂ સતત જળવાઈ રહી હોવાથી મનભર જણાય છે. છલકાયે રાખતા પાત્રમાંથી કવિએ આચમન સુદ્ધાં કેમ ન લીધું એનો મત્લામાં ફોડ પડાયો ન હોવાથી મત્લામાં ચમત્કૃતિ વર્તાતી નથી. મક્તા પણ ઊંચી ઉડાન ભરી શક્યો નથી, પણ વચ્ચેના ત્રણેય શેર સ્વયંસ્પષ્ટ અને સરસ થયા છે.
બાઅદબ મધુમેહિયા સાહિત્ય પર
યૂરિયાથી તરબતર પેશાબ કર.
– શિલ્પીન થાનકી
શિલ્પીન થાનકી . મૂળ નામ લલિતકુમાર પુરુષોત્તમ થાનકી. લયસ્તરો પર આ કવિની હોવી જોઈએ એટલી રચનાઓ નથી, પણ એમાં કવિનો નહીં, અમારો જ વાંક છે. કવિનું ભાષાકર્મ અને વિષયવિવિધ્ય –બંને ધ્યાનાર્હ છે. આ ગઝલ જુઓ. આજથી લગભગ પાંચ દાયકા પહેલાં ૧૯૭૯ની સાલમાં લખાયેલી ગઝલ હકીકતમાં કાલાતીત છે. આજેય એ એટલી જ સમસામયિક લાગે છે, જેટલી પચાસ વર્ષ પહેલાં હશે. ગુજરાતી ગઝલે આવી ભાષા ભાગ્યે જ જોઈ હશે. સાહિત્યની દુનિયામાં જુગુપ્સાપ્રેરક લાગે એવી પેશાબ કરવાની પ્રક્રિયા ગઝલના કેન્દ્રમાં છે. પાંચ શેરની ગઝલમાં કવિએ સાતવાર પેશાબ કરવાની સૂચના આપી છે. સૂચના ગણો તો સૂચના અને આદેશ ગણો તો આદેશ, પણ એ બીજા માટે ઓછો અને સ્વયં માટે વધુ છે. ગુજરાતી કવિતાને શરૂઆતથી જ સુષ્ઠુ સુષ્ઠુ વલણ જ વિશેષ માફક આવ્યું છે. કડક વિવેચકો થયા જ નથી, એમ નહીં, પણ એમની સંખ્યા એક હાથની આંગળીઓના વેઢાય વધી પડે એટલી ઓછી રહી છે. કવિ આવા સુંવાળા વલણ સામે તીવ્રતમ આક્રોશ વ્યકત કરવા આહ્વાન કરે છે. બુઝુર્ગી બૉર્ડ વાંચતા જ પગ કબરમાં લટકતા હોવા છતાં પદપિપાસા ત્યાગી ન શકનાર જમાત નજર સામે તરવરે. કડવા સત્યને સંતાડી રાખી અદબપૂર્વક મધમીઠા જૂઠાણાં પીરસતા મધુમેહિયા સાહિત્ય પરનો હલ્લો પચાસ વરસોમાં તો અસર કરી શક્યો નથી, હવે કરે તો રચના સાર્થક થાય…
July 31, 2026 at 11:41 AM by વિવેક · Filed under ગઝલ, શ્યામ ઠાકોર
દૂર જઈ વસતાં થયાં ક્યારે, ખબર પણ ના રહી,
ખુદથી અળગાં થયાં ક્યારે, ખબર પણ ના રહી.
ફૂલ કેરી મ્હેક સાથે ચાલવાના કારણે;
વાયરા અફવા થયા ક્યારે, ખબર પણ ના રહી.
આ ચરણને ચાલવાનો અર્થ સમજાયો પછી;
પર્વતો રસ્તા થયા ક્યારે, ખબર પણ ના રહી.
પાંપણોની પાળ પર કૈં ભેજ જેવું જોઈને;
આંસુઓ દરિયા થયા ક્યારે, ખબર પણ ના રહી.
મોરના આકારમાં જે ગોઠવેલાં આપણે;
પિચ્છ એ ટહુકા થયા ક્યારે, ખબર પણ ના રહી.
વ્હેણમાં ઘસડાઈને ભેટી રહેલા પથ્થરો;
આટલા લિસ્સા થયા ક્યારે, ખબર પણ ના રહી.
– શ્યામ ઠાકોર
સરળ ભાષામાં સુંદર ગઝલ. આમ તો બધા શેર સરસ થયા છે, પણ ત્રીજો શેર સવિશેષ ધ્યાન ખેંચે છે. આપણે શું કરવા માંગીએ છીએ એ આપણને સમજાઈ જાય એ પળે સઘળાં વ્યવધાન દૂર થઈ જાય, પર્વતો પણ રસ્તા બની માર્ગ પ્રશસ્ત કરી દે. કેવી ઊંચી વાત! (ખુદ શબ્દનું માપ કવિએ “ગા”ના સ્થાને “ગાલ” લીધું છે, એટલો છંદદોષ ખટકે છે જો કે!)
July 30, 2026 at 11:32 AM by વિવેક · Filed under ગઝલ, શયદા
આપણો છે, આપણો ક્યાં થાય છે?
શ્વાસ મારો જિન્દગીને ખાય છે.
દૂર છે ઘર, છે વિકટ રસ્તા બધા;
ઓ અજાણ્યા જીવ, તું ક્યાં જાય છે?
નીકળી જા વિશ્વની ઘટમાળથી;
ફેરમાં શું કામ ફેરા ખાય છે.
કોઈના પણ નામનો આધાર લે;
એ વિના સૌ અવનિમાં અટવાય છે.
એક એનું નામ કંઈ ઓછું નથી;
અર્થ એના તો હજારો થાય છે.
ભેદ ચારે વેદનો પામીશ હું;
કોઈનાથી ચાર આંખો થાય છે.
આજ ‘શયદા’ વાત એ સમજી ગયો;
આપનો અન્યાય એ પણ ન્યાય છે.
– શયદા
ગુજરાતી ગઝલને ગુજરાતી બનાવનાર શયદાને આપણે ‘ગઝલસમ્રાટ’ તરીકે ઓળખીએ છીએ. પ્રસ્તુત ગઝલનો મત્લા જુઓ. જન્મની સાથે જ મરણ લખાઈ ચૂક્યું હોય છે. દરેક શ્વાસ આપણને નિશ્ચિત મરણની વધુને વધુ નજીક લઈ જાય છે, પણ આ સનાતન સત્યને કવિ જ્યારે છંદમાં ઢાળીને, રદીફ-કાફિયાના વાધાં પહેરાવીને બે પંક્તિમાં રજૂ કરે છે ત્યારે કવિના અનૂઠા દૃષ્ટિકોણ પર વારી-ઓવારી જવાનું મન થયા વિના રહેતું નથી. આપણને લાગે કે આપણો શ્વાસ આપણો છે, પણ કવિ કહે છે કે એ આપણો હોવા છતાં આપણો થતો નથી. આપણી જિંદગી જે શ્વાસથી ચાલે છે એ હકીકતને કવિએ શ્વાસ જ આપણી જિંદગીને ખાઈ રહ્યો છે એમ કહીને ઉલટાવી દે ત્યારે શેર સર્જાય છે.
ને માતૃજ્યોત મધુરી ઝગશે વિશાળ
તું તેડશે સરસ જે પળ મેઘબાળ.
– દેશળજી પરમાર
કવિ નામનું અકિંચન પ્રાણી હાથમાં કલમ ઉઠાવે ત્યારે વિશ્વકર્માની અડોઅડ ઊભું રહી જાય. જુઓ, આ સૉનેટ. કવિ સાક્ષાત વર્ષાદેવીને આહ્વાન દઈ રહ્યા છે. સંતપ્ત ધરતી એની કરોડો આંખો આભ તરફ માંડીને દુઃખી પણ મીઠી વાણીથી વર્ષાને વધાવતી ઉત્કંઠ બેઠી છે. વર્ષા આવે તો દરિદ્ર જણાતી સૃષ્ટિમાં પ્રાણ ફૂંકાય. નવજીવની શક્તિપ્રિયા વૃષ્ટિ આવે તો ધરતી અને વૃષ્ટિનું સુખદ સખ્ય સાર્થક થાય. ધરતી વર્ષાને પ્રલોભન પણ કેવું દે છે એ જુઓ. સુદિવ્યા ગૃહિણી વર્ષા આવશે તો ધરતી એને રંગબિરંગી ફૂલો ભરેલ નીલવર્ણી ચુંદડી પહેરાવશે અને છોગામાં માથે મેઘધનુષનો મ્હોડ પણ ધરશે. ધરતી મેઘબાળને ગોદમાં ધારણ કરશે ત્યારે માતૃત્વની વિશાળ જ્યોત ઝગશે એ વાત સાથે કવિ સમાપન કરે છે.
(અવનિ=ધરતી; કોટિક=કરોડ; સાર્થ=સફળ; મ્હોડ=મોડ, લગ્ન સમયે કન્યાના માથે પહેરાવાતો મોડીઓ)
પીડા બધી પારસમણી થઈને ફળી છે આખરે,
ઓળખ મને એના થકી સાચી મળી છે આખરે.
લાગ્યો કદમને થાક ને પહોંચી શકાયું ના કશે,
મારી સફર મારા તરફ પાછી વળી છે આખરે.
હું ખુશ છું તો આપને આશ્ચર્ય શાને થાય છે?
મમળાવવા ગમતી પળોને મેં રળી છે આખરે.
હો દોસ્ત, બે કપ ચા ને અઢળક હો ખજાનો વાતનો,
લ્યો આજ એવી સાંજ ગમતીલી ઢળી છે આખરે.
પાછા વળી જોયું જરા મીઠી નજરથી એમણે,
બોલ્યા નહીં એ વાતને મેં સાંભળી છે આખરે.
– ભાવના સોનૈયા ‘પ્રિયજન’
સરળ ભાષામાં સહજસાધ્ય ગઝલ. બીજો શેર જોઈએ. સફર લાંબી હોય તો થાક તો લાગે જ ને ક્યારેક ધારી મંઝિલ પ્રાપ્ત ન થાય તો સફર અડધેથી છોડી દેવાનું મન પણ થાય. (સુન્દરમનું ગીત યાદ આવે: બાઈ રે જરીજ જ જો તું વેઠે) કશે પહોંચી ન શકાવાનો થાક લાગે ત્યારે મુસાફરી અડધેથી પડતી મૂકવાનું મન થાય એ પરિસ્થિતિ તો આપણે સહુએ જીવનમાં અલગ અલગ સ્વરૂપ અને સંદર્ભોમાં અનુભવી જ છે, પણ અહીં ખરી મજા સફર આગળ તરફ ચાલુ રાખવાના બદલે કથક સ્વયં તરફ પાછાં વળે છે એ વાતમાં છે. દુનિયાની ભાગદોડમાં અને આ મેળવી લઉં, પેલું મેળવી લઉં એવી લ્હાયમાં આપણે જાત સામે જોવાનું, જાતને મળવાનું, જાતમાં ઉતરવાનું અને જાતને ઓળખવાનું જ ભૂલી ગયાં છીએ. જો કે હકીકત પણ એ છે કે બહારની સફરથી થાકી-હારી ન જઈએ ત્યાં સુધી સ્વયંનો સાક્ષાત્કાર કરવાનું ભાગ્યે જ કોઈને સૂઝતું હોય છે…
ત્યાં તો થાપી પરે પડે હાથ જોરમાં,
ધસી વીજ-નર્તકી કરે નાચ તોરમાં.
. વિશ્વરંગભૂમિ પરે એક એનું રાજ. નભને…
– ઉમાશંકર જોશી
મોબાઇલમાં મેસેજ કે નોટિફિકેશન સ્કીપ કરી શકાય એ રીતે ઋતુઓને સ્કીપ કરી શકાતી હોય તો ઉનાળો મોટાભાગના લોકો સ્કીપ કરવા માંગે. જે રીતે દિવસ આખામાં સાંજ એ રીતે તમામ ઋતુઓમાં ચોમાસુ જ માનવમનને વધુ આકર્ષે છે. વિશ્વના રંગમંચ પર એનું એકહથ્થું શાસન છે. વરસાદ પડવાની તૈયારી થાય એટલે આભ ગોરંભે ચડે. ઘનઘોર વાદળાં પૃથ્વીને જાણે અંધારાનો પડદો ઢાળીને ઢાંકી દે છે. પરદા પાછળ સંતાઈને કો’ક ધીરી ધીરી પખવાજ વગાડી રહ્યું છે. આકાશમાં માંડ દેખાતા બે’ક તારા આંખો ટમટમાવીને આ કોણ સજીધજી રહ્યું છે એ જોઈ રહ્યા છે. એવામાં વીજળીનું નૃત્ય આરંભાય છે ને કડાકાભેર મેઘગર્જના સાથે વરસાદ શરૂ થાય છે.
ચારે તે આરે ભેટે સરોવર,
નદીઓને હાથ ના હૈયાં રહ્યાં;
ગીતે એ વન વન સમૃદ્ધિ સાંપડી,
શુષ્કતા-ભુજંગપાશ તૂટી ગયા. -વર્ષા0
ગીતે એ આભમાં નાચે છે વાદળી,
પોઢ્યા અંકુર સૌ ઊભા થયા;
પૃથ્વીના પ્રાણનાં થંભેલાં વ્હેણ સૌ
તાલે એ ગીતના વ્હેતાં થયાં. -વર્ષા0
– પ્રહલાદ પારેખ
ક્યારેક સમજવી કઠિન થઈ પડતી હોવા છતાં કવિતા આપણને ગમે છે. જે લોકોને પ્રકટપણે કવિતા નથી ગમતી એ લોકો પણ ફિલ્મી ગીતો, ભજન-કવ્વાલી, નવરાત્રિના રાસગરબા કે સૉશ્યલ મિડિયાની શેરોશાયરીના માધ્યમથી કવિતા સાથે ક્યાંકને ક્યાંક અને કોઈકને કોઈક રીતે તો જોડાયેલ જ છે. કવિતા આપણને કેમ ગમે છે એના અનેક કારણોમાંનું એક એ કે તે રોજબરોજનાં અનુભવો, દૃશ્યો, વસ્તુઓ કે પ્રસંગોને એ બિલકુલ અલગ અને તરોતાજા વાઘાં પહેરાવીને રજૂ કરે છે. વરસાદનો અનુભવ તો કોણે ન કર્યો હોય? વરસાદ પડે ત્યારે વાદળ ગાજે અને વીજળી કડાકે એય આપણે સહુએ સેંકડોવાર માણેલી ઘટના… પણ આ ગીત જુઓ… આ ગીત વાંચતાવેંત આપણને ગમી જાય છે, કારણ? કારણ કે હજારોવાર અનુભવેલ વરસાદ-વીજળીને એ આપણી સમક્ષ બિલકુલ નવાનકોર દૃષ્ટિકોણથી રજૂ કરે છે.
આકાશમાંથી ધરતી પર એકધારા પડી રહેલ વરસાદમાં કવિને કોઈક અદૃશ્ય કારીગરની કળા નજરે ચડે છે. ધરતી નહીં, ધરતીના હૈયાને કોઈક વર્ષાની ધારના તારથી આકાશ સાથે સાંધી-બાંધી રહ્યું છે. તાપમાં તપીને બેહાલ થયેલી ધરતી વરસાદ આવતાં લીલીછમ થઈ જાય એમાં કવિને અવનિનું ઉર નજરે ચડ્યું છે. આ કડીમાંથી ‘ઉર’ કાઢી લેવામાં આવે તો આની આ વાત સામાન્ય થઈ જાય. હવે બીજી પંક્તિ જુઓ… આકાશથી ધરતી સુધી લાંબા તાર તો કોઈકે બાંધી દીધા… હવે આ તાર ઉપર વીજળીની આંગળી ફરી રહી હોવાથી વરસાદ નામના ‘વાદ્યતંતુ’માંથી શુષ્કતા દૂર કરી દે એવાં ગીતો જન્મે છે… છે ને અદભુત કલ્પન!
મારું એટલું છે તને જરા કે’વું,
તારો વરસાદ ભલે વ્યાજ ઉપર આપે, પણ કૈં પણ ઉધાર નથી લેવું…
મારું એટલું છે તને જરા કે’વું…
થોડો વરસાદ મને ભેટમાં તું આપે તો મેલું આકાશ જરા માંજું,
બદલામાં જોઈએ તો તારી બે આંખોમાં ચકચકતું મેઘધનુ આંજું,
મેઘધનુ અંજાતાં પહેલું આંસુ જ થશે રંગીન લખોટી હોય એવું,
મારું એટલું છે તને જરા કે’વું…
વ્યાજનું તો સમજ્યા, પણ મુદ્દલનો મારાથી ચૂકવાતો એક્કે ના રૂપિયો,
એક વાર આંસુ મેં વ્યાજ ઉપર લીધું તો વ્યાજ થયું આખો એક દરિયો,
દરિયો તો જેમતેમ ચૂકવ્યો મેં તોય હજી બાકી છે મૂળ મારું દેવું,
મારું એટલું છે તને જરા કે’વું…
– રવીન્દ્ર પારેખ
આભેથી વરસાદ વરસતો હોય અને કવિ કવિતા ન કરે એ કેમ બને! પણ આ મેઘરાજા એક વસમી, સોરી, એકવીસમી સદીનો છે. એ વરસાદ તો આપવા તૈયાર છે, પણ વ્યાજે. પણ કવિ વ્યાજે વરસાદ લઈ શકે એમ નથી કેમકે એકવાર એક આંસુ વ્યાજ પર લીધું હતું એના વ્યાજમાં આખો દરિયો ચૂકવવાનો થયો હતો. દરિયાનું વ્યાજ તો જેમતેમ કરીને ચૂકવ્યું પણ આંસુનું મુદ્દલ કવિ હજી સુધી ચૂકવી શક્યા નથી. તો નવી લૉન કઈ રીતે લઈ શકાય? હા, વરસાદ ભેટમાં મળે તો કવિ સ્વીકારવા તૈયાર છે અને બદલામાં વાદળની આંખોમાં મેઘધનુષ આંજી આપવા પણ તૈયાર છે… હવે મેઘો શું જવાબ આપે છે એની રાહ જોઈએ…
અને એક દિવસ, જ્યારે મારી હત્યા થશે,
મારા હત્યારાને મારા ખિસ્સામાંથી જડશે
યાત્રા માટેની ટિકિટો:
એક શાંતિ માટેની,
એક ખેતરો અને વરસાદ માટેની,
અને એક
માનવતાના અંતરાત્મા તરફની.
– સમીહ અલ-કાસિમ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
ફેસબુક પરથી એક અંગ્રેજી અનુવાદ મળી આવ્યો. વાંચતાવેંત કવિતા ગમી ગઈ. કવિતા થોડી મુખર હતી, પણ વાત એકદમ વેધક અને હૃદયંગમ હતી. એટલે લાગલો જ ગુજરાતી અનુવાદ પણ કરી નાંખ્યો. પણ મૂળે જીવ સટપટિયો એટલે મૂળ અરબી કવિતા મળે તો કેવી મજા કરીને ગૂગલા મહારાજ અને ચેટ જીપીટીનું આહ્વાન કર્યું. એક બીજો જ અંગ્રેજી અનુવાદ મળ્યો જે પેલા કરતાં અલગ હતો. મૂળ અરબી કવિતા પણ મળી. બધા જ એઆઇ એન્જિન ગુજરાતી અનુવાદ કરવામાં હજી કાચા છે, એટલે અરબી કવિતાનો અલગ-અલગ પ્લેટફૉર્મ પાસે અંગ્રેજી અનુવાદ કર્યો. બધા અનુવાદોને સમરસ કરીને એક અંગ્રેજી અનુવાદ તૈયાર કર્યો અને પછી એનો ગુજરાતી પાઠાંતર કર્યો. હવે આપ કહો, કવિતા, અને કવિતાનો અનુવાદ કેવા લાગ્યા?