સળંગ સેરડો પાયો – ભાણસાહેબ
સતગુરુ મળિયા સહેજમાં, જેણે સતનો શબદ સુનાયો,
ચોરાસીનો રાહ ચુકાવી, અખંડ ધામ ઓળખાયો.
પંથ હતા સો થિયા પરિપૂરણ, નવધા નામ મિટાયો,
દશમ દશા આવી દિલ ભીતર, એક મેં અનેક સમાયો. સતગુરુ૦
અનેક હતા સો અખંડ સમાયો, નહિ આયો, નહિ જાયો,
જિક્કર કરતાં ગઈ જામની, સોહં સાહેબ પાયો… સતગુરુ૦
જપ તપ તીરથ જોગ ન ધરતાં, સળંગ સેરડો પાયો,
ખટ દરશનમાં ખોજ કરીને, ફરી ફરી ઘેર જ આયો… સતગુરુ૦
અનંત ક્રોડમાં આગે ઊભા, સમસ્યા યે સાધ કહાયો,
નહિ ‘ભાણા’ હરિ ભીતર ભેદા, જ્યોતિ મેં જ્યોતિ મિલાયો. સતગુરુ૦
– ભાણસાહેબ
ભારતીય આધ્યાત્મ પરંપરામાં ગુરુ-શિષ્ય પ્રણાલિકા કેન્દ્રસ્થાને રહી છે. આમ તો સતગુરુ સહેજમાં મળવા દોહ્યલું, પણ નિષ્ઠા સાચી હોય તો મળેય ખરા ને કાનમાં સતનો શબ્દ – બ્રહ્મજ્ઞાન ફૂંકેય ખરા. ગુરુ સાચા હોય તો શિષ્યને ચોર્યાસી લાખ ફેરામાંથી મુક્તિ અપાવી અખંડ ધામ- મોક્ષ સુધી પહોંચાડે. બધી શોધ પરિપૂર્ણ થઈ. નવધા ભક્તિના ભેદ પણ પાર થઈ ગયા. દસમી દિશા – ચેતનાની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થઈ જ્યાં એકમાં અનેક અને અનેકમાં એક –અદ્વૈતાવસ્થા અનુભવાય છે. તમામ રૂપ એક અખંડ પરમાત્મામાં વિલીન થઈ જાય છે. पुनरपि जननं पुनरपि मरणं – જીવન-મરણની આવજા અહીં સમાપ્ત થાય છે, કારણ આત્મા અમર અવિનાશી છે. ધ્યાન ધરતાં અજ્ઞાનની કાળી રાતનો અંત આવ્યો અને “સો-અહમ્” (તે હું જ છું) ચેતનાનો આત્મસાક્ષાત્કાર થાય છે. ગુરુ મળે પછી જપ-જાપ-તીર્થાટન કરવાની શી આવશ્યકતા? ગુરુ તો સીધો રસ્તો જ બતલાવે. ષટદર્શન (ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાંત) ની બાહરી ખોજ પણ અંતે તો આંતરિક અનુભૂતિમાં જ સમાપ્ત થાય છે. અનંત કરોડ સાધકોમાં એસાધક અલગ અને આગળ છે જેના માથે સદગુરુના આશિષ છે, કારણ સદગુરુ જ આત્મા અને પરમાત્માના એકત્વ-અદ્વૈત સુધી પહોંચાડે છે.
ભાણસાહેબ (જ. ૧૩ ફેબ્રુઆરી ૧૬૯૮, વારાહી, જિ. પાટણ, ગુજરાત; અ. ૧૭૫૫, કમીજડા, જિ. અમરેલી, સૌરાષ્ટ્ર) : રામ-કબીર સંપ્રદાયના કવિ અને રવિ-ભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક. લોહાણા પરિવારમાં જન્મ. પરમ રામભક્ત અને પ્રસિદ્ધ મહાયોગી જાદવદાસના શિષ્ય આંબા છઠ્ઠા ઉર્ફે ષષ્ટમદાસને તેમણે ગુરુપદે સ્થાપ્યા. કબીર સંપ્રદાયની પરંપરા અનુસાર તેઓ ‘ભાણસાહેબ’ નામે ઓળખાયા. એમણે સ્થાપેલી ગાદી બાજવા સ્ટેશન પાસે શેડકી ગામે આવેલી છે. સતનામના ઉપાસક ભાણસાહેબ કબીરનો અવતાર ગણાતા. તેમના કવિપુત્ર ખીમદાસ સહિત ૪૦ શિષ્યોની ‘ભાણફોજ’ સાથે તેમણે અધ્યાત્મબોધ કર્યો. કવિતા દ્વારા વેદાન્તી તત્વજ્ઞાનનો પ્રચાર કર્યો. તેમણે કમીજડામાં જીવતાં સમાધિ લીધી હતી. (સ્ત્રોત: ગુજરાતી વિશ્વકોશ)
(નવધા=નવધા ભક્તિ (શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મ નિવેદન); જિક્કર= જિક્ર, ધ્યાન; જામની=યામિની, રાત્રિ; સળંગ=સીધો; સેરડો=માર્ગ; ક્રોડ=કરોડ)


Neha Purohit said,
April 3, 2026 @ 12:12 PM
અનેક હતા સો અખંડ સમાયો, નહિ આયો, નહિ જાયો,
જિક્કર કરતાં ગઈ જામની, સોહં સાહેબ પાયો… સતગુરુ૦
આહ્હા…
sanju vala said,
April 3, 2026 @ 12:16 PM
જય જય હો
પૂજ્ય બાપુ said,
April 3, 2026 @ 1:01 PM
જય હો…
અગન રાજ્યગુરુ said,
April 3, 2026 @ 3:01 PM
અદ્ભૂત…..
Kishor Ahya said,
April 3, 2026 @ 10:10 PM
આ અસ્તિત્વ એક રહસ્ય છે! અસ્તિત્વના ગર્ભથી નિકળતી સકળ યોનિ રહસ્ય છે!મુત્યુ રહસ્ય છે! પાચનત્ત્વો રહસ્ય છે, આત્મા રહસ્ય છે અને આ રહસ્યને જે નામ આપો તે રહસ્ય ઈશ્વર વગેરે.
મનુષ્યને હમેશા આ રહસ્ય તરફ ઇશારો આપતી આંગળી એટલે ભજન ! ભજન એ મનુષ્યનો ઇશ્વર તરફ દૃષ્ટિ તાકવાનો વિનમ્ર પ્રયાસ છે, એટલેજ ભજન એ કાવ્ય જગતમા શ્રેષ્ઠ છે.
આત્મજ્ઞાની ભાણસાહેબના ભજન સળંગ સેરડો પાયો – આત્મજ્ઞાનની જીજ્ઞાસા ધરાવનાર સૌ કોઈ માટે ખજાનાથી કમ નથી !ભજનનો એક એક શબ્દ અર્થપૂર્ણ છે, એક પંક્તિમાં ભાણસાહેબ કહે છે ..
“જપ તપ તીરથ જોગ ન ધરતાં, સળંગ સેરડો પાયો,ખટ દરશનમાં ખોજ કરીને, ફરી ફરી ઘેર જ આયો… સતગુરુ૦
અનંત ક્રોડમાં આગે ઊભા, સમસ્યા યે સાધ કહાયો,નહિ ‘ભાણા’ હરિ ભીતર ભેદા, જ્યોતિ મેં જ્યોતિ મિલાયો. સતગુરુ૦”
શ્રી વિવેકભાઇએ આસ્વાદમાં આ પંક્તિનું સરસ વિવેચન કર્યું છે તેમના શબ્દોમાં “ગુરુ મળે પછી જપ-જાપ-તીર્થાટન કરવાની શી આવશ્યકતા? ગુરુ તો સીધો રસ્તો જ બતલાવે. ષટદર્શન (ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાંત) ની બાહરી ખોજ પણ અંતે તો આંતરિક અનુભૂતિમાં જ સમાપ્ત થાય છે. અનંત કરોડ સાધકોમાં એસાધક અલગ અને આગળ છે જેના માથે સદગુરુના આશિષ છે, કારણ સદગુરુ જ આત્મા અને પરમાત્માના એકત્વ-અદ્વૈત સુધી પહોંચાડે છે’
પણ સદગુરુ મળવા એટલા સહેલા નથી કહેવાય છે ઘણા જન્મોનું પુણ્ય ભેગું થાય તેને સદગુરુ મળે છે !ભાણસાહેબને સહેજે સદગુરુ મળ્યા… પ્રથમ પંક્તિમાં જ ભાણસાહેબ કહે છે..
“સતગુરુ મળિયા સહેજમાં, જેણે સતનો શબદ સુનાયો,
ચોરાસીનો રાહ ચુકાવી, અખંડ ધામ ઓળખાયો.”
સદગુરૂએ સત વાણી સંભળાવી, જ્યારે આવા સદગુરુ મળે ત્યારે જીવને ફરીથી ચોર્યાસી લાખ યોનિ ફરવાની જરૂર રહેતી નથી કેમકે આત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે જેને ભાણસાહેબ’અંખડ ધામ ઓળખાયો’ કહે છે.
સંત શિરોમણી કબીરસાહેબે કહ્યું છે ને … . “ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ના ભેદ…
ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચો ચારો વેદ!”
મનુષ્ય ગમે તેટલો વિદ્વાન કેમ ન હોય પણ જ્યાં સુધી કોઈ તેને કહે નહી કે શરીરમાં આત્મા વસે છે ત્યાં સુધી તે કદી આત્માની ખોજ કરશે નહી! આત્મ મહિમાના ગુણગાન કરી ગુરુ શિષ્યને આત્મતત્વને જાણવા માટે ઉત્પેરીત કરે છે!
લખ ચોર્યાસીનો ઉલ્લેખ હિંદુ ધર્મ શાસ્ત્રો પદ્મ પુરાણ,ગરુડ પુરાણ, શ્રીમદ્ ભાગવત વગેરે ગ્રંથોમાં પણ જોવા મળે છે. શ્રી ભાણસાહેબ પણ ભજનમાં ઉલ્લેખ કરતા કહે છે, ગુરુ મળતા આ ફેરો મટી જાય છે.
આ ફેરાની વાત ચિંતન માંગી લે તેવી છે. આ સંદર્ભે એવું પણ કહેવાય છે કે મુત્યુ થતા મનુષ્યને ફરી ફરીને મનુષ્ય યોનિની જ પ્રાપ્તિ થાય છે . હિપ્નોટિસ્ટ ઘણા લોકોને બેભાન કરી ગત જન્મ વિશે પૂછે છે ત્યારે દરેક વખતે પાછલો જન્મ મનુષ્યનો હોવાનું હિપ્નોટિસ્ટ પ્રયોગમાં સાબિત પણ થયું છે. બ્રહ્માંડ ફેલાતું જાય છે તેવો અવકાશ વિજ્ઞાનીનો મત છે , એમ મનુષ્યની ચેતના (આત્મા) પણ વિકાસમાન હોવાની એક પ્રબળ માન્યતા પ્રવતે છે.
શ્રી વિવેકભાઈ એ સરસ આસ્વાદ આપ્યો છે.ખબ સરસ પસંદગી વિવેકભાઈ.
🌹🌹🌹🌹