છે સપનું તમારું તમારાથી સુંદર,
અને મૌન પાછું ઇશારાથી સુંદર.

તમે કેમ મલકો છો તસવીર જોઈ?
હતું કોણ એમાં અમારાથી સુંદર?
– સુલતાન લોખંડવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ટૉવે ડિટ્લેવ્સેન

ટૉવે ડિટ્લેવ્સેન શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સ્વચિત્રણ ૦૧ – ટૉવે ડિટ્લેવ્સેન (ડેનિશ) (અનુ.: વિવેક મનહર ટેલર)

મારાથી આ નથી થતું:
રસોઈ
ટોપી બરાબર પહેરવી
સંગાથીઓનું મનોરંજન
આભૂષણ પહેરવા
ફૂલો ગોઠવવા
મુલાકાતો યાદ રાખવી
આભારપત્ર મોકલવા
યોગ્ય ટિપ મૂકવી
એક જ પુરુષને સાચવી રાખવો
પેરેન્ટ-ટિચર મિટિંગમાં
રસ હોવાનો ઢોંગ કરવો.

મારાથી આ
નથી છૂટતું:
ધુમ્રપાન કરવું
શરાબ પીવી
ચોકલેટ ખાવી
છત્રીઓ ચોરવી
વધુ પડતું ઊંઘવું
નખ સાફ કરવાનું અને
જન્મદિવસો
યાદ રાખવાનું ભૂલી જવું
લોકોને એ કહેવું
જે તેઓ સાંભળવા માંગે છે
બાંધી મુઠ્ઠી ખોલી નાંખવી
પ્રેમ કરવો
અજાણી જગ્યાઓને
અને માનસિક વિકારગ્રસ્ત લોકોને.

આ હું કરી શકું છું:
એકલાં રહેવું
વાસણ ધોવાં
પુસ્તકો વાંચવાં
વાક્યો રચવાં
સાંભળવું
અને ખુશ રહેવું
અપરાધભાવ વિના.

– ટૉવે ડિટ્લેવ્સેન (ડેનિશ)
(અંગ્રેજી અનુવાદ પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

સંસારનું સૌથી અઘરું કામ છે સ્વયંને ઓળખવું. એક જમાનામાં આપની પાસે પુષ્ક્ળ સમય હતો એટલે ‘ટુ બી ઓર નોટ ટુ બી’ અને ‘હું કોણ છું?’ એ વિચારવામાં લોકો આખીને આખી જિંદગી પસાર કરી દેતા હતા. પણ આજે સ્માર્ટ ફોનના પ્રતાપે આપણી એકાગ્રતા ગણતરીની સેકન્ડો જેટલી જ રહી ગઈ હોવાથી સ્વયંને જોવાનો સમય જ મળતો નથી. પણ આ કવિતા આજથી પચાસેક વર્ષ પહેલાં લખાયેલી છે. એ સમયે મોબાઇલ તો નહોતા જ, ઇન્ટરનેટ પણ નહોતું. કદાચ એટલે જ ડેનિશ કવયિત્રી ટૉવે ડિટ્લેવ્સેન સેલ્ફ-પૉર્ટ્રેટ બનાવી શક્યાં હશે.

કવિતાની મજા એના ત્રણ ભાગમાં છે. પહેલા બે ભાગ પોતાની ઉણપો અને અણઆવડતોના આત્મસ્વીકારના છે. પોતાને શું આવડે છે એનાથી વધારે અગત્યનું પોતાને શું શું નથી આવડતું એ જાણવું છે. પણ ખુદની મર્યાદાઓની સાથોસાથ પોતાની ક્ષમતાની જાણકારી પણ એટલી જ અગત્યની છે. અસમર્થતાની યાદી જેટલી લાંબીલચ્ચ છે, એટલી જ ટૂંકી યાદી સક્ષમતાની છે. પણ આ નાનકડી યાદીમાં જે ચમકારો છે એ અસમર્થતાની યાદીને ભૂંસી નાખવા સમર્થ છે. સૌથી અગત્યની વાત છે એકલા રહેવું અને વાક્યો રચવાં…. સર્જન કરીને કશાય અપરાધભાવ વિના ખુશ રહેવાથી મોટી ઉપલબ્ધિ બીજી શી હોઈ શકે?

Comments (9)

એકવાર – ટૉવે ડિટ્લેવ્સેન (અનુ.: વિવેક મનહર ટેલર)

એકવાર:
એક ઓરડો
એક ટાઇપરાઇટર
એક નોકરી
એક અલાર્મઘડિયાળ
એક એકલતા
એક આશા

હવે:
એક એપાર્ટમેન્ટ
એક સમરહાઉસ
વસ્તુઓ
એક પતિ
ત્રણ બાળકો
દરજ્જો
મિત્ર
પ્રેમી
કામવાળી
ઉપેક્ષિત
કબરો
હેરડ્રેસર
મનોચિકિત્સક
પૈસા
મડાગાંઠ
ખુશીનો
અભાવ

સારી વસ્તુઓ એમને મળે છે
જેઓ રાહ જુએ છે
મારી માતાએ કહ્યું હતું
ઝંખના અને
સમજણ
એમને બહુ મોડેથી
લાધ્યાં હતાં.
એમનું મૃત્યુ
નર્સિંગ હોમમાં થયું
જ્યાં એ કોઈને
ઓળખતી નહોતી.

લોકો મોટાભાગે
એકબીજા માટે
ગેરસમજણ જ ધરાવતા હોય છે.
તેણીના હાથ
બહુ જ સુંદર હતા.
ધ્યાન બહાર
જિંદગી સરકી ગઈ.

– ટૉવે ડિટ્લેવ્સેન
(અંગ્રેજી અનુવાદ પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

હિસાબ કરવો એ માનવપ્રકૃતિનો અંતર્નિહિત ભાગ છે. પૈસા હોય કે સંબંધ, વ્યવહાર હોય કે લાગણી –આપણે શું ગુમાવ્યું ને શું મેળવ્યુંનો રોજમેળ મેળવ્યા વિના રહેતા નથી. પણ જીવનની ખાતાવહીના જમા-ઉધાર અલગ પ્રકારના હોય છે. આવકના લેખાજોખા કઈ રીતે કરવા એ તો શીખી-શીખવાડી શકાય છે, પણ જીવનના હિસાબકિતાબ તો જાતઅનુભવે જ શીખવા પડે છે. આવી જ કોઈક ગણતરીની ફળશ્રુતિ એટલે ટૉવે ડિટ્લેવ્સેન લિખિત આ કાવ્ય.

શરૂઆત ‘એકવાર’થી થાય છે. જીવનનો એ સમય આર્થિક સંકડામણનો સમય હતો. રહેવાને ઘર નહીં, કેવળ એક ઓરડો હતો. અને ઓરડામાં હતું એક ટાઇપરાઇટર. રહેવા માટે ઘરના નામે કેવળ ઓરડો જ હોય એ માણસ ટાઇપરાઇટર શા માટે વસાવે? ટાઇપરાઇટર એટલે સાહિત્યસર્જન. યાદીનો ક્રમ પણ નોંધનીય છે. પહેલાં માથા પરની છત, પછી કળા અને એ પછી નોકરી. પહેલાં સરસ્વતી, પછી લક્ષ્મી. આખી કવિતા આ રીતે માણી શકાય. જે મિત્રોને કવિતાનો વિશદ આસ્વાદ માણવો હોય તેઓ અહીં ક્લિક કરી માણી શકે છે.

Comments (3)