જીવન પ્યારું હતું તો રોમેરોમે દીપ જલતા’તા,
બળી મરવું છે ત્યારે કાં નથી જડતો તિખારો પણ ?
જટિલરાય કેશવલાલ વ્યાસ \'જટિલ\'

એકવાર – ટૉવે ડિટ્લેવ્સેન (અનુ.: વિવેક મનહર ટેલર)

એકવાર:
એક ઓરડો
એક ટાઇપરાઇટર
એક નોકરી
એક અલાર્મઘડિયાળ
એક એકલતા
એક આશા

હવે:
એક એપાર્ટમેન્ટ
એક સમરહાઉસ
વસ્તુઓ
એક પતિ
ત્રણ બાળકો
દરજ્જો
મિત્ર
પ્રેમી
કામવાળી
ઉપેક્ષિત
કબરો
હેરડ્રેસર
મનોચિકિત્સક
પૈસા
મડાગાંઠ
ખુશીનો
અભાવ

સારી વસ્તુઓ એમને મળે છે
જેઓ રાહ જુએ છે
મારી માતાએ કહ્યું હતું
ઝંખના અને
સમજણ
એમને બહુ મોડેથી
લાધ્યાં હતાં.
એમનું મૃત્યુ
નર્સિંગ હોમમાં થયું
જ્યાં એ કોઈને
ઓળખતી નહોતી.

લોકો મોટાભાગે
એકબીજા માટે
ગેરસમજણ જ ધરાવતા હોય છે.
તેણીના હાથ
બહુ જ સુંદર હતા.
ધ્યાન બહાર
જિંદગી સરકી ગઈ.

– ટૉવે ડિટ્લેવ્સેન
(અંગ્રેજી અનુવાદ પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

હિસાબ કરવો એ માનવપ્રકૃતિનો અંતર્નિહિત ભાગ છે. પૈસા હોય કે સંબંધ, વ્યવહાર હોય કે લાગણી –આપણે શું ગુમાવ્યું ને શું મેળવ્યુંનો રોજમેળ મેળવ્યા વિના રહેતા નથી. પણ જીવનની ખાતાવહીના જમા-ઉધાર અલગ પ્રકારના હોય છે. આવકના લેખાજોખા કઈ રીતે કરવા એ તો શીખી-શીખવાડી શકાય છે, પણ જીવનના હિસાબકિતાબ તો જાતઅનુભવે જ શીખવા પડે છે. આવી જ કોઈક ગણતરીની ફળશ્રુતિ એટલે ટૉવે ડિટ્લેવ્સેન લિખિત આ કાવ્ય.

શરૂઆત ‘એકવાર’થી થાય છે. જીવનનો એ સમય આર્થિક સંકડામણનો સમય હતો. રહેવાને ઘર નહીં, કેવળ એક ઓરડો હતો. અને ઓરડામાં હતું એક ટાઇપરાઇટર. રહેવા માટે ઘરના નામે કેવળ ઓરડો જ હોય એ માણસ ટાઇપરાઇટર શા માટે વસાવે? ટાઇપરાઇટર એટલે સાહિત્યસર્જન. યાદીનો ક્રમ પણ નોંધનીય છે. પહેલાં માથા પરની છત, પછી કળા અને એ પછી નોકરી. પહેલાં સરસ્વતી, પછી લક્ષ્મી. આખી કવિતા આ રીતે માણી શકાય. જે મિત્રોને કવિતાનો વિશદ આસ્વાદ માણવો હોય તેઓ અહીં ક્લિક કરી માણી શકે છે.

3 Comments »

  1. વિવેક said,

    February 13, 2026 @ 11:13 AM

    Once – Tove Ditlevsen

    Once:
    a room
    a typewriter
    a job
    an alarm clock
    a loneliness
    a hope.

    Now:
    an apartment
    a summerhouse
    things
    a husband
    three children
    status
    friend
    lover
    housekeeper
    neglected
    graves
    hairdresser
    psychiatrist
    money
    complication
    lack of
    joy.

    Good things come
    to those who wait
    my mother said
    longing and
    understanding
    came to her
    too late.
    She died in
    the nursing home
    knowing
    no one.

    People misunderstand
    each other for
    the most part.
    She had
    beautiful hands.
    Unnoticed
    life slipped away.

    – Tove Ditlevsen
    (translated from the Danish by Jennifer Russell and Sophia Hersi Smith)

  2. Kishor Ahya said,

    February 13, 2026 @ 6:21 PM

    કવિયત્રી સુ. શ્રી. ટૉવે ડિટ્લેવ્સેને સરસ મજાનું અછાંદસ ‘એકવાર’ રજૂ કર્યું છે. તેઓની પહેલાની સ્થિતિ અને પછીની સ્થિતિની સરખામણી કરી છે. પહેલા ગરીબીનું ચિત્ર ,આજે અમીરીની દુનિયા! બંનેમાં સરખાપણું હોય તો એક જ વાતમાં , એ છે એકલતા ! લગ્ન પહેલાની એકલતા સ્વભાવિક છે જે દરેકને વતા ઓછા પ્રમાણમાં હોય , પણ જીવનમાં જ્યારે ચાર ચાર લગ્ન ! ત્રણ બાળકો હોવા છતાં, જીવનમાં ખૂબ અમીરી ! પણ જીવનમાં ખુશી ન હોવી અને એકલતા લાગવી , ને એ પણ મનોચિકિત્સક પાસે જવુ પડે તેવી! આ વાત વિચારણીય છે.

    પશ્ચિમી સંસ્કૃતિમાં અને પૂર્વની સંસ્કૃતિમાં અહીં થોડો તફાવત છે ત્યાં લોકો જીવનમાં સામાન્ય પ્રશ્નો હોય તો પણ dr ની સલાહ મેળવતા હોય છે .અહીં ખાસ ગંભીર બાબતો લાગે ત્યારેજ મનોચિકિત્સકની સલાહ લેવાય છે.
    પણ મુખ્ય વાત કવિયત્રીના જીવનની કરીએ તો આવું કેમ બનતું હોય છે? જો કે ઈશારો કવિયત્રીએ જરાક અછાંદસમાં કરેલો જ છે.

    “સારી વસ્તુઓ એમને મળે છેજેઓ રાહ જુએ છે .મારી માતાએ કહ્યું હતું ઝંખના અનેસમજણ એમને બહુ મોડેથીલાધ્યાં હતાં.એમનું મૃત્યુનર્સિંગ હોમમાં થયું જ્યાં એ કોઈનેઓળખતી નહોતી.,”
    “તેણીના હાથ
    બહુ જ સુંદર હતા.
    ધ્યાન બહાર
    જિંદગી સરકી ગઈ.”

    કવિયત્રી એ તેમનુ જીવન જેવું છે તેવું પ્રમાણિક પણે દર્શાવ્યું છે. સાથોસાથ અહીં તેમની માં નો ઉલ્લેખ કરી બે ત્રણ વાતો કરી છે

    ઝંખના અને સમજણ તેને મોડેથી લાધ્યા હતા.કદાચ કવિયત્રી ના જીવન જેવું જ તેણે પણ જીવન વિતાવ્યું હશે.

    સુખ માટેની જબરજસ્ત કવિયત્રી ની ઇચ્છા જોઈને તેને મા એ શીખ ના બે શબ્દો કહ્યા હોય..
    “સારી વસ્તુઓ એમને મળે છે
    જેઓ રાહ જુએ છે”

    કવયિત્રી ની માં નું મૃત્યુ એક હોસ્પિટલમાં થયું જ્યાં તેને કોઈ ઓળખતું ન હતું, અહીં કવયિત્રીની માં પણ એકલતામાં સરી પડી હશે! અને એકલતાનું કારણ તો હંમેશાની જેમ એકજ હોય, કવિયત્રી ના શબ્દોમાં….
    “લોકો મોટાભાગેએકબીજા માટેગેરસમજણ જ ધરાવતા હોય છે.”
    કવિયત્રી તેમની મા વિશે કહે છે

    “તેણીના હાથ
    બહુ જ સુંદર હતા.
    ધ્યાન બહાર
    જિંદગી સરકી ગઈ.”

    જિંદગી સરકી ગઈ..
    કોઈ ગરીબ હોય કે અમીર,
    સુંદર હોય કે અસુંદર,
    પુણ્યાત્મા હોય કે પાપી,
    સ્વસ્થ હોય કે રોગી..
    એકલતા હોય કે કોઈનો સાથ હોય,
    જિંદગી સરકી જ જાય છે, સરકી જવું એ જિંદગીનો સ્વભાવ છે.
    હા, એકલતા દૂર કરવાના ઉપાયો છે, પણ સાથ સંગત થી દૂર થતી એકલતા મર્યાદિત સમય માટેની હોય છે, સાચી રીત ,પોતાની અંદર જોવું એટલેકે ધ્યાન દ્વારા સ્વયં ની ઓળખાણ થાય તો એકલતા ન રહે. સાચું તો એજ છે કે વ્યક્તિમાં જ્યાં સુધી એકલતા ન આવે ત્યાં સુધી અંદરનો પ્રવાસ થઈ શકતો જ નથી. સ્વયં ની ઓળખાણ થતા જ મનુષ્ય મનુષ્ય વચ્ચે આત્મીયતા સંધાય છે ને એકલતાની જગ્યાએ જીવન પ્રેમમાં ઓતપ્રોત થાય છે.

    સુ શ્રી લતાબેન વ્યસ્ત હોવા છતાં કાવ્યના પ્રતિભાવ માટે અવારનવાર સમય ફાળવે છે એ ખુશીની વાત છે. લતાબેને પ્રતિભાવમાં ‘તેણી’ શબ્દ વિશે લખ્યું છે. પોતાની માં માટે વપરાયેલ આ શબ્દ ‘તેણી ના હાથ’ કે.તેમના હાથ’ બંને શબ્દો ભલે જુદા હોય પણ ભાવ કે પ્રેમમાં કોઈ ફરક ક્યારેય હોતો નથી.

    કવયિત્રી –સૂ શ્રી ટૉવે ડિટ્લેવ્સેન નું ‘એકવાર’ અછાંદસ (અનુ.: વિવેક મનહર ટેલર) ખૂબ ગમ્યું.

    શ્રી વિવેકભાઈએ આસ્વાદ તેમજ વિશદ આસ્વાદ સરસ આપ્યા છે. તેઓએ સરસ રચના પસંદ કરી વિશ્વકવિતાથી માહિતગાર કર્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

    🌹🌹🌹🌹

  3. વિવેક said,

    February 14, 2026 @ 11:53 AM

    કેવો સરસ પ્રતિભાવ!

    @શ્રી કિશોર પાહ્યા:

    હૃદયથી ખૂબ ખૂબ આભાર..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment