રઘુનાથ બ્રહ્મભટ્ટ રસકવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 12, 2026 at 11:19 AM by વિવેક · Filed under ગઝલ, રઘુનાથ બ્રહ્મભટ્ટ રસકવિ
આવીશ કહી ગયા છો, આવો, હવે તો આવો!
મધુવન પડયાં છે સૂનાં, બંસી ફરી બજાવો.
છાઈ બધે છે ગ્લાનિ, હજી યે છે વાર શાની?
દર્શનની પ્યાસી આંખો, બળતાં હૃદય બુઝાવો.
બ્રહ્માંડ ભાવભીનું ત્હારા વિનાનું સૂનું,
યુગયુગ જૂના ઓ યોગી! આત્મન્ ફરી જગાઓ!
– રઘુનાથ બ્રહ્મભટ્ટ
શાળામાં હતો એ સમયગાળામાં આ ગઝલનો મત્લો ક્યાંક વાંચવા મળ્યો અને વાંચતાવેંત જ હૃદયસ્થ થઈ ગયો. સાડા ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો પણ આ મત્લા હજીય એવોને એવો જ પ્રિય છે. કમભાગ્યે કવિનું નામ યાદ ન હોવાથી અને ઇન્ટરનેટે કોઈપણ પ્રકારની સહાય કરવાની ના કહી દીધી હોવાથી આખી ગઝલ કદી હાથ લાગી નહીં. થોડા સમય પહેલાં મકરાન્દ દવે અને અમૃત ઘાયલ સંપાદિત ‘છીપનો ચહેરો ગઝલ’માંથી આ ગઝલના આ ત્રણ શેર અને કવિનું નામ હાથ લાગ્યું. કવિનો એક સંગ્રહ હાથ લાગ્યો, પણ એમાં તો આ રચનાનું અસ્તિત્ત્વ જ નથી… બીજો કોઈ સંગ્રહ થયો હોવાનું ધ્યાનમાં નથી.
લયસ્તરોના સહૃદય ભાવકોમાંથી કોઈક આખી રચના શોધી આપશે તો એનો સદૈવ ઓશિંગણ રહીશ…
Permalink
April 25, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રઘુનાથ બ્રહ્મભટ્ટ રસકવિ
બમ્બઈ મેં મિલ જાઉ શ્યામ તોહે બમ્બઈ મેં મિલ જાઉ
મધુરાધર સે મુરલી છુડાકે વાયોલિન બજવાઉ
… શ્યામ
મોરમુકુટ બનમાલ ઉતારું
કૉલર ટાઈ પિન્હાઉ
મહી માખન કો સ્વાદ ભુલાકે
બિસ્કિટ પાઉ ખિલાઉ.
… શ્યામ
બિન્દ્રાબિન કો રસ ભુલાઉ
ફૅન્સી બોલ સજાઉ
રઘુનાથ પિયા તોપે તન મન વારું
લોર્ડ કન્હાઈ કહલાઉ.
…શ્યામ
– રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
‘મુગલ-એ-આઝમ’ ફિલ્મના અતિપ્રસિદ્ધ ગીત ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….’ના રચયિતા એક ગુજરાતી કવિ હતા એમ કહીએ તો કેવું આશ્ચર્ય થાય! હા… પણ વાત સાવ સાચી છે. આ કાળજયી ગીતરચનાના રચયિતા હતા કવિશ્રી રઘુનાથ ત્રિભુવનદાસ બ્રહ્મભટ્ટ (૧૮૯૨-૧૯૮૩). રસકવિ એમનું ઉપમાન.ગુજરાતી રંગભૂમિ માટે નાટકો લખતા અને નાટકોને વધુ લોકભોગ્ય બનાવવા એમાં એ ગીતો ઉમેરતા. ૧૯૧૯માં રજૂ થયેલ ‘છત્રવિજય’ નાટકનું આ નાટ્યગીત મહેફિલોમાંથી પસાર થતાં થતાં મુગલ-એ-આઝમ ફિલ્મ સુધી પહોંચ્યું પણ શકીલ બદાયૂનીના નામે. સુદીર્ઘ કાનૂની લડાઈ બાદ કવિને કવિ તરીકેનું માન મળ્યું… અનેક નાટકો અને અનેકાનેક ગીતોના રચયિતા રસકવિની કલમે આજે માણીએ સાવ જ નોખી તરેહનું આ ગીત…
મુંબઈને માયાનગરી પણ કહેવામાં આવે છે. કહે છે કે જે એકવાર મુંબઈ આવે, એ કદી મુંબઈ છોડી શકતો નથી. નિરંજન ભગતે ‘ઇન્દ્રજાલની ભૂલવે લીલા’ એવી મુંબઈ નગરી વિશે બહુ સરસ કવિતા લખી હતી: ‘ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી!’ મુરલીધર શ્યામ જો મુંબઈમાં આવે તો એની કેવી કાયાપલટ થઈ જાય એનું ખડી બોલી- વ્રજ બોલીમાં કવિએ સરસ મજાનું નિરૂપણ કર્યું છે.
Permalink
September 8, 2005 at 12:52 PM by ધવલ · Filed under ગીત, રઘુનાથ બ્રહ્મભટ્ટ રસકવિ
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની.
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.
આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી;
કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી.
રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ,
ઓઢણી ઓઢી ઉમંગની.
-રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ’
Permalink