ઘેરી વળે છે જ્યારે ‘ગની’, દુખના કંટકો,
ત્યારે જીવન ગુલાબનો આકાર હોય છે.
– ગની દહીંવાલા

ઢોલાજી વીંઝણો લ્યો – લોકગીત

ઢોલાજી હાલ્યા ચાકરી રે
ઢોલાજી વીંઝણો લ્યો
કે મુને હારે તેડતા જાવ
ઢોલાજી વીંઝણો લ્યો

લવિંગ સરીખી ઢોલા તીખડી રે
ઢોલાજી વીંઝણો લ્યો
તારે મુખડામાં રમતી આવું રાજ
ઢોલાજી વીંઝણો લ્યો

તલવાર સરીખી ઢોલા ઊજળી રે
ઢોલાજી વીંઝણો લ્યો
તારી કેડે ઝૂલતી આવું રાજ
ઢોલાજી વીંઝણો લ્યો

રૂમાલ સરીખી ઢોલા રેશમી રે
ઢોલાજી વીંઝણો લ્યો
કે તારા હાથમાં રમતી આવું રાજ
ઢોલાજી વીંઝણો લ્યો

સૂડી સરીખી ઢોલા વાંકડી રે
ઢોલાજી વીંઝણો લ્યો
કે તારા ગુંજામાં રમતી આવું રાજ
ઢોલાજી વીંઝણો લ્યો

પાન સરીખી ઢોલા પાતળી રે
ઢોલાજી વીંઝણો લ્યો
કે તારા હોઠે રમતી આવું રાજ
ઢોલાજી વીંઝણો લ્યો

લોકગીત

પ્રશિષ્ટ ગીત અને લોકગીત વચ્ચેનો એક અગત્યનો ફરક હૃદયોર્મિની પ્રામાણિક અને સરળ-સહજ અભિવ્યક્તિનો છે. લોકગીતના રચયિતાને કીર્તિ કે કલદાર કમાવાની સ્પૃહા હોતી નથી. એણે કવિતા સિદ્ધ કરીને સમાજમાં પોતાનું અલાયદું સ્થાન બનાવવાની ખેવના નથી હોતી. એની એકમેવ નેમ તો જનસામાન્યના હૃદયમાં જાગતા સ્પંદનોને જનસામાન્ય હળવી હલકથી અને ઉલટથી ગાઈ-બજાવી શકે એ રીતે રજૂ કરવાની હોય. સમાજનો નીચલામાં નીચલા સ્તરનો અને સાવ ભણતર વગરનો માણસ પણ આ ગીતો યાદ રાખી શકે એ હેતુસર મોટાભાગના લોકગીતોમાં રચયિતા પુનરોક્તિનો સહારો લેતા હોય છે. ઢોલાજી ચાકરીએ જવા નીકળે છે. એ જમાનામાં જુવાન રજવાડાને ત્યાં નોકરીએ જતા,પણ આ નોકરી એટલે આજની જેમ સવારે નવથી પાંચની નહીં, દિવસોના દિવસોને અઠવાડિયાઓના અઠવાડિયાઓની. પુરુષ તો કામે લાગી જાય,પણ નવોઢા સાસરિયામાં એકલી એકલી હિજરાતી રહે. મનનો માણીગર એકલો ચાકરીએ ન જાય અને પોતાને પણ સાથે લઈ જાય એ માટે પત્ની સ્વયંને વારાફરતી વીંઝણો, લવિંગ, તલવાર વગેરે સાથે સરખાવીને જે રીતે અછો અછો વાનાં કરે છે એની મજા લઈએ…

 

 

9 Comments »

  1. સંજુ વાળા said,

    April 1, 2026 @ 11:35 AM

    હા… સરસ લોકગીત છે.

    આ લોકગીતનો આસ્વાદ થોડા વખત પહેલા જ મારી નિયમિત ફૂલછાબની બુધવારની કોલમ ‘ભાવપરિક્રમા’-માં કરાવેલો. લિંક નીચે.
    https://www.facebook.com/share/p/18YXnZWYdr/

    એન્જોય

    અભિનંદન

  2. Harihar Shukla said,

    April 1, 2026 @ 11:38 AM

    બહુ સરસ ગીત, બહુ સરસ આસ્વાદ અને બહુ સરસ પીઠીનો રંગ સિનેમાના ગીતનો મજબૂત સંદર્ભ. સરસ સંપાદન સાહેબ. મોજ પડી ગઈ💐

  3. HARIN VADODARIA said,

    April 1, 2026 @ 12:31 PM

    સરળ અને મધુર રચના

  4. Kanchan Amin said,

    April 1, 2026 @ 12:52 PM

    લોકગીતની હ્નદય સ્પર્શી તળપદી મીઠાશ –

  5. Barin Dixit said,

    April 1, 2026 @ 2:42 PM

    મૂળ વાત એમના વગર નહીં ફાવે એ પહેલેથી ખબર પડી ગઈ છે એટલે ગમે તે ભોગે સાથે થવું છે. આપણે આજકાલ પણ ઘરમાં નાના બાળકોને બહારગામ જતી વખતે “ તને બેગ માં બેસાડીને લઈ જાઉં ?” એમ કહેતા હોઈએ છીયે. અહીં તો છેલ્લી પંક્તિ માં પાન સરીખી થઈને એના હોઠમાં બિડાઈ પણ સાથે જવાની વાત છે. લોકગીતો કમાલ હોય છે . વાહ પ્રણામ વિવેકસર 🙏🙏

  6. Swati Shah said,

    April 2, 2026 @ 1:34 PM

    આહા! નાનપણની યાદ આવી ગઈ. ગાતાં ગાતાં વાંચ્યું

  7. Kishor Ahya said,

    April 2, 2026 @ 8:33 PM

    લોકગીતો માણવા એ એક લહાવો છે..આવા સરસ લોકગીતો કોણે લખ્યા,ક્યારે લખ્યા તેની કોઈ માહિતી કોઈ પાસે નથી .જૂની પેઢી ગાય તે પછીની પેઢી સાંભળે ને યાદ રાખે, એ રીતે પેઢી દર પેઢી આવા લોકગીતો સચવાતા ને મોટાભાગે ગામડાઓમાં ગવાતા.

    શ્રી ઝવેરચંદ મેઘાણીને લાગ્યું કે આ લોકગીતો ભવિષ્યમાં લુપ્ત ન થઈ જાય તે માટે તેનો સંગ્રહ કરવો જરૂરી છે. આ માટે તેઓએ ગામડાઓ ફરી આવા સુંદર લોકગીતો સાંભળ્યા અને સંગ્રહ કરી લોકગીતોનો એક સુંદર સંપુટ બનાવ્યો આ સંપુટ એટલે ​ ‘રઢિયાળી રાત’. આ પુસ્તક ચાર ભાગમાં છે,જેમાં તેમણે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ગવાતા પરંપરાગત ગરબા, ગરબીઓ અને રાસનો સમાવેશ કર્યો છે.આ સંગ્રહ દ્વારા મેઘાણીજીએ લોકસાહિત્યને જીવંત રાખ્યું છે.

    સુરીલા અવાજનો જાદુ જાણવો હોય તો ગુજરાતના લોકગીતો સાંભળો! લોકગીતોમાં જે તે સમયના રીત રિવાજોની વાતો પણ હોય છે, એ પરથી પહેલાના લોકોના જીવન વિશે પણ થોડું જાણી શકાય. આ સિવાય લોકગીતોની બાંધણી… મોટાભાગે ઢાળમાં ગાઈ શકાય તે માટે મુખ્ય કડી પછીની કડી પુનરાવર્તન વાળી જોવા મળે છે, આથી લોકગીતો યાદ રાખવા પણ સહેલા બને છે.

    ‘ઢોલાજી હાલ્યા ચાકરી રે ‘ બહુ સરસ લોકગીત છે ગુજરાતી ફિલ્મોમાં ભરપૂર લોકગીતોનો ઉપયોગ થયો છે અને બહુ સુંદર અવાજમાં પણ છે. લોકગીતોના ઢાળ લોકજીભ પર લાંબો વખત ગુજંતા રહે છે. શ્રી વિવેકભાઈ એ સરસ લોકગીત મૂક્યું છે અને સરસ આસ્વાદ આપ્યો છે.
    🌹🌹🌹🌹

  8. વિવેક said,

    April 3, 2026 @ 12:47 PM

    પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર…

  9. Poonam said,

    April 9, 2026 @ 6:30 PM

    ઢોલાજી વીંઝણો લ્યો
    લોકગીત – saras

    Aaswad mast !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment