અષાઢી વાદળોનો ઊડ્યો ઉમંગ
મારી આંખમાં ચણોઠિયું ઊગી રે સૈ
આંગળીની જેમ રાખી ઇચ્છાઓ હાથમાં તે
આજ હવે આકાશે પૂગી રે સૈ
– મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for માર્ગી દોશી ડૉ.

માર્ગી દોશી ડૉ. શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(સ્વીકારનામાં) – ડૉ. માર્ગી દોશી

ગમા-અણગમાના મૂક્યા સૌ ઉધામા,
ભણાવી દીધાં મનને સ્વીકારનામાં.

હશે ક્યાંક મારામાં ઓછાપણું પણ,
હવે કોશિશો માંગી રહી છે વિસામા.

નવી રીત શોધી છે હળવા થવાની,
લખી દઉં છું કોઈને કાગળ નનામા!

હતાં બે‘ક સ્વપ્નો ને ગમતા પ્રસંગો,
મૂકીને ગયા તેઓ પણ રાજીનામાં.

સફળ પ્રેમને એ નજરથી જુએ સૌ,
કર્યાં હોય જાણે ગજબ કારનામા.

વિચારું તને ને ઉપાડું કલમને,
પછી રોકવાના પ્રયાસો નકામા.

એ બે જણને પોતાના ના હોય પ્રશ્નો
ત્રીજાની જ વાતે ચડે સામસામા.

ભલેને છૂપાવે ગુના એ જગતથી,
અરીસા ઉપર રહી જવાનાં ચકામાં.

– ડૉ. માર્ગી દોશી

વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ. એક તો હમરદીફ-હમકાફિયા ગઝલ છે અને બીજું, બહેર પણ લાંબી નહીં, મધ્યમ છે. એટલે ઓછી જગ્યામાં કાફિયા નિભાવીને શેરિયત સર્જવામાં કવિકસોટી તો થવાની જ. સદનસીબે કવયિત્રી આમાં સાંગોપાંગ પાર ઉતર્યાં છે અને આપણને એક અચ્છી ગઝલ મળી. કોઈ શેરને અલગથી સમજાવવાની આવશ્યક્તા નથી, પણ દરેક શેર ફરી ફરીને વાંચીએ તો મજા પણ ફરી ફરીને વધતી જશે એ નક્કી.

Comments (26)