સૂરજ પડ્યો શું માંદો?
દીસે છે કેવો, ઊગ્યો હો જાણે ધોળે દહાડે ચાંદો.!
વિવેક મનહર ટેલર

પિતાશ્રીની પુણ્યતિથિએ – ભરત ત્રિવેદી

હજી એ દા’ડાની
સતત વરસે યાદ વસમી
ધરી પાટી હાથે
શબદ શિખવ્યા કૈંક મુજને
અને
વીત્યાં વર્ષો
જીવનપથ આરૂઢ બનતાં
તમે છોડી ચાલ્યા..
કદી મોડી રાત્રે
કવનવશ આવેગ ઉર લઈ
લખું જ્યાં શબ્દો
ત્યાં
મુજ તરફ કો દૃષ્ટિ ઠરતી?
વીતેલાં વર્ષોની
સહજ ઊઘડી જવનિકા
તમારી યાદે
હૃદય ઊભર્યે
અશ્રુ સરતું

– ભરત ત્રિવેદી

ભવાટવિમાં આપણને પાછળ છોડી ચાલ્યા જનાર સ્વજનોની યાદ તો કાયમ આવતી જ હોય, પણ જે રીતે સ્વાતંત્ર્ય દિને નાગરિકોનો દેશપ્રેમનો જુસ્સો જ અલગ હોય એ રીતે પુણ્યતિથિએ એમની સાથે વીતાવેલું આખું જીવન આપણે રિવાઇન્ડ કરતાં હોઈએ છીએ. કથક મૃત પિતાની પુણ્યતિથિએ એમને સંભારી રહ્યા છે. પિતાજીએ જે શબ્દો આપ્યા એ જ શબ્દો કથક મોડી રાત્રે કાવ્યાવેશમાં આવી કાગળ પર માંડે છે ત્યારે એને પિતાજીની નજર પોતા તરફ જ મંડાયેલ હોવાનો ભાસ થાય છે. વિગત વર્ષોનો પડદો ખૂલી જતાં હૃદય લાગણીથી ઉભરાઈ ઊઠે છે અને એ ઉભરો આંસુ બનીને આંખેથી છલકાય છે… કાવ્યારંભે વસમી યાદ સાથે અક્ષરજ્ઞાનનો સંદર્ભ એક જ વાક્યમાં વણી લેવાયો છે એ સહેજ કઠે છે.

આપણી આંખોને કવિતા આવો નાની-મોટી પંક્તિઓનો દેહ ધારીને આવે એટલે એને અછાંદસ ગણી લેવાને ટેવાઈ ગઈ છે. પણ આ રચના વિશુદ્ધ શિખરિણી છંદમાં છે, અછાંદસ નથી. કવિએ શિખરિણીની પંક્તિઓના ખંડ કરીને એને અછાંદસનો આકાર આપ્યો છે. આને મુક્ત પદ્ય પણ ગણી શકાય.

8 Comments »

  1. મયૂર કોલડિયા said,

    April 4, 2026 @ 11:50 AM

    ટુકડાઓમાં શિખરિણી છંદનું બંધારણ છે

  2. Neha Purohit said,

    April 4, 2026 @ 12:02 PM

    મને તો સંસ્કૃત વૃત્ત દેખાય છે.. શિખરિણી છંદ..

  3. Vrajesh Mistri said,

    April 4, 2026 @ 4:01 PM

    સરસ કાવ્ય .. શિખરિણી જાળવ્યો છે…

  4. Bharat Trivedi said,

    April 6, 2026 @ 5:22 AM

    આગળ અભ્યાસ માટે હું અમદાવાદ ગયો ત્યારે ‘રે’ મઠનો જમાનો હતો . છંદોબદ્ધ કાવ્ય પણ આમ અછાંદસની ઢબે લખવાનો ક્રેઝ હતો . – ભરત ત્રિવેદી

  5. વિવેક said,

    April 6, 2026 @ 11:33 AM

    ત્રણેય મિત્રોએ છંદ બરબાર પકડી બતાવ્યો છે…

    ત્રણેયનો ખૂબ ખૂબ આભાર

  6. વિવેક said,

    April 6, 2026 @ 12:19 PM

    @ભરત ત્રિવેદી:

    સાઇટ ઉપર આપની ઉપસ્થિતિનો આનંદ…

    આભાર

  7. Varij Luhar said,

    April 9, 2026 @ 11:44 AM

    સરસ કાવ્ય. હ્રુદય સ્પર્શી

  8. ramesh maru said,

    April 10, 2026 @ 3:54 PM

    વાહ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment