ટૂંકી ટચરક વાત, કબીરા,
લાંબી પડશે રાત, કબીરા.

જીવ હજીએ ઝભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત, કબીરા.

ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

મઢૂલી – જન્મશંકર મ. બુચ “લલિત’

મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અનેરી અમારી એ લગીર. – મઢૂલી0

વૃક્ષો વેલડીઓવાળાં, કૂમળાં ફળફૂલ રસાળાં,
લઈ જાવ લ્હાણાં એ લગીર, સંતો વ્હાલા!

મનની કંઈ મોજમજાઓ, રસિયા ઉરના કંઈ લ્હાવો
લેવાને આવજો લગીર, સંતો વ્હાલા!

સામે સંસાર વિલસે, વચ્ચે જીવનસરિતા વહે,
રેલવિયે ત્યાં રસરંગ લગીર, સંતો વ્હાલા!

ઉડવાય સફર સહિયારી, સુખદુ:ખની કંથા ધારી,
આનંદ ઑર એ લગીર, સંતો વ્હાલા!

લગની સ્હેવા સ્હાવાની, ગીતડાં પ્રભુનાં ગાવાની
લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!

મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અનેરી અમારી એ લગીર!

– જન્મશંકર મ. બુચ “લલિત’

કવિનું નામ સાવ અજાણ્યું લાગે એવા ભાવકમિત્રો વિકીપીડિયાની મુલાકાત લઈ શકે છે.

જીવનસરિતાને પેલે પાર મોક્ષ-મુક્તિની અનેરી મઢૂલી છે. મુક્તિની વાત છે, પણ ક્યાંય કઠિનતાની વાત નથી ને કઠિન શબ્દાવલિ પણ નથી. પ્રભુનાં ગીત ગાવાની લગની લાગી હોય એ તમામનું મોકળા મને અહીં સ્વાગત છે. કવિએ આંતર્પ્રાસ મેળવ્યા છે, લય જાળવ્યો છે પણ આંત્યપ્રાસ મેળવ્યા ન હોવાથી ગીતકવિતા તરીકે એ કોઈને શિથિલ પણ લાગે. પણ સરવાળે ‘લલિત’ની આ લલિત રચના માધુર્ય અને ભક્તિનો સુમેળ છે. ભાષા સરળ છતાં મર્મસ્પર્શી છે. તે મનુષ્યને ભૌતિક જગતની પેલે પાર રહેલા આત્મિક આનંદ તરફ વળવા માટે પ્રેરણા આપે છે. આ કવિતા માત્ર એક નિમંત્રણ નથી, પણ જીવન જીવવાની એક સકારાત્મક પદ્ધતિનું દર્શન છે.

4 Comments »

  1. Dipak Peshwani said,

    April 30, 2026 @ 11:09 AM

    વાહ. કવિશ્રી લલિતનું કવિતા લાલિત્ય ગમ્યું.

  2. Margi doshi said,

    April 30, 2026 @ 11:21 AM

    વાહ 👏👏 અજાણ્યા નામથી અને સર્જનથી અવગત થવાયું. .

  3. Kishor Ahya said,

    April 30, 2026 @ 12:14 PM

    કવિ શ્રી જન્મશંકર મ. બુચ “લલિત’ રચિત ‘મઢુલી’ એક ભજન જેવું કાવ્ય છે .કવિ હોવાની સાથે સાથે તેઓ ગાયક પણ હતા અને મંજીરા સાથે ભજનો લલકારતા. સદાયે ઈશ્વર પ્રેમમાં મસ્ત રહેનાર આ કવિની મઢુલી રચના ખુબજ ભક્તિભાવથી ભરેલી છે, જેમાં કવિશ્રી આ જીવનની પેલે પાર આવેલી મઢુલી માં થોડીવાર આવવા માટે સ્નેહીજનોને ભાવપૂર્વક આમંત્રણ આપે છે. ગીતના શબ્દો હળવા અને તેમાં લય પણ છે.

    ખૂબ સરસ રચના અને શ્રી વિવેકભાઈનો ખૂબ સરસ આસ્વાદ. વિકિપીડિયામાં કવિનો પરિચય જોતા તેઓ ખૂબ અભિપ્રેત જીવન જીવી ગયાનું દેખાય આવે છે.

    🌹🌹🌹🌹

  4. Arvind Bhatt said,

    April 30, 2026 @ 6:17 PM

    ‘લલિત’ ની કવાતાઓ ભણવામાં પણ આવતી. આ ક્રુતિ પણ સરસ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment