જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
આદિલ મન્સૂરી

તે રમ્ય રાત્રે – સુન્દરમ્

(મિશ્ર ઉપજાતિ)

તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.

ક્યાં સ્પર્શવી ?
ક્યાં ચૂમવી ? નિર્ણય ના થઈ શક્યો
ને આવડી ઉત્તમ કામ્ય કાયા
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું. જડ થીજી એ ગયું
એ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં.

ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ત્યાં સોડિયેથી કર બ્હાર નીસરી
મનોજ કેરા શર-શો, સુતન્વી
કાયાકમાને ચડી, વીંધવાને
ધસંત ભાળ્યો : ‘નથી રે જવાનું.’

હલી શક્યો કે ન ચાલી શક્યો ન હું.
નજીક કે દૂર જઈ શક્યો ન હું.
એ મૂક્તા-સાગરમાં વિમૂઢતા
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી.

ક્યાં સ્પર્શવો ? ક્યાં ગ્રહવો ? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે –
.                        તે રમ્ય રાત્રે,
.                      રમણીય ગાત્રે !

-સુન્દરમ્

(રજ=જરાક; કામ્ય=ઈચ્છા કરવા યોગ્ય; હૈમ=હિમ સંબંધી; મનોજ=કામદેવ; સુતન્વી= સુંદર નાજુક શરીરવાળી; મૂક્તા= મૂંગાપણું; છિતાયલા= છીછરા પાણીમાં વહાણનું જમીન સાથે ચોંટવું)

પ્રણયનો અનુવાદ જે ઘડીએ શરીરની ભાષામાં પહેલવહેલો થાય તે ઘડીની વિમાસણ કવિએ એવી અદભુત રીતે આલેખી છે કે આ આપણી ભાષાનું શિરમોર પ્રણયકાવ્ય બની રહે છે.

તે રમ્ય રાત્રે પ્રેયસી બારણાની કમાનને સહેજ ટેકવીને ઊભી છે. શાશ્વત સૌંદર્યની દેવીને જોતાવેંત જ કાવ્યનાયક થીજી જાય છે. સ્પર્શ, ચુંબન અને આલિંગનની હિંમત નાયકના ગાત્રોમાં રહેતી નથી. પણ નાયિકા પ્રણયની આ પહેલવહેલી શારીરિક ક્ષણોમાં કોઈ મૂંઝવણ અનુભવતી નથી. આમેય સ્ત્રી પ્રેમમાં પડે છે ત્યારે પારદર્શક સમજણ સાથે જ પડતી હોય છે. કમાન પર લતાની જેમ ટેકવાયેલી કાયામાંથી નાયિકાનો હાથ એ રીતે આગળ વધે છે જાણે કામદેવ ધનુષબાણ પર તીર ચડાવી શરસંધાન ન કરતા હોય. ચુપકીદી ગંભીર દરિયા જેવડી વધી પડી હતી તેવામાં છીછરા પાણીમાં વિમૂઢતાના ખડક પર ખોટકાઈ તૂટેલી નાવભાંગ્યા જણ જેવા નાયકને ઉગારવા આવતી હોડી સમી નાયિકા સામું સરી આવે છે, પ્રણયની સ્ફટિકસ્પષ્ટ સમજણ સાથે.

અદભુત ! અદભુત !! અદભુત !!!

5 Comments »

  1. તે રમ્ય રાત્રે – સુન્દરમ્ | વિજયનું ચિંતન જગત- said,

    January 8, 2015 @ 7:40 AM

    […] https://layastaro.com/?p=1099 […]

  2. Vijay Shah said,

    January 8, 2015 @ 7:58 AM

    બહુ જ મઝા આવી
    મારા બ્લોગ ઉપર આ કાવ્ય મુક્યુ છે.

  3. DINESH MODI said,

    January 8, 2015 @ 12:27 PM

    નાનાલાલનુ જયા-જયન્ત યાદ આવિ ગયુ .જાને રસનો ખજાનો. સલામ સુન્દરમને .

  4. rasikbhai said,

    January 8, 2015 @ 12:34 PM

    રાજા રવિવર્મા નિ પિચ્હિ થિ પન સુન્દર શબ્દ ચિત્ર. શ્રિ સુન્દારમ અતિ સુન્દર્.,

  5. Harshad said,

    January 10, 2015 @ 2:57 PM

    Really heart touching. Very Beautiful.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment