મળ્યાં – સુન્દરમ્
મળ્યાં વિરહના અનેક કપરાં દિનોની પછી
મહાજન સમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,
બધાનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.
ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં અને જ્યાં વદ્યાં
પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદી સીધી.
અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,
ઘડી ઘડી ઉઠાવી નેણ નીરખ્યા કર્યું અન્યને.
-સુન્દરમ્
વિરહના કપરાં દિવસો વેઠ્યા બાદ મળેલા પ્રેમીજનોનું મિલન કેવું હોય? સુનામીના મોજાં જેવું? પણ સુન્દરમ્ ના કાવ્ય નાયક-નાયિકા એવા અનંગવેગથી ન જ મળે. અહીં તો મિલન પણ લોકોની વચ્ચે થાય છે અને બન્ને જણ “લ્હેર”થી વચ્ચે મળતા જતા લોકો સાથે ગોઠડી કરતાં-કરતાં નજીક આવે છે. એકબીજાને મળે છે તો ખરા પણ ‘બધાનું પતવીને’. પ્રદીર્ઘ વિયોગ જેવું જ લાંબું મૌન સેવ્યા પછી પણ હોઠેથી જે વાત સરે છે એ પોતાની નહીં, અન્યોની જ છે અને વળી બંનેના કાન તો એ દુન્યવી વ્યવહારની વાતો પાછા સાંભળતા જ નથી. અકંપ, અણબોલ અને મૌન એમ ત્રણ વિશેષણોને એક કતારમાં મૂકીને કવિએ મૂક સરવાની વાતને ત્રિગુણિત કરી દીધી છે. પ્રેમ એ કોઈ ઢંઢેરો પીટવાની ઘટના નથી, પ્રેમ તો છે એક અનુભૂતિ… એક સંવેદના… જ્યારે સર્વ ઈંદ્રિય સતેજ થઈ જાય છે ત્યારે વાચાને વહેવા શબ્દોના ખભાની જરૂર નથી રહેતી. ઘડી ઘડી – એમ પુનરાવર્તન કરવાથી એકબીજાને આંખો-આંખોથી ચાહવાની, જોવાની, સાંભળવાની ઘટનાને કવિએ બખૂબી શબ્દાંકિત કરી છે. અહીં સુન્દરમ્ નું જ અન્ય કાવ્ય ‘મેરે પિયા મૈં કછું નહીં જાનૂં,મૈં તો ચુપચુપ ચાહ રહી‘ યાદ આવ્યા વિના રહેતું નથી.
pragnajuvyas said,
November 29, 2007 @ 10:05 AM
ખૂબ સુંદર
ઘડી ઘડી ઉઠાવી નેણ નીરખ્યા કર્યું
જાણે કહ્યું
તું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જવલ કો ધ્યુતિ અરુણા,
તું જીવનના વ્રણ પર વરસત કોઈ અમીમય કરુણા.
તું જીવનની જન્મ- ક્ષણોની ધાત્રી પ્રાણ-પ્રદીપા,
તું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિજ્યોત સજીવા.
ભાવના શુક્લ said,
November 29, 2007 @ 11:31 AM
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,
ઘડી ઘડી ઉઠાવી નેણ નીરખ્યા કર્યું અન્યને
………………………………………………..
સુંદરમ્…સુંદરમ્….
ધવલ said,
November 29, 2007 @ 6:58 PM
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,
ઘડી ઘડી ઉઠાવી નેણ નીરખ્યા કર્યું અન્યને.
– બહુ ઉત્તમ વર્ણન…
ઊર્મિ said,
November 29, 2007 @ 9:34 PM
વાહ… ખૂબ જ સુંદર… અને આસ્વાદ પણ મજાનો કરાવ્યો દોસ્ત!
Salim Shahbaaz said,
December 5, 2007 @ 1:44 AM
Bhavnagar.
04.12.’07
Dear Vivek,
I always enjoy your poems (or Gazals) on Bhavnagari Group site. I am happy to see Laystaro. Congrats to you and to all on the foundation anniversary.
= S. Shahbaaz