આ-ગમન પછી – મણિલાલ હ. પટેલ
(શિખરિણી)
પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે
અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી-
કમાડે અંઢેલી, નયનજલ રોકી નવ શકી:
રડી હર્ષે હું વા વિરહ દુઃખ? – જાણી નવ શકી!
તમે આવ્યા ત્યારે મૂક રહી, કશુંયે નવ કથ્યું;
ન જોયું પૂરું મેં તવ મુખ અને પાંપણ ઢળી…
હતું હૈયે એવું કર પકડશો, કૈક પૂછશો…
ઉવેખી લજ્જાને સ્વજન વચ એયે નવ થયું!
વિના બોલ્યા; ચાલ્યા? કશું પણ કથ્યું નૈ નજરથી?
તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા એય શમણું!
સવારે ઊઠું ને પગથી પરનાં ચૂપ પગલાં-
થઈ સાચાં, મારા વિરહકૃશ પાદે ચચરતાં;
રડી આંખો ધોઉં, શિશિરઋતુમાં અંગ સળગે
તમે? ના…ના, સૂના પથ નજરને આવી વળગે!
– મણિલાલ હ. પટેલ
આજે તો પતિ પત્નીના પિયર આવે કે તરત બધાને હાય-હેલો કરીને લાજશરમ નેવે મૂકીને પત્ની સાથે એક રૂમમાં બંધ થઈ જાય. પણ આ સૉનેટ એવા સમયનું ગ્રામ્યચિત્ર છે જે સમયે સ્ત્રીને તો હોઠ નહોતા જ, પુરુષ પણ વડીલોની આમન્યા ત્યાગી શકતો નહોતો.
પત્ની પિયર રહેવા આવી હોય અને લાંબા ગાળા પછી પતિ એને મળવા આવે એ પળની આ વાત છે. સવારે જોયેલું સપનું જે રીતે સાચું પડે એ રીતે એક દિવસ પતિ અચાનક પત્નીને મળવા આવી ચડે છે અને સ્વજનોની વચ્ચે પણ પત્નીને એકલાપણું અનુભવાય છે. સુન્દરમની નાયિકા જે રીતે તે રમ્ય રાત્રે ઘરની બારસાખ પર કાયા ટેકવી ઢળતી લતા સમી ઊભી હતી, એ જ રીતે મણિલાલ પટેલની નાયિકા પણ કમાડને અઢેલીને ઊભી છે. પણ સુન્દરમની નાયિકા નાયક સાથે એકલી હતી એટલે એને દિગ્મૂઢ નાયકને ચુપચાપ પાછો ચાલ્યો જતો રોકવામાં સમસ્યા નહોતી અનુભવાઈ, પણ આ સૉનેટની નાયિકા પરિવારની હાજરીમાં બોલીય નથી શકતી અને લજ્જા ઉવેખી શકવાના સામર્થ્યના અભાવે પતિનું મુખેય પૂરું જોઈ શકતી નથી. આંખોમાંથી ધસી આવેલ આંસુઓ હર્ષના છે કે વિરહના દુઃખના એનો ભેદેય એ કળી શકતી નથી. પતિ પણ કશું બોલ્યા-ચાલ્યા-કર્યા વિના આવ્યો હતો એમ જ પરત ચાલ્યો જાય છે. ફરી એકવાર સુન્દરમનું જ ‘મળ્યાં’ કાવ્ય યાદ આવે છે, જેમાં વિરહના કપરા દિવસો વેઠ્યા બાદ મળેલ બે પ્રેમીહૈયાં મહાજનોની હાજરીમાં ખૂલીને મળી શકતાં નથી અને મળે છે ત્યારેય કશું બોલ્યાચાલ્યા વિના ઘડી ઘડી પરસ્પર સામે બસ જોયા જ કરે છે.
આને આગમન કહીશું કે ગમન? કવિએ એટલે જ કવિતાના શીર્ષકમાં એક ડેશ ઉમેર્યો છે: “આ-ગમન પછી.” છે ને મજાનું કવિકર્મ! સવારે પગથી પર પડેલ પતિના પગલાં પત્નીના દેહને શિયાળામાં પણ પ્રજ્વાળે છે. પતિ તો વળગ્યો નહીં, સૂનો રસ્તો નજરને આલિંગન આપી રહ્યો છે… મિલનોત્સુક પત્નીના ભાવસંવેદનોનું કેવું સચોટ વર્ણન!


Kishor Barot said,
March 28, 2026 @ 11:39 AM
સુંદર સોનેટ.
દિવસ સુધરી ગયો.
મયૂર કોલડિયા said,
March 28, 2026 @ 11:59 AM
સુંદર સોનેટ અને સરસ આસ્વાદ…
Arvind Bhatt said,
March 28, 2026 @ 1:07 PM
સરસ કાવ્ય
Arvind Bhatt said,
March 28, 2026 @ 2:10 PM
સરસ કાવ્ય.
Kishor Ahya said,
March 28, 2026 @ 5:00 PM
वो भी एक जमाना था ये भी एक जमाना हे! બદલાતા સમય સાથે, બધું બદલાય છે. બધી ભાવનાઓ, બધા नीति નિયમો, પોતાપણાની લાગણીઓ, અને લજ્જા જે સ્ત્રીનું ગૌરવ છે, આ બધી ભાવનાઓ મૂળભૂત રીતે બદલાય છે. આવું કેમ છે? કારણ કે જીવન ગતિશીલ છે ,પ્રવાહ છે, આ પ્રવાહમાં બધું જ વહેતું જાય છે!
કવિ શ્રી મણિલાલ હ. પટેલનું આ-ગમન પછી – સોનેટ વાચતા જૂના જમાનાની યાદો તાજી થાય છે. સોનેટમાં વ્યક્ત થતું દ્રશ્ય એ સમયના રિવાજો વિશે છે. હા, તે સમય બિલકુલ એવો જ હતો. લજ્જાને કારણે, સ્ત્રી પોતાના પરિવાર સામે પોતાના પતિના ચહેરા તરફ પણ જોઈ પણ શકતી નથી એ વાત કવિએ બહું સુંદરરીતે સૉનેટમાં વર્ણવી છે.
“તમે આવ્યા ત્યારે મૂક રહી, કશુંયે નવ કથ્યું;
ન જોયું પૂરું મેં તવ મુખ અને પાંપણ ઢળી”…
આજે પણ ગામડાઓમાં કેટલીક જગ્યાએ એવો રિવાજ છે જ્યાં વડીલ કુટુંબીજનો બેઠા હોય ત્યાં પતિની હાજરી હોય તો સ્ત્રીએ પતિની લાજ (પોતાનો ચહેરો ઢાંકવો) રાખવી પડે છે! પતિ કે પ્રિયતમ થી પોતાનું મુખ છુપાવવું કે ઢાંકતા રહેવું ,એવો પ્રયત્ન કરતા રહેવું એ લજ્જા છે! લજ્જા ભારતની એક વિશિષ્ઠ જીવન શૈલી છે, લજ્જાને કારણે સ્ત્રી પ્રિયતમ મળે ત્યાં સુધી પ્રેમને સાચવી રાખે છે જેનાથી પ્રેમનું આકર્ષણ અનેકગણું વધી જાય છે! ખૂબ જ સરસ સોનેટ, સોનેટનો એક એક શબ્દ માણવા જેવો છે અને માણવા જેવો સુંદર આસ્વાદ પણ.
🌹🌹🌹🌹
DILIP DHOLAKIYA SHYAM said,
March 28, 2026 @ 6:23 PM
શિખરિણી છંદમાં સુંદર સોનેટ .. ગામડાઓમાં જ્યારે આવા જૂના રિવાજો પ્રચલિત હતાં ત્યારે આવી સ્થિતિનું નિર્માણ થતું. પતિ પત્ની ખૂબ નજીક હોવા છતાં વાત ના થાય કે છૂટથી મળી પણ ના શકાય તેવી સ્ત્રીની મનોવ્યથાને આદરણીય કવિ શ્રી મણીલાલ હ. પટેલ દ્વારા સુંદર રીતે નિરૂપણ કરેલ છે. મજા આવી..
જયેશ ભટ્ટ said,
March 29, 2026 @ 11:10 AM
સરસ સોનેટ અને આસ્વાદ