ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !
બેફામ

વાતે વાતે મને લાગતું… – વિનોદ જોશી

વાતે વાતે મને લાગતું : તને લાગશે કેવું?
દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!

પરાપૂર્વથી પાણી તો પાણી છે એણે ખળભળવાનું હોય : એટલું કહેવું છે,
જાણી લે કે મોજાંની ઢગલીએ જઈને ઊંડાં તળિયે સાવ એકલું રહેવું છે!

પણ,
તારે મારો પડછાયો થઈ હોય કાયમી રે’વું!
દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!

પાણીનું બખ્તર પહેરીને કોઈ માછલી નથી આવતી કાંઠે એ તું જાણે છે,
દરિયો કરવા એક ફાલતુ ટીપાને તું ફોગટ એના ગજાબ્હારનું તાણે છે;

પણ,
મને ખોઈને હું મારામાં તને જીવતો, એવું!
દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!

– વિનોદ જોશી

માનવસંબંધની સંકુલતાનું ગાન. કવિ એમ નથી કહેતા કે વાતે વાતે તને વાંકુ પડે છે, એ તો વાતે વાતે પોતાના વર્તાવથી સામી વ્યક્તિને શું લાગશે એની ચિંતામાં ગરકાવ છે. માનવસંબંધની આ સૌથી કરુણ બાજુ છે. પોતાની ઇચ્છાને અવગણીને સામાને અનુકૂળ થવાની રઢમાં ઘણીવાર બાવાનાં બેય બગડતાં હોય છે. ‘વાતે વાતે’ – આ દ્વિરુક્તિ પણ ગીતને કેવી ઉપકારક નીવડી છે! આ કોઈ એક વખતની સમસ્યા નથી,આ સમસ્યા તો ડગલેને પગલે કથકને કનડી રહી છે. નાયક પ્રિયાને દરિયો અને સ્વયંને પરપોટો કહે છે એના પરથી એને પ્રિયા માટે કેટલો પ્રેમ છે એનો અણસાર મળે છે. દરિયો – અસીમ, અતાગ, શાશ્વત! પરપોટો- નાનકડો, અસ્થિર, અલ્પજીવી! સુખી થવાની ખરી કળ તો એ કે જે જેવા હોય એવા થઈને રહે. પાણી હોય તો એણે પાણી જ રહેવાનું હોય, ખળખળવું એ જ એનો ખરો ગુણધર્મ. માછલી કાંઠે આવે તો જાનથી જાય, પણ એથી કંઈ એ પાણીનું બખ્તર પહેરીને કાંઠે ન આવે. નાયકને એકલતાનું ઊંડાણ પસંદ છે, પણ સામી વ્યક્તિને તો પડછાયો થઈ ચોવીસે કલાક સાથે પણ રહેવું છે અને નાયકને પોતાના રંગે રંગી પોતાના જેવોય બનાવવો છે. પણ એમ કંઈ ટીપાંને તાણીને દરિયો કરાય? ગીતસ્વરૂપે નાયક જે આપણને કહી રહ્યો છે, એ નાયિકાને કહી શકે છે ખરો? સાચો સંબંધ જ એ જે સામી વ્યક્તિને યથાતથ સ્વીકારી શકે…

7 Comments »

  1. Neha Patel said,

    April 24, 2026 @ 11:47 AM

    સુંદર ગીત….

  2. Vrajesh Mistri said,

    April 24, 2026 @ 12:01 PM

    વાહ… સરસ મેસેજ.. અને સરસ લય

  3. યોગેશ પંડ્યા said,

    April 24, 2026 @ 2:32 PM

    વાહ..વાહ.. વાહ! અદ્ભુત ગીત!
    દરિયો કરવા.. ગજા બહારનું તાણે છે.
    વાહ!
    અને આ –
    ‘ મને ખોઈને હું મારામા તને જીવતો,એવું!’ અદ્ભુત!

  4. Naveen Ghaydar said,

    April 24, 2026 @ 7:54 PM

    વાહ વાહ અદભુત ગીત છે…ઉપમા સરસ આપી છે…નાયક પ્રિયાને દરિયો અને સ્વયંને પરપોટો ની ઉપમા આપી છે.આ ગીત પરથી આપણેને એવું શીખવા મળે કે આપણે ગમતું વ્યક્તિ જેવી હોય તેવું તેનો સ્વીકાર કરવો… તે જ સાચો પ્રેમ છે, તે જ સાચો સંબંધ છે.

  5. Kishor Ahya said,

    April 24, 2026 @ 9:33 PM

    “તારે મારો પડછાયો થઈ હોય કાયમી રે’વું!”

    “મને ખોઈને હું મારામાં તને જીવતો, એવું!”

    સ્ત્રીના જીવનની સચોટ વિચારસરણી અને પુરુષના અહમ અથવા વિચારોનો ટકરાવ કવિએ બહું સરસ શબ્દોમાં વર્ણવ્યો છે. પાણી એટલે પાણી એતો ખળભળે, એટલે મતભેદોતો રહેવાના. નાયકાને સંસાર ગમે છે નાયક સંસાર ની અંદર રહી એકલતા માણવા ઇરછે છે અહીં બંનેની વિચારધારાની વાત કવિએ પાણી, મોજા, દરિયો ,કાંઠો, માછલી વગેરે શબ્દો દ્વારા ખૂબ સરસ દર્શાવી છે.

    “પાણીનું બખ્તર પહેરીને કોઈ માછલી નથી આવતી કાંઠે એ તું જાણે છે,”

    દરિયો કરવા એક ફાલતુ ટીપાને તું ફોગટ એના ગજાબ્હારનું તાણે છે;
    નાયક અહીં જીવનનું સત્ય નાયકાને બતાવે છે,નાયકા નાયકનું બખ્તરનું સરક્ષણ ઈચ્છે છે જ્યારે નાયક માછલીનું ઉદાહરણ આપી નાયકા ને સમજાવે છે કે માછલી કઈ પાણીનું બખ્તર પહેરી કાઠે નથી આવતી! નાયક નાયકા ને કહેવા ઇચ્છે છે કે તું મારા બખ્તરની આશા ન રાખ, જીવનમાં પોતે પોતાનું સરક્ષણ સાધવું- શીખવું જોઈએ. દરેક પંક્તિ પછી નાયક એકજ વાત કરે છે “દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!”

    કવિ શ્રી વિનોદ જોશીની “વાતે વાતે મને લાગતું “ખૂબ સરસ રચના છે. શ્રી વિવેકભાઈ એ ગીતની સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  6. વિવેક said,

    April 25, 2026 @ 10:51 AM

    પ્રતિભાવ પાઠવનાર મિત્રોનો સાગમટે આભાર

  7. dhruv kumar said,

    July 7, 2026 @ 11:37 AM

    કોઈપણ ગીતનો પાયો એ ગીતનું મુખડું હોય છે.. કોઈ પણ ઇમારત ક્યાં સુધી ટકશે એ એના પાયા (મુખડા) પર નક્કી થાય છે. જો પાયાના રૂપકો જ નબળા અથવા વિરોધાભાસી હોય, તો આગળ જતાં આખી રચના પત્તાના મહેલની જેમ તૂટી પડે – જે આ ગીતમાં થાય છે.
    ​દરિયો એ વિશાળતા, ગંભીરતા, અનંતતા અને તોફાનનું પ્રતીક છે. તેની સામે પરપોટો એ ક્ષણભંગુરતાનું પ્રતીક છે. કવિ જ્યારે કહે છે કે “દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું”, ત્યારે એ બે વિરોધાભાસી ચિત્રો ખડા કરે છે. દરિયાની વચ્ચે પરપોટો ક્યારેય ટકી જ ન શકે; મોજાંની એક જ થાપટમાં એનું અસ્તિત્વ ભૂંસાઈ જાય.
    ​જો કવિને પોતાની ક્ષણભંગુરતા કે નાજુકતા જ બતાવવી હતી, તો એ પાણીના નાના કુંડમાં, તળાવમાં કે વરસાદના પાણીમાં હોઈ શકત. દરિયા જેવા વિરાટ કેનવાસ પર પરપોટાને મૂકવો એ ભૌગોલિક અને કાવ્યાત્મક બંને રીતે અકુદરતી લાગે છે, દરિયામાં મહત્વ મોજાં, ભરતી-ઓટ કે એના ઊંડાણનું હોય, પરપોટાની કોઈ નોંધ પણ ન લે.
    ​મુખડાની પહેલી લીટી છે: “વાતે વાતે મને લાગતું : તને લાગશે કેવું?” – આ અત્યંત અંગત, કોમળ અને પર્સનલ લાગણી છે. બે વ્યક્તિ વચ્ચેના સંવાદની વાત છે.
    પણ તરત જ બીજી લીટીમાં કવિ સીધા ‘દરિયા’ જેવડા મોટા ફિલોસોફિકલ રૂપક પર કૂદકો મારે છે.
    ​એક પ્રેમી પોતાના પાત્રને કહી રહ્યો છે કે મને તારી ચિંતા છે, પણ સાથે જ એ એમ પણ કહે છે કે હું દરિયા વચ્ચે પરપોટો છું.
    ​આ બંને વાતો વચ્ચે કોઈ સીધો સેતુ (Bridge) બનતો નથી. આ રૂપક કોઈ ભાવ જગાવવાને બદલે વાચકને વિચારતા કરી મૂકે છે કે “અહીં કહેવા શું માંગે છે?”
    ‘ગોટાળા’નું મૂળ કારણ
    ​ગોટાળાની શરૂઆત અહીંથી જ થાય છે કારણ કે કવિ પોતે નક્કી નથી કરી શક્યા કે આ ગીતને કઈ દિશામાં લઈ જવું છે:
    ​જો આ પ્રણયગીત છે: તો એમાં દરિયા અને પરપોટાની ફિલોસોફી નડતરરૂપ બને છે.
    ​જો આ અસ્તિત્વવાદી (Existential) ગીત છે: તો એમાં “તને લાગશે કેવું?” જેવી પર્સનલ લાઈન નડતરરૂપ બને છે.
    ​જ્યારે મુખડું જ બે અલગ-અલગ વિચારધારા પર સવાર હોય, ત્યારે અંતરામાં કવિ ક્યારેક પાણીના બખ્તરની, ક્યારેક માછલીની તો ક્યારેક તળિયે એકલા રહેવાની વાતો કરે એ સ્વાભાવિક છે. કવિ શબ્દોની અને પ્રાસની રમત (Rhyming) ગોઠવવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે ગીતનો મૂળ આત્મા ખોવાઈ ગયો છે.
    ​એક ઉત્તમ ગીત એ છે જેનો મુખડું એક એવુ બીજ વાવે જેમાંથી આખું ગીત એક વટવૃક્ષ બનીને વિસ્તરે. આ ગીતનું બીજ જ કુંઠિત છે, એટલે આગળ જતાં એ માત્ર શબ્દોની કસરત બનીને રહી જાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment