ડૂમાનાં વહાણો રહ્યાં લાંગરેલાં,
અને આંખમાં જળ ભરી ના શકાયું!
– હર્ષા દવે

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

મારા આ રંગમાં – હરજીવન દાફડા

એનોય રંગ હોય છે મારા આ રંગમાં,
નહિ તો જીવાય કેમ અહીંયા ઉમંગમાં!

કાંઠો મળ્યા પછીય કાં તૂટી જવાય છે?
એની સમજ ક્યાં હોય છે જળના તરંગમાં!

માથે નિરાંત માણતા માણસને શું ખબર,
પોઢી ગયા છે કેટલા ટહુકા પલંગમાં!

ઊંચી ઉડાનમાં હતો સંચાર દોરનો,
પોતીકી પાંખ ક્યાં હતી નહિ તો પતંગમાં!

ભીતર ભર્યા પોલાણનો પરિચય થયો નહીં,
માહેર હતો હું કેટલો નહિતર મૃદંગમાં!

– હરજીવન દાફડા

લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહ ‘સહેજ પોતાની તરફ’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક નખશિખ સંતર્પક રચના આપ સહુ માટે…

Comments (7)

(કથા સાંભળ) – જાતુષ જોશી

એક થીજેલા સરોવરની કથા સાંભળ,
એ પછી મન ‘હા’ કહે તો તુંય બનજે જળ.

આ બધું અંધારનું ષડ્યંત્ર લાગે છે,
એ વિના હોતી હશે કૈં આટલી ઝળહળ?

સૂર્યનું છેલ્લું કિરણ ત્યાં ઘાસમાં પેઠું,
ને સવારે ઘાસ પર સૂતું હતું ઝાકળ!

કોઈ બારી બ્હારનાં દૃશ્યો નિહાળે છે,
કોઈ એ દૃશ્યો વિષે કરતું રહે અટકળ.

મેં નદીને જીવવાની રીત પૂછી’તી,
એ કશું બોલી નહીં, વ્હેતી રહી ખળખળ.

– જાતુષ જોશી

થીજી જવું એટલે અટકી જવું, નિષ્પ્રાણ થઈ જવું. આપણે ત્યાં તો એટલી ઠંડી પડતી નથી, પણ દુનિયામાં ઘણા દેશો એવા છે, જ્યાં સરોવર અને ધોધ થીજી જતાં હોય છે. સરોવર જ્યારે થીજી જાય છે ત્યારે જળનો અર્થ જ બદલાઈ જાય છે. નથી એનું પાણી પી શકાતું કે નથી એ કાંઠાની વનસ્પતિઓને જીવન દેવામાં ખપ લાગતું. થીજી જવાની નિયતિનો સ્વીકાર કરવાની તૈયારી હોય તો જ જળ બનવાની ઇચ્છા કરવી જોઈએ એ વાત સાથે ગઝલનો આરંભ થાય છે. પ્રકાશની મહત્તા અંધકારના અસ્તિત્વ વિના સંભવ જ નથી. સાંજે સૂર્યનું છેલ્લું કિરણ ઘાસમાં પેસે અને સવારે એ ઝાકળમાં પરિવર્તિત થઈ જાય એ કલ્પનચિત્ર પણ કેવું મજાનું થયું છે! દૃશ્યવાળા શેરમાં પણ બે અંતિમોએ જીવતા માનવીને કવિએ ઓછામાં ઓછા શબ્દોની મદદથી તાદૃશ કરી બતાવ્યો છે. છેલ્લો શેર તો ખૂબ જાણીતો છે. આવી જ વાત કરતી કોઈક કવિતા વાંચ્યાનું સ્મરણ થાય છે, પણ યાદદાસ્ત પૂરો સાથ નથી આપી રહી. કોઈ વાચકમિત્ર શોધી આપે તો આનંદ.

Comments (10)

જાઉં છું જ્યાં – મયંક ઓઝા

સાંજને રંગીન કરતો જાય છે,
સૂર્ય અમને એટલો સમજાય છે.

ના દિશા, મંઝિલ, ન રસ્તાની ખબર,
જાઉં છું જ્યાં મન મને લઈ જાય છે.

સ્વપ્નમાં પંખીને આવ્યું પિંજરું,
ત્યારનું આખું ગગન મૂંઝાય છે.

એટલે ઝરણાં વહાવે પર્વતો,
ઊભવાનો થાક ઓછો થાય છે.

આંખ સામે સાવ કોરી છે નદી,
બેય કાંઠે તોય શું છલકાય છે?

– મયંક ઓઝા

માણસને પૂરેપૂરો સમજવું આસાન નથી. પણ જરાય ન સમજવા કરતાં સમજવાનો પ્રયત્ન કરવો એ વધારે બહેતર છે. સૂર્યએ દિવસભર શું કર્યું એ ન સમજાય તો વાંધો નહીં, પણ ખતમ થતાં થતાં પણ એ સાંજને રંગીન કરતો જાય છે એટલું સમજી શકાય તોય ઘણું! માણસ જતાં જતાં આસપાસની દુનિયાને વધારે રંગભર, વધારે રસભર અને વધારે જીવવાલાયક બનાવતો જાય એનાથી વિશેષ બીજી શી સાર્થકતા હોઈ શકે જીવનની? મયંક ઓઝાની સરળ અને સહજ બાનીમાં લખાયેલી આ ગઝલ આખેઆખી આસ્વાદ્ય છે. છેલ્લા બે શેર પણ સવિશેષ ગમી ગયા.

Comments (5)

પણ – ઉદયન ઠક્કર

મારો ઝાંપો વાસેલો હોય, પણ
એની ઉપરવટ ચરકલડીબાઈ
પણે તડકી ને છાંયડી વેરાઈ
જાણે જાર અને બાજરીના કણ

મારો ઝાંપો વાસેલો હોય, પણ
એને કુદાવીને ક્હે શિશુ,
‘એ…ઈ, આંખોને કાઢે છે શું?
આંખ મીંચીને દસ સુધી ગણ…’

મારો ઝાંપો વાસેલો હોય, પણ
નારિયેળીએ ચાંદ ઊગી જાય
ચાર ચીકુડી વાયરામાં ન્હાય
ખૂલતું જાય વાતાવરણ

મારો ઝાંપો વાસેલો હોય, પણ
ક્યાં સુધી સોરવાતો રહે?
વનવગડામાં જાવા ચહે
ડાહીનો ઘોડો: એક, બે, ત્રણ…

– ઉદયન ઠક્કર

ગુજરાતી ગીત-ગઝલના મેળામાં ઉદયન ઠક્કર અલગ ચોતરો માંડીને બેઠા છે. આમ જુઓ તો આ ગીત મુખડા અને પૂરક પંક્તિ વગરનું ચાર બંધનું ગીત છે, પણ આમ જુઓ તો ચારેય મુખડાની પહેલી પંક્તિ એક જ હોઈ એ ધ્રુવકડીનો ભાગ ભજવતી હોય એમ લાગે. અ-બ-બ-અ પ્રકારના પ્રાસગુંફન અને પંક્તિઓના સીમિત કદકાઠીના કારણે ગીતનું કલેવર પ્રવર્તમાન રચનાઓમાં એમ જ નોખું તરી આવે છે. પણ આ તો થઈ ઉપલક વાતો. જેને કવિતા માણવામાં રસ હોય એને તે મમમમ સાથે કામ હોય કે ટપટપ સાથે?

ચારેય બંધનો આરંભ ‘મારો ઝાંપો વાસેલો હોય, પણ’થી જ થતો હોઈ કવિમનોરથને પુનરોક્તિનું યથોચિત ચાલક બળ સાંપડે છે. આ ઝાંપો કેવળ ઘરનો ઝાંપો નથી, એ આપણા બંધિયાર વિચારો, આપણી કુંઠિત મનોવૃત્તિનો દ્યોતક પણ છે. જીવનમાં તડકી-છાંયડી તો આવતી રહેવાની, પણ જે રીતે ચકલી જુવાર અને બાજરીના ચણથી જીવનનિર્વાહ કરે છે એમ એને ભોગવતાં આવડવું જોઈએ. બાળસહજ નિર્દોષતાથી આપણા પૂર્વગ્રહોને વટી જતાં આવડવું જોઈએ. આપણો ઝાંપો બંધ હોય પણ એથી કંઈ પ્રકૃતિ પર તાળું લાગી જતું નથી. નારિયેળીના માથે ચાંદ ઊગવાને ઘટના કે ચીકુડીના વાયરામાં ડોલવાની ઘટના આપણા બંધત્વને અનુસરતી નથી. આપણો ઝાંપો બંધ હોય તોય વાતાવરણને ખૂલતું અટકાવી શકાતું નથી. આજની પેઢીને પરિચય નહીં હોય, પણ આપણી અને આપણી અગાઉની પેઢીઓ ‘એન ઘેન દીવા ઘેન’ જેવાં ગીતો પીને ઉછરી છે. આ બાળગીત જેને યાદ હશે એને ખાઈ-પીને ભાગી છૂટતો ડાહીનો ઘોડો પણ યાદ હશે જ. ડાહીનો ઘોડો એટલે બાળકોની રમત એવું અર્થઘટન પણ કરી શકાય. કથકના ઘરનો કે મનનો ઝાંપો વાસેલો છે પણ ડાહીનો ઘોડો ભીતર સોરવાયા કરે એવો નથી, એ તો વનવગડામાં જઈને જ ઝંપશે. બંધનની વિભાવનાને પુનરોક્તિથી અધોરેખિત કરતી આ રચના હકીકતે તો આઝાદીની આલબેલ જ પોકારે છે.

Comments (10)

(એ જ પ્રશ્ન છે) – કિરણ જોગીદાસ ‘રોશન’

પામી ગયાં બધું, પછી શું? એ જ પ્રશ્ન છે,
પામ્યા વિના કશું નથી શું? એ જ પ્રશ્ન છે!

મળવું હતું મળ્યાં, ને વિખૂટાં પડી ગયાં,
ચાહત મિલન પછી શમી શું? એ જ પ્રશ્ન છે.

એ અલવિદા કહી જુએ અવળું ફરી મને,
બાકી હશે પ્રણય હજી શું? એ જ પ્રશ્ન છે.

એક પળ દુઃખી રહ્યાં ને બીજી પળ હસી પડ્યાં,
દુ:ખની ઘડી ખરી હતી શું? એ જ પ્રશ્ન છે.

તારાપણાની ચાહમાં મારાપણું ભૂલી,
એ બાદ હું મને મળી શું? એ જ પ્રશ્ન છે.

– કિરણ જોગીદાસ ‘રોશન’

ગઝલને લોકપ્રિય બનાવવામાં ગઝલની સંરચનાનો બહુ મોટો ફાળો છે. છંદના કારણે જન્મતી રવાની સિવાય યુગ્મક પ્રકારનું બંધારણ અને રદીફ-કાફિયાની મદદથી સધાતું સાંગીતિક અને તાત્ક્ષણિક પ્રત્યાયન આમાં પ્રમુખ ભાગ ભજવે છે. ઉદાહરણરૂપે આજની આ રચના જોઈએ. ગઝલની રદીફ અહીં બે ભાગમાં વહેંચાયેલ છે. પહેલો એકાક્ષરી ભાગ ‘શું?’ પ્રશ્નરૂપે છે અને એ પછી ‘એ જ પ્રશ્ન છે’ કહીને સવાલનું સમાધાન આપતી સાંત્વના –આ પ્રકારની પ્રશ્નોત્તરીના કારણે ગઝલમાં સંવાદાત્મકતા ઉમેરાય છે, જે ગઝલને વધુ હૃદ્ય બનાવે છે. આ પ્રકારની ઉફરી પડતી રદીફ સાથે સૌથી મોટી સમસ્યા એના અવશિષ્ટ અંગ બનીને રહી જવાની છે. સદનસીબે અહીં પાંચેપાંચ શેરમાં શુંનો સવાલ અને એનું સમાધાન બંને તંતોતંત સચવાયા છે અને શેરને યથોચિત ઉંચાઈ આપવામાં સહાયક બન્યા છે.

અધૂરપ જીવનનું ખરું ચાલકબળ છે. બધું જ પામી જાવ તો આગળ શું કરવું એ પ્રાણપ્રશ્ન બની જાય. અને એથી વિપરીત પામવાનું બાકી હોય તો શું એય એવો જ પ્રાણપ્રશ્ન છે. જીવનના આ વૈષમ્યને કવયિત્રીએ કેવી સહજતાથી મત્લામાં રજૂ કર્યું છે! આખી ગઝલ જ આસ્વાદ્ય થઈ છે.

Comments (21)

અમદાવાદ સાથે શું વેર છે? – કૃષ્ણ દવે

મુંબઈમાં ધોધમાર દીધે રાખો છો ને કોરુંધાકોર મારું શ્હેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

બેડાં ભરે ને પાછાં કાંઠે ઠલવી દે છે, વાદળીયુંય આળસુની પીર!
અડધા અષાઢમાંય સુરજ ક્યાં જંપે છે? મારે છે તડકાનાં તીર!
વ્હાલની આ વ્હેંચણીના વરસાદી ખાતામાં જોઈ લ્યો ભાઈ, કેવું અંધેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

લીલી કંકોત્રીઓ લખવામાં આળસું જરાક અમે છઈએ તો છઈએ,
એમાં અકળાઈ તમે ઠલવ્યે રાખો છો, ઈ કેટલો બફારો અમે સહીએ?
સાંબેલાધારે નહીં, ઝરમર થઈ આવો ને, અમને તો તોય લીલાલ્હેર છે.
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

– કૃષ્ણ દવે

કૃષ્ણ દવે સાંપ્રત વિષયો પરનાં કાવ્યો માટે જાણીતા છે. અને કવિ તો કોઈની પણ ખબર લઈ પાડે. આ વરસે મેહુલિયો બરાબરનો મંડ્યો છે. તળગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિ છે. મુંબઈ પણ એ રીતે જળબંબાકાર છે કે ગૌરાંગ ઠાકરનો શેર યાદ આવે:

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

પરંતુ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત કોરુંધાકોર છે એટલે અમદાવાદના કવિ મુંબઈનો સંદર્ભ લઈને મેઘરાજાનો ઉધડો ન લે તો જ નવાઈ. વરસાદ અમદાવાદ પર મહેર કરશે કે કેમ એ તો વરસાદ જ જાણે પણ આપણને તો નખશિખ સુંદર ગીતરચના સાંપડી એનો જ આનંદ!

Comments (9)

ઊંટ – ઉષા ઉપાધ્યાય

હતા દીવાલે ગયા સમયના
ઠાઠ અને અસબાબ સમા કૈ
ઝૂલ, ચાકળા, કાંધી, તોરણ, ભેટ અને તલવાર, કટારી;
પરસાળ વચાળે
અમીયલ નેણાંવાળી બાયું
સુપડે સોતી ધાન
કાંબીના રણકા શું હસતી’તી,
હતા આંગણે લીમડા હેઠે
ઢળ્યા ઢોલિયે હુક્કાના ગડેડાટ
મૂછોના તાવ
કાળને ધરબી દેતી આંખ્યુંની રાતડમાં
ઝગતા તેગઝર્યા અંગાર
અને ત્યાં દૂર
સમયને કાંધે લઈ
ગાંગરતું ઊભું ઊંટ
વાટ કોઈ નવી ખેપની જોતું,
જોતું ઝીણી આંખે દૂર ક્ષિતિજની પાર
હવાની શી લાગી કૈં ગંધ
અચાનક થડકી ઊઠ્યું –
કંપ્યું, ચીખ્યું, ભડકીને તોડાવી રાશ
ઊભી બજારે ધણધણતું, ચિત્કાર વેરતું
વાંભ વાંભની ઠેક ભરીને
હડફેટે ઘર ધડૂસ કરતું
પીઠ ઉપર લાદીને કબ્રસ્તાન
હાંફતું ઊભું ગામને છેડે
હાંફતું ઊભું ગામને છેડે
હાંફતું ઊભું ગામને –
અને હવામાં હવે તરે છે
ગીધ સમી મડદાંની તીખી ગંધ,
સાંજની રુંઝયું ઢળતાં
ટીંબા વચ્ચે ઊભેલા પીપળનાં પીળાં પાન
ગણે છે ઝાળ ચેહની,
વિખરાયેલાં વાળ, ચીંથરેહાલ સુરત લઈ
નગરની તૂટી મોતનમાળ નીરખતી
સ્તબ્ધ ધરા પણ
હજુ રહી છે કંપી!
હજુ રહી છે કંપી!

– ઉષા ઉપાધ્યાય

કવિતાની શરૂઆત ‘હતા’થી થાય છે, મતલબ જે જે સાહ્યબીની અહીં વાત થઈ રહી છે એ હવે નથી. એક ટાણે ઘરની દીવાલો વિગત સમયના ઠાઠ અને અસબાબની નિશાનીઓથી સુશોભિત હતી. પરસાળમધ્યે સૂપડામાં ધાન સાફ કરતી અમીનજરવાળી બાઈઓ ક્યારેક કાંબીના રણકાર જેવું રોકડું હાસ્ય વેરતી હતી. આંગણામાં લીમડાના વૃક્ષ તળે ઢોલિયા પર બેઠક જમાવીને બેઠેલ, મૂછોને તાવ દેતા અને કાળનેય કોઠું ન દે એવી અંગારઝગતી રાતી આંખોવાળા ઘરના મોભીઓના હુક્કાનો ગડેડાટ સંભળાતો હતો. નવી ખેપની વાટ જોતું ઊંટ પણ આંગણે ભાંભરતું હતું.

સૃષ્ટિનો નિયમ છે કે કુદરતી આપત્તિ આવવાની જાણ સૌથી પહેલાં મૂંગાં પશુપક્ષીઓને થઈ જાય છે. હવામાં કશીક ગંધ આવતાવેંત ઊંટ અચાનક થડકીને, ભડકીને, ચીખ મારતું રાશ તોડીને ઊભી બજારે લાંબી લાંબી ઠેક ભરતું ભાગી નીકળે છે કટાવ છંદની રવાની અચાનક દ્રુત ગતિ પકડે છે. થડકી-ચીખ્યું-ભડકી-ધણધણતું-વાંભ-વાંભ-ધડૂસ જેવા શબ્દપ્રયોગો ગભરાયેલ ઊંટની દોડને આબાદ ચાક્ષુષ કરી બતાવે છે. ઊંટની પાછળ ઘર ધડૂસ કરતું પડી ભાંગે છે. હાંફતું ઊભું ગામના છેડેની ત્રિરુક્તિમાં અંતે ‘છેડે’નો લોપ કરીને સર્જકે હાંફને પણ શબ્દોની પીંછીથી જીવંત કરી બતાવી છે. હવામાં ગીધ સમી મડદાંની તીખી ગંધ તરી રહી છે, પીપળાનાં પીળાં પડી ગયેલ પાન ચિતાની ઝાળ ગણે છે. છેક કાવ્યાંતે સર્જક મુઠ્ઠી ખોલે છે ત્યારે ખબર પડે છે કે આ તો કચ્છના ભૂકંપની દાસ્તાન છે. કાવ્યાંતે હજુ રહી છે કંપીની દ્વિરુક્તિ ભાવકના સ્તબ્ધ હૈયામાં પણ એક કંપ જગાવે છે, જે લાંબા સમય સુધી શમતો નથી.

Comments (3)

કોણ રતિના રાગે? – નિરંજન ભગત

કોણ રતિના રાગે,
રે મન મન્મથ જેવું જાગે?

જે ભસ્મીભૂત, મૃત, રુદ્રનયનથી;
એ અવ શિશિરશયનથી
જાગે વસંતના વરણાગે!

એના શ્વાસેશ્વાસે
વાગે મલયાનિલની વાંસળીઓ,
એના હાસવિલાસે
જાગે કેસૂડાની કૈં કળીઓ;
રે વન નન્દનવન શું લાગે!

– નિરંજન ભગત

પોતાનો તપોભંગ કરાવવા બદલ શંકર ભગવાને કામદેવને રુદ્ર નયનથી ભસ્મીભૂત કરી નાંખ્યો હતો. પણ પછી વિલાપે ચડેલ કામદેવની પત્ની રતિને એમણે સાંત્વના આપી હતી કે સદેહ ન સહી, પણ કામદેવ અનંગ રૂપે સમગ્ર ચૈતન્ય સૃષ્ટિમાં સદાકાળ વ્યાપ્ત રહેશે. કહે છે કે આ દિવસ વસંતપંચમીનો દિવસ હતો. વસંતપંચમી એટલે ઋતુચક્રનું શિશિરથી ગ્રીષ્મ પ્રતિનું પ્રયાણ. આમ તો આ વાતથી લયસ્તરોના મોટાભાગના સુજ્ઞ વાચકો અભિજ્ઞ જ હશે, પણ આટલી પૂર્વભૂમિકા પ્રસ્તુત રચનાને માણતા પૂર્વે જરૂરી છે.

વસંત ઋતુના પ્રારંભે સજીવમાત્રમાં આવિર્ભાવ પામતી પ્રણયોર્મિનું આ ગાન છે. રાગ શબ્દનો શ્લેષ નોંધવા જેવો છે. રાગ એટલે કંઠમાધુર્ય પણ અને પ્રેમ પણ. રતિના ગીતથી અથવા રતિ માટેના સ્નેહને વશ થઈ મન કામદેવની જેમ જાગૃત થાય છે. સાવ ટૂંકા મુખડાની બે પંક્તિઓમાં ર, મ અને જની ત્રિવિધ વર્ણસગાઈ ચુસ્ત પ્રાસનિયોજનાના કારણે કાવ્યારંભે જ મન મોહી લે છે. વસંતના ભપકાના કારણે શીતનિદ્રાલીન મન દેવહૂમા પક્ષીની જેમ પુનર્જીવન પામ્યું હોય એમ જાગે છે. વસંતનો પ્રભાવ જ એવો છે કે એકેએક શ્વાસ વાંસળી વાગતી હોય એવો પ્રતીત થાય છે. ઝાડમાં થઈને ફૂંકાતા પવનનું સંગીત વસંતઋતુનો શ્વાસ છે. વસંતના મૃદુ હાસથી કેસૂડાની અનેકાનેક કળીઓ ખીલી ઊઠે છે અને વન નંદનવન સમું લાગે છે. પ્રથમ બંધની પૂરકપંક્તિને કવિએ મુખડાના પ્રાસ સાથે આદ્યંતે એમ ઉભય સ્થાને બાંધી હોવાથી અષ્ટકલનો લય વધુ લવચિક બન્યો છે, પણ બીજા બંધમાં તો કવિએ હદ જ કરી છે. શ્વાસ-હાસ-વિલાસ, વાંસળીઓ-કળીઓ અને વાગે-જાગેના ત્રિવિધ પ્રાસમાં વન સાથે નંદન અને વનના ધ્વન્યાનુપ્રાસ તથા કેસૂડા-કૈં-કળીઓના વર્ણાનુપ્રાસ મેળવીને કવિએ બાહોશ કવિકર્મની સાહેદી પૂરી છે.

Comments (8)

એક જુનવાણી ઢબની કવિતા – જયન્ત પાઠક

સંતો આપવખાણ ભલાં!
ભદંતો આપલખાણ ભલાં!

બોલ્યા વણ વેચાય ન બોરાં, બજારધારો જાણો;
ઊભી બજારે કરો-કરાવો બુલંદ જાહિરનામાં;

હાંક્યે રાખો બડું બડાશી ઘોડું
આપ મૂઆ વિણ સ્વર્ગ જવાશે થોડું!

કોઈ કહેશે ગરવ કરો છો, કોઈ કહે: ‘છો જુઠ્ઠા!’
દુનિયા બોલે, દિયો બોલવા, બનો ન બાઘા – બુઠ્ઠા;

વરની મા જો નહીં વખાણે વરને
તે બત્રીલખણાને સામે કોણ જઈને પરણે!

કેાઈ કહેશે: રહો મહાશય લખાણને કહેવા દો –
કહેવું આપણેઃ “લખાણુ બોલે!”– રહેવા દો, રહેવા દો!

એવું બધું તો વદે વાયડા
અમે ન ભોળા, અમે ભાયડા!

અમે લખીશું, અમે વાંચશું, અમે કરીશું શ્લાઘા
ભલે બીજા તૈયાર સોય લઈ ઊભા
અમે સિફતથી દેશું પરોવી એમાં અપના ધાગા !

– જયન્ત પાઠક

કવિતાની એક મજા એ કાળજયી હોય એ પણ ખરી. જયન્ત પાઠકની આ વ્યંગ રચના દાયકાઓ પૂર્વે લખાઈ હોવા છતાં આજે પણ એ એટલી જ પ્રસ્તુત છે, જેટલી લખાઈ ત્યારે હશે. કદાચ આજે તો તો તંતોતંત પ્રસ્તુત ગણાય. પોતાના અને પોતાના લખાણના વખાણ કરવાં એ જ આજે મોટાભાગના સર્જકો માટે જીવનહેતુ બની ગયો છે. કવિએ અખાની જેમ વક્રોક્તિ સાથે આવા સર્જકોનો ઉધડો લીધો છે. કવિએ ભલે રચનાને જુનવાણી ઢબની રચના કહીને કેમ ન ઓળખાવી હોય, રચના પૂર્ણપણે સમસામયિક હોવાનું વર્તાય છે. પ્રાસનિયોજના અને કટાવ છંદના પ્રવાહી વહેણના કારણે રચનામાં ઓર નિખાર આવ્યો છે.

Comments (1)

નદી-કાંઠે – હર્ષદ ચંદારાણા

ફરી આવી ચડે છે કોઈ પગપાળું નદી-કાંઠે
અને ચારે તરફ અજવાળું – અજવાળું નદી–કાંઠે

અને એવું બને કે હોય જળ ત્યાં શિલ્પના રૂપે
અહીં છે પથ્થરોનું રૂપ પાંખાળું નદી-કાંઠે

દિવસભરની મહેનતની તરસનું આ બળદગાડું
હવે આવી રહ્યું છે આમ જળ-ઢાળું નદી-કાંઠે

ઘૂનામાં ધૂબકો મારી દીધો તેં જળ-પરી પાછળ?
કે જોતું સ્તબ્ધ થઈ ઊભું છે આ નાળું નદી-કાંઠે?

છે દરિયો છોકરા જેવો જ નખરાળો નદી-કાંઠે
નદી પણ છોકરી જેવી જ લજજાળુ નદી-કાંઠે

– હર્ષદ ચંદારાણા

કેવી મજાની રચના! ગઝલની ખરી મજા મોટી મોટી વાતો કરવામાં નહીં, પણ કલ્પનોની નાજુક પીંછીથી નમણાં દૃશ્યચિત્રો ખડાં કરવામાં છે. કવિએ જે રીતે કાફિયા પાસેથી કામ લીધું છે એ કાબિલ-એ-દાદ છે. જળ-ઢાળું કાફિયા તો કાઠિયાવાડ સિવાય સૂઝવો જ સંભવ નથી. મત્લાના શેરમાં કોઈકના આગમનથી નદીકાંઠે જે અજવાળું અજવાળું થઈ જાય છે એ વાંચતા જ આ બે અમર ચિત્રો તરત જ નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠ્યાં:

આવું અજવાળું ના ઊગે ધણમાં,
કૈંક જાદુ હશે રબારણમાં! (શોભિત દેસાઈ)

लड़कियाँ बैठी थीं पाँव डालकर
रौशनी सी हो गई तालाब में। (પરવીન શાકિર)

Comments (20)

(માશાલ્લા) – સુરેન્દ્ર કડિયા

થતી ભાગ્યે જ હો એવી ખુદાની મહેર, માશાલ્લા
તમારા હોઠ પર મારી ગઝલનો શેર, માશાલ્લા

બને છે એક બીના રોજ, ઘરની બારી ખૂલવાની
પછી સિમસિમ ખૂલી જાતું આ આખું શહેર, માશાલ્લા

તમારી ઉમ્ર સત્તાવીસ કરું છું બાદ સોમાંથી
અહાહા! તોય ઝળહળ બાકીનાં તોંતેર, માશાલ્લા

તમે મીરાં કહ્યું તો ગટગટાવી ગ્યા અમે મીરાં
પચાવ્યાં ઝેર તેમ જ ઝેરનાં ખંડેર માશાલ્લા

મળે લાખો નવાં પગલાં, નથી ભૂંસી શકાતું એ
તમારું સાચવ્યું છે એક પગલું, ખેર! માશાલ્લા

– સુરેન્દ્ર કડિયા

માશાલ્લા એટલે ઈશ્વરે ચાહ્યું એ થયું. આભાર માનવા માટે કે ધન્યતા વ્યક્ત કરવા માટે પણ એ પ્રયોજાય છે. કવિએ આવી અનૂઠી રદીફ સાથે કામ પાર પાડીને મજાની ગઝલ આપી છે. ઝેરનાં ખંડેર સમજાયાં નહીં, એ સિવાય આખીય ગઝલ ઉમદા થઈ છે.

Comments (7)

ધારાવસ્ત્ર – ઉમાશંકર જોશી

કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.

– ઉમાશંકર જોશી

સંક્ષિપ્ત આસ્વાદ કવિશ્રી સંજુ વાળાની કલમે માણીએ:
સંપૂર્ણ આસ્વાદ માટે અહીં ક્લિક કરો.

પરમ પ્રકૃતિપુરુષની રમ્ય-રૌદ્ર લીલા

કવિને પ્રિય એવા કોઈ વર્ષાકાળે થયેલા અગમ્ય અને વિસ્મયભર્યા નભદર્શનથી સર્જાયેલું આ કાવ્ય છે. રસરાગી અને ચૈતન્યભાગી આપણા આ કવિના દર્શનમાં વર્ષાજળ વરસાવતાં, વિહરતાં વાંદળાં મેઘપુરુષનો ખેસ લહેરાતો હોય એવાં ભાસે અને કવિ એને ‘ધારાવસ્ત્ર’ કહે. માત્ર બે-ત્રણ શબ્દોની એક એવી દસ જ પંક્તિમાં કવિ વિરાટ, ભવ્ય અને આશ્ચર્યચકિત કરનાર ચિત્ર આ કાવ્ય રજૂ કરે છે. એટલે આ નાના કદનું પણ વિરાટ રહસ્યગર્ભે વિસ્તરતું કાવ્ય છે. પાંચેક જેટલા ક્રિયાપદો કાવ્યને ગતિ આપે છે જે ધારાવસ્ત્ર ઊડતું, ફરફરતું હોવાની પ્રતીતિ કરાવે છે. અને તેની ઉચિતતા પણ સ્થાપે છે.

કાવ્યના ઉઘાડની પંક્તિઓ જ કેવી રહસ્યમય અને વિસ્મિત કરનારી છે ! કોઈ પ્રચંડ અસ્તિત્વ આકાશવિહારે નીકળ્યું છે એની ચાલ કેવી તો કહે ‘ઝપાટાભેર’ એના આગળ-પાછળ થતા અજાનબાહુથી પવન સૂસવાટા મારતો હશે. આકાશ થોડું થરથર્યું હશે. એટલે જ તો દેવાધિદેવ સૂર્ય પણ બાજુ પર ખસ્યો નથી હડસેલાઈ ગયો છે. આ સાદ્શ્ય હજી તો માંડ પ્રત્યાયન પામે ત્યાં એક સાથે દૃષ્ટિ અને શ્રવણેન્દ્રિયને જગાડતી પંક્તિ સંભળાય છે : ‘ધડાક બારણાં ભિડાય.’ આ પ્રચંડ ધડાકાથી બારણા બિડાયાં કે બારણા બિડાવાનો આ ઘોરઘોષ (અવાજ) હતો ? મેઘગર્જન હશે ? પર્જન્યપુરુષના નભવિહારની કેવી રૌદ્ર નિષ્પત્તિ છે આ ? પરંતુ કવિ એના વિશે ચોખવટ કરે તો તો એ કવિ કરતા નિબંધકાર સાબિત થાય. જર્મન ઓથર ટોમસ માનની ઉક્તિ સંભળાય છે :’The real artist never talk about the main things.’

કાવ્યની છેલ્લી બે પંક્તિઓમાં આકાશમાં થતી વિશાળ અને વિશિષ્ટ હલચલની પૃથ્વીસ્થિત પ્રતિક્રિયા અથવા સહોપસ્થિતિ છે. અહીં ધ્યાન ખેંચે છે તે બન્ને ક્રિયાપદ- ‘મથ્યાં કરે, હાથ વીંઝ્યાં કરે.’ આ ક્રિયા જે કરે છે તેને કવિએ વૃક્ષ તો કહ્યાં, પાછા હાથ પણ દીધા. એટલે આપણા આંખ-કાન ચમક્યાં. વળી એક રહસ્યમય વાત પ્રગટી. આ હાથાળ વૃક્ષોને ઝીલવું તો છે પેલું ‘ધારાવસ્ત્ર’ પણ…! કવિએ એક જ વિશેષણથી કેવું સમાધાન આપી દીધું? ‘વ્યર્થ.’ ‘કરે’ ક્રિયાપદથી આ પ્રાપ્તિની મથામણ તો ચાલુ જ છે પણ વ્યર્થ. હવે રહે છે તો માત્ર ધારાવસ્ત્ર. પેલો પુરુષ કે અસ્તિત્વ પણ ઓગળી ગયું. છે તો માત્ર સૃષ્ટિ અને આકાશ અને.. બેઉને જોડતું આ અનુપમ, અદ્ભુત કે અલૌકિક ‘ધારાવસ્ત્ર.’

રસાસ્વાદ: સંજુ વાળા

Comments (2)

ત્રણ સૌથી વિચિત્ર શબ્દો – વિસ્વાવા શિમ્બોર્સ્કા (પોલિશ) (અનુ: વિવેક મનહર ટેલર)

જ્યારે હું ‘ભવિષ્ય’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
એટલીવારમાં તો એનો પ્રથમ શબ્દાંશ ભૂતકાળ બની ચૂક્યો હોય છે.

જ્યારે હું ‘મૌન’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
હું એને જ નષ્ટ કરી દઉં છું.

જ્યારે હું ‘કંઈ નહીં’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
હું કંઈક એવું સર્જી બેસું છું જે કોઈપણ અનસ્તિત્વ ઝાલી નહીં શકે.

– વિસ્વાવા શિમ્બોર્સ્કા
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)
[Wisława Szymborska: vʲisˈwava ʂɨmˈbɔrska = viˈswa.va ʃɨmˈbɔr.ska – vi-SWAH-vah shihm-BOR-ska]

*

ઓછામાં ઓછા શબ્દોમાં ધાર્યું પ્રત્યાયન સાધી શકે એ કવિતા ઉત્તમ. પ્રસ્તુત રચનામાં ભાષા અને અસ્તિત્વમાં નિહિત વિરોધાભાસી પ્રકૃતિનું અત્યંત લાઘવપૂર્ણ પણ અસરદાર નિરૂપણ કર્યું છે. પૉલિશ કવયિત્રીએ બહુ જ સરળ શબ્દોમાં ગહન ચિંતનોત્તેજક કૃતિ આપણને આપી છે. ‘કંઈ નહીં’ બોલતવેંત આપણે કશાકનું સર્જન કરી બેસીએ છીએ, અને ‘કંઈ નહીં’ એ કંઈ નહીં રહેતું નથી. સમયની ક્ષણભંગુરતા, મૌનની નજાકત અને શૂન્યતાના અસ્તિત્વગત નિહિતાર્થો ભાવકમનને વિચારતું કરી દે છે.

*

The Three Oddest Words

When I pronounce the word Future,
the first syllable already belongs to the past.

When I pronounce the word Silence,
I destroy it.

When I pronounce the word Nothing,
I make something no non-being can hold.

– Wislawa Szymborska (Polish)
(Translated by Stanislaw Baranczak & Clare Cavanagh)

Comments (6)

ચૂંટેલા શેર – ડૉ. પરેશ સોલંકી

આંસુઓનો ભાર લાગ્યો એટલે લખતો રહું છું,
શબ્દ તારણહાર લાગ્યો એટલે લખતો રહું છું.

મન ઝરૂખે ને જાત પિંજરમાં,
એક યોગી ગહન દ્વિધામાં છે.

કેદ જ્યાં ઈશ્વર થયો છે ચણતરોમાં,
મંદિરોને પણ ધરમનો ક્ષાર લાગે!

એટલે ઈજ્જત બચી ગઈ ખાલીપાની,
સ્મરણોએ આવવાની ના કહી છે.

પ્રેમમાં તારા મને પાગલ થવા દે,
કાં, બધાં વળગણ છૂટે એવી દવા દે.

અહીં યાદમાં આખું ચોમાસું ને ત્યાં-
સરેઆમ વરસાદ પણ બેઅસર છે.

કોઈ આવી વૃક્ષની ઘેઘૂરતા છેદી ગયું,
વીજળીના તાર પર બેઠું છે પંખી ભગ્ન થઈ.

હાથમાં હો હાથ ને મન દૂર હો,
આ અવસ્થા પ્રેમની ગંભીર છે.

સાવ ઓચિંતું સ્મરણ ને જામ હો,
સાંજના વૈભવની એ તાસીર છે.

જિંદગી બેસુમાર ચાહી છે,
આ ફકીરી એની ગવાહી છે.

થાક ઊંચાઈ પર બહુ લાગ્યો,
હા, તળેટી ચરણને ફાવી છે.

ક્યાંક અકબંધ છે કસક મારી,
સ્મિત સાથે ગવાઈને આવી.

લો, શરૂઆત જ્યાં પ્રણયની થઈ,
લાગણીઓ રિસાઈને આવી.

દોસ્ત તારી યાદનો દરબાર રાબેતા મુજબ છે,
આ નગરની ભીડમાં સૂનકાર રાબેતા મુજબ છે.

શ્વાસ આપીને શ્વાસ માંગે છે,
જિંદગી ક્યાં ઉધાર રાખે છે?

વગર નાવે ગઝલ દ્વારા,
બધા સાગર તરી બેઠો.

તેં બીડેલા સ્પર્શવાળો પત્ર મળતા,
ટેરવાં મોઘમ કવાયત બહુ કરે છે.

કોઈ મોઘમ આવ-જા બન્ને તરફ છે,
પ્રેમની આબોહવા બન્ને તરફ છે.

– ડૉ. પરેશ સોલંકી

Comments (7)

ભૂખની આગ – વજેસિંહ પારગી

ભૂખની આગ
કંઈ બળતો ડુંગર નથી
કે ગામ આખાને દેખાય.
ભૂખની આગ તો
પેટમાં ઉકળતો લાવા.
જેના પેટમાં હોય
એ અંદર ને અંદર ખાક.

– વજેસિંહ પારગી

દાહોદ જિલ્લાના ભીલ જાતિના ખેતમજૂર દંપતીના ઘરે કવિનો જન્મ. ગુજરાત એટલે જેમના મન ખેડા, વડોદરા અને અમદાવાદ જિલ્લો હોય એવા દારુણ ગરીબીમાં સબડતા દલિત આદિવાસીજીવનના શિકાર કવિના માટે વિધાતાએ પણ ‘રોઝિઝ રોઝિઝ ઑલ ધ વે’ના સ્થાને ‘અક્કરમીનો પડ્યો કાણો,’ ‘દુકાળમાં અધિકમાસ’ અને ‘દાઝ્યા પર ડામ ને પડ્યા પર પાટુ’ જેવી કહેવતો જ સર્જી હતી. વતનના ગામ ઇટાવામાં કોઈક ધિંગાણા વખતે અકસ્માતે એક ગોળી એમના મોંના ભાગે વાગી અને છ-સાત વર્ષમાં એક પછી એક ચૌદવાર શસ્ત્રક્રિયાઓ કરાવીને દેવાદાર થઈ આગળ ઈલાજ કરાવવાનું અને અધ્યાપક થવાના સ્વપ્નોનું એમણે નાછૂટકે પડીકું વાળી દેવું પડ્યું. પ્રૂફરીડર બન્યા પણ એમાંય સતત જાતિવાદનો ભોગ બનતા રહ્યા. છેવટે એમના જ શબ્દોમાં ‘જિંદગીનો લય ખોરવાઈ ગયો છે. કશું સમજાતું નથી. બધું અર્થહીન લાગે છે. ઓછી પીડાવાળું જીવન ઝંખ્યું પણ જીવવું પડે છે પીડાથી ભરચક’ કહીને એમણે સાંઠ વર્ષની આયુમાં ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ વિદાય લીધી.

એમના મરણોત્તર સંગ્રહ ‘ડાગળે દીવો’માંથી વાંચતાસોત ઊભાને ઊભા ચીરી મૂકે એવું એક લઘુકાવ્ય અહીં રજૂ કરીએ છીએ…

રામબાણ તો વાગ્યા હોય એ જાણે… ખરું ને? એ જ રીતે પેટની આગ પણ જેણે વેઠી હોય એ જ જાણી શકે… પણ કવિતા એક એવો જાદુ છે, જે ન વાગેલ રામબાણની પીડા કે ન વેઠેલ આગની તકલીફ પણ અનુભવાવી શકે…

Comments (7)

શાહીનું ટીપું – રમણીક સોમેશ્વર

ટપાક્. શાહીનું ટીપું. તગતગતું નીકળે બહાર. પરથમ તો આળસ મરડી ખાય બગાસું. પછી સૂંઘે પવનને. થોડું અડી લે આકાશને. મૂછમાં હસતું જોઈ લે ઝાડ-પાન-ફૂલને. થોડા ટહુકા વીણી મૂકી દે કાનમાં. પછી ચડી જાય વિચારે. વિચારમાં ને વિચારમાં દદડવા લાગે રેલો, તે રેલો ક્યાં લગ પૂગ્યો તેનુંય ભાન ન રહે. પણ રેલો ઈ તો રેલો. ભીનાશ બધી શોષાઈ જાય રેતીમાં ત્યારે જ એની ખબર પડે. પછી હાળું ટીપું, રેતીના કણ થઈને ઊડે ને ભરાય મારી આંખમાં. આંખ ચોળતો, ઝાંખ વચ્ચે હું લખવા માંડું કવિતા. વાત તો આટલી જ કે શાહીનું ટીપું ટપાક્ દઈને નીકળે બહાર. દરિયો માની પોતાને માળું ઉછાળે મોજાં ક્યારેક, ને ક્યારેક સૂરજનું સંતરું લઈને રમતે ચડે સાંજે તે કાળું ટપકું થઈને થીજી જાય પાછું. ઊંઘમાં ને ઊંઘમાં લવારે ચડે તો ગજવે વનનાં વન હૂ ડૂ ડૂ ડૂ પવન થઈને. હેં! ગવન થઈને ઊડવું ગમે પાછું એને. ને ચાળે ચડે તો ‘રાસ રમંતાં મારી નથણી ખોવાણી…’ ના, ના, વાત તો અમથી આટલી જ કે ટપાક્ દઈને ટીપું શાહીનું ધસી આવે બહાર -ટોચે. ટોચે ઝગમગતું ટીપું– આદમનો અવતાર, ઈવનો વિસ્તાર. હાળું જીવ લઈને જન્મ્યું તે ભરી દીધી પરથમી આખીને; અને હવે તાકે આકાશ સામે ટગરટગર. ગ્રહો—નક્ષત્રોને લે ઊંડણમાં ને ખેંચે સમદરને તળિયેથી બધો ભેજ. તેજ—ભેજના તાંતણાં વણી સજાવે સેજ. એ જ… એ જ…
એ જ તો કહેવું છે મારે..
ટીપું શાહીનું ટપાક્…

– રમણીક સોમેશ્વર

છંદોબદ્ધ કાવ્યો લખી લખીને થાકેલા કવિઓએ મુક્ત ગગનમાં ઉડ્ડયન કરવું નિર્ધાર્યું એ દિવસે અછાંદસ કવિતાનો જન્મ થયો. વિશ્વની તમામ ભાષાઓએ વહેલોમોડો છંદમુક્તિનો સ્વાદ માણ્યો. આપણે ત્યાં અછાંદસ કાવ્ય લખાતા થયા ત્યારે એના નામાભિધાન વિશે પણ ચર્ચાઓ ચાલી હતી. એક સમય એવો આવ્યો જ્યારે અત્યારે પ્રચલિત સ્વરૂપસંવિધાનના સ્થાને પરિચ્છેદ તરીકે જ ગદ્યકાવ્ય લખવામાં આવતા. રમણીક સોમેશ્વરનું આ કાવ્ય પણ પરિચ્છેદ સ્વરૂપે લખાયેલ ગદ્યકાવ્ય જ છે.

શાહીના ટીપાંની મિષે કવિએ અદભુત અને અનૂઠી રીતે કવિતાની વિભાવના વ્યક્ત કરી છે. ઇન્કપેનમાંથી વધારાની શાહીનું ટીપું તગતગતું બહાર આવે અને ટપાક્ કરતું નીચે પડે એ ‘ટપાક્’ શબ્દ સાથે કાવ્યારંભ થાય છે. કવિ એક શબ્દચિત્ર દોરવાની શરૂઆત કરે છે, પણ પ્રારંભ કરે છે ધ્વનિથી. કવિતામાં આદમ-ઈવનો પણ ઉલ્લેખ છે. એટલે કાવ્યચેતના આદિમથી આજ સુધીના પ્રલંબ પટ પર વિસ્તરી હોવાનું સમજાય છે. ભાષા અને લિપિના અસ્તિત્વના હજારો વર્ષ પૂર્વે બોલીનો જન્મ થયો હતો. કદાચ એટલે જ કવિએ કાવ્યારંભ ધ્વનિ-શ્રુતિથી કર્યો હોઈ શકે.

ઊંઘમાંથી ઊઠીને માણસ બગાસું ખાઈ આળસ મરડીને દિવસની શરૂઆત કરે, એ જ રીતે શાહીનું ટીપું પણ બહાર આવીને આળસ મરડે છે, બગાસું ખાય છે, પવનને સૂંઘે છે, આકાશને ‘થોડું’ અડી લે છે અને મૂછમાં હસતાં હસતાં ઝાડ-પાન-ફૂલને જુએ છે. થોડા ટહુકાય ગુંજે ભરી લે છે. વિચારે ચડીને દદડવા માંડતું ટીપું આખાય બ્રહ્માંડને ઊંડણમાં લઈ લે છે એ જોઈને ઉમાશંકર જોશીની વાત યાદ આવે: ‘ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો?’

નાના અમથા શાહીના ટીપાંમાં ભરી પડી અસીમ સંભાવનાઓનો તાગ કાઢવાની આ કવાયત આખરે તો કવિસિસૃક્ષા જ છે.

Comments (4)

(કવિની સનદ) – અમૃત ઘાયલ

અંદરનો રસ ઘૂંટાઈને ઘેરું દરદ બને,
એવું બને તો શબ્દ ‘કવિની સનદ’ બને.

તારાં તમામ રૂપ મને તો પસંદ છે,
વર્ષા બને, વસંત બને કે શરદ બને.

આ મારા લોહીમાં જો ભળે લાલી સ્પર્શની,
તો શક્ય છે જીવનની પળેપળ સુખદ બને.

હૈયામાં રાખ સંઘરી હૈયાવરાળને,
સંભવ છે એ વરાળ ‘અકાલે જલદ’ બને.

અહીંયાની જિંદગીમાં છે તાસીર મોતની,
અહીંયા તો વાતવાતમાં ઘટના દુઃખદ બને.

સુદ જેવી આમ તો છે ચમક આંખની છતાં,
કહેવાય ના કે ક્યારે એ કજળાઈ વદ બને!

‘ઘાયલ’નો બોલ ઊપડ્યો એનો ન ઉપડે,
અંદરથી માનવી જો ખરેખર નગદ બને.

– અમૃત ઘાયલ

વિન્ટેજ વાઇન.

Comments (3)

જિંદગીને માણી – પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

જે પણ સ્વરૂપે આવી, મેં જિંદગીને માણી,
સૂરજ ડૂબી ગયો, તો મેં સાંજને વખાણી.

વળગી શકે નહીં પણ કાયમ ખભો એ આપે,
ઘરની દીવાલો પી લે આંખોનું ખારું પાણી.

વર્ષોથી એ રહે છે, જાકારો ક્યાંથી આપું?
દુઃખ-દર્દ સાથે મારી યારી છે બહુ પુરાણી.

પ્રેમાળ સ્મિત પહેરી બેઠા છે હાથ પકડી,
ચહેરો અસલ બતાવે જો દુઃખતી રગ લે જાણી.

મિસરારૂપે કલમથી રેલાઈ મૂંગી ચીસો,
સમજ્યું ના કોઈ પીડા, સૌએ ગઝલ વખાણી.

– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

લયસ્તરો પર સર્જકના પ્રથમ ગઝલસંગ્રહ ‘પહેલી સવાર છે’ નું સહૃદય સ્વાગત…

મત્લાની હકારાત્મકતા સ્પર્શી જાય એવી છે. જિંદગીનું તો હરહંમેશ હરએક સ્વરૂપે સ્વાગત જ કરવાનું હોય. માણસને પોતાના આંસુ લૂંછવા માટે વર્ષોની સાથી દીવાલોનો ટેકો લેવો પડે એ વાત એકલતાની પીડાને કેવી ધાર કઢી આપે છે! બાકીના ત્રણેય શેર પણ આસ્વાદ્ય થયા છે.

Comments (12)

શબ્દસુમન: હર્ષદ ચંદારાણા : ૦૪ : સરોવર-સ્તવન

*

બુંદ વિના જળ કિમ ભવતિ,
.               વણ મોતી કિમ હંસ
કમળ વિના સરોવર નવ જીવિ,
.               પુત્ર વિના નવ વંશ

વૃક્ષ વિના તટ કહિ પિરિ જીવિ,
.               પર્ણ વિના કિમ ડાળ
પવન વિના નૌકા નવ બઢતિ,
.               વણ પથ્થર નવ પાળ

વિહગ વિના માળો કિમ ભવતિ,
.               વણ કલરવ કિમ વાયુ
પંખ વિના ગગન કિમ કટતિ,
.               વણ પ્રિયજન કિમ આયુ

દેશ્ય વિના આંખો નવ ઠરતિ,
.               હાથ રહે નવ ચૂપ
લહર સંગ લેખન અબ ચલતિ,
.               આલેખું તવ રૂપ

– હર્ષદ ચંદારાણા

કવિના પુણ્યસમરણમાં આજે આ આખરી શબ્દસુમન…

કવિશ્રી હર્ષદ ચંદારાણાએ પ્રયોગો પણ ઘણા કર્યા છે. એક જ વિષય પર એકાધિક રચનાઓથી માંડીને ૧૦૮ શેરોની ગઝલમાળા પણ એમણે રચી છે. પ્રસ્તુત ગીતરચના પણ પ્રયોગની રૂએ અન્ય ગીતરચનાઓથી હટ કે છે. કવિએ પરંપરિત માત્રાગણ વાપરવાના બદલે દોહરા છંદનો વિનિયોગ કર્યો છે, પણ એમાંય ૧૩-૧૧ માત્રાના ચરણ પ્રયોજવાના સ્થાને મોટાભાગની કડીઓમાં ૧૫-૧૧ માત્રાના ચરણ રચ્યા છે. સરવાળે એમ જણાય છે કે દોહરાને મનમાં રાખીને કવિએ નિજ શ્રુતિલયને અનુસરીને આ કાવ્યરચના કરી હોવી જોઈએ. જે હોય તે, આપણને મમમમ સાથે કામ છે કે ટપટપ સાથે?

દોહાકથન કવિતાના કેન્દ્રસ્થાને હોવાથી કવિએ કાવ્યબાની અને કથન પણ એ જ રીતનાં રાખ્યાં છે. સરોરવ અંગેનું આ સ્તવન છે એટલે આઠેય ચરણમાં સરોવરને ધ્યાનમાં રાખીને કાવ્યવિહાર કરવાનો છે. જેમ બુંદ વિના જળ નહીં અને મોતી વિના હંસ નહીં, એમ કમળ વિના સરોવર નહીં અને પુત્ર વિના વંશ નહીં –આ જ પ્રાચીન ગુજરાતી શૈલીમાં આખી રચના હોવાથી એની નોખી ભાત અને અનૂઠો લય નિરવદ્યપણે આસ્વાદ્ય બને છે.

*

Comments (4)

શબ્દસુમન: હર્ષદ ચંદારાણા : ૦૩ : પીડાની ક્રીડાઓ

બધાં જળનો
કૈં બરફ થતો નથી.

મારી પાસે છે પાત્ર
અને છે
એટલું જ કારણ માત્ર
હું જળ ભરું છું
ને બરફ કરું છું

પણ જળ ખૂટતું નથી
કે જળ છૂટતું નથી

બધું જળ
કૈં બરફ થતું નથી

*

ને નથી થતો
બધીય હવાનો વંટોળ
હવાને લાવી લાવી
છાતીની ધમણ ફુલાવી
ફૂંક મારું છું

હવાનાં સાંસાં પડે છે
છતાંય ફૂંક મારું છું
ને અંતે હું હારું છું

પણ નથી થતી
બધીય હવા વંટોળ

*

કે નથી સર્જાતાં
જમીન માત્રમાં જંગલો

કયારેક હળથી
કયારેક પળથી….…ખેડી લઉં

ક્યારેક બીજથી
કયારેક વીજથી…વાવી લઉં

કયારેક પાણીથી
કયારેક વાણીથી…..સીંચી લઉં

ક્યારેક ફળને
કયારેક છળને………વેડી લઉં

હા, નથી સર્જાતાં
જમીન માત્રમાં જંગલો.

*

કેમ બધો અવકાશ
ભરી શકાતો નથી?

બાથ ભરું કે ભરું બાચકો
ખાલી… ખાલી… ખાલી…
.                            રહે ધ્રાસકો.

કેમ બધોય અવકાશ,
કશાથી,
ક્યારેય
ભરી શકાતો નથી?

*

આગ-
હોય છે, દેખાતી નથી
જાતે જ પ્રગટે છે, થાતી નથી
ચૂલો છે ચૂલો; છાતી-
.                            છાતી નથી.

*

કેટલાંક સુખની
.           કવિતા કરવી નથી.
કેટલાંક દુ:ખની
.           કવિતા થઈ શકતી નથી.

– હર્ષદ ચંદારાણા

હર્ષદ ચંદારાણાની કવિતાઓ સામાન્યપ્રવાહથી વિષયવસ્તુની પસંદગી અને માવજતને લઈને અલગ તરી આવે છે. ગઝલ હોય, ગીત હોય કે અછાંદસ- એમની શબ્દપસંદગી અને રૂપકવિન્યાસ તરત જ ઊડીને આંખે વળગે છે. આ અછાંદસ રચના જુઓ. કવિએ રચનાને પંચમહાભૂતના પાંચ ખંડોમાં વહેંચી છે – જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ –એમ પાંચેય ઘટકતત્ત્વની સાપેક્ષે એમણે પીડાની ક્રીડાઓ તાગવાની કોશિશ કરી છે. અછાંદસ રચના હોવા છતાં કવિએ કૃતિમાં મોટાભાગની પંક્તિઓ વચ્ચે જે રીતે પ્રાસગુંફન કર્યું છે એનાથી એક અનૂઠો લય તો સર્જાય જ છે, કૃતિને રોચક પ્ર-વેગ અને પ્રવાહિતા પણ સાંપડે છે.

કરવાની ઇચ્છા હોય એ કરી ન શકાવાની પીડાને કવિએ પાંચેય ઇન્દ્રિયોની ક્રીડાઓ થકી વારાફરતી વ્યક્ત કરી છે. કવિને જળનો બરફ કરવો છે અને ફૂંક મારીને હવાનો વંટોળ કરવો છે. જમીન માત્રને જંગલોથી ભરી દેવી છે અને અવકાશના ખાલીપાને સભર કરવો છે. છાતીમાં જે આગ છે એના કાબૂ બહાર હોવાનીય પીડા છે. ટૂંકમાં, દુન્યવી નજરે જે કામ અશક્ય કે અસાધ્ય લાગે એ બધું કવિને કરવું છે. કાવ્યાંતે કવિ કેટલાંક સુખની કવિતા કરવી નથી અને કેટલાંક દુઃખની કવિતા થઈ શકતી નથી એમ કહીને વાત આટોપી લે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ આખી મથામણ, સઘળી પીડા પંચેન્દ્રિયો મારફતે થતી અનુભૂતિને યથાતથ અભિવ્યક્ત ન કરી શકાવા બદલની હોવી જોઈએ.

Comments (4)

શબ્દસુમન: હર્ષદ ચંદારાણા : ૦૨ : અંધાર આછો આછો

*

આછો આછો રે અંધાર
.              ખોલે બંધ રહેલાં દ્વાર

ઝણ–ઝણ ઝણકંતો એકધારો
.              ઝીણો વાગે છે એકતારો
તાણી તંગ કરીને તારો
.              અંધારાનો આ પીંજારો
.              પીંજે જીવને તારે તાર

આછું આછું રે અજવાળું
.              થોડું ગોરું ઝાઝું કાળું
કાબરચિતરું ને ભમરાળું
.              ગૂંથે ઝળઝળિયાંનું જાળું
.              પકડે પૂરવજનમની પાર

– હર્ષદ ચંદારાણા

હર્ષદ ચંદારાણાએ ગઝલની સરખામણીમાં ગીતો બહુ ઓછાં લખ્યાં છે, પણ એમનાં ગીતોમાં પણ વિષયવૈવિધ્ય અને ભાષાક્રીડા અછતા રહેતા નથી. જો કે આજે એમને શબ્દસુમન અર્પવાના ઉપક્રમ નિમિત્તે એવા કોઈ રમતિયાળ ગીત પર પસંદગીનો કળશ ઢોળવાના બદલે મને ગમતું એક ગીત રજૂ કરું છું.

મૃત્યુના કિનારે આવીને જીવનદર્શન પામતા મનુષ્યની અનુભૂતિની આ રચના છે. મૃત્યુ ઢૂકડું આવી ઊભું છે, પણ હજી આંખો બીડાવાને વાર હોવાથી અંધારું ગાઢું નહીં, આછું આછું છે. આ આછા આછા અંધકારંબા હાથે સમજણના કે મુક્તિના દ્વાર ખૂલી રહ્યાં છે. જીવનવાદ્ય એકધારું ઝણઝણ ઝણકી રહ્યું છે. તાર તાણીને તંગ કરીને અંધારાનો પીંજારો જીવને તારે તાર પીંજી રહ્યો છે, મતલબ અંત હવે નિકટમાં જ છે. શરૂમાં આછું આછું અંધારું વર્તાતું હતું, હવે આછું આછું અજવાળું વર્તાઈ રહ્યું છે. અજવાસ છે પણ અંધકારના વર્ચસ્વવાળો. આંખોમાં ઝળઝળિયાનું જાળું બાઝ્યું છે, જેના કારણે આછા અજવાળામાં અસ્પષ્ટપણે પૂર્વજન્મના સંસ્કાર પણ વર્તાય છે,

*

Comments (6)

શબ્દસુમન: હર્ષદ ચંદારાણા : ૦૧ : ગઝલ-પ્રતીક્ષાની

*

પ્રતીક્ષાની કેવી ફસલ નીપજે છે?
અનાયાસ આખી ગઝલ નીપજે છે.

પ્રતીક્ષા કરી જોઈ હોડી બનીને
પરંતુ ન કાંઠો, ન જલ નીપજે છે.

પ્રતીક્ષાનું છે વૃક્ષ એવું કે જેમાં
ન ડાળી, ન પર્ણો, ન ફલ નીપજે છે.

પ્રતીક્ષા કરું છું વસંતોની જ્યારે
પ્રથમ પાનખર પણ અસલ નીપજે છે

હતી આ સરોવરને કોની પ્રતીક્ષા?
ફરી ને ફરીથી કમલ નીપજે છે.

– હર્ષદ ચંદારાણા

હર્ષદ ચંદારાણા એટલે રમેશ પારેખના શબ્દોમાં કહીએ તો ‘પોતાની પ્રતિભાના વેગથી, આંતરિક સામર્થ્યથી પોતાના બાયોડેટાની બહાર સતત વિસ્તરતી રહેતી’ વ્યક્તિ. થોડા દિવસ પહેલાં ૧૬ જુન, ૨૦૨૪ના રોજ કવિશ્રી હર્ષદ ચંદારાણા એમનો અ-ક્ષરદેહ પાછળ છોડીને પરલોક સિધાવ્યા… લયસ્તરો તરફથી એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ…

કવિને શબ્દાંજલિ નિમિત્તે શરૂઆત પ્રતીક્ષા ઉપર લખાયેલી એક મજાની મુસલસલ ગઝલથી કરીએ. પાંચેય શેર સંતર્પક થયા છે.

*

Comments (10)

(હેમખેમ નથી) – હેમંત પુણેકર

ઓર પાસે અવાય એમ નથી,
તોય અળગા થવાની નેમ નથી.

એની આંખો બીજું જ બોલે છે,
હોઠ બોલે છે પ્રેમબેમ નથી.

કેમ તમને છૂપાવું મારામાં?
હું જ મારામાં હેમખેમ નથી.

મધ્યમાં કઈ રીતે ઊભા રહીએ?
જિંદગી પોતે આમતેમ નથી?

આ જે કંઈ છે એ કેમ છે હેમંત?
અને જે છે જ નહિ એ કેમ નથી?

– હેમંત પુણેકર

ગુજરાતી ગઝલોનો આજકાલ એવો તો લીલો દુકાળ પડ્યો છે કે સારી ગઝલ શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું દુષ્કર કાર્ય બની ગયું છે. પણ રણમાં મીઠી વીરડી જેવી આ ગઝલ જુઓ. પાંચ જ શેર. ચુસ્ત કાફિયા અને સરળ ભાષામાં કેવી વેધક રજૂઆત! ગાઢમાં ગાઢ આલિંગન પણ કદી શાશ્વત નથી હોતું. ગમે એટલો પ્રેમ હોય, બે જણે આશ્લેષમાંથી અળગાં તો થવું જ પડે એ વાસ્તવિક્તાની સામે કાવ્યનાયકની કેફિયત જુઓ તો જરા. બે જણ એકમેકની એટલી તો નિકટ આવી ગયાં છે કે હવે વધુ નૈકટ્ય સાધવું સંભવ જ નથી, ને એ છતાં એકાકારતાની આ ચરમસીમાએથી પાછા વળવાની બેમાંથી એકેયની તૈયારી પણ નથી. કેવી અદભુત વાત! સરવાળે આખી ગઝલ જ સંતર્પક થઈ છે…

Comments (12)

ભાઈચારો – ઑક્ટાવિયો પાઝ (સ્પેનિશ) (અનુ.: વિવેક મનહર ટેલર)

ક્લૉડિયસ ટૉલેમીને શ્રદ્ધાંજલિ

હું એક મનુષ્ય છું: મારી હયાતિ છે ક્ષણભંગુર
અને રાત છે પ્રલંબ.
પણ હું ઉપર જોઉં છું:
તારાઓ લખી રહ્યા છે.
સમજ્યા વિના જ હું સમજું છું:
હુંય એક લખાણ જ છું
અને આ ક્ષણે
કોઈ મને ઉકલી રહ્યું છે.*

– ઑક્ટાવિયો પાઝ
(અંગ્રેજીમાંથી અનુ.: વિવેક મનહર ટેલર)

વિદેશી ભાષાના અંગ્રેજી અનુવાદોમાંથી ગુજરાતી અનુવાદ તો અનેક કર્યા, પણ પાઝની આ કવિતા મને ઇન્ટરનેટ પર લટાર મારતી વખતે મૂળ સ્પેનિશ ભાષામાં મળી. એનો અંગ્રેજી અનુવાદ શોધવાના સ્થાને મેં આ વખતે ચેટજીપીટી (એ.આઇ.) તથા ગૂગલ ટ્રાન્સલેટને કામે લગાડ્યા અને જાતે જ અંગ્રેજી અનુવાદ તૈયાર કર્યો. આ પછી નેટ પરથી આ જ રચનાના અંગ્રેજી અનુવાદ પણ શોધ્યા. એ.આઇ.ભાઈનો અનુવાદ યોગ્ય લગતાં મેં એને જ સ્વીકારીને એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. આગલ જતાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ શું શું કરતબ દેખાડશે એ તો ભવિષ્ય જ કહેશે, પણ હમણાં આ ક્ષણે આ અનુવાદ આપ સહુ માટે…

કવિએ ગ્રીકો-રોમન ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને ભૂગોળશાસ્ત્રી ક્લાઉડિયસ ટોલેમીને આ કવિતા વડે શ્રદ્ધાંજલિ આપી છે, જેઓ બ્રહ્માંડના ભૂકેન્દ્રીય મોડેલ પરના તેમના કાર્ય માટે જાણીતા છે. ટોલેમીનું આહ્વાન કરીને, પાઝે ટબૂકડી કવિતાને વ્યાપક ઐતિહાસિક અને દાર્શનિક સંદર્ભમાં રજૂ કરી બતાવી છે. બ્રહ્માંડમાં પોતાનું સ્થાન શું છે એ સમજવાની કોશિશ મનુષ્ય અનાદિકાળથી કરતો આવ્યો છે. માનવી સમજે છે કે વિશાળ સૃષ્ટિના ઉપલક્ષમાં સ્વયંનું સ્થાન ક્ષણભંગુર ટપકાંથી વિશેષ કશું જ નથી. કવિતા અસ્તિત્વવાદ અને અર્થની શોધના વિષયોને સ્પર્શે છે. વક્તા માનવીય સમજણની મર્યાદાઓને સ્વીકારે છે પરંતુ એમ વિચારીને આશ્વાસન મેળવે છે કે એક પોતે એક વિશાળ યોજનાનો જ એક અવિભાજ્ય ભાગ છે, ભલે એ તેને સંપૂર્ણ રીતે સમજી ન શકે. જીવન અને બ્રહ્માંડ વચ્ચેનું આ પરસ્પર જોડાણ –ભાઈચારો- જ આ કવિતાનો કેન્દ્રસ્થ વિચાર છે.

Brotherhood

Homage to Claudius Ptolemy

I am a man: little do I last
I am a man: I last but a moment
and the night is immense.
But I look up:
the stars are writing.
Without understanding, I comprehend:
I am also a script
and at this very moment
someone is spelling me out.

– Octavio Paz (Spanish)
(Eng. Trans.: AI – Chat GPT)

HERMANDAD

Homenaje a Claudio Ptolomeo

Soy hombre: duro poco
y es enorme la noche.
Pero miro hacia arriba:
las estrellas escriben.
Sin entender comprendo:
también soy escritura
y en este mismo instante
alguien me deletrea.

– Octavio Paz (Spanish)

Comments (2)

પ્રથમ વરસાદની વેળા – ઉર્વીશ વસાવડા

ભૂંસાઈ ગ્રીષ્મની પાટી, પ્રથમ વરસાદની વેળા
પછી મહેકી ઊઠી માટી, પ્રથમ વરસાદની વેળા

ફૂટી નીકળી અચાનક કૂંપળો શૈશવની યાદોની
ભીતર જેને હતી દાટી, પ્રથમ વરસાદની વેળા

મળ્યા છે મોતીઓ મબલખ હથેળી જેમણે ખોલી
ખરેખર એ ગયા ખાટી, પ્રથમ વરસાદની વેળા

નર્યા ઉન્માદથી ડોલે બધાંયે વૃક્ષ મસ્તીમાં
કોઈ ભૂરકી ગયું છાંટી, પ્રથમ વરસાદની વેળા

ક્ષણિક ઝબકા૨માં પણ વીજનું નર્તન પ્રથમ દીઠું
પછી માણી ઘરેરાટી, પ્રથમ વરસાદની વેળા

– ઉર્વીશ વસાવડા

આજે વહેલી સવારે પહેલા વરસાદનો સ્વાદ માણવાનું થતાં જ આ ગઝલ સ્મૃતિપટલ પર તરવરી ઊઠી. વરસાદ વિશે આપણે ત્યાં અસંખ્ય કાવ્યો રચાયાં છે, અને લખાતાં પણ રહેશે… દરેકની પોતીકી મજા છે. પણ આખું ચોમાસું એક તરફ અને પ્રથમ વરસાદની વેળા એક તરફ. ઉનાળાથી ભડભડ બળતી સૃષ્ટિમાં પ્રથમ વરસાદની વેળાએ જે જે પરિવર્તનો અનુભવાય છે એને યથોચિત ઝીલી બતાવતી એક સાંગોપાંગ સુંદર ગઝલ આજે માણીએ…

Comments (12)

હીંચકો – મનીષા જોશી

આજે તો બગીચાની
લીલીછમ લોન પર ચાલવાનું
૫ણું નથી ગમતું.
ચમેલીની વેલ પાસેથી ૫સાર થતાં
એની સુગંધ નાકને અડી જાય છે
૫ણ ત્યાંયે વધુ વાર ઊભવું નથી ગમતું.
બેન્ચ પર બેસીને
સમયને મારતા બે નિવૃત્ત વૃદ્ધો
અને એક ખૂણો શોધી લઈ
ગુફતેગૂ કરતા બે પ્રેમીઓ વચ્ચે પણે
ધ્યાન આકર્ષિત કરે છે
તો એકમાત્ર હીંચકો!
પેલી છોકરીના ઊતરી ગયા પછી પણ
ચિચાટિયા અવાજે
ખાલી ખાલી હાલ્યા કરતો એ હીંચકો!
અને હું,
અચાનક જ દોડી જઈને
અત્યંત ઉશ્કેરાટથી
એને હાથથી અટકાવી દઉં છું.

– મનીષા જોશી

હીંચકો પ્રતીક છે અસ્થિર માનસિકતાનું… સતત ગતિમાં રહેવા છતાંય હીંચકો હોય ત્યાંથી આગળ પણ વધી શકતો નથી ને પાછળ પણ જઈ શકતો નથી. હીંચકાનું પ્રતીક લઈને કવયિત્રીએ આવી જ મનોદશા બહુ સ-રસ રીતે અહીં આલેખી છે. કોઈક કારણોસર કાવ્યનાયિકા આજે વ્યથિત છે. ‘આજે તો’થી કવિતાનો ઉપાડ થાય છે, એના પરથી ખ્યાલ આવે છે કે જે ક્રિયાઓની અહીં વાત છે એ રોજબરોજની ક્રિયાઓ છે, પણ આજે હૈયું વ્યગ્ર હોવાના કારણે નથી લોન પર ચાલવાનું મન થતું, કે નથી સુગંધ માણવા ઊભા રહેવાનું મન થતું. નિવૃત્ત વૃદ્ધો કે પ્રવૃત્ત પ્રેમીઓ પણ આજે નાયિકાનું ધ્યાન આકર્ષી શકતા નથી. કોઈક છોકરીના ઉતરી ગયા પછી પણ હીંચકો ચિચાટિયા અવાજે હજીયે ખાલી ખાલી હાલ્યા કરે છે એ નાયિકાને વધુ વિહ્વળ કરે છે. હીંચકો પોતાની જ અસ્થિર માનસિકતાને પ્રતિબિંબિત કરતો હોવાથી નાયિકા એને આજે ખમી શકતી નથી. અચાનક દોડી જઈને અત્યંત ઉશ્કેરાટથી એ એને હાથથી અટકાવી દે છે. ‘અચાનક’ ‘અત્યંત’ અને ‘ઉશ્કેરાટ’ – આ ત્રણ શબ્દોના કારણે કાવ્ય વધુ અસરદાર બન્યું છે.

Comments (9)

કવિતાનો પરિચય – બિલી કોલિન્સ (અનુ.: વિવેક મનહર ટેલર)

હું એમને કહું છું કે એક કવિતા લો
અને એને પ્રકાશ સામે ધરો
રંગીન કાચના ટુકડાની જેમ

અથવા એના છત્તા સાથે કાન માંડી જુઓ.

હું કહું છું કે એક ઉંદરને કવિતામાં નાંખી દો
અને એ કઈ રીતે બહાર આવે છે એ નિહાળતા રહો,

અથવા કવિતાના ઓરડામાં પ્રવેશ કરો
અને બત્તીની ચાંપ શોધવા માટે દીવાલોને ફંફોસો.

હું ઇચ્છું છું કે તેઓ કવિતાની સપાટી ઉપર
વોટર સ્કી કરતાં કરતાં
કિનારા પરના લેખકના નામ તરફ હાથ લહેરાવે.

પરંતુ તેઓ તો બસ આ જ ઇચ્છે છે
કે કવિતાને એક દોરી વડે ખુરશી સાથે બાંધી દેવામાં આવે
અને એને યાતના આપવામાં આવે કબૂલાત કઢાવવા માટે.

તેઓ એને ચાબુક વડે પીટવા માંડે છે
એ શોધવા માટે કે હકીકતમાં એનો અર્થ શો છે.

– બિલી કોલિન્સ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતામાંથી અર્થ કાઢવાની કવાયત તો પરાપૂર્વથી ચાલતી આવી છે અને ચાલુ જ રહેવાની છે. મારીમચડીને કવિતામાંથી અર્થ કાઢી તો લઈએ, પણ શું એ અર્થ જ કવિ કે કવિતાનું ખરું લક્ષ્ય હશે એમ કહી શકાય ખરું? કવિતા ઉપર બળાત્કાર કરવાના બદલે કવિતાનો વિશુદ્ધ આનંદ લેતા શીખીએ એ કદાચ વધુ યોગ્ય ન કહેવાય? હકીકતમાં, કવિતામાં અર્થ કરતાં અનુભૂતિનું મહત્ત્વ વધારે છે. ભાષા કરતાં ભાવ વધુ અગત્યનો છે. શબ્દ અર્થનું વાહન બની રહેવાના બદલે કવિહૃદયના સંવેદન ભાવક સાથે સહિયારવાનું ઉપાદાન બની રહે ત્યારે ખરો કાવ્યાનંદ પ્રાપ્ત થાય અને કવિકર્મ સાર્થક થયું ગણાય. બિલી કોલિન્સની આ કવિતા અદભુત પ્રતીકોની મદદથી આપણને આ વાત સફળતાપૂર્વક સમજાવે છે. આ સંદર્ભમાં આ સાથે રાવજી પટેલની “ઠાગા ઠૈયા” કવિતા પણ અવશ્ય વાંચવી જોઈએ.

Introduction to Poetry

I ask them to take a poem
and hold it up to the light
like a color slide

or press an ear against its hive.

I say drop a mouse into a poem
and watch him probe his way out,

or walk inside the poem’s room
and feel the walls for a light switch.

I want them to waterski
across the surface of a poem
waving at the author’s name on the shore.

But all they want to do
is tie the poem to a chair with rope
and torture a confession out of it.

They begin beating it with a hose
to find out what it really means.

– Billy Collins

Comments (8)

(મિજાજ લાવી છે) – ડૉ. પરેશ સોલંકી

લાખ કોશિશ બાદ આવી છે,
સાદગી પણ મિજાજ લાવી છે.

થાક ઊંચાઈ પર બહુ લાગ્યો,
હા, તળેટી ચરણને ફાવી છે.

વેરવિખેર જાત સંકોરી,
છેવટે વસ્ત્રમાં દબાવી છે.

ક્ષણ, સ્મરણ, રટણ તથા વળગણ,
પત્રમાં સૌ વિગત જણાવી છે.

ચાલ, ઈશ્વર બતાવ હયાતીને,
કે મુરત પથ્થરે સજાવી છે.

– ડૉ. પરેશ સોલંકી

લયસ્તરો પર કવિના નવ્યસંગ્રહનું સહૃદય સ્વાગત…

સંગ્રહમાંથી એક સરસ મજાની ગઝલ આપ સહુ માટે રજૂ કરીએ છીએ. એકાદ-બે છંદદોષને બાદ કરતાં આખી ગઝલ મનનીય થઈ છે. સરળ બાનીમાં કવિએ આસ્વાદ્ય શેર આપ્યા છે.

Comments (3)

કંડારવી છે – હાર્દિક વ્યાસ

આંગળીઓ હોઠ ભીંસી વાળવી છે,
હસ્તરેખાઓ નવી કંડારવી છે.

આપણે પહોંચી ગયા સામા કિનારે,
ક્યાં સુધી આ હોડીઓ હંકારવી છે?

આ બધું પામ્યા પછી પળ કઈ હશે?
– એટલી સમજણ પછી વિકસાવવી છે!

એ અગાસી પર જઈ નક્કી કરે છે,
કેટલી કોની પતંગો કાપવી છે?

ભેદ ના હો કોઈ દૃષ્ટિ-દૃશ્યમાં પણ;
એટલી સીમા હજી ઓળંગવી છે!

હું રહું ના હું અને ના તું રહે તું
જાતને એવી રીતે ઓગાળવી છે!

વ્હાલથી છૂટું પડે ઓવારણું તો,
માનથી એની પ્રથાને પાળવી છે…!

– હાર્દિક વ્યાસ

લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહ ‘શિખર વહે, ધજા વહે’નું સહૃદય સ્વાગત છે…

પોતે જ પોતાના ભાગ્યવિધાતા હોવાની જાહેરાતથી કવિ ગઝલનો ઉઘાડ કરે છે. પોતાની મરજી મુજબની નવી હસ્તરેખાઓ કંડારવા માટે કવિએ હોઠ ભીંસીને મુઠ્ઠીઓ વાળી છે. હોઠ ભીંસવાની ક્રિયા ઈરાદાની મક્કમતાની પુષ્ટિ કરતી હોવાથી શેરને ઉપકારક નીવડે છે. ઘણીવાર ગંતવ્યસ્થાને પહોંચી ગયા પછી પણ આપણા જીવને જંપ વળતો નથી. આવી પરિસ્થિતિને હોડી અને સામા કિનારાના રૂપકની મદદથી કવિએ સુપેરે ચીતરી બતાવી છે. ‘ઓળંગવી’ એ એક કાફિયાદોષને બાદ કરતાં સરવાળે આખી ગઝલ સરસ થઈ છે,

Comments (7)

હે આંખો! – સંજુ વાળા

દૃશ્યની ઠેસ વાગી? હે આંખો!
તો જગતને જરા ઝીણું ઝાંખો!

ચાખવું હોય તો અમી ચાખો!
અન્ય રસમાં વળી શું રસ દાખો?

ડાળે બેઠાં જ નહિ, તેં ઉડાડ્યાં,
આટલેથી હવે તો બસ રાખો.

એની મરજી હશે તો ઊઘડશે,
એમ સમજીને બારણાં વાખો.

ના મળ્યું આભ, ના મળ્યું ઊડવું;
ભાર વેંઢારવા મળી પાંખો?

એક ખાલી, તો છે સભર બીજો;
છે જીવન-દેરડીમાં ઘટ લાખો.

– સંજુ વાળા

આખેઆખી સંઘેડાઉતાર ગઝલ… એકેએક શેર પાણીદાર.

Comments (3)

દાદા હો દીકરી – લોકગીત

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ
માડી મારી આંસુ સારશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ
વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ
વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

– લોકગીત

કવિશ્રી ઉદયન ઠક્કરની માતબર કલમે આજે આ ગીત માણીએ-

કચ્છનો વાગડ પ્રદેશ એવો સૂકો કે તળાવેથી પાણી સુકાઈ જાય,અને તાળવેથી વાણી.આ લોકગીતમાં સખીઓ (સૈયો) જોડે હમચી ખૂંદતાં (તાલ સાથે ફુદરડી ફરતાં) દીકરી દાદાને (પિતાને) ફરિયાદ કરે છે: મને વાગડમાં કેમ પરણાવી?

સૂરજ ઊગે એ પહેલાં પાણી સીંચવા નીકળવું પડે છે.(બેડું માથા પર જેને ટેકે મુકાય તે ‘ઈંઢોણી.’ કૂવામાં સીંચવાનું દોરડું તે ‘સીંચણિયું.’ પથારીનો પગ તરફનો ભાગ તે ‘પાંગત.’) ઓશિકે ઈંઢોણી અને પાંગતે સીંચણિયું= પગથી માથા સુધી કામ જ કામ. સીંચણિયું ટૂંકું છે, ઘડો બુડે શી રીતે? કેટલાંક એવું સમજાવે છે કે સાસુ જાણી જોઈને દોરડું ટૂંકું આપતી, જેથી વાંકી વળવા જતાં વહુવારુ કૂવે પડી જાય. વાગડ સૂકોભઠ વિસ્તાર હતો- જળની સપાટી ઠેઠ ઊંડે ઊતરી જતી. ઘેરથી કૂવા સુધી એટલા આંટાફેરા કરવા પડતા કે દિવસ આખો (કહો કે જન્મારો આખો) પૂરો થઈ જતો. દીકરી સંદેશો મોકલે છે- હું જિંદગી ટૂંકાવી દઈશ! દાદા કહે છે- થોડા દિવસ ખમી ખાઓ, અમે આણાં લઈને આવીએ છીએ.

અહીં કેટલાંક પદ હેતુપૂર્વક બેવડાવાયાં છે. ‘દાદા હો દીકરી, દાદા હો દીકરી’ (દાદા હોંકારા પર હોંકારા દે.) ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ (વારે વારે ઘુમરડી લેતી સાહેલીઓ.) ‘દીએ દળાવે મુને, દીએ દળાવે મુને’ (એટલું બધું દળાવે કે એક વાર કહેવાથી ન સમજાય.) ‘ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ’ (કામ બે વાર ન ચીંધે તો સાસુ શાની?) ‘ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ’ (કૂવાકાંઠે નિસાસા પર નિસાસા.) ‘ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા’ (કાકલૂદી.) ‘કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી’ (દાદાને પડતા ધ્રાસ્કા.)

ગીત કરુણરસનું હોવા છતાં દરેક કડીમાં ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ એવું ઉમંગે હમચી ખૂંદવાનું પદ મુકાયું છે. આવા વિરોધ (કોન્ટ્રાસ્ટ)થી કરુણરસ ઘેરો ઘુંટાય છે. ‘અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે’- અંધારી રાતો હવે પૂરી થઈ, એવા આશાવાદ સાથે ગીત પૂરું થાય છે.

(આસ્વાદ: ઉદયન ઠક્કર)

Comments (12)

સુખદુઃખ–૧ – બળવન્તરાય ઠાકોર

‘મુબારક હજો નવૂં વરસ!’ ‘સાલ આ બેસતી
દિયો અધિક સૌખ્ય રિદ્ધિ સકુટુંબને કીરતી!’
ગળ્યાં વચન રૂઢ પોપટ જિભે સહૂં ઊચરે,
હુંયે સ્મિત સહે સહૂં, વિનયિ વાળું છૂં ઉત્તરે,
ઘડીક વળિ ગોઠડી કરિ રહું કૃતક ઉમળકે.

પછી સહુ સિધાવતાં વિરમું એકલો હીંચકે,
ચિરૂટ સૃત ધુમ્રગોટ સહુ ધૂણતું મસ્તકે.
વધે કદમ હીંચકો, કદમ તે જ પાછો ગણે,
વિચાર પણ ગૂંછળે વધિ હઠી રહે ઝૂલણે.

સદા હલત તોય ઇંચ નવ હીંચકો ચાલતો,
ચિરૂટ જળતી થકી ફક્ત ધુમ્ર જરિ સેલતો.
દિસે છ મગજે ચિરૂટ સમ હીંચકા શૂં થતૂં,
રહે ચલ રહે જળંત, પણ માત્ર હાંફયે જતૂં;
યથા શુનક માર્ગમાં, ન નિરખંત ના ઊંઘતૂં. .

– બળવન્તરાય ઠાકોર

કવિની સૉનેટમાળાનો આ પ્રથમ મણકો. એ સમયે છંદ આધારિત જોડણી કરવાનું ચલણ હોવાથી એ જ જોડણી અહીં પણ કાયમ રાખી છે. બીજું, સૉનેટની પરંપરિત સ્વરૂપવિધાને કોરાણે મૂકીને કવિએ 5-4-5 એવી વિશિષ્ટ પંક્તિ પ્રયોજના અને યુગ્મ-યુગ્મ-ત્રિક / યુગ્મ-યુગ્મ-ત્રિક એવી પ્રાસવ્યવસ્થા સ્વીકારી છે. આટલી ટિપ્પણી સાથે કવિતા તરફ વળીએ.

નવા વરસના દિવસે લોકો એકબીજાને મળે અને રુઢ થઈ ગયેલ પોપટિયાં શુભવચનો એકબીજાને પાઠવે એની નિરર્થકતા પર આ રચના તીવ્ર કટાક્ષ કરે છે. મુબારકથી રચનાની શરૂઆત થાય છે, પણ આગળ જતાં સમજાય છે કે અહીં કશું જ મુબારક નથી. લોકાચાર જાળવવા ખાતર પઠવાતી શુભેચ્છાઓનો મારો નાયક પણ સ્મિતસહિત સહે છે અને વિનયપૂર્વક ઉત્તર પણ વાળે છે. થોડી વાર કૃત્રિમ ઉમળકો દાખવી પરસ્પર ગોઠડી પણ તેઓ કરે છે.

પણ પછી નાયક જ્યારે એકલો પડી ચિરૂટ પીતા પીતા હિંચકે છે, ત્યારે એ ચિરૂટના ધુમાડાના ગોટાની ભેગાભેગો વિચારગોટે ચડે છે. હીંચકો જે રીતે આગળ-પાછળ ગતિ કરે છે, એ જ રીતે નાયકના માથા પર મંડરાતો ધુમાડો અને મગજમાં ચાલતા વિચારો પણ આગળ-પાછળ ગતિ કરી રહ્યા છે. પણ આ ગતિ હીંચકા જેવી છે. સતત ચાલતો હોવા છતાં હીંચકો જ્યાંનો ત્યાં જ રહે છે, ચિરૂટ બળે છે પણ ધુમાડો ત્યાંને ત્યાં જ વમળાયે રાખે છે. કવિ નવતર પ્રતીકયુગ્મ સાથે પોતાના મગજને સરખાવતાં કહે છે કે મગજ પણ હીંચકા જેવું જ ચલાયમાન છે અને ચિરૂટની જેમ જ ભીતરથી સળગતું રહે છે. વિચારો ગતિમાન હોવા છતાં મગજ ત્યાંનું ત્યાં જ રહે છે અને દંભી સમાજવ્યવહારને લઈને સતત બળતું રહે છે. સ્થિર-ગતિમાન હીંચકા અને સળગતી ચિરૂટ સાથે સરખામણી કર્યા બાદ કવિને મગજ માટે નવું જ રૂપક સૂઝે છે- કૂતરો! ખુલ્લી આંખે ઊંઘવા બરાબર અવસ્થામાં રસ્તામાં પડ્યા પડ્યા હાંક્યા કરતા કૂતરા સાથે કવિ મગજને સરખાવે છે. નથી એ આરામ કરતું, નથી કશું જોઈ શકતું.

કાવ્યારંભે નવા વરસના આગમનની શુભેચ્છાના કારણે જે પ્રસન્નકર વાતાવરણ રચાયું હતું એની પોકળતા અને દંભ કાવ્યાંતે આવતાં સુધીમાં ઉજાગર થઈ જાય છે.

(કીરતી-કિર્તી; સૃત- માર્ગ, જવું તે; સેલતો –સેલવું, હીંચકા ખાવા; જળંત- સળગતું; શુનક-શ્વાન)

Comments (3)

દરવાજો – મિરોસ્લાફ હોલુપ (અનુ.: વિવેક મનહર ટેલર)

જાઓ અને દરવાજો ઉઘાડો.
કદાચ બહાર કંઈ હોય
એક ઝાડ, અથવા એક જંગલ,
એક બગીચો
અથવા કોઈ જાદુઈ નગરી.

જાઓ અને દરવાજો ઉઘાડો.
કદાચ કોઈ કૂતરો ખાંખાખોળા કરતો હોય.
કદાચ તમને કોઈ ચહેરો દેખાય,
અથવા એક આંખ,
અથવા કોઈ ચિત્રનું
ચિત્ર.

જાઓ અને દરવાજો ઉઘાડો.
જો બહાર ધુમ્મ્સ હશે
તો એ વિખેરાઈ જશે.

જાઓ અને દરવાજો ઉઘાડો.
ભલે ત્યાં કેવળ અંધકાર જ
ટિક ટિક કેમ ન કરતો હોય,
ભલે બહાર કેવળ
ખોખલો પવન જ હોય,
ભલે
બહાર
કંઈ જ ન હોય, તો પણ
જાઓ અને દરવાજો ઉઘાડો.

કમ સે કમ
બહાર
ઠંડી હવાનું એક ઝોકું તો હશે.

– મિરોસ્લાફ હોલુપ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

પ્રયાસો, નિષ્ઠા અને દિશા ખોટાં ન હોય તો જીવનના કોઈપણ કૂટપ્રશ્નનો ઉત્તર મળ્યા વિના રહેતો નથી. ઘણીવાર તો દરવાજો આપણી નજરની સામે જ હોય છે, આગળ વધીને એને ઉઘાડવાનો જ હોય છે! હા, દરવાજો ખોલતાં સામે શું સાંપડશે એ રહસ્ય વિધાતાની મુઠ્ઠીમાં બંધ હોય છે. પણ દરવાજો ખોલ્યા વિના તો એને નહીં જ પમાય, ખરું ને? ચાલો, આજે સાથે મળીને કવિતાનો દરવાજો ઉઘાડીએ.

રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરો.

*

The Door

Go and open the door.
Maybe outside there’s
a tree, or a wood,
a garden,
or a magic city.

Go and open the door.
Maybe a dog’s rummaging.
Maybe you’ll see a face,
or an eye,
or the picture
of a picture.

Go and open the door.
If there’s a fog
it will clear.

Go and open the door.
Even if there’s only
the darkness ticking,
even if there’s only
the hollow wind,
even if
nothing
is there,
go and open the door.

At least
there’ll be
a draught.

– Miroslav Holub

Comments (9)

ધરવ – પ્રદ્યુમ્ન તન્ના

દૂર લગી પથરાઈ પડી ઓ છેલ! ચોમાસી ઝીલ
બથમાં લઈ બપોરિયાનું નીતર્યું તે નભ નીલ!

ચાટલા જેવો લળખ લીસો થીર શો જળ પથાર
હળવોયે ના સરતી મીનનો ક્યહીં કળું અણુસાર.
તરતી કેવળ આભમાં ઉ૫ર એકલદોકલ ચીલ!
દૂર લગી પથરાઈ પડી ઓ છેલ! ચોમાસી ઝીલ…

રણક રૂડી કહેતી, ભલે આહીંથી એ નવ ભાળું,
દખ્ખણી કેડે જાય હલેતું ગાડલું ઘુઘરિયાળું,
રણઝણની જરી લ્હાણને ફરી મૂંગા ચોગમ બીડ!
દૂર લગી પથરાઈ પડી ઓ છેલ! ચોમાસી ઝીલ……

ઢળતો મીઠાં અલસ ભર્યો તડકો હળુ હળુ
સુખને અરવ ધરવ માણે તટનાં ઝૂકેલ બરુ!
આવ્યને ઘડીક આપણ્યે ભેળા,
જળમાં ટાઢા, થઈને આડા,
સાવ ઉઘાડે ડીલ!

દૂર લગી પથરાઈ પડી ઓ છેલ! ચોમાસી ઝીલ
બથમાં લઈ બપોરિયાનું નીતર્યું તે નભ નીલ!

– પ્રદ્યુમ્ન તન્ના

મોટાભાગનું ઇટલીમાં વિતાવવા છતાં પ્રદ્યુમ્ન તન્નાનાં ગીતોને કાકાસાહેબ કાલેલકરની ભાષામાં ‘સવાઈ ગુજરાતી’ કહી શકાય.

‘ઓ છેલ’ સંબોધન પરથી ખ્યાલ આવે છે કે કાવ્યનાયિકા એના મનના માણીગરને સંબોધીને આ વાત કહી રહી છે. પ્રસ્તુત રચનામાં ઝીલ એટલે ચોમાસામાં છલકાઈ આવેલ સરોવર છે કે ખૂબ પાણી વરસવાના કારણે ઝીલ જેવી થઈ ગયેલી ધરતી એ કળવું જરા કઠિન છે, પણ એના પિષ્ટપેષણમાં પડવાના બદલે ગીતનો જ સાગમટે આનંદ લેવામાં ખરી મજા છે. વિશાળ ઝીલ અથવા ઝીલ બની ગયેલી ધરતીની સ્થિર જળસપાટી બપોરના ભૂરા આકાશને બાથમાં લેતી ભાસે છે. ઝગારા મારતા લીસા અરીસા જેવા સ્થિર જળપથારમાં માછલીય હળવેથી સરકતી હોવાનો અણસારો વર્તાતો નથી. આકાશમાં ઊંચે ઊડતી એકલદોકલ સમડી સિવાય કોઈ નજરે ચડતું નથી. કાવ્યનાયિકાને કાને દક્ષિણ દિશા તરફ ધીમે ધીમે જતાં ઘુઘરિયાળ ગાડાનો રણકાર તો પડે છે, પણ નાયિકા જ્યાં ઊભી છે, ત્યાંથી એ જોઈ શકાતું નથી. ગાડું વધુ દૂર જતાં એ અવાજ પણ શાંત થઈ જાય છે.
ચોમાસાની ઢળતી બપોરનો તડકો પણ મીઠો અને ધીમી ગતિના કારણે અલસભર્યો વર્તાય છે. ઝીલના કાંઠે ઊગેલ બરુ આ નીરવ સુખને ધરાઈને માણતાં હોય એમ પાણી તરફ ઢળી રહ્યાં છે. સૃષ્ટિ આખીની વાત કરી લીધા બાદ ચતુર કાવ્યનાયિકા નાયકને ઉઘાડા ડિલે ટાઢા જળમાં આડા પડીને સંગાથનું સુખ માણવા આમંત્રે છે ત્યારે ખ્યાલ આવે કે ચોમાસુ બપોરના તળાવના સૌંદર્યની વાતો નાયકને ફોસલાવીને પાસે આણવા માટેની તરકીબ જ હતી. વાહ વાહ!

(ચાટલો- અરીસો; લળખ- લળકતું, ઝગારા મારતું; થીર-સ્થિર; ચીલ-સમડી; હલેતું-ધીમેથી; બરુ-નદીકિનારે ઊગતું ઊંચું મજબૂત ઘાસ)

Comments (6)

અગનિ લાગિયો – પ્રજારામ રાવળ

રૂના રે ઢગલામાં અગનિ લાગિયો!
.            ઝાકળ ઝળતી રે ઝાળ,
.            ભરતો વાયુ વેગે ફાળ,
.            ઊડે સિંહની કેશવાળ;
રૂના રે ઢગલામાં અગનિ દાગિયો!

.            ઝાળે જાગે રોમેરોમ,
.            નવલા હોમાયે રે હોમ,
.            આ તે સૂરજ કે સોમ?
હૈયાનો હુતાશન ઝબકી જાગિયો !

.            કેસૂડાંની રેલે ક્યારી,
.            ઊડે ફાગણની પિચકારી,
.            પુલકી ઊઠે કાયા સારી!
ગુલાલે રંગાયે હો, વરણાગિયો!

.            આવ્યા ભલેરા હુતાશ
.            મારી સપનાંની આશ!
.            પ્રીતે લેજો ગ્રાસેગ્રાસ !
ઊગ્યો અતિથિ અંતરનો સોહાગિયો!

– પ્રજારામ રાવળ

નભથી તાપ નહીં લૂ વરસતી હોય, ખેતરોમાં આગ લાગી હોય એવામાંય પ્રેમી પ્રેમરંગે રંગાયા વિના રહી શકતાં નથી. રોમેરોમે ઝાળ જાગે છે અને હૈયું પણ પ્રેમાગ્નિમાં ભડભડ સળગી રહ્યું છે, પણ ફાગણની પિચકારી અને કેસૂડાની ક્યારી ભલભલી અગન ભૂલાવી દે એવાં છે. હોળીનો અગ્નિ સપનાંઓ ફળવાની આશા લઈને આવ્યો છે. મુખડા વિનાના ચાર બંધમાં પ્રકૃતિથી પ્રિયતમ સુધીની ક્રમિક ગતિ કેવી મજાની થઈ છે!

Comments (4)

મહાપ્રશ્ન – ધીરુબહેન પટેલ

ક્યાં ગઈ પિત્તળની ડોલ
તાંબાકૂંડી ઝગમગતી
લોટા ને બાજોઠ?
લોટ ચણાનો દૂધ ને હળદર
નીકળતાં નથી રસોડા બહાર
અરીઠાં આમળાં અને શિકાકઈ
સલામત વૈદોને ભંડાર!
ગીઝર શાવર સોપ શેમ્પૂ
બાથ સોલ્ટ ને ક્રિમ
પાઉડર લોશન સ્પ્રે સુગંધી
પસંદગી મુશ્કિલ
સુંદરતાની બારાખડીઓ
ઘડી ઘડી બદલાય
કિન્તુ
એક અજોડ અનન્ય અમૂલખ
શીતળ જળના સાથ વિના
શું સ્નાન કદીયે થાય?
કાળીનો એક્કો કુદરત પાસે
બાજી કેમ જિતાય?

– ધીરુબહેન પટેલ

કટાવ છંદની રવાની અને ડોલ-બાજોઠ, બહાર-ભંડાર, ક્રિમ-મુશ્કિલ, બદલાય-થાય જેવા અંત્યાનુપ્રાસોના કારણે રચનાનું પઠન કરતી વખતે ગીત ગણગણતાં હોવાનો આહલાદ અનુભવાય છે. પરિવર્તન સંસારનો નિયમ છે. Change is the only constant (Heraclitus, 500 BC)! સ્નાન માટેના ઉપાદાનની વાત કાવ્યના કેન્દ્રસ્થાને છે અને કાવ્યનાયિકાને મન આ ઉપાદાનોમાં સમય સાથે આવી ગયેલ પરિવર્તન સાથે સ્વયંનું અનુકૂલન સાધવું એ મહાપ્રશ્ન બની ગયો જણાય છે. આજની પેઢીને નહાવા માટેના મોટાભાગના સાધનો અપરિચિત હોય તો નવાઈ નહીં. પિત્તળની ડોલોનું સ્થાન પ્લાસ્ટિકે લઈ લીધું છે અને હવે તો ઘણાં ઘરોમાં નહાવા માટે ડોલ નહીં, કેવળ શાવર જ વપરાવા માંડ્યા છે. ગરમ પાણી કાઢવા માટે વપરાતી ઝગમગતી તાંબાકૂંડી તો ભાગ્યે જ આજની પેઢીએ જોઈ હશે. નહાવા માટેનો લોટો અને બેસવા માટેના બાજોઠ પણ ગઈકાલની વાત બનવા માંડ્યા છે. આખા બાથરૂમ પર પ્લાસ્ટિકનું એકહથ્થુ શાસન પ્રવર્તે છે આજકાલ. માથું ધોવા માટે વપરાતાં અરીઠં, આમળાં અને શિકાકાઈ વૈદોનો ઇજારો બની ગયો છે. બજારમાં હવે કેવળ એના ફોટાવાળા શેમ્પૂ જ જોવા મળે છે. કાવ્યનાયિકા ભૂતકાળની વિસરાઈ ગયેલી અસ્ક્યામતો પરથી હટીને ગીઝરથી સુગંધી સુધીના આધુનિક ઉપાદાનો તરફ વળે છે. નહાવા માટે કઈ વસ્તુ પસંદ કરવી અને કઈ નહીં એ નક્કી કરવું મુશ્કેલ થઈ પડ્યું છે. પણ છેલ્લે વાત પાણી તરફ આવે છે. બધું જ બદલાઈ શકે છે. કાલે હતું તે આજે નથી અને આજે છે એ કદાચ આવતીકાલે નહીં પણ હોય. સુંદરતાની બારાખડી તો ઘડીએ ઘડીએ બદલાતી જ રહેવાની, પણ શીતળ જળ વિના સ્નાન કદી સંભવ બનવાનું નથી. (કવિએ આ રચના લખી હશે ત્યારે વોટરલેસ શેમ્પૂ બજારમાં આવ્યાં નહીં હોય!)

જે કંઈ માનવસર્જિત છે એ બધું જ તકલાદી અને પરિવર્તનશીલ છે, પણ કુદરતની સંપદા શાશ્વત છે. કુદરત સામે કઈ રીતે જીતાય? ત્યાં તો હથિયાર હેઠાં જ મૂકી દેવા પડે ને!

Comments (5)

કલ્પી તો જો – ચિનુ મોદી

જાતને અજરાઅમર કલ્પી તો જો,
જીર્ણ ઘર, ભેંકાર ઘર કલ્પી તો જો.

કોક દરિયાને મળેલી હે નદી!
તું તને મારા વગર કલ્પી તો જો.

રાત, સન્નાટો અને તારી ગલી,
પાણીની આ ચડઉતર કલ્પી તો જો.

આંસુ આપે છે, બધા સંબંધમાં
કેટલો છું માતબર, કલ્પી તો જો.

મોત વાસી વાત છે ‘ઇર્શાદ’ પણ
અન્ય તું તાજા ખબર કલ્પી તો જો.

– ચિનુ મોદી

Comments (3)

પરિમલ — રતુભાઈ દેસાઈ

.                                    તવ પ્રણય તણો સખિ! પરિમલ રે!
સખિ! પરિમલ રે! ચોમેર મને લે ઘેરી:
.                                    કો અદીઠ શ્વાસની સૌરભ રે!
સખિ! સૌરભ રે! જાતી તું અનહદ વેરી:

*

.                                    આ દૂરત્વની શી દુગ્ધા રે!
સખિ! દુગ્ધા રે! ખેંચે મુજને તવ પાસે;
.                                    જઈ લોક વિલોકે બેઠી રે!
સખિ! બેઠી રે! સરતી શું સમીરણ શ્વાસે?

*

.                                    મઘમઘતાં કુસુમો કોમળ રે!
સખિ! કોમળ રે! જાઉં વેરી તુજ પથમાં;
.                                    તે વીણી લઈ શું ગૂંથશે રે!
સખિ! ગૂંથશે રે! તવ શ્યામલ કુંતલ લટમાં?

*

.                                    સખિ! ચંદ્રકિરણની ધારે રે!
સખિ! ધારે રે! ઊતરે તું ધીરે ધીરે;
.                                    હું એહ કિરણને સ્પર્શી રે!
સખિ! સ્પર્શી રે! લઉં માણી મિલન લગીરે.

*

.                                    આ રોજ રોજની રટણા રે!
સખિ! રટણા રે! ઘૂઘવે મનકબૂતર મોભે:
.                                    ત્યાં પાંખો વીંઝતી આવે રે!
સખિ! આવે રે! ક્ષણભર મુજ સંગે થોભે!

*

.                                    સખિ! પરિમલ મેં આ પીધો રે!
સખિ! પીધો રે! અહરહ મનભર તેં દીધો:
.                                    હું પાગલ : પરવશ પ્રાણે રે!
સખિ! પ્રાણે રે! અગ્નિ-આસવ શું પીધો?

— રતુભાઈ દેસાઈ

 

વીસમી સદીના પ્રારંભિક દાયકાઓમાં થઈ ગયેલા કવિ તરફથી આજે માણીએ પ્રેમના પરિમલનું પાણીદાર ગીત. ગીતમાં ઉતરતા પહેલાં ગીતની બાંધણી આપણું ધ્યાન આકર્ષે છે. મુખડા અને પૂરકપંક્તિઓનો અભાવ અને બે-ત્રણ નહીં, છ-છ બંધની સંરચના ગીતને પ્રચલિત ગીતોથી અલગ તારવી આપે છે. બીજું, આખાય ગીતની તમામ બેકી કડીઓનો ઉપાડ ‘સખિ’ સંબોધનથી થાય છે, (સાચી જોડણી ‘સખી’. કવિએ કદાચ ‘સખિ’ શબ્દનું વજન ત્રણ માત્રાભારના સ્થાને ગીતમાં બે માત્રા જેટલું છે, એ સૂચવવા હૃસ્વ ઇ પ્રયોજ્યો હોય એ શક્ય છે, કારણ એ સમયના કવિઓમાં છંદની જરૂરિયાત મુજબ લઘુ-ગુરુ અક્ષરોમાં લિપિભેદ કરવાનું ચલણ હતું.)

‘સખી’ સંબોધન જીવનસાથી અને કથક વચ્ચેના સ્નેહસંબંધને ઉજાગર કરી આપે છે. આઠ-નવ દાયકા પહેલાંના ભારતમાં સ્ત્રી-પુરુષ વચ્ચે આવું સહિયરપણું સાહજિક નહોતું. પત્ની અથવા પ્રેયસી જવે સાથે ન હોવાનો સંકેત કવિ લોક-વિલોકે જઈ બેઠી કહીને આપણને આપે છે. બે શરીર વચ્ચેના દૂરત્વ વચ્ચે પણ પ્રણયની સૌરભ કેવી પ્રસરે છે એ વાત અલગ-અલગ રીતે કરતું આ ગીત સાચે જ મનહર થયું છે.

Comments (6)

ખરી છે વાંસની પાંદડી! – પ્રદીપ સંઘવી

વાંસની પાંદડી ખરી પડી,ખુશ છે.
ઊડી, ખુશ છે.
કરોળિયાના જાળામાં ફસાણી,
ત્યાં યે નાચે છે.
કરોળિયાએ પાસે આવી,સૂંઘી,
ફેંકી દીધી.ખુશ છે.
ધૂળમાં આળોટે છે,ખુશ.
વાંસની પાંદડી ખરી પડી,
ખરી છે વાંસની પાંદડી!

– પ્રદીપ સંઘવી

આસ્વાદ : ઉદયન ઠક્કરની કલમે –

વાંસની પાંદડીનું આયુષ્ય અલ્પ હોય, માત્ર એક વર્ષ. કવિ કલ્પે છે કે તે પ્રત્યેક સ્થિતિમાં રાજી રહે છે. ખરે,ઊડે, ફસાય, ફેંકાય,આળેટે, તોય ખુશની ખુશ.વાંસની પાંદડીના પ્રતીક વડે કવિ સૂચન કરે છે કે આપણે સદા ય હસતા રહેવું જોઈએ. એ ખરું કે કરોળિયાના જાળામાં ફસાયેલી પાંદડી નાચતી લાગે, આનંદમાં છે તેમ કલ્પી શકાય. પણ ખરતી, ફેંકાતી કે આળોટતી વખતે પાંદડી ખુશ છે કે નહિ, તે આપણે જાણી ન શકીએ. કવિ તેની ઉપર આનંદના ભાવનું જાણે કે આરોપણ કરે છે. બહુ બહુ તો એમ કહી શકાય કે વાંસની પાંદડી ખરવાની વેળા આવે ત્યાં સુધી લીલીની લીલી રહે છે, ફિક્કી-પીળી પડતી નથી, માટે જાણે ખુશ રહે છે.

ગિજુભાઈની બાળવાર્તાઓ કોણે ન સાંભળી હોય? આનંદી કાગડાને રાજા સાથે વાંકું પડ્યું. રાજાએ શિક્ષા કરી, ‘ઊકળતા તેલમાં નાખો!’ કાગડો હરખાઈને ગાવા માંડ્યો, ‘તેલમાં ડૂબકાં ખાઈએ છીએ,ભાઈ ખાઈએ છીએ!’ રાજા કહે, ‘એમ નહિ માને, કાનમાં કાણાં પાડો!’ પેલો ખુશ થઈ ગાતો રહ્યો, ‘કૂણા કાન વિંધાવીએ છીએ,ભાઈ વિંધાવીએ છીએ!’ કંટાળીને રાજાએ આનંદી કાગડાને ઉડાડી મૂક્યો. સદા પ્રસન્નચિત્ત રહેવું સહેલું નથી, માટે કવિના મુખેથી ઉદ્ ગાર સરી પડે છે, ‘ખરી છે વાંસની પાંદડી!’ અહીં ‘ખરી છે’ પદ વડે શ્લેષ કરાયો છે.

-ઉદયન ઠક્કર

Comments (2)

કવિનો શબ્દ – ચિનુ મોદી

(શિખરિણી)

મને તું બાંધે જે જડજગતના નિત્ય નિયમે?
મને? મારો આપું પરિચય તને? હું પવન છું.

વહું છું સ્વેચ્છાએ અલસ અથવા તીવ્ર ગતિએ,
પછાડું વર્ષોનાં ખખડધજ વૃક્ષો પલકમાં.

અને એનો એ હું કુસુમરજ વ્હેંચું વન વિશે,
તને આપું મારો પરિચય હજી? હું સમય છું.

ક્ષણોનો સ્વામી છું, સતત સરકું છું, અખિલ આ
રચેલા બ્રહ્માંડે; સઘન બનતું શૂન્ય જગનું,

ઉલેચું એથી તે પ્રલયકર વિસ્ફોટ અટકે,
હજી તારી આંખે કુતૂહલ વસે? તો સમજ કે

ધરા ને આકાશે, ગહનતમ પાતાલતલમાં,
વહી છાનો છાનો ધ્વનિત બનતો હું લય સખી.

છટાથી આ વાયુ- સમય – લયને એક કરતો,
ત્રિકાલે, બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.

– ચિનુ મોદી

એકવાર અસ્મિતા પર્વમાં સહુ કવિમિત્રો સાથે ભોજન કરીને હું ઉતારા તરફ પરત ફરતો હતો ત્યારે સામે રાજેન્દ્ર શુક્લ મળ્યા. જુવાનિયાઓના ટોળા સાથે વાત કરવા એ રોકાયા. (ત્યારે મનેય ચાળીસ નહોતાં થયાં.) અમારામાંથી એક કવિની ભાષા સાંભળીને રા.શુ.એ એને ટોક્યો: ‘આમ ન બોલાય, કવિ. સામાન્યજનના શબ્દ અને કવિના શબ્દ વચ્ચે બહુ મોટો તફાવત છે. કવિનો શબ્દ કદી જવાબદારી વિનાનો હોઈ ન શકે.’ આ વાત મનમાં ઘર કરી ગઈ.

ચિનુ મોદીની આ કવિતા કવિનો શબ્દ એટલે શું એનો પરિચય ત્રણ ઉદાહરણોની મદદથી આપે છે. કાવ્યારંભે કવિ આપણને પવન શું છે એ સમજાવે છે. શરૂઆત જ જડજગતના નિત્યનિયમે બંધાવાના પ્રતિકારથી થાય છે એ નોંધવા જેવું. જન્મજાત આઝાદ પવનને કોણ બાંધી શકે? ગતિ અલસમન્થર હોય કે તીવ્ર હોય, પણ એ પવનની સ્વૈચ્છિક ગતિ છે. જે પવન વર્ષો જૂનાં વૃક્ષોને જમીનસોતાં કરી શકે છે એ જ પવન વનમાં પરાગરજ વેરીને નવાં વૃક્ષોને નવી નવી જગ્યાઓએ ઉગવા અનુકૂળતા પણ કરી આપે છે. બીજા દૃષ્ટાંત વડે કવિ સમયનો પરિચય કરાવે છે. અખિલ બ્રહ્માંડમાં ક્ષણોના સ્વામી એવો સમય સતત સરકતો, ગતિ કરતો રહે છે. જગતના સઘન બનતા શૂન્યને એ ઉલેચતો રહે છે અને પ્રલયકર વિસ્ફોટને અટકાવે છે. વિશ્વને એના હોવાનો અર્થ પ્રદાન કરે છે. કવિના શબ્દને સમજવા મથતા પાઠકના મનમાં હજીય કંઈ કુતૂહલ રહી ગયું હોય તો કવિ ત્રીજા દાખલા વડે વાત વધુ સ્પષ્ટ કરે છે. શબ્દ સાક્ષાત્ લય છે, લય જે ત્રણેય લોકમાં પ્રવર્તમાન છે.

કવિનો શબ્દ આ ત્રણેયનો સરવાળો છે. ત્રણેય કાળમાં, ત્રણેય લોકમાં, સકળ બ્રહ્માંડમાં વાયુ, સમય અને લયને જે વસ્તુ છટાભેર એક કરી શકે એ છે કવિનો શબ્દ. સર્જંન-વિનાશના નિમિત્ત વાયુ, બ્રહ્માંડને સભર બનાવતો સતત ગતિવંત સમય અને ત્રિલોકના કણેકણમાં વ્યાપ્ત લય – આ તમામ એક થાય ત્યારે કવિનો શબ્દ બને છે. કવિના શબ્દમાં કેટલી તાકાત હોય છે, અને એ ઉપલક્ષમાં કાગળ ઉપર શબ્દ માંડતા કવિના માથે કેટલી મોટી જવબદારી છે એ વાત કવિએ સુપેરે સમજાવી છે.

Comments (1)

એવું પણ બને – રશીદ મીર

પળપળનો ઈંતેજાર છળે એવું પણ બને,
જીવનની સાંજ આમ ઢળે એવું પણ બને.

સપનામાં ઊંઘતા જ કરી લીધું જાગરણ,
આવી દશા તમોને મળે એવું પણ બને.

આ બોલકાં નયનની પરિભાષા છે અજબ,
બોલે નહીં કશું ને કળે એવું પણ બને.

સૂરજની ગતિનો ભલે મોહતાજ હો સમય
તું જ્યારે ચહે રાત ઢળે એવું પણ બને!

ફૂલોની ઠેસ કેટલી કોમળ અને છતાં,
વર્ષો પછીયે કળ ના વળે એવું પણ બને.

આ ભાનની કક્ષાને વટાવી તો જવા દે,
એક જામમાં બ્રહ્માંડ ભળે એવું પણ બને.

બસ એક મુલાકાત પરિચય નથી ખરો,
એ મળતા-મળતા ‘મીર’ હળે એવું પણ બને.

– રશીદ મીર

Comments (7)

(આગળ જઈએ) – સુનીલ શાહ

એવું થોડું છે, દોડીને આગળ જઈએ?
ચાલીને, થોડું અટકીને આગળ જઈએ.

એવું નહીં છાંયો ભાળીને આગળ જઈએ,
તડકાને પણ સ્વીકારીને આગળ જઈએ.

એમ બને, એ સાથે આવે, ના પણ આવે,
બૂમ જરા એને પાડીને આગળ જઈએ.

એને પણ પૂરો હક છે આગળ વધવાનો,
સહેજ જગા એની છોડીને આગળ જઈએ.

કોઈ હતાશા લઈ પાછળ પાછળ આવે છે,
સ્મિત સમા પગલાં પાડીને આગળ જઈએ.

– સુનીલ શાહ

લયસ્તરો પર કવિના દ્વિતીય ગઝલસંગ્રહ ‘વાદળો વચ્ચે સૂર્યોદય’નું સહૃદય સ્વાગત.

આચાર્ય સુનીલ શાહનું શરીર તો શિક્ષણક્ષેત્રમાંથી નિવૃત્ત થઈ શક્યું, પણ મન આજપર્યંત નિવૃત્ત થઈ શક્યું નથી. Once a teacher is always a teacher. એમની રચનાઓ આ વાતની સાહેદી પૂરાવે છે. જિંદગી પરત્વેનો ધનમૂલક અભિગમ અને જીવનમૂલ્યોની શિક્ષા એમની રચનાઓના પાયામાં છે. સરળ સહજ બાનીમાં કહેવાયેલી આ ગઝલ વિશેષ ટિપ્પણીની મહોતાજ નથી. એને સ્વતઃ આસ્વાદીએ.

Comments (11)

ચિન્તા કર્યે ચાલશે ના – રવીન્દ્રનાથ ઠાકુર (અનુ. મહાદેવ દેસાઈ)

તારાં પોતીકાં જનો છોડી જશે
.            તેથી કાંઈ ચિન્તા કર્યે ચાલશે ના.

તારી આશાલતા ૫ડશે તૂટી :
.            ફળ ભલે ઊતરશે ના:
.            તેથી કંઈ ચિન્તા કર્યો ચાલશે ના.

.            મધરસ્તે અંધારું થાશે
.            તેથી તું શું અટકી જાશે?
.            ઓ તું ફરી ફરી ચેતાવજે દીવો,
.            ખેરને દીવો ચેતશે ના :
.            તેથી કાંઈ ચિન્તા કર્યે ચાલશે ના.

શુણી તારી મુખની વાણી,
વીંટળાશે વનવનનાં પ્રાણી,
તોયે કદી તારા ઘરના ઘરમાં,
.            પથ્થરો પીગળશે ના,–
.            તેથી કોઈ ચિન્તા કર્યે ચાલશે ના.

.            બાર કદિ દીધેલાં મળશે,
.            તેથી તું શું પાછો વળશે?
.            તારે વારે વારે ઠેલવાં પડશે
.            ખેર પછી તે હલશે ના:
.            તેથી કેાઈ ચિન્તા કર્યે ચાલશે ના.

– રવીન્દ્રનાથ ઠાકુર
(અનુ. મહાદેવ દેસાઈ)

આજે સાતમી મેના રોજ કવિવરની ૧૬૩મી જન્મજયંતિ નિમિત્તે એમની એક રચના માણીએ.

મહર્ષિ કવિના ધનમૂલક વ્યક્તિત્વની આભા રચનાના શબ્દે શબ્દે ઉજાગર થાય છે. ક્યહીં લાખો નિરાશામાં અમર આશા છૂપાઈ છે’ અને ‘કરતાં જાળ કરોળિયો’ યાદ આવ્યા વિના નહીં રહે.

Comments (6)

છૂટા પડતા- – સુરેશ હ. જોષી

(શિખરિણી)

જતી વેળા એણે ઘડી નજીક બેસી કહ્યું ધીમે:
“ઘડી ભૂલી આજે સકળ દિલનાં દર્દ સખીરી!
જરા ગાઈ લેને મધુ હલકથી ગીત ગમતાં!’
જગાડ્યું ઢંઢોળી જડવત બનેલું હૃદય મેં
છતાં ના કૈં સૂઝયું! મથી મથી રુંધી ભીષણ વ્યથા,
મીઠાં આછાં સ્મિતે નયન છલકાવ્યાં, શી છલના!
…અને સૂરો છેડયા, રહી સહી ધરી દીધી સુષમા.

અધૂરા સૌ કોડો સળવળી ઊઠ્યા, સ્વપ્ન મ્હેક્યાં,
અષાઢી આકાશે ઝળકી વીજળી, મેઘ ઉલટ્યા,
હવા નાચી ઊઠી લઘુક શિશુશી મુગ્ધ તરલા,
અરે, આ તે કેવી ભરતી ઉમટી, લોઢ ઉછળ્યા!
મદે ઘેલું હૈયું પરવશ બનીને ઢળી પડ્યું.

પછી જાગી ત્યારે નયન ધૂંધળાં, ના કશું લહ્યું!
શમી ગૈ સૌ લીલા, કમનશીબ હૈયું ઝૂરી રહ્યું!

– સુરેશ હ. જોષી

બે જણ અલગ પડે અથવા થવું પડે એની પાછળ અનેક કારણ હોઈ શકે. કાયમી વિદાયની પળ આમ તો બંને પ્રિયજન માટે હૃદયવિદારક જ હોવાની, છૂટાં થતી વખતે પુરુષ ઘડીભર માટે સ્ત્રીની નજીક બેસીને ધીમા અવાજે સખીરી સંબોધન કરીને દિલનાં સઘળાં દર્દોને ઘડી માટે વિસારે પાડી દઈ મધુ હલકથી ગમતાં ગીત ગાવાને ઈજન આપે છે. અચાનક મળેલા આ નેહનિમંત્રણના કારણે સ્ત્રી આવી પડનાર જુદાઈના અસહ્ય ઘાથી જડ થઈ ગયેલ હૃદયને ઢંઢોળીને જગાડે તો છે, પણ શું ગાવું એ સૂઝતું નથી. હયાતી ફરતે નાગચૂડ જમાવતી ભીષણ વ્યથાને યત્નપૂર્વક રૂંધી દઈ એ સજળ નેત્રે મીઠું આછું સ્મિત વેરે છે, બસ! પણ દિલ તો ચીસ પાડીને પોકારે છે કે આ છલના છે. આખરે ત્યક્તા સૂર છેડી રહી સહી શોભા પણ જનારના ચરણે ધરવામાં સફળ થાય છે. હોઠેથી ગીત ફૂટતાવેંત અધૂરા અરમાનો સળવળી ઊઠે છે, સ્વપ્નો મહેંકવા લાગે છે. અષાઢી કાળાભમ્મર આકાશમાં વીજચમકારનો અજવાસ પથરાઈ વળે છે અને બાંધ્યા બંધ તૂટી પડ્યા હોય એમ મેઘો વરસવા માંડે છે. નાના શિશુ સમી મુગ્ધ અને ચંચળ હવા નર્તન કરવા માંડે છે. આભ આંબતા મોજાં ઊછળે એવી પ્રચંડ ભરતી અનુભવતું હૈયું મનના માણીગરને પરવશ થઈ ઢળી પડે છે.

સૉનેટની પ્રથમ બાર પંક્તિઓ વાંચીએ ત્યાં સુધી તો આપણને એમ જ લાગે કે છૂટા પડતા બે આપ્તજનો વચ્ચેની સ્નેહની કડી પુનર્જીવિત થઈ ગઈ છે. પણ ખરો વળાંક તો ત્યાર પછી આવે છે. આખરી બે કડીમાં સાચા અર્થમાં આઘાતજનક રહસ્યસ્ફોટ થાય છે. નાયિકા ‘પછી જાગી ત્યારે’ કહે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે અત્યાર જનારો તો ક્યારનો સિધાવી ચૂક્યો છે. આપણે જે માણ્યું એ તો સ્વપ્નમાત્ર હતું. આંસુથી ભરેલી આંખોથી જીવન ધૂંધળું દેખાય છે, પણ નાયિકા આંસુ લૂછતી નથી. શમણાંની બધી લીલા આખરે શમી ગઈ. હવે કમનસીબ હૈયાના હિસ્સે ઝૂરવા સિવાય કશું જ બચ્યું નથી. કવિએ અહીં કેવળ ત્યક્તાની વેદનાને જ વાચા આપી હોવાથી એને છોડીને જનાર પુરુષે કોઈ તકલીફ અનુભવી હશે કે કેમ એ કેવળ ધારણાનો વિષય જ બની રહે છે.

કેવું અદભુત સૉનેટ!

Comments (1)

(અંધારું હતું) – હર્ષદ ત્રિવેદી

આ જગત ક્યારેય ક્યાં ખારું હતું?
આપણી વચ્ચે જ અંધારું હતું.

ભીતરે દરિયો હતો, બારું હતું,
નાવડું એથી તો નોંધારું હતું.

કોઈ ઈથર જેમ ઊડી જાય એ-
ધારણા માટે ઘણું સારું હતું!

આપણે તો માત્ર પગરવ સાંભળ્યો,
જે ગયું તે સાવ પરબારું હતું.

હોય, તેઓ પણ કદી આવી શકે,
છેવટે આ ઘર તો સહિયારું હતું.

– હર્ષદ ત્રિવેદી

ખારું એટલે આમ તો જરૂરિયાતથી વધારે મીઠું પડી ગયું હોય એવા ખારા સ્વાદવાળું. પણ ખારુંનો બીજો અર્થ અકારું, અપ્રિય અને અદેખું પણ થાય. બે જણની વચ્ચે અજવાસ ન હોય, કેવળ ગેરસમજણોનું અંધારું જ પ્રવર્તતું હોય તો દુનિયા અકારી લાગે, ખારી લાગે, બેસ્વાદ લાગે એમાં શી નવાઈ? માર્ગ અને મંઝિલ –બંને આપણી ભીતર જ છે, પણ આપણૉ પ્રવાસ કાયમ બહારનો હોવાથી આપણી જિંદગી નોંધારી જ વીતે છે. જે ભીતરના સમંદરમાં તરી શકે એને મુક્તિના બારે નાંગરતા કોણ રોકી શકે? ખુલ્લું રખાતા ઊડી જવાના ઈથરના રાસાયણિક ગુણધર્મને આધાર બનાવી ધારણાઓના ક્ષણજીવી હોવા બાબતે હાશકારો વ્યક્ત કર્યો છે. ઇચ્છા ચિરંજીવી બની રહે તો તણાવનું કારણ પણ બની શકે. છેલ્લા બે શેર પણ સહજ સાધ્ય થયા છે.

Comments (6)

વતનનો તલસાટ – રમણિક અરાલવાળા

ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી,
જાવા હાવાં જનમભૂમિએ પ્રાણ નાખે પછાડા.

કૂવાકાંઠે કમરલળતી પાણીઆરી, રસાળાં,
ક્ષેત્રે ક્ષેત્રે અનિલલહરે ડોલતાં અન્નપૂર્ણા,
હીંડોળંતાં હરિત તૃણને ખંતીલા ખેડૂતોનાં
મીઠ્ઠાં ગીતો, ગભીર, વડલા, શંભુનું જીર્ણ દ્હેરું,
વાગોળંતાં ધણ, ઊડી રહ્યો વાવટો વ્યોમ ગેરુ,
ઓછીઓછી થતી ભગિની, લંગોટિયા બાલ્ય ભેરુ :

ઝંખી નિદ્રા મહીં ઝબકતો, જાગતાં નિંદ લેતો.

ઘેલા હૈયા! સહુય મળશે; કિન્તુ કાલાગ્નિમાંથી
સંભાળેલા સ્મૃતિસુમનના સારવેલા પરાગે
સીંચ્યું મોંઘા મધુપુટ સમું મ્હોડું ક્યાં માવડીનું?

વ્હાલી તોયે જનનીહીણ એ જન્મભૂમિ ન તોષે,
જીવું કલ્પી જનનીસહની જન્મભૂમિ વિદેશે.

– રમણિક અરાલવાળા

શીર્ષકના બે શબ્દોમાં આખા સૉનેટનો સાર સમાયો છે. બહુ લાંબો સમય વિદેશમાં રહ્યા બાદ કથકના પ્રાણ જન્મભૂમિ જવા માટે ધમપછાડા કરે છે. સ્વયંની વર્તમાન પરિસ્થિતિ વિશે પ્રથમ બે પંક્તિમાં આટલી પૂર્વભૂમિકા બાંધ્યા બાદ કવિની યાદોમાં વર્ષો પહેલાંનું વતન સજીવન થાય છે. કૂવાકાંઠે પાણી ભરતી પાણિઆરીઓ, ખેતરોમાં પવનની લહેરખીથી ડોલતાં અન્નપૂર્ણા જેવા ડૂંડા, ખંતીલા ખેડૂતોના મીઠાં ગીતો. વડનું ઝાડ, શંકર ભગવાનનું જૂનું દેરું, ગાયોનાં ધણ, મંદિર પર ફરકતી ગેરુ ધજા, અપાર વહાલ વરસાવતી બહેન અને લંગોટિયા દોસ્તો- કવિએ સંયમિત કલમે ગ્રામ્યજીવનને બહુ સુપેરે ઉપસાવ્યું છે.

વિદેશમાં વ્યથિત હૃદયને ઊંઘવાના સમયે ઊંઘ બરાબર આવતી ન હોવાથી જાગવાના સમયે ઝોકાં આવે છે. પોતાના વતનઘેલા હૈયાને ટપારતા કથક કહે છે, વતન જવા મળશે ત્યારે બધું જ મળશે, પણ કાલાગ્નિ ઓહિયા ન કરી જાય એ રીતે એનાથી સાચવીને રાખેલ સ્મૃતિસુમનમાંથી સારવેલ પરાગરજ થકી જેનું સિંચન કર્યું છે એ માવડીનું મોંઘા મધુપુટ સમું મોઢું વતનમાં ક્યાં જોવા મળશે? હન્મભૂમિ ગમે એટલી વહાલી કેમ ન હોય, પણ જનની વિનાની જન્મભૂમિ હૈયાને સંતોષ નહીં જ આપી શકે. એટલે વતન જઈને માતાની ગેરહાજરીમાં દુઃખી થવા કરતાં તો વિદેશમાં રહીને મા સહિતની જન્મભૂમિની કલ્પના કરીને જીવવું વધુ સારું નહીં?

Comments (5)

ધબાકો થાય છે – ધૂની માંડલિયા

કોઈ હરણું કયાંક લપસી જાય છે,
ઝાંઝવામાં લ્યો, ધબાકો થાય છે.

ઊઠ તડકા! જા, જરી તું વાત કર,
આંધળાનો જીવ છે, હરખાય છે.

એક સુક્કા નામની પણ જો અસર,
ભીંત પર વાદળ હવે ચિતરાય છે.

હું અનાગત નામનો સંબંધ છું,
એમ જન્મોજન્મથી કહેવાય છે.

એક પડછાયો ઘૂઘવતો ઓરડો,
એક દરિયો રાતભર રેલાય છે.

સૂર્ય! તારા દેશમાં મંદિર ઉપર,
રોજ ઝાકળનો હજી વધ થાય છે.

– ધૂની માંડલિયા

ગઝલમાં આધ્યાત્મ, ચિંતનાત્મક વાતો અને બોધ વગેરેનું ચલણ હાલ એટલું વધી ગયું છે કે ક્યારેક તો શંકા પડે કે ગઝલકારનું પ્રમુખ કામ જ સમાજસુધારણા કે ધર્મોત્થાન તો નથી ને! એવામાં આવી વિશુદ્ધ સૌંદર્યબોધ કરાવતી ગઝલ હાથ લાગે એટલે આનંદ થઈ જાય. મૃગજળના મૃગ અને જળના સંદર્ભો વાપર્યા હોય એવા સેંકડો શેર આપણી ભાષામાં મળી આવશે પણ એ બધામાં પ્રસ્તુત ગઝલનો મત્લા નોખો તરી આવે છે. હરણના લપસી પડવાના દુર્લભ અકસ્માત સમેત ઝાંઝવામાં ધબાકો થવાની આખી વાત કેવળ કવિકલ્પના હોવા છતાં આપણી નજર સમક્ષ ક્ષણાર્ધમાં આખું દૃશ્ય રચાઈ જાય છે. આંધળા માણસના જીવનમાં અંધારપટ સિવાય કશું હોતું નથી, પણ આંખ ઉપર તડકો પડે ત્યારે અંધારું આછું થતું તો એય અનુભવી શકતા હશે. તડકાને ઊઠવાનું આહ્વાન દઈ અંધજન સાથે વાત કરવાનું કહેતો શેર પણ કવિની સૌંદર્યાનુરાગી નજરનો દ્યોતક છે. બધા જ શેર મજાના થયા છે, ખરું ને?

Comments (9)

છાણાં લેવાય નૈ – જયંતી પટેલ

વાડામાં કૂતરી વિયાઈ
.              છાણાં લેવાય નૈ.

ડેલીનો ડાઘિયો હાંફે બજારમાં એમ બેઠી’તી ચૂલાની મોર્ય,
ટાણું છાંડીશ તો તાડૂકશે બાઈજી કહેશે કે ટાંટિયો ઓર્ય,
રૂંવે રૂંવે મને લાગી છે લ્હાય,
.            આવું મ્હેણું તો સ્હેવાય નૈ;
વાડામાં કૂતરી વિયાઈ
.            છાણાં લેવાય નૈ.

પાદરમાં બેઠી છે પંચાયત ગામની કરીએ તો કરીએ શું રાવ?
હું રે ભોળુડી કંઈ બોલું ના બોલું ત્યાં કહેશે કે સાબિતી લાવ,
ઘૂંઘટ ઉપાડું તો ચહેરો દેખાય,
.            અંદરના ડામ કૈં દેખાય નૈ;
વાડામાં કૂતરી વિયાઈ,
.            છાણાં લેવાય નૈ.

– જયંતી પટેલ

સારી કવિતાની એક વિશેષતા એ છે કે સમસ્ત જનસમાજની વેદનાને એકદમ હળવાશથી વાચા આપી શકે છે. હળવીફૂલ લાગતી રચનામાંથી પસાર થઈએ અને કાવ્યાંતે હૃદયમાં કવિતામાં વ્યક્ત થયેલ પીડા ફાંસ બનીને ઘર કરી જાય એમાં જ કવિતાનું સાફલ્ય ગણાય. જુઓ આ રચના –

તાજી વિયાયેલ કૂતરીની નજીક જઈએ તો કરડી ખાય. ચૂલો પેટાવવા માટેનાં છાણાં જ્યાં પડ્યાં છે, એ વાડામાં જ કૂતરીએ બચ્ચાં આપ્યાં છે એટલે છાણાં લેવા જવું શી રીતે? ડેલીનો ડાઘિયો કૂતરો બજારમાં નવરો બેઠો કેવળ હાંફ્યે રાખે એ રીતે વહુરાણી ચૂલા પાસે બેસી રહી છે, પણ રાંધી નહીં સ્ઝકાય તો સારુ તારા ટાંટિયા ચૂલામાં કેમ ન ઓર્યા કહીને તાડૂકશે એ એ ડર એને સતાવી રહ્યો છે. પાદરમાં પંચાયત બેઠી છે એમ કાવ્યનાયિકા આપણને કહે છે ત્યારે પંચાયત શબ્દમાં પંચાતનો રણકો સંભળાયા વિના રહેતો નથી. સાસરીમાં વહુવારુઓને પડતાં દુઃખ નાની અમથી વાતના મિષે કેવી સાહજિકતાથી વ્યક્ત થયાં છે!

Comments (7)

બીજરેખા – જયદેવ શુક્લ

દરિયો
હમણાં જ હણહણ્યો.
ખડક સાથે
અથડાઈ
ભૂરો કાચ
ચૂરેચૂરા.
દૂર ઊભેલાં વહાણ
મેઘધનુષી વાછંટથી
ઉભરાય.
ખૂલી ગઈ બારી.
ખારી હવા ને દરિયો
વીંઝાયાં.
બીજરેખા
હલેસા વિના
તરતી રહી
ભરપૂર!

– જયદેવ શુક્લ

ક્યારેક કવિતા વિશેષ કશું ન કરતાં કોરા કેનવાસ ઉપર બે-ચાર લિસોટાની મદદથી સરસ મજાનું ચિત્ર દોરી આપે છે. વધુમાં વધુ છ જ શબ્દોથી બનેલ છ જ વાક્યોની મદદથી કવિએ અદભુત ચિત્ર દોરી બતાવ્યું છે. દરિયાના મોજાંના અવાજને હણહણાટ સાથે સાંકળીને કવિએ દરિયાને વેગ અને તોફાન બંને સાથે સાંકળી લીધો. કવિતાપ્રેમીઓના સ્મરણપટ ઉપર આ ઉપમા વાંચીને શ્રીધરાણીનું અમર સોનેટ ‘ભરતી’ તરવરી આવી શકે. ભૂરો દરિયો કાંઠાના ખડક પર અથડાઈને ફીણફીણ થઈ જાય એમાં કવિને ભૂરો કાચ ચૂરેચૂરા થતો દેખાય છે. બંધ બારી ખૂલી ગઈ એ વાતમાંથી અનેક અર્થાધ્યાસ સાંપડી શકે. નાની અમથી બારી સમગ્ર પ્રકૃતિ સાથે કથકને સાંકળી લેતું માધ્યમ બની રહે છે. આમ તો ઊડતી વાછંટને લઈને રચાતું મેઘધનુષ સૂર્યની હાજરી વિના સંભવ નથી, પણ એબ્સ્ટ્રેક્ટ ચિત્રની જેમ જ પોએટિક લિબર્ટી ક્યારેક સમયના બે ભિન્ન બિંદુઓને પણ એક સાથે સીવી દેવાનું નિમિત્ત બની શકે. બારીમાંથી દરિયો અને વિશાળ આકાશ બંને રાતના અંધારામાં એકાકાર થયેલા દેખાતા હોવાથી બીજનો ચાંદ હલેસા વિના એ કેનવાસમાં તરતો હોવાની પ્રતીતિ થાય છે. દરિયાના ચૂરેચૂરા થવાની સાપેક્ષે બીજરેખાનું ભરપૂર તરવાનો વિરોધાભાસ સમૂચા ચિત્રને વધુ આસ્વાદ્ય બનાવે છે.

જોગાનુજોગ આજે કવિની વર્ષગાંઠ પણ છે. કવિને લયસ્તરો તરફથી અઢળક મબલખ સ્નેહકામનાઓ…

Comments (4)

સાંજ – નયન દેસાઈ

આભની ડાળી ઉપર સૂરજનું ફળ પાકી ગયું,
ઝુંડ એકલતાનું આવી ક્યાંકથી ચાખી ગયું.

બોલ મારા આ જનમને તે જનમના ભાગિયા;
કોણ ઉમ્બર ૫ર અધૂરી સાંજ આ નાખી ગયું ?

આજ પાછી યાદની અગ્નિવીણા વાગી ઊઠી;
સ્વપ્નવત્ હિરણ્યમય આકાશ એક દાઝી ગયું.

આ ધુમાડો થઈ ગઈ તે સાંજ કે સ્વપ્ન હતું ?
શ્વાસના તળિયે સૂતેલું કો’ક જણ ચોંકી ગયું.

ગંધ – શબ્દો – સ્પર્શ ધુમાડો ધુમાડો થઈ જશે;
વારસાગત આ નગર નિયમ મુજબ સળગી ગયું.

લોક ધુમાડાની સાથે વાત પણ કરતું નથી;
લોક ધુમાડાના ઝાંપે આવીને અટકી ગયું.

હું નદીવત્ હું નદીવત્ મંત્રના ઉદ્ગાર હે !
સપ્તસિંધુનું ફરી મોજું મને ભીંજવી ગયું.

બારણે બાંધેલ પડછાયાનું તોરણ – સળવળ્યું;
બારણે બુઝાયેલું આકાશ કો’ ટાંગી ગયું.

ધૂળથી તે આભમાં સૂરજની છાતી વચ્ચોવચ્ચ;
મંદ પગલે કોઈ આવી સાંજ પ્રગટાવી ગયું.

– નયન દેસાઈ

નયન દેસાઈની રચના વાંચો અને કંઈ સાવ જ અનોખું હાથ ન લાગે તો જ નવાઈ. મૌલિકતાથી છલોછલ આ માણસને ભાષાદેવીએ સામે ચાલીને વરમાળા પહેરાવી હોવી જોઈએ, એ વિના ભાષામાં આવું પોત પ્રકટે ક્યાંથી? ગઝલશાસ્ત્રીઓ આ ગઝલમાંથી કાફિયાદોષ શોધી કાઢશે, પણ ગઝલના દરેકેદરેક શેરમાં કવિએ જે વાતાવરણ બાંધી બતાવ્યું છે એનો કોઈ તોડ ખરો એમની પાસે? ગઝલના એકેય શેર ટિપ્પણીના મહોતાજ નથી. પણ એકેય શેરને ત્રણ-ચાર વાંચ્યા વિના આગળ ન વધવા નમ્ર વિનંતી છે… વાંચો, ફરી વાંચો, મમળાવો અને જુઓ ખરી મજા!

Comments (8)