(છોકરીની નજરોએ) – અર્પણ ક્રિસ્ટી
છોકરીની નજરોએ કર્યું જ્યાં ‘સ્માઈલ’ ત્યાં છોકરાને ફૂટી ગઈ પાંખો,
છોકરાના સ્પર્શે સીંચાઈને છોકરીમાં મઘમઘ્યો બાગ આખેઆખો.
આંખોની સામે એ છોકરી ના હોય તોય છોકરાને દેખાતી આખી,
છોકરાનું નામ લેતાં છોકરીને લાગે કે જીંદગીને એણે છે ચાખી.
બંનેની નજરો મળે ત્યારે થઈ જાતી ‘લવ લેટર’ બંનેની આંખો.
છોકરીની નજરોએ કર્યું…….
છોકરાની છાતીમાં છોકરીનું રાજ અને છોકરાને લાગે ‘હું રાજા’,
અંગોમાં છોકરીનાં ઊગે છે છોકરો આ, થઈને ફૂલો રોજ તાજાં.
કોરીકટ ધરતી પર તેઓની વરસી હો જાણે કે વાદળીઓ લાખો…
છોકરીની નજરોએ કર્યું….
-અર્પણ ક્રિસ્ટી
છોકરા-છોકરીનાં ગીત કાને પડતાવેંત ર.પા.ની યાદ આવે. પણ ખરી મજા તો ત્યારે આવે, જ્યારે ર.પા. જેવા પૂર્વસૂરીના ખભે ઊભો હોવા છતાં સર્જક પોતાની વાત પોતાની રીતે કહી શકે. પ્રસ્તુત રચના આ વિષેષતા તુર્ત જ અનુભવાય છે. ગીત કોઈ વિશેષ ટિપ્પણીનું મહોતાજ નથી. સહજસાજ ભાષામાં કવિએ છોકરા-છોકરીની દ્વિપક્ષી પ્રણયકથાને લયના તાંતણે વણી લીધી હોવાથી ગીત સાચા અર્થમાં મનનીય થયું છે.