પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.
મનોજ ખંડેરિયા

પિતૃવિશેષ: ૦૭ : મને જવાબ આપો….- કરસનદાસ લુહાર

ભાગવતના આદિ જળમાં
છાતીબૂડ ઊભા રહી સૂર્યને અર્ધ્ય આપતો,
ગીતાના જર્જરિત પૃષ્ઠોની નિશામાં ઘોરતા
ગૃહસ્થીઓની આંખોમાં જાગતો…
નિદ્રસ્થોને શાપતો,
સવાર-બપોર, સાંજ, રાત…
માળા, પૂજા, ધ્યાન, આરતીમાં વ્યાપતો
અષ્ટંપષ્ટં પ્રલાપતો…
ભારેખમ મોં,
ઝગારા મારતું વિદ્વાન કપાળ-કપાળમાં મોટું ત્રિપુંડ
ખભે જનોઈનું ઝૂંડ
ગળામાં રુદ્રાક્ષની માળા
ચરણમાં શ્યામ પાદુકા
દક્ષિણી પાઘડીમાં સંતાઈને પણ

શ્લોક સાથે લયબદ્ધ ફગફગતી શિખા
–આ બધી નિશાનીઓના

વાંકાચૂકા રસ્તાપર હું ચાલી રહ્યો છું,
એને ગોતવા.
એ પ્રકાંડ પંડિત મારો બાપ હોવાની
મને ચોક્કસ બાતમી મળી છે!
હાલકડોલક છું ત્યારનો.
કહેવાય છે કે :
એક સવારે છાણ વિણવા જતી
અછૂત કન્યાનો પડછાયો પગને સ્પર્શી જતા
આ પુણ્યાત્માએ ત્રણ દિવસના ઉપવાસ
અને સાત નદીઓનાં જળ મંગાવીને
સ્નાન કરેલું!
અવર્ણ કન્યાપર
ટોળાબંધ હાથોના સવર્ણ આકાશમાંથી
વરસેલા પથ્થરોના ધોધમાર વરસાદની વાત
પછી સૂકાઈ ગઈ’તી.
હું ગોતું છું મારા એ પુણ્યશાળી બાપને!
મળે તો મારે
આટલું જ પૂછવું છે :
એક મેઘલી સાંજે,
નદી કાંઠે ખખડધજ શિવાલયનાં
અવાવરુ એકાંતમાં
ફૂટડાં અંગોવાળી
એ જ અછૂત કન્યાનાં
કુંવારા ઉદરમાં ઝનૂનપૂર્વક

મને વાવ્યા પછી તમે–
કેટલા દિવસના ઉપવાસ કરેલા?
કેટલી નદીઓનાં પાણી
તમારી સવર્ણ કાયા પર ઠાલવેલાં??
બોલો, બાપુ બોલો…
મને જવાબ આપો!
મને જવાબ…!
મને…!!!
મ……!!!!

– કરસનદાસ લુહાર

નિ: શબ્દ કરી મૂકતી રચના…

કોઈ જ ટિપ્પણીની જરૂર જ નથી….

6 Comments »

  1. Sapana said,

    December 11, 2024 @ 11:28 PM

    બાપ પાસે જવાબ માંગવો સહેલો નથી અને બાપ શું જવાબ આપે? ખૂબજ સચોટ હ્ર્દયસ્પર્શી રચના !

  2. Dhruti Modi said,

    December 12, 2024 @ 4:08 AM

    કવિતાએ જબરો આઘાત આપ્યો ! કોને સંત ગણવા અને કોને બદમાશ ! ભૂલ કે પાપ કર્યા પછી ગભરું કન્યાને તહોમતદાર બનાવતા અને કેટલી નદીઓના પાણી પોતાની (કહેવાતી) સુવર્ણ કાયા પર ઠાલવી નિર્દોષને પત્થરનો માર આપનાર એ બાપને શોધવા નીકળેલા કવિ……
    વાહ, હિમ્મતવાન કવિને પ્રણામ !

  3. Rita trivedi said,

    December 12, 2024 @ 6:32 AM

    શિયાળા ની વહેલી સવારે આ ગરમજોશ કવિતા વાંચી.આભાર લયસ્તરો.અજાત ગભરુ કન્યા ને સજાત, વિદ્વાન બાપ નો વિરોધમાંભાસ એવો સુરેખ અંકાયો છે કે તે ભાવક ને બળપૂર્વક ખેંચી જ જાય.ને પછી બાપ ને પગલે ને પડછાયે શોધતો મ…..અછાન્દસ કવિતા લીલીછમ થ ઈ ને લહેરાઇ ઉઠી છે અહીં.

  4. વિવેક said,

    December 12, 2024 @ 11:17 AM

    સાચે જ હૃદયા હચમચાવી દે એવી અભિવ્યક્તિ…. ગુજરાતી કવિતામાં આ પ્રકારની રચના બહુ જૂજ જ જોવા મળે છે… ભાગ્યે જ કોઈ કવિ આવા વિષય હાથમાં લેતા જોવા મળે છે… કવિને સો સો સલામ…

  5. ધવલ શાહ said,

    December 12, 2024 @ 7:42 PM

    ચોટદાર રચના 🙏🙏

  6. Preeti Pujara said,

    December 21, 2024 @ 9:21 AM

    no words to express superb composition…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment