(પ્રિય પપ્પા! હવે તો) – મુકુલ ચોક્સી
પ્રિય પપ્પા! હવે તો તમારા વગર,
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર.
આ નદી જેમ હું પણ બહુ એકલી,
શી ખબર કે હું તમને ગમું કેટલી.
આપ આવો તો પળ બે રહે છે અસર,
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર.
યાદ તમને હું કરતી રહું જેટલી,
સાંજ લંબાતી રહે છે અહીં એટલી.
વ્હાલ તમનેય જો હો અમારા ઉપર,
અમને પણ લઈને ચાલો તમારે નગર.
– મુકુલ ચોક્સી
કોઈપણ કવિના જન્મદિવસને વધાવવા માટે એમની કવિતા વાંચવા-સહિયારવાથી વિશેષ ઉત્તમ ઉપક્રમ બીજો કોઈ હોઈ શકે ખરો? આજે કવિશ્રી મુકુલ ચોક્સીને એમના પ્રાકટ્યપર્વ ઉપર અઢળક મબલખ વધાઈ આપવા સાથે એમની એક મજાની ગીતરચના માણીએ…
લયસ્તરો પર થોડા દિવસો પહેલાં જ આપણે ‘પિતૃવિશેષ’ શ્રેણી માણી… આજે એક હળવુંફૂલ ગીત માણીએ. મને ખ્યાલ છે ત્યાં સુધી ‘પ્રિય પપ્પા’ નાટક માટે મુકુલભાઈએ આ ગીત લખ્યું હતું. કોઈપણ ભારઝલ્લી વાત, અઘરા રૂપકો, ઝળાંહળાં કરી દે એવાં વિશેષણો કે પિતાનું સૌને કોઠે પડી ગયેલ માહાત્મ્ય વિના દીકરી ફક્ત પોતાના હૈયાની વાત જ ગીતસ્વરૂપે આપણી સાથે સહિયારે છે… અને એટલે જ ગીત વાંચતાવેંત આંખોના ખૂણે ભેજ તરવરી ઊઠે છે…
gaurang thaker said,
December 21, 2024 @ 11:38 AM
વાહ વાહ… ખૂબ જ સરસ
Meena said,
December 21, 2024 @ 11:38 AM
પિતા કે દીકરી ના હોય એમના પણ હૈયાને સ્પર્શી જાય એવું અત્યંત સંવેદનશીલ ઊર્મિગીત!
Vinod Manek 'Chatak' said,
December 21, 2024 @ 11:56 AM
જન્મદિવસની શુભકામનાઓ કવિ…
સરસ ગીત
લલિત ત્રિવેદી said,
December 21, 2024 @ 12:23 PM
સરસ રચના… કવિને જન્મદિન નિમિત્તે મબલખ વધાઈ
Aasifkhan Pathan said,
December 21, 2024 @ 12:34 PM
Vaah vahh
Varij Luhar said,
December 21, 2024 @ 12:54 PM
વાહ.. સરસ રચના.. કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ..
Lata Hirani said,
December 21, 2024 @ 1:21 PM
સરળ અને સરસ કાવ્ય
સુનીલ શાહ said,
December 21, 2024 @ 2:56 PM
મઝાનું ગીત