હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !
ભગવતીકુમાર શર્મા

તમાશાને તેડાં – સંજુ વાળા

તમાશાને મોકલ્યાં રે તેડાં
સપરમો દાડો જોઈ કરવાને બેઠા રે કવિતા
.                  જોડી નામઠામ વગરના નેડા.
.                  તમાશાને મોકલ્યાં રે તેડાં.

પેનમાં સુકાઈ ગઈ શાહીને મનાવવા
હાથ જોડી શાંતચિત્તે કરીએ આરાધના
ખીચોખીચ ઊભરાતા કોટિ કોટિ કાગળોના
પારને પમાય એવી કઈ હશે સાધના?
તણખામાં દાવાનળ સમેટાય જાણું પણ
.                  કેમ સંકેલાય કોઈ લંબાયેલા છેડા?
.                  તમાશાને મોકલ્યાં રે તેડાં.

કાગારોળ કરી કરી ઢળી પડી જીભ અને
ઝૂરી ઝૂરી પાક્યાં પાંચે આંગળીનાં ટેરવાં
બાવડાં તો દીધાં પણ બળ એમાં પૂર્યાં નહીં
સામે તાણ ચડતા ભીનારા કેમ ઝેરવા?
કોને જઈ પૂછીએ ને કાઢીએ પિછાણ ક્યાં?
.                  કેટલે પહોચાડે કોઈ નકશાના કેડા?
.                  તમાશાને મોકલ્યાં રે તેડાં

– સંજુ વાળા

માતૃભાષા દિન આવ્યો? લખો કવિતા… મધર્સ ડે આવ્યો? લખો કવિતા… વસંતપંચમી? લખો કવિતા… પહેલો વરસાદ? અતિવૃષ્ટિ? ઓછો વરસાદ? –લખો કવિતા… સૉશ્યલ મિડિયા પર પ્રસંગ પ્રમાણે રચનાઓ રેલાવતા સર્જકોનો લીલો દુકાળ છે… પ્રસ્તુત રચના જાણે કે આવા સર્જકો માટે જ લખાઈ છે! નામઠામ વગરના નેડા જોડીને સપરમો દહાડે કવિતા કરવા બેસી જવું એટલે તમાશાને તેડાં આપવાં. વિલિયમ વર્ડ્ઝવર્થે ૧૮00ની સાલમાં કહ્યું હતું: કવિતા બળકટ લાગણીઓનો સ્વયંસ્ફુર્ત ઊભરો છે: તે પ્રશાંતાવસ્થામાં ભાવના અનુસ્મરણમાંથી ઉદભવે છે.

સર્જનશક્તિનો સ્રોત સૂકાઈ ગયો હોય તો શાંત ચિત્તે હાથ જોડી સરસ્વતીની આરાધના કરવી જોઈએ. ઇયત્તાના મહાસાગરની પેલે પારની ગુણવત્તાને પામવા સાધના કરવી જોઈએ. કવિતા એટલે તો તણખામાં દાવાનળ, બુંદમાં સાગર અને બીજમાં વૃક્ષ! બિનમતલબી પથારો સંકેલતાં ન આવડે એ કવિતડાં કરી શકે, કવિતા નહીં. કવિતા બળનું નહીં, સામે તાણ ચડતા ભીનારાને, ઊર્મિઓના દુર્દમ્ય ઊભરાને ઝેરવવાનું કામ છે. કવિતાના ક્ષેત્રમાં માર્ગદર્શન તો કેવળ ઉપલક સહાય છે, આ યાત્રા તો આપબળે ને આપમેળે, પોતાની કેડી પોતે કંડારીને જ કરવાની છે… કવિતા એટલે રોડ લેસ ટ્રાવેલ્ડ પર મુસાફરી કરવાની કળા…

ગીતસંરચનામાં જેમને રસ હોય એમને આ ગીતના લયમાં પણ મજા આવશે. સામાન્ય રીતે ગીતો માત્રામેળ છંદોમાં લખાય છે, પણ કવિએ અહીં અક્ષરમેળ વૃત્ત- મનહર છંદ પ્રયોજ્યો છે. બીજા બંધમાં પહેલી બે પંક્તિમાં છલકાતી વર્ણસગાઈ ઉપરાંત ‘કરી કરી ઢળી પડી’ની લચક તથા ‘કરી,’ ઝૂરી’ની પુનરોક્તિ ગીતના લયને વધુ લવચિક બનાવે છે…

8 Comments »

  1. kishor Barot said,

    September 19, 2024 @ 11:11 AM

    આજના ફેસબુકિયા કવિઓ પર વ્યંગનો ચાબખો.
    વાહ, સંજુભાઈ.

  2. Hema Mehta said,

    September 19, 2024 @ 11:15 AM

    વાસ્તવિકતાને દર્શાવતી અપ્રતિમ કવિતા અને રસાસ્વાદ સોને પે સૂહાગા.કવિતા એટલે રોડલેસ ટ્રાવેલ્ડ પર મુસાફરી કરવાની કળા આ અદ્ભુત તારણ વિવેકભાઇ👌🙏🏻

  3. DILIPKUMAR CHAVDA said,

    September 19, 2024 @ 11:37 AM

    જોરદાર વ્યગં,
    Eye Opner for Many

  4. આરતી સોની said,

    September 19, 2024 @ 12:40 PM

    વાહ વાહ
    કવિતા થકી કવિતાઓ પર ચાબખો

  5. હર્ષદ દવે said,

    September 19, 2024 @ 12:52 PM

    સરસ કવિતા. આસ્વાદથી સારી રીતે માણી. અભિનંદન.

  6. મિત્ર રાઠોડ said,

    September 19, 2024 @ 1:39 PM

    વાહ, ખૂબ સરસ

  7. સંજુ વાળા said,

    September 19, 2024 @ 2:34 PM

    ધન્યવાદ

    સરસ આસ્વાદ.

    સૌ મિત્રોને પણ સ્નેહસ્મરણ

  8. Dipak Peshwani said,

    September 19, 2024 @ 4:54 PM

    વાહ… સાંપ્રતને અનુરૂપ કવિતા.. તેવો જ આસ્વાદ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment