(સકલમાં ઓગળે છે) – જાતુષ જોશી
કોઈ પૃથ્વી, જળ, ગગન, વાયુ, અનલમાં ઓગળે છે,
કોઈ એવી રીતથી જાણે સકલમાં ઓગળે છે.
કોઈ કેવળ સાત રંગોની રમત જોયા કરે છે,
કોઈ બહુ સમજી-વિચારીને ધવલમાં ઓગળે છે.
કોઈ કુંતલના તિમિરથી તરબતર થઈ સૂઈ ગયું છે,
કોઈનું હોવાપણું ત્યાં એક તલમાં ઓગળે છે.
કોઈ ત્યાં તટ પર સરોવરની હવા શ્વસતું રહે છે,
કોઈના સહુ શ્વાસ સૌરભમય કમલમાં ઓગળે છે.
કોઈમાં એની ગઝલ અમથી જ ઓગળતી રહે છે,
કોઈ બસ અમથું જ પાછું એ ગઝલમાં ઓગળે છે.
– જાતુષ જોશી
ગઝલના પાંચેય શેરના દસેદસ મિસરાનો પ્રારંભ “કોઈ”થી થાય છે. આ કોઈ કોઈપણ હોઈ શકે, હું, આપ કે અન્ય કોઈ પણ. એ અર્થમાં આ ગઝલ સૌની ગઝલ બની રહે છે. દરેક મિસરાનો અંત પણ ‘છે’થી થાય છે. ગઝલમાં રદીફ અથવા રદીફનો અંશ ઉલા મિસરામાં વાપરી ન શકાય, એટલે ગઝલની પરિભાષામાં જોઈએ તો મત્લા પછીના દરેક શેરમાં તકાબીલ રદીફ દોષ થયો ગણાય. પણ કવિએ દસેય પંક્તિઓમાં આદ્યંતે સમાન શબ્દ વાપરવાની રચનાનીતિ અપનાવી હોવાથી પ્રયોગના ધોરણે આ નિર્વાહ્ય જણાય છે.
પંચમહાભૂતોથી બનેલ દેહ પંચમહાભૂતમાં જ વિલીન થઈ જાય છે. દરેક સજીવ પંચમહાભૂતોથી જ બન્યો હોવા છતાં દરેક વ્યક્તિ એકબીજાથી અલગ તરી આવે છે. માટી એક જ હોવા છતાં સૌના ઘાટ અલગ છે, પણ કોઈ કોઈ એવાય હોય છે, જે સૌમાં સમરસ થઈ સૌ સાથે સમભાવથી રહેતાં હોય છે. આ જ વાત બીજા શેરમાં સાત રંગોના સંમિશ્રણથી સફેદ રંગ બને છે એ વૈજ્ઞાનિક હકીકતનો આધાર લઈ કવિએ રજૂ કરી છે. કુંતલ એટલે વાળની લટ. એય શ્યામ અને તલ પણ શ્યામ. કુંતલ અને તલ વચ્ચેની વર્ણસગાઈ અને રંગસગાઈનો સમુચિત ઉપયોગ કરીને કવિએ કેવો મજાનો શેર સર્જ્યો છે! શેખાદમનો અમર શેર પણ યાદ આવે:
ભેલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું.
સરવાળે આખી ગઝલ મજાની થઈ છે.
Yogesh Samani said,
October 4, 2024 @ 9:11 AM
અફલાતૂન ગઝલ. આનંદ.
Nilam Roy said,
October 4, 2024 @ 9:14 AM
ગઝલનું બંધારણ અને સ્વરૂપ પારખવા જઈએ તો માણવાની મજા બગડી જાય છે. પણ બસ, એક એક શબ્દમાં ઓગળીએ તો વહી જવાય છે. ખૂબ સુંદર કલ્પન !
યજ્ઞેશ જોશી said,
October 4, 2024 @ 10:21 AM
ભાઈ જાતુષ ની ગઝલો એનો અગમ માં વિહાર નાં સ્પર્શની અનુભૂતિ કરાવતો હોય છે.. ઓગળી જવાની તૈયારી અને તેની અનુભૂતિ એક અલગ જ વિશ્વ નો ઉઘાડ કરે છે… જાતુષ ની આવી અનુભૂતિ માં થી નીકળતી શબ્દરચના આપણને એ વિશ્વ તરફ દોરી જશે.
અને તે પણ એવું જ ઇચ્છતો હોય.
લલિત ત્રિવેદી said,
October 5, 2024 @ 8:38 PM
ખૂબ સરસ ગઝલ… અભિનંદન અને રાજીપો
JATUSH JOSHI said,
October 20, 2024 @ 11:39 AM
ખૂબ ખૂબ આભાર… આનંદ.