જાતુષ જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
October 4, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
કોઈ પૃથ્વી, જળ, ગગન, વાયુ, અનલમાં ઓગળે છે,
કોઈ એવી રીતથી જાણે સકલમાં ઓગળે છે.
કોઈ કેવળ સાત રંગોની રમત જોયા કરે છે,
કોઈ બહુ સમજી-વિચારીને ધવલમાં ઓગળે છે.
કોઈ કુંતલના તિમિરથી તરબતર થઈ સૂઈ ગયું છે,
કોઈનું હોવાપણું ત્યાં એક તલમાં ઓગળે છે.
કોઈ ત્યાં તટ પર સરોવરની હવા શ્વસતું રહે છે,
કોઈના સહુ શ્વાસ સૌરભમય કમલમાં ઓગળે છે.
કોઈમાં એની ગઝલ અમથી જ ઓગળતી રહે છે,
કોઈ બસ અમથું જ પાછું એ ગઝલમાં ઓગળે છે.
– જાતુષ જોશી
ગઝલના પાંચેય શેરના દસેદસ મિસરાનો પ્રારંભ “કોઈ”થી થાય છે. આ કોઈ કોઈપણ હોઈ શકે, હું, આપ કે અન્ય કોઈ પણ. એ અર્થમાં આ ગઝલ સૌની ગઝલ બની રહે છે. દરેક મિસરાનો અંત પણ ‘છે’થી થાય છે. ગઝલમાં રદીફ અથવા રદીફનો અંશ ઉલા મિસરામાં વાપરી ન શકાય, એટલે ગઝલની પરિભાષામાં જોઈએ તો મત્લા પછીના દરેક શેરમાં તકાબીલ રદીફ દોષ થયો ગણાય. પણ કવિએ દસેય પંક્તિઓમાં આદ્યંતે સમાન શબ્દ વાપરવાની રચનાનીતિ અપનાવી હોવાથી પ્રયોગના ધોરણે આ નિર્વાહ્ય જણાય છે.
પંચમહાભૂતોથી બનેલ દેહ પંચમહાભૂતમાં જ વિલીન થઈ જાય છે. દરેક સજીવ પંચમહાભૂતોથી જ બન્યો હોવા છતાં દરેક વ્યક્તિ એકબીજાથી અલગ તરી આવે છે. માટી એક જ હોવા છતાં સૌના ઘાટ અલગ છે, પણ કોઈ કોઈ એવાય હોય છે, જે સૌમાં સમરસ થઈ સૌ સાથે સમભાવથી રહેતાં હોય છે. આ જ વાત બીજા શેરમાં સાત રંગોના સંમિશ્રણથી સફેદ રંગ બને છે એ વૈજ્ઞાનિક હકીકતનો આધાર લઈ કવિએ રજૂ કરી છે. કુંતલ એટલે વાળની લટ. એય શ્યામ અને તલ પણ શ્યામ. કુંતલ અને તલ વચ્ચેની વર્ણસગાઈ અને રંગસગાઈનો સમુચિત ઉપયોગ કરીને કવિએ કેવો મજાનો શેર સર્જ્યો છે! શેખાદમનો અમર શેર પણ યાદ આવે:
ભેલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું.
સરવાળે આખી ગઝલ મજાની થઈ છે.
Permalink
August 24, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે,
હાર છે, હા, બેઉ પક્ષે હાર છે.
કોઈને શ્રદ્ધા હશે ઈશ્વર ઉપર,
આપણે તો આપણો આધાર છે.
આંખ અંજાઈ ગઈ અજવાસથી,
આંખ સામે એટલે અંધાર છે.
આ સકલ સંસાર કંઈ મોટો નથી,
આપણાં મનનો ફકત વિસ્તાર છે.
શબ્દને નાનો-સૂનો સમજો નહીં,
શબ્દ ઈશ્વરનો જ તો અવતાર છે.
– જાતુષ જોશી
સરળ-સહજ-સાધ્ય અને સંતર્પક.
Permalink
August 2, 2024 at 10:43 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
એક થીજેલા સરોવરની કથા સાંભળ,
એ પછી મન ‘હા’ કહે તો તુંય બનજે જળ.
આ બધું અંધારનું ષડ્યંત્ર લાગે છે,
એ વિના હોતી હશે કૈં આટલી ઝળહળ?
સૂર્યનું છેલ્લું કિરણ ત્યાં ઘાસમાં પેઠું,
ને સવારે ઘાસ પર સૂતું હતું ઝાકળ!
કોઈ બારી બ્હારનાં દૃશ્યો નિહાળે છે,
કોઈ એ દૃશ્યો વિષે કરતું રહે અટકળ.
મેં નદીને જીવવાની રીત પૂછી’તી,
એ કશું બોલી નહીં, વ્હેતી રહી ખળખળ.
– જાતુષ જોશી
થીજી જવું એટલે અટકી જવું, નિષ્પ્રાણ થઈ જવું. આપણે ત્યાં તો એટલી ઠંડી પડતી નથી, પણ દુનિયામાં ઘણા દેશો એવા છે, જ્યાં સરોવર અને ધોધ થીજી જતાં હોય છે. સરોવર જ્યારે થીજી જાય છે ત્યારે જળનો અર્થ જ બદલાઈ જાય છે. નથી એનું પાણી પી શકાતું કે નથી એ કાંઠાની વનસ્પતિઓને જીવન દેવામાં ખપ લાગતું. થીજી જવાની નિયતિનો સ્વીકાર કરવાની તૈયારી હોય તો જ જળ બનવાની ઇચ્છા કરવી જોઈએ એ વાત સાથે ગઝલનો આરંભ થાય છે. પ્રકાશની મહત્તા અંધકારના અસ્તિત્વ વિના સંભવ જ નથી. સાંજે સૂર્યનું છેલ્લું કિરણ ઘાસમાં પેસે અને સવારે એ ઝાકળમાં પરિવર્તિત થઈ જાય એ કલ્પનચિત્ર પણ કેવું મજાનું થયું છે! દૃશ્યવાળા શેરમાં પણ બે અંતિમોએ જીવતા માનવીને કવિએ ઓછામાં ઓછા શબ્દોની મદદથી તાદૃશ કરી બતાવ્યો છે. છેલ્લો શેર તો ખૂબ જાણીતો છે. આવી જ વાત કરતી કોઈક કવિતા વાંચ્યાનું સ્મરણ થાય છે, પણ યાદદાસ્ત પૂરો સાથ નથી આપી રહી. કોઈ વાચકમિત્ર શોધી આપે તો આનંદ.
Permalink
March 12, 2022 at 9:03 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
સપાટી ચાર ભીંતોની ભલે રંગીન લાગે છે,
સકળ અવકાશ વચ્ચેનો ઘણો ગમગીન લાગે છે.
સમયની ભોંયનું તળ ખોદવાથીયે નથી મળતું,
સમય કરતાંય ઊંડું મન ઘણું પ્રાચીન લાગે છે.
ઘણું સૂતાં પછી જાગી ગયો છે આખરે એ જણ,
હવે એને જગત આખુંય નિદ્રાધીન લાગે છે.
ઘડીભર ઢીલ દે, ખેંચે ઘડીમાં શ્વાસની દોરી,
કે જીવ ઉડાવવાનો એ અજબ શોખીન લાગે છે.
બધાંની હાજરીના ખ્યાલથી એ બ્હાર ના આવ્યું,
મને એ આંખનું આંસુંય તે શાલીન લાગે છે.
– જાતુષ જોશી
આજે ચારે તરફ જેનું ત્સુનામી ફરી વળ્યું છે એ ગઝલોના ટોળામાંથી સાવ અલગ અને અડીખમ ઊભી રહી શકે એવી કાવ્યબાની અહીં સાંભળવા મળે છે. રંગીન દીવાલોની વચ્ચેના ખાલી કમરાની ગમગીની જોઈ શકનાર કવિ આમેય અન્યોથી અલગ જ હોવાનો. સંસારમાં એવું કશું નથી જે સમયના ગર્ભમાં દટાયું પડ્યું ન હોય. પણ સાચો કવિ જ એ જે એ જોઈ શકે, જે અન્યોની નજરથી ઓઝલ હોય. સમયને ગમે એટલો ખોડો, ગમે એટલા ઊંડે જાવ પણ મન સમયથી પણ વધુ ઊંડું છે, મનનો તાગ મેળવવો સંભવ જ નથી. અને બીજાની હાજરીનો ખ્યાલ કરી જે આંસુ આંખનો ઉંબરો ઓળંગીને બહાર આવવું ટાળે છે એ આંસુને શાલીનકરાર આપતો શેર તો ભાઈ વાહ ! સરવાળે અદભુત ગઝલ…
Permalink
May 1, 2012 at 12:31 AM by ધવલ · Filed under ગઝલ, જાતુષ જોશી
ક્ષણોનો સવાર ક્યાં છે? ક્ષણ મારમાર ક્યાં છે?
ક્ષણક્ષણને વીંધતું એ શર ધારદાર ક્યાં છે?
એ આંખથી જ બોલે ને આંખ ભેદ ખોલે;
ધેઘૂર રિક્ત આંખે એકે વિચાર ક્યાં છે?
અસ્તિત્વ ઝળહળળ છે, અસ્તિત્વ રણઝણણ છે;
અસ્તિત્વ ઝરમરરનો એ સૂત્રધાર ક્યાં છે?
આરોહ પણ નથી ને અવરોહ પણ નથી ત્યાં;
એના મિજાજના જો કોઈ પ્રકાર ક્યાં છે?
ક્યારેક ‘હા’ કહે ને ક્યારેક ‘ના’ કહે પણ,
‘હા’માં ‘હકાર’ ક્યાં છે? ‘ના’માં ‘નકાર’ ક્યાં છે?
– જાતુષ જોશી
માણસની ખરી લડાઈ સમય સાથે છે. બીજા શેરમાં ‘ધેઘૂર રિક્ત આંખ’ પ્રયોગ તીણો ખાલીપો છોડી જાય એટલો સશક્ત છે. ત્રીજો શેર જીંદગીને ઉજવે છે. પણ એમાં ય સૂત્રધાર (પોતાની જાત?)ની શોધ તો બાકી જ છે. છેલ્લો શેર વાંચતા જ મરીઝના બે અમર શેર ‘મન દઈને મરીઝ એ હવે…’ અને ‘ક્યાં કહું આપની હા હોવી જોઈએ…’ તરત જ યાદ આવી જાય છે.
Permalink
May 14, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
ભલે આકાશ છલકાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા,
પળેપળ આજ મન થાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા.
અટારી સપ્તરંગી આભમાં ઝળહળ ઝળહળ ઝળકે,
સતત ત્યાં કોણ ડોકાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.
બધી રજકણ ચરણરજ છે, પવન પણ પત્ર કેવળ છે,
કિરણ થઈ કોણ ફેલાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.
અચાનક એક પીંછું પાંપણે અડકી ગયું રાતે,
વિહગ શું ત્યાં જ સંતાતું? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.
નિશા કાયમ ગગનના કુંભમાં નકરું તમસ રેડે,
તમસ ટપકીને ક્યાં જાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.
– જાતુષ જોશી
મહાકવિ વેદ વ્યાસ રચિત બ્રહ્મસૂત્ર એ વેદાંતનો મુખ્ય ગ્રંથ છે. આ ગ્રંથના પહેલા અધ્યાયના પહેલા પદની પહેલી કડીમાં ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’ કહેવાયું છે. અર્થાત્ હવે અહીંથી બ્રહ્મ વિષયક વિચારણાનો આરંભ થાય છે અથવા હું જે આ ગ્રંથ લખું છું તે બ્રહ્મવિદ્યાનો ગ્રંથ છે.
કવિ બ્રહ્મની તલાશ હાથમાં ગઝલ લઈને આદરે છે. માશુક-માશુકા અને સાકી-શરાબના સીમાડાઓ વળોટીને ગઝલ કેટલી આગળ વધી ગઈ છે !
Permalink
August 8, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
રજેરજમાં પ્રવેશ્યા બાદ એ એમાં રહે છે કે ?
પરોઢે આવતાં કિરણો, કહો, પાછાં ફરે છે કે ?
તમે ક્યારેક ખરતાં ફૂલને થોડું જીવી જોજો,
અને જોજો કે છેલ્લા શ્વાસ ખુદના મઘમઘે છે કે ?
બધાયે ચક્રવાતો આખરે તો શાંત થઈ જાતા,
પરંતુ આપણી એકાદ પણ ઇચ્છા શમે છે કે ?
ગહન અંધારને આરાધતાં પહેલાં ચકાસી લ્યો
તમારું મન કદી તારક બનીને ટમટમે છે કે ?
નદી વ્હેતી જ રે’શે તો કશુંયે હાથ નહીં લાગે,
નદી અટકે અને બેઉ કિનારાઓ વહે છે કે ?
– જાતુષ જોશી
– વાંચતા જ ગમી જાય પણ ફરીવાર વાંચતા જ પ્રેમમાં પાડી દે એવી ગઝલ. સૂર્યથી મોટો અયાચક બીજો કોણ હોઈ શકે ? એના કિરણો રજેરજમાં વ્યાપ્ત થઈ ગયા પછી પણ ક્યાંય ઘર કરીને રહેતાં નથી અને દરેક પરોઢે અચૂક પાછાં પણ આવે જ છે. દરેકમાં પ્રવેશવું પણ કશામાં પ્રવેશી ન જવું – કેવી મોટી વાત ! બીજો શેર ખાસ ધ્યાન માંગી લે છે. આમ તો ખરતાં ફૂલ જેવું જીવી જવાની અને એ રીતે લાંબા અંતરાલ સુધી મહેંક્યા કરવાની નાનકડી જ વાત છે પણ જે મજા છે એ કવિએ પ્રયોજેલા ‘જીવી’ શબ્દમાં છે. આ એક શબ્દ આ શેરને અમર કાવ્યત્વ બક્ષે છે…
Permalink
April 22, 2007 at 1:33 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
અંત ને શરૂઆત લઇ ઊભા છીએ,
જાત ખોઇ, જાત લઇ ઊભા છીએ.
ક્યાં અહીં અજવાસ કે અંધાર છે?
ક્યાં દિવસ કે રાત લઇ ઊભા છીએ?
કોઇ પ્રત્યાઘાત તો શોધો જરા,
મર્મ પર આઘાત લઇ ઊભા છીએ.
એક ઢળતી પળ હજી પામી મરણ,
એક પળ નવજાત લઇ ઊભા છીએ.
શબ્દ તો સાપેક્ષ છે, નિરપેક્ષ છે,
શબ્દને સાક્ષાત લઇ ઊભા છીએ.
-જાતુષ જોશી
જાતુષ જોશીની કવિતામાં પરંપરાના પ્રતીકો પોતીકી તાજગી સાથે આવતા હોવાથી એમાં વાસીપણાની બદબૂ નહીં, પણ ઓસની ભીનાશ વર્તાય છે અને એનું કારણ તો વળી એ પોતે જ આપે છે કે શબ્દને સાક્ષાત્ લઈ ઊભા છીએ. એક ક્ષણના મૃત્યુના ગર્ભમાં બીજી ક્ષણ જન્મ લઈ રહી હોવાનો ઈંગિત પણ તરત જ ગમી જાય એવો છે.
Permalink
October 14, 2006 at 5:34 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
આમ તો બસ એ જ અંતિમ લક્ષ્ય છે
એ વિષે પણ કેટલાં મંતવ્ય છે.
કૈંક ખૂણા ગોળ પૃથ્વીમાં જડે !
જો, અહીં અગ્નિ, પણે વાયવ્ય છે.
આપણો સંતત્વનો દાવો નથી,
આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે.
વ્હેંચવાથી જે સતત વધતું રહે,
આ હૃદયમાં એક એવું દ્રવ્ય છે.
સ્વપ્નનો છે અર્થ કેવળ શક્યતા;
સ્વપ્ન પણ આવે નહીં એ શક્ય છે.
જાતુષ જોશી
-આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે કહીને કેટલી સરળતાથી મનુષ્યજીવનની નબળાઈનો કવિએ સ્વીકાર કરી લીધો ! અને સ્વપ્નની વ્યાખ્યા અને વાસ્તવિક્તાને મત્લાની બે કડીમાં સાંકળીને બોટાદના જાતુષ જોશીએ કમાલ નથી કરી લીધી ! (જન્મ : 02-01-1979)
Permalink
June 25, 2006 at 6:22 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી,
આંખની સામે રહેલું રણ ફકત રેતી નથી.
કોઈ ત્યાં એવી રીતે આ વ્હેણને જોયા કરે,
કે નદી જેવી નદી આગળ પછી વ્હેતી નથી.
આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે,
આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.
આ ક્ષણો તો મસ્ત થઈને મોજથી ચાલ્યા કરે,
કાંઈ એ લેતી નથી ને કાંઈ પણ દેતી નથી.
હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.
જાતુષ જોશી
Permalink