એની પણ જરૂર
વ્યથા વારતા હશે,
વાદળો કેમ આમ
આંસુ સારતા હશે !!!
– અતુલ દવે

(કથા સાંભળ) – જાતુષ જોશી

એક થીજેલા સરોવરની કથા સાંભળ,
એ પછી મન ‘હા’ કહે તો તુંય બનજે જળ.

આ બધું અંધારનું ષડ્યંત્ર લાગે છે,
એ વિના હોતી હશે કૈં આટલી ઝળહળ?

સૂર્યનું છેલ્લું કિરણ ત્યાં ઘાસમાં પેઠું,
ને સવારે ઘાસ પર સૂતું હતું ઝાકળ!

કોઈ બારી બ્હારનાં દૃશ્યો નિહાળે છે,
કોઈ એ દૃશ્યો વિષે કરતું રહે અટકળ.

મેં નદીને જીવવાની રીત પૂછી’તી,
એ કશું બોલી નહીં, વ્હેતી રહી ખળખળ.

– જાતુષ જોશી

થીજી જવું એટલે અટકી જવું, નિષ્પ્રાણ થઈ જવું. આપણે ત્યાં તો એટલી ઠંડી પડતી નથી, પણ દુનિયામાં ઘણા દેશો એવા છે, જ્યાં સરોવર અને ધોધ થીજી જતાં હોય છે. સરોવર જ્યારે થીજી જાય છે ત્યારે જળનો અર્થ જ બદલાઈ જાય છે. નથી એનું પાણી પી શકાતું કે નથી એ કાંઠાની વનસ્પતિઓને જીવન દેવામાં ખપ લાગતું. થીજી જવાની નિયતિનો સ્વીકાર કરવાની તૈયારી હોય તો જ જળ બનવાની ઇચ્છા કરવી જોઈએ એ વાત સાથે ગઝલનો આરંભ થાય છે. પ્રકાશની મહત્તા અંધકારના અસ્તિત્વ વિના સંભવ જ નથી. સાંજે સૂર્યનું છેલ્લું કિરણ ઘાસમાં પેસે અને સવારે એ ઝાકળમાં પરિવર્તિત થઈ જાય એ કલ્પનચિત્ર પણ કેવું મજાનું થયું છે! દૃશ્યવાળા શેરમાં પણ બે અંતિમોએ જીવતા માનવીને કવિએ ઓછામાં ઓછા શબ્દોની મદદથી તાદૃશ કરી બતાવ્યો છે. છેલ્લો શેર તો ખૂબ જાણીતો છે. આવી જ વાત કરતી કોઈક કવિતા વાંચ્યાનું સ્મરણ થાય છે, પણ યાદદાસ્ત પૂરો સાથ નથી આપી રહી. કોઈ વાચકમિત્ર શોધી આપે તો આનંદ.

10 Comments »

  1. Asmita shah said,

    August 2, 2024 @ 11:27 AM

    આહલાદક….નવિન કલ્પન સાથે…ખૂબ સુંદર

  2. Varij Luhar said,

    August 2, 2024 @ 11:32 AM

    વાહ. સરસ ગઝલ અને આસ્વાદ

  3. હેમંત પુણેકર said,

    August 2, 2024 @ 11:33 AM

    સુંદર કલ્પનોથી શોભતી મજાની ગઝલ, વાહ જાતુષભાઈ!

  4. Vimal Agravat said,

    August 2, 2024 @ 3:09 PM

    વાહહ જાતુષ, સુંદર ગઝલ

  5. Vimal Agravat said,

    August 2, 2024 @ 3:12 PM

    વાહ જાતુષ, સરસ ગઝલ

  6. Neha Purohit said,

    August 2, 2024 @ 4:06 PM

    ખૂબ જ ગમેલી કૃતિ.. જાતુષભાઈને અભિનંદન..

  7. Dahyabhai Padaya said,

    August 2, 2024 @ 4:18 PM

    સરસ ગઝલ, અદ્ભૂત સજીવારોપણ

  8. લલિત ત્રિવેદી said,

    August 3, 2024 @ 12:16 PM

    ખૂબ ખૂબ સરસ ગઝલ… બધાં જ શેર સરસ હોય એ કેવું દૈવત.. રાજીપો

  9. JATUSH JOSHI said,

    August 7, 2024 @ 11:10 PM

    આભાર ….આનંદ 🙏

  10. Poonam said,

    August 26, 2024 @ 9:15 PM

    મેં નદીને જીવવાની રીત પૂછી’તી,
    એ કશું બોલી નહીં, વ્હેતી રહી ખળખળ. My favourite sher !
    – જાતુષ જોશી –
    Matla 👌🏻

    Aaswad 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment