તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની.
શૂન્ય પાલનપુરી

ગઝલ- જાતુષ જોશી

આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી,
આંખની સામે રહેલું રણ ફકત રેતી નથી.

કોઈ ત્યાં એવી રીતે આ વ્હેણને જોયા કરે,
કે નદી જેવી નદી આગળ પછી વ્હેતી નથી.

આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે,
આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.

આ ક્ષણો તો મસ્ત થઈને મોજથી ચાલ્યા કરે,
કાંઈ એ લેતી નથી ને કાંઈ પણ દેતી નથી.

હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.

જાતુષ જોશી

3 Comments »

  1. ધવલ said,

    June 25, 2006 @ 5:56 PM

    ગઝલ તો ઉમદા છે. ખાસ આ શેર…

    આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે,
    આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.

    આડવાતમાં, ગઝલમાંના અઘરા શબ્દોનો અર્થ તો વારંવાર જોવો પડે છે, પણ કવિના નામનો અર્થ શોધવો પડે એવું પહેલી વાર થયું 🙂

    BTW, જાતુષ = લાખનું બનાવેલું.

  2. JAYANT said,

    March 6, 2010 @ 5:46 AM

    ખુબ સરસ

  3. ABHIIJEET PANDYA said,

    August 17, 2010 @ 5:25 AM

    ખુબ જ સુંદર રચના.ગઝલના બધાં જ શેર ” દુબારા ” કહેવાનું મન થાય તેવા.

    અભિજીત પંડ્યા. ( ભાવનગર ).

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment