ફૂલ પાસે રૂઆબ ઝાકળનો,
સૂર્યના હાથમાં હથોડી છે!
– હર્ષા દવે

ગઝલ – જાતુષ જોશી

રજેરજમાં પ્રવેશ્યા બાદ એ એમાં રહે છે કે ?
પરોઢે આવતાં કિરણો, કહો, પાછાં ફરે છે કે ?

તમે ક્યારેક ખરતાં ફૂલને થોડું જીવી જોજો,
અને જોજો કે છેલ્લા શ્વાસ ખુદના મઘમઘે છે કે ?

બધાયે ચક્રવાતો આખરે તો શાંત થઈ જાતા,
પરંતુ આપણી એકાદ પણ ઇચ્છા શમે છે કે ?

ગહન અંધારને આરાધતાં પહેલાં ચકાસી લ્યો
તમારું મન કદી તારક બનીને ટમટમે છે કે ?

નદી વ્હેતી જ રે’શે તો કશુંયે હાથ નહીં લાગે,
નદી અટકે અને બેઉ કિનારાઓ વહે છે કે ?

– જાતુષ જોશી

– વાંચતા જ ગમી જાય પણ ફરીવાર વાંચતા જ પ્રેમમાં પાડી દે એવી ગઝલ. સૂર્યથી મોટો અયાચક બીજો કોણ હોઈ શકે ? એના કિરણો રજેરજમાં વ્યાપ્ત થઈ ગયા પછી પણ ક્યાંય ઘર કરીને રહેતાં નથી અને દરેક પરોઢે અચૂક પાછાં પણ આવે જ છે. દરેકમાં પ્રવેશવું પણ કશામાં પ્રવેશી ન જવું – કેવી મોટી વાત ! બીજો શેર ખાસ ધ્યાન માંગી લે છે. આમ તો ખરતાં ફૂલ જેવું જીવી જવાની અને એ રીતે લાંબા અંતરાલ સુધી મહેંક્યા કરવાની નાનકડી જ વાત છે પણ જે મજા છે એ કવિએ પ્રયોજેલા ‘જીવી’ શબ્દમાં છે. આ એક શબ્દ આ શેરને અમર કાવ્યત્વ બક્ષે છે…

18 Comments »

  1. કુણાલ said,

    August 8, 2009 @ 1:41 AM

    એકેએક શરે પોતે જ પોતાનો પૂરક જેવો …

    ખુબ જ સુંદર ગઝલ….

    તમે ક્યારેક ખરતાં ફૂલને થોડું જીવી જોજો,
    અને જોજો કે છેલ્લા શ્વાસ ખુદના મઘમઘે છે કે ?

    નદી વ્હેતી જ રે’શે તો કશુંયે હાથ નહીં લાગે,
    નદી અટકે અને બેઉ કિનારાઓ વહે છે કે ?

    આ બે શેર ખાસ ગમ્યાં !!

  2. Kirtikant Purohit said,

    August 8, 2009 @ 2:33 AM

    બધા જ શેર ખૂબ ચિંતનાત્મક અને સુંદર બન્યા છે. કવિપુત્ર અને ખુદ પણ સરસ સર્જક્-કેટલો હ્રદયંગમ સુમેળ. અભિનંદન.

  3. Abhijeet Pandya said,

    August 8, 2009 @ 4:27 AM

    ગહન અંધારને આરાધતાં પહેલાં ચકાસી લ્યો
    તમારું મન કદી તારક બનીને ટમટમે છે કે ?

    નદી વ્હેતી જ રે’શે તો કશુંયે હાથ નહીં લાગે,
    નદી અટકે અને બેઉ કિનારાઓ વહે છે કે ?

    સુંદર રચના.

  4. manharmody ('મન' પાલનપુરી) said,

    August 8, 2009 @ 4:39 AM

    તમે ક્યારેક ખરતાં ફૂલને થોડું જીવી જોજો,
    અને જોજો કે છેલ્લા શ્વાસ ખુદના મઘમઘે છે કે ?

    બહુત ખુબ ! ગહન વિચારોનું સહજ નિરૂપણ. દરેકે દરેક શેર માણવા લાયક.

  5. ઊર્મિ said,

    August 8, 2009 @ 11:05 AM

    રજેરજમાં પ્રવેશ્યા બાદ એ એમાં રહે છે કે ?

    વાહ…સાચે જ ખૂબ જ સુંદર ગઝલ… એક્કેક શે’ર માટે ‘દોબારા’ કહેવું પડે એવા મજાનાં અને ગહન…!

    વળી કવિ કાન્તની પેલી ગઝલની યાદ પણ અપાવી દીધી….

    તને હું જોઉં છું, ચંદા! કહે ! તે એ જુએ છે કે ?
    અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે ?

    ગઝલ – મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

  6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    August 8, 2009 @ 11:51 AM

    ‘અસંભવ’ સ્વયમ્ એક સત્ય છે,કહો માની શકાશે?
    એ ઘટે તો હું હા કહું,નહીં તો ધરાર મારી ના છે.
    નદી વહેતી રહે અને કિનારા સ્થિર એજ સત્ય છે.
    નદી અટકે,કિનારા વહે?મારો ‘હૂકમ’ મારી ના છે.

  7. sudhir patel said,

    August 8, 2009 @ 12:53 PM

    ખૂબ જ સુંદર અને ગહન ગઝલ!
    સુધીર પટેલ.

  8. સુનીલ શાહ said,

    August 9, 2009 @ 3:03 AM

    તમે ક્યારેક ખરતાં ફૂલને થોડું જીવી જોજો,
    અને જોજો કે છેલ્લા શ્વાસ ખુદના મઘમઘે છે કે ?
    સરસ ગઝલ..

  9. pragnaju said,

    August 9, 2009 @ 5:27 AM

    બધાયે ચક્રવાતો આખરે તો શાંત થઈ જાતા,
    પરંતુ આપણી એકાદ પણ ઇચ્છા શમે છે કે ?
    વાહ્
    તે ઊંચા તથા મધ્ય અક્ષાંશો પર ઓછી માત્રામાં જોવા મળે છે જ્યાં ચુંબકિય ચક્રવાતોને કારણે આ ઘટના બને છે.ઝબકારા પેદા કરવા ઉપરાંત ચુંબકિય ચક્રવાતો તીવ્ર આયનોસ્ફિયરીક અસમતુલા…

  10. Lata Hirani said,

    August 9, 2009 @ 12:22 PM

    તમે ક્યારેક ખરતાં ફૂલને થોડું જીવી જોજો,
    અને જોજો કે છેલ્લા શ્વાસ ખુદના મઘમઘે છે કે ?

    અદભુત શેર !!

  11. ડૉ.મહેશ રાવલ said,

    August 9, 2009 @ 1:21 PM

    સુંદર ગઝલ.
    આ પ્રશ્નાર્થભાવ જ વાચક/ભાવકને ઊંડે ઉતરવા મજબૂર કરે છે…વિચાર-વિસ્તાર માટે.

  12. sapana said,

    August 9, 2009 @ 2:21 PM

    બધાયે ચક્રવાતો આખરે તો શાંત થઈ જાતા,
    પરંતુ આપણી એકાદ પણ ઇચ્છા શમે છે કે ?

    વાહ ખૂબ સરસ ગઝલ.બધા શે’ર પર વાહ વાહ નીકળી ગયું

    સપના

  13. Pinki said,

    August 10, 2009 @ 12:36 AM

    તમે ક્યારેક ખરતાં ફૂલને થોડું જીવી જોજો,
    અને જોજો કે છેલ્લા શ્વાસ ખુદના મઘમઘે છે કે ? … વાહ !

    સરસ ગઝલ…. !!

  14. himansu vyas said,

    August 10, 2009 @ 1:06 AM

    ખૂબજ સુંદર ગઝલ !

    ફરી ફરી ને વાગોળ્યા કરવાનું મન થાય તેવી મીઠી ગઝલ અને તેટલો જ સુંદર ભાવાર્થ ! વાચ્યાર્થ તેમજ ગૂઢાર્થ બન્ને જ ગહન અને હ્રદયસ્પર્શી . . . . . !

  15. manoj said,

    August 11, 2009 @ 2:38 AM

    adbhut

  16. Rajesh said,

    August 11, 2009 @ 3:56 AM

    khubaj sundar 6.

  17. vimal agravat said,

    October 27, 2009 @ 1:10 PM

    અભિનંદન જાતુષ

  18. vimal agravat said,

    July 23, 2013 @ 12:10 PM

    કવિ જાતુષ જોશીને તેમના સંગ્રહ, પશ્યન્તીની પેલે પાર માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા ગૌરવ પુરસ્કાર મેળવવા બદલ અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment