વજેસિંહ પારગી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
October 11, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વજેસિંહ પારગી
એકાકી વૃદ્ધ
બેઠો છે
સુકાઈ ગયેલા વૃક્ષ નીચે
વૃદ્ધ જુએ છે-
ઘડીકમાં વૃક્ષ સામે
ઘડીકમાં જાત સામે
ને મનોમન પ્રાર્થે છે:
ક્યાંકથી કઠિયારો આવે
ને વૃક્ષભેળો મનેય કાપી જાય.
– વજેસિંહ પારગી
સ્વયંસિદ્ધ… પીડાની પરાકાષ્ઠા… સહનશક્તિની અંતિમ સરહદ…
Permalink
September 14, 2024 at 12:38 PM by વિવેક · Filed under અછાંદસ, વજેસિંહ પારગી
દરિયો તો
દુનિયા ડૂબાડી દે એવો
ને કવિતા તો
કાગળની હોડી.
કવિતા બહુ બહુ તો
આંગણામાં ભરાયેલા ખાબોચિયામાં
દરિયાનો અહેસાસ કરાવી શકે
કે હોડી તરતી મૂકતા બાળકનો વિસ્મય
આંખમાં આંજી શકે.
જો તરી જવાની મંછા ન હોય
ને ડૂબી જવાની ચિંતા ન હોય
તો કાગળની હોડીમાં બેસો!
– વજેસિંહ પારગી
કવિતાના રહસ્યમયી કેલિડોસ્કૉપમાંથી નજરે ચડતું પળેપળ બદલાતું ભાતીગળ દર્શન મનુષ્યજાતને પરાપૂર્વથી આકર્ષતું રહ્યું છે. સમુદ્ર અને જમીન તો સૃષ્ટિના આરંભથી જ સહોપસ્થિતિ ધરાવે છે, પણ દરિયો કંઈ દુનિયાને ડૂબાડી દેતો નથી એ હકીકત કોરાણે મૂકીને કવિ જ્યારે એમ કહે કે દરિયો તો દુનિયાને ડૂબાડી દે એવો છે, ત્યારે આપણને સહેજ નવાઈ લાગે. પણ કવિતાની ખરી કરામત જ આ છે. એ કહે કંઈ અને બતાવે કંઈ. બીજી જ પંક્તિમાં દુનિયાને ડૂબાડી દે એવા દરિયાને તરવા માટે કવિતા નમની કાગળની હોડીની વાત કવિ કરે છે, ત્યારે આપણી ભાવકચેતનામાં તત્ક્ષણ ચમકારો થાય છે- અરે! આ દુનિયા એટલે તો આપણું અંગત ભાવવિશ્વ અને આસપાસનું જગત અને જગતની ઉપાધિઓ એ એને ડૂબાડી દેતો દરિયો! દુનિયાનો દરિયો આપણી અંગત દુનિયાને ડૂબાડી દે એવો છે, અને એને પાર કરવો હોય તો નાજુક તો નાજુક પણ કવિતા જ એકમાત્ર સાધન છે. વાહ! કેટલા ઓછા શબ્દોમાં કેવી મજાની વાત!
કવિએ આ નાનકડી રચનાને ત્રણ ભાગમાં વહેંચી છે, પણ મને એમ લાગે છે કે વચ્ચેની પાંચ પંક્તિઓ કાઢી લીધી હોય તોય રચનાને ઉમદા કાવ્ય ગણી શકાઈ હોત. ખરી કવિતા તો પહેલા અને ત્રીજા બંધની સાત પંક્તિઓમાં જ છે!
Permalink
August 23, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વજેસિંહ પારગી
દહાડીનો દહાડી ઊગે છે સૂરજ
ધરતી પરથી હટે છે અંધકાર
હુંયે પ્રકાશ આંજીને
નીકળી પડું છું કરવા દહાડી.
દહાડાના પ્રકાશમાંયે
આંખ સામે છવાય છે
આજ દહાડી નંઈ મળે તો- નો અંધકાર.
ને અંધકારમાં અટવાતી રહે છે આશા.
કોઈ દહાડો એવો નથી ઊગ્યો
કે દહાડીની વાતે
મારા મનમાં ફેલાયો હોય પ્રકાશ!
– વજેસિંહ પારગી
આપણે બધા તો ખાધેપીધે સુખી કાવ્યરસિકો છીએ. પેટ ભરાયેલું છે અને ભરાતું જ રહેવાનું છે એની નિશ્ચિતતા આપણને કવિતા-ફવિતાના શોખ પૂરા કરવાની પરવાનગી અને મોકળાશ આપે છે, પણ દુનિયામાં એવાય લોકો છે, જેમના માટે સૂરજ ઊગે અને પ્રકાશ ફેલાવો શરૂ થાય ત્યારે સૌથી મોટો પ્રાણપ્રશ્ન મને દહાડીએ રાખવાવાળો કોઈ શેઠિયો આજે મળશે કે નહીં? મારા ઘર પાસેન ચાર રસ્તા પર રોજ સવારે માણસોનું કીડિયારું ઊભરાય છે. આજીવિકા રળવા માટેના સાધનો લઈને સેંકડો લોકો હમણાં કોઈ આવશે અને આજના દહાડા પૂરતું કોઈક કામ આપશે અને ઘરે સાંજે ચૂલા પર કશુંક ચડાવી શકાશેની આશામાં ઊભા હોય છે. એમાંના ઘણાને ખાલી હાથે જ દૂરની ફૂટપાથ પરના પોતાના નિવાસે જવું પડતું હશે. દહાડી પર નભતા આવા લોકોની રોજનીશીને કવિએ બહુ ઓછા શબ્દોમાં આબાદ ચરિતાર્થ કરી બતાવી છે.
Permalink
July 4, 2024 at 11:22 AM by વિવેક · Filed under અછાંદસ, વજેસિંહ પારગી
ભૂખની આગ
કંઈ બળતો ડુંગર નથી
કે ગામ આખાને દેખાય.
ભૂખની આગ તો
પેટમાં ઉકળતો લાવા.
જેના પેટમાં હોય
એ અંદર ને અંદર ખાક.
– વજેસિંહ પારગી
દાહોદ જિલ્લાના ભીલ જાતિના ખેતમજૂર દંપતીના ઘરે કવિનો જન્મ. ગુજરાત એટલે જેમના મન ખેડા, વડોદરા અને અમદાવાદ જિલ્લો હોય એવા દારુણ ગરીબીમાં સબડતા દલિત આદિવાસીજીવનના શિકાર કવિના માટે વિધાતાએ પણ ‘રોઝિઝ રોઝિઝ ઑલ ધ વે’ના સ્થાને ‘અક્કરમીનો પડ્યો કાણો,’ ‘દુકાળમાં અધિકમાસ’ અને ‘દાઝ્યા પર ડામ ને પડ્યા પર પાટુ’ જેવી કહેવતો જ સર્જી હતી. વતનના ગામ ઇટાવામાં કોઈક ધિંગાણા વખતે અકસ્માતે એક ગોળી એમના મોંના ભાગે વાગી અને છ-સાત વર્ષમાં એક પછી એક ચૌદવાર શસ્ત્રક્રિયાઓ કરાવીને દેવાદાર થઈ આગળ ઈલાજ કરાવવાનું અને અધ્યાપક થવાના સ્વપ્નોનું એમણે નાછૂટકે પડીકું વાળી દેવું પડ્યું. પ્રૂફરીડર બન્યા પણ એમાંય સતત જાતિવાદનો ભોગ બનતા રહ્યા. છેવટે એમના જ શબ્દોમાં ‘જિંદગીનો લય ખોરવાઈ ગયો છે. કશું સમજાતું નથી. બધું અર્થહીન લાગે છે. ઓછી પીડાવાળું જીવન ઝંખ્યું પણ જીવવું પડે છે પીડાથી ભરચક’ કહીને એમણે સાંઠ વર્ષની આયુમાં ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ વિદાય લીધી.
એમના મરણોત્તર સંગ્રહ ‘ડાગળે દીવો’માંથી વાંચતાસોત ઊભાને ઊભા ચીરી મૂકે એવું એક લઘુકાવ્ય અહીં રજૂ કરીએ છીએ…
રામબાણ તો વાગ્યા હોય એ જાણે… ખરું ને? એ જ રીતે પેટની આગ પણ જેણે વેઠી હોય એ જ જાણી શકે… પણ કવિતા એક એવો જાદુ છે, જે ન વાગેલ રામબાણની પીડા કે ન વેઠેલ આગની તકલીફ પણ અનુભવાવી શકે…
Permalink
September 29, 2023 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વજેસિંહ પારગી
ખાહડા જેતરું પેટ ભરતાં ભરતાં
ડુંગોર ઘહાઈ ગ્યા
કોતેડાં હુકાઈ ગ્યાં
વગડો થાઈ ગ્યો પાદોર
હૂંકળવાના અન કરહાટવાના દંન
ઊડી ગ્યા ઊંસે વાદળાંમાં
અન વાંહળીમાં ફૂંકવા જેતરી
રઈં નીં ફોહબાંમાં હવા
તેર મેલ્યું હમુઈ ગામ
અન લીદો દેહવટો
પારકા દેહમાં
ગંડિયાં શેરમાં
કોઈ નીં હમારું બેલી
શેરમાં તો ર્યાં હમું વહવાયાં
હમું કાંક ગાડી નીં દીઈં શેરમાં
વગડાવ મૂળિયાં
એવી સમકમાં શેરના લોકુએ
હમારી હારું રેવા નીં દીદી
પૉગ મેલવા જેતરી ભૂંય
કસકડાના ઓડામાં
હિયાળે ઠૂંઠવાતા ર્યા
ઉનાળે હમહમતા ર્યા
સુમાહે લદબદતા ર્યા
પણ મળ્યો નીં હમુન
હમારા બાંદેલા બંગલામાં આસરો
નાકાં પર
ઘેટાં-બૉકડાંની જેમ બોલાય
હમારી બોલી
અન વેસાઈં હમું થોડાંક દામમાં
વાંહા પાસળ મરાતો
મામાનો લંગોટિયાનો તાનો
સટકાવે વીંસુની જીમ
અન સડે સૂટલીઈં ઝાળ
રોજના રોજ હડહડ થાવા કરતાં
હમહમીને સમો કાડવા કરતાં
થાય કી
સોડી દીઈં આ નરક
અન મેલી દીઈં પાસા
ગામના ખોળે માથું
પણ હમુન ડહી લેવા
ગામમાં ફૂંફાડા મારે સે
ભૂખમરાનો ભોરિંગ
અન
મરવું હમુન ગમતું નથ.
– વજેસિંહ પારગી
(જન્મ: ૨૩-૦૪-૧૯૬૩ – નિધન: ૨૩-૦૯-૨૦૨૩)
થોડા દિવસ પહેલાં જ ગુજરાતી ભાષાના અચ્છા જાણકાર કવિ શ્રી વજેસિંહ પારગી આપણને છોડી ગયા. લયસ્તરો તરફથી એમને એક નાનકડી શબ્દાંજલિ…
ગામમાં ખાંસડા જેવડું પેટ ભરવામાં ડુંગર ઘસાઈ ગયા, કોતરો સૂકાઈ ગઈ અને પાદર વગડો થઈ ગયું. હોંકારા દેવાના ને કિકિયારી કરવાના દિવસો વરાળ થઈ વાદળમાં ઊડી ગયા. જ્યારે ફેફસામાં વાંસળીમાં ફૂંક મારવા જેટલી હવાય ન બચી ત્યારે ગામ છોડવું પડ્યું. દેશવટો લીધો. પારકા દેશની ગંડુનગરીમાં આવા હલકી જાતના નિર્વાસિતોનું બેલી કોણ થાય? ઊલટું, ગામડેથી આવેલ આ લોકો શહેરમાં પોતાનાં મૂળિયાં ઊંડે ન ઉતારી દે, કાયમી સ્થાન મેળવી ન લે એ ડરથી શહેરીજનોએ એમના માટે પગ મૂકવા જેટલી ભોંય પણ રહેવા ન દીધી. કચકડા જેવા કાચા ઓરડામાં આ દલિત નિર્વાસિતો મરવાના વાંકે શિયાળામાં ઠૂંઠવાય છે, ઉનાળે સમસમે છે અને ચોમાસે લથપથ થતા રહે છે, પણ પોતે જ બાંધી આપેલ બંગલાઓમાંય એમને આશરો મળતો નથી.
ઘેટાંબકરાંની જેમ ગલીના નાકે રોજ એમની બોલી લાગે છે, રોજ તેઓ મામૂલી દામે વેચાય છે. પીઠ પાછળ કોઈ મામો કે લંગોટિયો કહીને વીંછીના ચટકા જેવા ટોણા મારે ત્યારે પગથી લઈને માથાની ચોટલી સુધી ઝાળ ચડી જાય છે. આ રીતે રોજેરોજ હડહડ થઈ સમસમીને સમય પસાર કરવાનો આવે ત્યારે મન તો એવું થાય કે આ નરક છોડી દઈને ફરી ગામના ખોળે માથું મૂકી દઈએ, પણ ગામમાં ભૂખમરાનો ભોરિંગ ફૂંફાડા મારી રહ્યો છે અને પોતાને મરવું પસંદ નથી એટલે આ રોજેરોજ મરીમરીને જીવવાની શહેરી જિંદગીનો ત્યાગ પણ કરી શકાતો નથી…
સમાજના ગરીબ દલિત-આદિવાસી વ્યક્તિની વ્યથા અને દુવિધાને કવિએ ભીલી બોલીમાં એવાં તો મર્મસ્પર્શી રીતે રજૂ કર્યાં છે કે આપણી પૂંઠે સદીઓના આપણા ગેરવર્તાવનો વીંછી કરડતો હોય એવો દાહ અનુભવાય છે.
(પ્રસ્તુત રચનાના કેટલાક શબ્દોના અર્થ સમજવા માટે શ્રી કાનજી પટેલ અને શ્રી બાબુ સંઘાડાનો સહકાર સાંપડ્યો છે. બંને મિત્રોનો હૃદયપૂર્વક આભાર.)
Permalink
February 26, 2022 at 10:52 AM by વિવેક · Filed under અછાંદસ, વજેસિંહ પારગી
ઊભા થઈએ
તો
છાપરું અડે
લાંબા થઈએ
તો
ભીંતડું
તોય
કાઢી નાંખ્યો જનમારો
સાંકડમાંકડ
દોહ્યલામાં કામ લાગી
માના પેટમાં મળેલી
ટૂંટિયું વાળીને રહેવાની તાલીમ
– વજેસિંહ પારગી
(દોહ્યલું –દુઃખ, સંકટ)
અછાંદસની ખરી વિભાવના ચરિતાર્થ કરતી એકદમ ટૂંકી ટચરક કવિતા. એક શબ્દ પણ આમથી તેમ ન કરી શકાય એવી રચના. અને એટલી સરળ-સહજસાધ્ય છે કે કશી ટિપ્પણીનીય મહોતાજ નહીં… વળી વાંચતાની સાથે હૈયામાંથી એકસાથે આહ અને વાહ બંને નીકળી જાય એની ગેરંટી… સલામ, કવિ!
બશીર બદ્રનો એક શેર યાદ આવે:
ज़िंदगी तू ने मुझे क़ब्र से कम दी है ज़मीं
पाँव फैलाऊँ तो दीवार में सर लगता है
Permalink
February 11, 2022 at 11:42 AM by વિવેક · Filed under અછાંદસ, વજેસિંહ પારગી
બેસી રહ્યો
રાતભર
પકડીને પેન
પણ
ન ચાંદ ઊગ્યો
કે
ન તારા ઊતર્યા
કાગળ પર
જોવું હતું
ચાંદરણું
શબદનું
પણ
જોવું પડ્યું
અંધારું
શાહીનું
– વજેસિંહ પારગી
શબ્દ સાથે આપણો સીધો ઘરોબો છે. શબ્દ આપણો ગર્ભસંસ્કાર છે. ચૈતન્યની કોઈ પણ અવસ્થા એવી નથી જેમાં આપણે શબ્દમુક્ત –નિઃશબ્દ હોઈએ. પણ કવિનો શબ્દ સામાન્યજનના શબ્દથી અલગ છે. સર્જકનું સર્વકાલીન ચૈતન્ય સુવાંગ રસાઈને પ્રકટે ત્યારે કવિનો શબ્દ જન્મ લેતો હોય છે. એટલે જ ક્યારેક જીવનમાં એવો તબક્કો પણ આવતો હોય છે, જ્યારે કવિની કલમમાંથી શબ્દો નહીં, કેવળ શાહી જ કાગળ પર અવતરતી હોય છે. સિસૃક્ષા ગમે એવી પ્રબળ કેમ ન હોય, ‘રાઇટર્સ બ્લૉક’ દરેક સર્જકના જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. રાતભર કાગળ ઉપર શબ્દોનું આકાશ અવતારવા બેસી રહેલ કવિને લાખ ઇચ્છા છતાં શાહીનું અંધારું જ નસીબ થાય એવી કોઈક વાંઝણી પળનું સાવ નાનકડું પણ અર્થગહન, એવું આ કાવ્ય વાંચતાવેંત ગમી જાય એવું છે. કવિવર રાજેન્દ્ર શુક્લનો એક શેર પણ આ સંદર્ભમાં માણવા જેવો છે:
ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે,
કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે.
Permalink
August 20, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વજેસિંહ પારગી
માથા પર વાદળની છાયા,
અમ પર એવી જગની માયા.
શત્રુ હો તો લડી લઉં પણ,
રણમાં ઊભા માડીજાયા.
એક જણે છોડ્યા છે અમને,
ટોળામાં પણ એકલવાયા.
બે દિન માટે આવે ને જાય,
સુખ તો છે એક અતિથિ ભાયા.
તરવા બેઠો છું ભવસાગર,
લઈને હું માટીની કાયા.
– વજેસિંહ પારગી
કવિ મત્લામાં કહે છે એવી દૂ….રની માયા રાખીએ તો દુઃખી ન થવાય. બીજા શેરનો સંદર્ભ તો તરત જ સમજી શકાય છે. પણ ખરી મજા ત્રીજા શેરમાં છે. પ્રણયની આખી ગીતા બે જ લીટીમાં કવિ સમાવી લે છે. સફળ થાવ કે વિફળ, પ્રેમ તમને તમારામાં જ ઓતપ્રોત કરી દે છે, ભલે ને ટોળાંમાં હોવ કે ન હોવ.
Permalink
April 1, 2015 at 11:39 PM by ધવલ · Filed under ગઝલ, વજેસિંહ પારગી
શ્વાસ છે ને શરીર આજે છે,
જાત મારી અમીર આજે છે.
આંખ સામે કો લક્ષ્ય મૂકી દે,
હાથમાં મારા તીર આજે છે.
હુંય આસન લાગાવી બેઠો છું,
મારી ભીતર કબીર આજે છે.
દેહ દરગાહ જેવો લાગે છે,
રૂહ પણ જાણે પીર આજે છે.
– વજેસિંહ પારગી
કોઇ કોઇ કવિતા ગાઢ સંતોષમાંથી જન્મતી હોય છે. સંતોષ જ્યારે એક હદ વટાવી જાય ત્યારે માણસ અમીર-પીર-કબીર થઇ જાય છે. અમીર પછી પીર ને પછી કબીર – દિલ તર થઈ જવાની આ ત્રણ અવસ્થાઓ છે. છેલ્લા થોડા દીવસથી આ ગઝલને રોજ વાંચી રહ્યો છું. માણસ આગળના સ્તર પર જવા માટે તૈયાર થઇ જાય ત્યારે કેવી લાગણી થતી હશે એનો આછો અનુભવ આ પંક્તિઓથી પામી રહ્યો છું.
Permalink
February 12, 2010 at 1:41 AM by વિવેક · Filed under ગઝલ, વજેસિંહ પારગી
સપનાં કમળનાં દઈને વધુ ના સતાવ રે,
છે આંખ મારી જન્મથી સૂકું તળાવ રે.
છૂટી ગયાં સગપણ પછી ઘરનો લગાવ શું ?
વણજાર છૂટી ને રહ્યો સૂનો પડાવ રે.
ના હાથ મારે બાગ, ના હૈયે વસંત છે,
તું ના હવે મારી કને ગજરો મગાવ રે.
હસવું પડે તો હસ અને રડવું પડે તો રડ,
કરવું પડે તે કર, નથી બીજો બચાવ રે.
મરજી જણાવી કોઈને હું શું કરું ભલા ?
મરજી મુજબ બનતો નથી એકે બનાવ રે.
– વજેસિંહ પારગી
વિષાદના કાળા રંગે રંગાયેલી ગઝલ… જીવનની વાસ્તવિક્તાને શબ્દો વડે કવિ જાણે વધુ નજીકથી અડે છે.
Permalink