ઝાંઝવા મંગાવવાં પડશે પ્રથમ,
માત્ર બળતી રેત એ કૈં રણ નથી.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

(અંધારું શાહીનું) – વજેસિંહ પારગી

બેસી રહ્યો
રાતભર
પકડીને પેન
પણ
ન ચાંદ ઊગ્યો
કે
ન તારા ઊતર્યા
કાગળ પર

જોવું હતું
ચાંદરણું
શબદનું
પણ
જોવું પડ્યું
અંધારું
શાહીનું

– વજેસિંહ પારગી

શબ્દ સાથે આપણો સીધો ઘરોબો છે. શબ્દ આપણો ગર્ભસંસ્કાર છે. ચૈતન્યની કોઈ પણ અવસ્થા એવી નથી જેમાં આપણે શબ્દમુક્ત –નિઃશબ્દ હોઈએ. પણ કવિનો શબ્દ સામાન્યજનના શબ્દથી અલગ છે. સર્જકનું સર્વકાલીન ચૈતન્ય સુવાંગ રસાઈને પ્રકટે ત્યારે કવિનો શબ્દ જન્મ લેતો હોય છે. એટલે જ ક્યારેક જીવનમાં એવો તબક્કો પણ આવતો હોય છે, જ્યારે કવિની કલમમાંથી શબ્દો નહીં, કેવળ શાહી જ કાગળ પર અવતરતી હોય છે. સિસૃક્ષા ગમે એવી પ્રબળ કેમ ન હોય, ‘રાઇટર્સ બ્લૉક’ દરેક સર્જકના જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. રાતભર કાગળ ઉપર શબ્દોનું આકાશ અવતારવા બેસી રહેલ કવિને લાખ ઇચ્છા છતાં શાહીનું અંધારું જ નસીબ થાય એવી કોઈક વાંઝણી પળનું સાવ નાનકડું પણ અર્થગહન, એવું આ કાવ્ય વાંચતાવેંત ગમી જાય એવું છે. કવિવર રાજેન્દ્ર શુક્લનો એક શેર પણ આ સંદર્ભમાં માણવા જેવો છે:

ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે,
કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે.

10 Comments »

  1. રિયાઝ લાંગડા (મહુવા). said,

    February 11, 2022 @ 1:16 PM

    વાહ…ખૂબ સરસ👌

  2. Kajal kanjiya said,

    February 11, 2022 @ 1:43 PM

    સરસ

  3. Poonam said,

    February 11, 2022 @ 1:45 PM

    પણ…
    જોવું પડ્યું
    અંધારું
    શાહીનું

    – વજેસિંહ પારગી Aahaa !

    કવિવર રાજેન્દ્ર શુક્લ Ji ke kya kahene 🙏🏻

  4. pragnajuvyas said,

    February 11, 2022 @ 9:43 PM

    કવિશ્રી વજેસિંહ પારગીનુ મજાનુ અછાંદસ
    જોવું હતું
    ચાંદરણું
    શબદનું
    પણ
    જોવું પડ્યું
    અંધારું
    શાહીનું
    વાહ
    ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ તેમા કવિવર રાજેન્દ્ર શુક્લનો એક શેર
    ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે,
    કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે. માણી આનંદ
    ત્યારે કવિશ્રી સંજુવાળાની વાત પણ માણવા જેવી છે
    શબદબીજને શબદનું સિંચન
    શબદ નીપજ ને સાળ શબદની
    શબદ રંગ ‘ને ખુદ રંગારો
    બીજું તો હું શું સમજાવું?
    સાહિત્યકારો માટે જ નહિ, પણ સામાન્ય વાચક માટે પણ શબ્દના સૂક્ષ્મ અર્થભેદ સમજવા આવશ્યક હોય છે. શબ્દ એ સંસ્કૃતિનો પ્રતીક પણ હોય છે, અને એ શબ્દમાં એ પ્રદેશની સંસ્કૃતિનું પ્રતિબિંબ પણ ઝિલાયેલું હોય છે. કોઈ કામ બળથી ન થતું હોય, પણ પ્રેમપૂર્વક શબ્દના પ્રયોગથી એ કામ આસાન બની જતું હોય છે! કહેવાય છે કે તલવારના ઘા તો રુઝાઈ જાય છે, પણ શબ્દના ઘા જલદી રુઝાતા નથી. શબ્દ માણસના સંસ્કાર પ્રગટ થતા હોય છે. કોઈ અંધ વ્યક્તિને ‘આંધળો’ કહેવો કે એને ‘પ્રજ્ઞાપુરુષ’ કહેવો એ બે શબ્દોમાં બોલનારની સંસ્કારિતા પ્રતિબિંબિત થતી હોય છે.

  5. જયેન્દ્ર ઠાકર said,

    February 12, 2022 @ 1:18 AM

    ….કવિની કલમમાંથી શબ્દો નહીં, કેવળ શાહી જ કાગળ પર અવતરતી હોય છે. અને ખરેખર આ શાહી પણ શબ્દઓ બની જાય છે!! કેવો વિરોધાભાષ અહીં પ્રગટ થયો છે??

  6. praheladbhai prajapati said,

    February 12, 2022 @ 5:25 AM

    NICE , AASHAA NI VYYTHAA

  7. હરીશ દાસાણી. said,

    February 12, 2022 @ 7:54 AM

    સરસ કાવ્ય છે. શબ્દ સનાતન છે. વિવેકભાઇએ સરસ વાત કરી કે વહેવારનો શબ્દ અને કવિનો શબ્દ અલગ છે. આ શબ્દ પાસે પ્રકાશ છે,ઉષ્મા છે,લાગણી પણ છે અને બૌદ્ધિકતા પણ છે. અંધકાર ઉજાળે એવો શબ્દ સનાતન શોધું છું. સર્વ પાપને બાળે એવો શબ્દ સનાતન શોધું છું.

  8. C T Prajapati said,

    February 12, 2022 @ 8:31 PM

    વાહ્……

  9. Varij Luhar said,

    February 13, 2022 @ 1:26 PM

    ખૂબ જ ઓછા શબ્દોમાં વિચારબીજ અંકુરિત કરીને કમાલ
    કરી છે જેનો સરસ આસ્વાદ માણવા મળ્યો..

  10. લતા હિરાણી said,

    February 20, 2022 @ 1:27 PM

    વાહ, પણ શબ્દનું તો એવું જ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment