દ્વારમાં ક્યાંય આવકાર નથી,
આપણામાંય કંઈ ખુમાર નથી.

જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.
વિવેક મનહર ટેલર

કાગળની હોડી – વજેસિંહ પારગી

દરિયો તો
દુનિયા ડૂબાડી દે એવો
ને કવિતા તો
કાગળની હોડી.

કવિતા બહુ બહુ તો
આંગણામાં ભરાયેલા ખાબોચિયામાં
દરિયાનો અહેસાસ કરાવી શકે
કે હોડી તરતી મૂકતા બાળકનો વિસ્મય
આંખમાં આંજી શકે.

જો તરી જવાની મંછા ન હોય
ને ડૂબી જવાની ચિંતા ન હોય
તો કાગળની હોડીમાં બેસો!

– વજેસિંહ પારગી

કવિતાના રહસ્યમયી કેલિડોસ્કૉપમાંથી નજરે ચડતું પળેપળ બદલાતું ભાતીગળ દર્શન મનુષ્યજાતને પરાપૂર્વથી આકર્ષતું રહ્યું છે. સમુદ્ર અને જમીન તો સૃષ્ટિના આરંભથી જ સહોપસ્થિતિ ધરાવે છે, પણ દરિયો કંઈ દુનિયાને ડૂબાડી દેતો નથી એ હકીકત કોરાણે મૂકીને કવિ જ્યારે એમ કહે કે દરિયો તો દુનિયાને ડૂબાડી દે એવો છે, ત્યારે આપણને સહેજ નવાઈ લાગે. પણ કવિતાની ખરી કરામત જ આ છે. એ કહે કંઈ અને બતાવે કંઈ. બીજી જ પંક્તિમાં દુનિયાને ડૂબાડી દે એવા દરિયાને તરવા માટે કવિતા નમની કાગળની હોડીની વાત કવિ કરે છે, ત્યારે આપણી ભાવકચેતનામાં તત્ક્ષણ ચમકારો થાય છે- અરે! આ દુનિયા એટલે તો આપણું અંગત ભાવવિશ્વ અને આસપાસનું જગત અને જગતની ઉપાધિઓ એ એને ડૂબાડી દેતો દરિયો! દુનિયાનો દરિયો આપણી અંગત દુનિયાને ડૂબાડી દે એવો છે, અને એને પાર કરવો હોય તો નાજુક તો નાજુક પણ કવિતા જ એકમાત્ર સાધન છે. વાહ! કેટલા ઓછા શબ્દોમાં કેવી મજાની વાત!

કવિએ આ નાનકડી રચનાને ત્રણ ભાગમાં વહેંચી છે, પણ મને એમ લાગે છે કે વચ્ચેની પાંચ પંક્તિઓ કાઢી લીધી હોય તોય રચનાને ઉમદા કાવ્ય ગણી શકાઈ હોત. ખરી કવિતા તો પહેલા અને ત્રીજા બંધની સાત પંક્તિઓમાં જ છે!

11 Comments »

  1. Vinod Manek 'Chatak' said,

    September 14, 2024 @ 1:04 PM

    બાળ સહજ વિસ્મય ઉજાગર કરતી અદભૂત કવિતા….

  2. અસ્મિતા શાહ said,

    September 14, 2024 @ 1:19 PM

    જીવન જીવવાની કળા જ વિસ્મય છે, મન વયસ્ક જરૂરી છે…પણ દિલ માસુમ

  3. Pravin Shah said,

    September 14, 2024 @ 2:27 PM

    કવિતા. – સુંદર !
    રસાસ્વાદ – અતિસુંદર !

  4. Dipak Peshwani said,

    September 14, 2024 @ 6:53 PM

    મજાની કવિતા

  5. Dhruti Modi said,

    September 15, 2024 @ 2:47 AM

    સુંદર કલ્પના !
    કાગળની હોડી મોટામસ્સ દરિયા સામે ના ટકી શકે કદાચ બાળકની જિજીવિષા એ હોડી પાણીના ખાબોચિયામાં તરી સંતોષી શકે !
    પણ કવિ આગળ વધી કહે છે….
    જો તરી જવાની મંછા ના હોય
    ને ડૂબી જવાની શંકા ના હોય તો
    કાગળની હોડીમાં બેસો ……..

    સરસ રચના ! 💕💕🙏🙏

  6. પીયૂષ ભટ્ટ said,

    September 15, 2024 @ 3:02 PM

    સુંદર કાવ્ય, સરસ આસ્વાદ

  7. સંદીપ ભાટિયા said,

    September 15, 2024 @ 9:57 PM

    લગભગ હમેશા લયસ્તરોપર આવું ત્યારે કવિતા જેટલીજ અથવા એથીય વધુ મજા મને આસ્વાદ વાંચવામાં આવ્યો છે.

    “કવિએ આ નાનકડી રચનાને ત્રણ ભાગમાં વહેંચી છે, પણ મને એમ લાગે છે કે વચ્ચેની પાંચ પંક્તિઓ કાઢી લીધી હોય તોય રચનાને ઉમદા કાવ્ય ગણી શકાઈ હોત. ખરી કવિતા તો પહેલા અને ત્રીજા બંધની સાત પંક્તિઓમાં જ છે!”

    સત્યવચન!
    વળી બન્ને બંધ સુંદર સ્વતંત્ર કવિતાઓ પણ બને છે.

  8. સંદીપ ભાટિયા said,

    September 15, 2024 @ 10:03 PM

    લગભગ હમેશા લયસ્તરોપર આવું ત્યારે કવિતા જેટલીજ અથવા એથીય વધુ મજા મને આસ્વાદ વાંચવામાં આવી છે.
    E & O E

  9. વિવેક said,

    September 16, 2024 @ 11:01 AM

    રચના તથા આસ્વાદ – ઉભયને પોંખનાર તમામ મિત્રોનો સહૃદય આભાર

    @સંદીપ ભાટીયા:
    આપની મુલાકાત અમારા માટે આનંદવર્ધક છે

  10. Kiran Jogidas said,

    September 16, 2024 @ 5:22 PM

    કવિતા કાગળની હોડી઼…..સરસ કાવ્ય સર આસ્વાદ 👌👌

  11. Poonam said,

    September 27, 2024 @ 6:39 PM

    …તો કાગળની હોડીમાં બેસો! Ji…
    – વજેસિંહ પારગી –

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment