મરવું હમુન ગમતું નથ – વજેસિંહ પારગી
ખાહડા જેતરું પેટ ભરતાં ભરતાં
ડુંગોર ઘહાઈ ગ્યા
કોતેડાં હુકાઈ ગ્યાં
વગડો થાઈ ગ્યો પાદોર
હૂંકળવાના અન કરહાટવાના દંન
ઊડી ગ્યા ઊંસે વાદળાંમાં
અન વાંહળીમાં ફૂંકવા જેતરી
રઈં નીં ફોહબાંમાં હવા
તેર મેલ્યું હમુઈ ગામ
અન લીદો દેહવટો
પારકા દેહમાં
ગંડિયાં શેરમાં
કોઈ નીં હમારું બેલી
શેરમાં તો ર્યાં હમું વહવાયાં
હમું કાંક ગાડી નીં દીઈં શેરમાં
વગડાવ મૂળિયાં
એવી સમકમાં શેરના લોકુએ
હમારી હારું રેવા નીં દીદી
પૉગ મેલવા જેતરી ભૂંય
કસકડાના ઓડામાં
હિયાળે ઠૂંઠવાતા ર્યા
ઉનાળે હમહમતા ર્યા
સુમાહે લદબદતા ર્યા
પણ મળ્યો નીં હમુન
હમારા બાંદેલા બંગલામાં આસરો
નાકાં પર
ઘેટાં-બૉકડાંની જેમ બોલાય
હમારી બોલી
અન વેસાઈં હમું થોડાંક દામમાં
વાંહા પાસળ મરાતો
મામાનો લંગોટિયાનો તાનો
સટકાવે વીંસુની જીમ
અન સડે સૂટલીઈં ઝાળ
રોજના રોજ હડહડ થાવા કરતાં
હમહમીને સમો કાડવા કરતાં
થાય કી
સોડી દીઈં આ નરક
અન મેલી દીઈં પાસા
ગામના ખોળે માથું
પણ હમુન ડહી લેવા
ગામમાં ફૂંફાડા મારે સે
ભૂખમરાનો ભોરિંગ
અન
મરવું હમુન ગમતું નથ.
– વજેસિંહ પારગી
(જન્મ: ૨૩-૦૪-૧૯૬૩ – નિધન: ૨૩-૦૯-૨૦૨૩)
થોડા દિવસ પહેલાં જ ગુજરાતી ભાષાના અચ્છા જાણકાર કવિ શ્રી વજેસિંહ પારગી આપણને છોડી ગયા. લયસ્તરો તરફથી એમને એક નાનકડી શબ્દાંજલિ…
ગામમાં ખાંસડા જેવડું પેટ ભરવામાં ડુંગર ઘસાઈ ગયા, કોતરો સૂકાઈ ગઈ અને પાદર વગડો થઈ ગયું. હોંકારા દેવાના ને કિકિયારી કરવાના દિવસો વરાળ થઈ વાદળમાં ઊડી ગયા. જ્યારે ફેફસામાં વાંસળીમાં ફૂંક મારવા જેટલી હવાય ન બચી ત્યારે ગામ છોડવું પડ્યું. દેશવટો લીધો. પારકા દેશની ગંડુનગરીમાં આવા હલકી જાતના નિર્વાસિતોનું બેલી કોણ થાય? ઊલટું, ગામડેથી આવેલ આ લોકો શહેરમાં પોતાનાં મૂળિયાં ઊંડે ન ઉતારી દે, કાયમી સ્થાન મેળવી ન લે એ ડરથી શહેરીજનોએ એમના માટે પગ મૂકવા જેટલી ભોંય પણ રહેવા ન દીધી. કચકડા જેવા કાચા ઓરડામાં આ દલિત નિર્વાસિતો મરવાના વાંકે શિયાળામાં ઠૂંઠવાય છે, ઉનાળે સમસમે છે અને ચોમાસે લથપથ થતા રહે છે, પણ પોતે જ બાંધી આપેલ બંગલાઓમાંય એમને આશરો મળતો નથી.
ઘેટાંબકરાંની જેમ ગલીના નાકે રોજ એમની બોલી લાગે છે, રોજ તેઓ મામૂલી દામે વેચાય છે. પીઠ પાછળ કોઈ મામો કે લંગોટિયો કહીને વીંછીના ચટકા જેવા ટોણા મારે ત્યારે પગથી લઈને માથાની ચોટલી સુધી ઝાળ ચડી જાય છે. આ રીતે રોજેરોજ હડહડ થઈ સમસમીને સમય પસાર કરવાનો આવે ત્યારે મન તો એવું થાય કે આ નરક છોડી દઈને ફરી ગામના ખોળે માથું મૂકી દઈએ, પણ ગામમાં ભૂખમરાનો ભોરિંગ ફૂંફાડા મારી રહ્યો છે અને પોતાને મરવું પસંદ નથી એટલે આ રોજેરોજ મરીમરીને જીવવાની શહેરી જિંદગીનો ત્યાગ પણ કરી શકાતો નથી…
સમાજના ગરીબ દલિત-આદિવાસી વ્યક્તિની વ્યથા અને દુવિધાને કવિએ ભીલી બોલીમાં એવાં તો મર્મસ્પર્શી રીતે રજૂ કર્યાં છે કે આપણી પૂંઠે સદીઓના આપણા ગેરવર્તાવનો વીંછી કરડતો હોય એવો દાહ અનુભવાય છે.
(પ્રસ્તુત રચનાના કેટલાક શબ્દોના અર્થ સમજવા માટે શ્રી કાનજી પટેલ અને શ્રી બાબુ સંઘાડાનો સહકાર સાંપડ્યો છે. બંને મિત્રોનો હૃદયપૂર્વક આભાર.)
pragnaju said,
September 29, 2023 @ 2:46 AM
હ્રુ કવિશ્રી વજેસિંહ પારગી આપણને છોડી ગયા. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેમના કુટુંબ ઉપર આવી પડેલું દુઃખ સહજતાથી સહન કરવાની શક્તિ બક્ષે.
ગરીબ આદિવાસી કુટુંબમાં જન્મથી એમને વારસામાં મળ્યું તે એમના જ શબ્દોમાં: ‘માની કૂખમાંથી મળ્યું અંધારું’. એક ‘રણ એક્લતાનું’. એક ‘કૂવો પરસેવાનો’. અને ‘ભૂખ’, સાથે ‘એક ભૂરો રંગ ઉદાસીનો’ અને થોડું ‘આગિયાનું અજવાળું’. અને ગળથૂથીમાં મળ્યો શબ્દપ્રેમ.
એકવાર એક ઝગડામાં સપડાયેલા વજેસિંહને અચાનક વાગેલી એક ગોળી એમના જડબા ને ગળામાં થઇ ચાલી. એમાં એમના આવાજને પણ ઇજા થઇ અને છ સાત વર્ષની સારવાર, ૧૪ ઓપરેશનો, અને દેવાના ડુંગર પછી પણ એમાંથી તેઓ કદી સંપૂર્ણ પણે બહાર આવ્યા જ નહીં. એ બમણો ફટકો હતો — એક તો એવા સમુદાયમાં જનમ જેનો અવાજ જ સમાજમાં નહિવત સંભળાય અને એમાં એમનો આગવો મળેલો અવાજ હવે હંમેશ માટે ભાંગી ગયો. પણ કંઈ એકદમ તેજ રહ્યું હોય તો એ એમની આંખો. વજેસિંહ આજે પણ ગુજરાતી સાહિત્ય જગતમાં ભાષાના શ્રેષ્ઠ ભાવક અને પ્રૂફરીડરોમાંના એક હતા. પરંતુ એમણે રચેલ સાહિત્યને જોઈએ એટલું સન્માન ભાગ્યે જ મળ્યું છે.આજે તેમના મરણના સમાચાર..તેમના અછાંદસમા વ્યક્ત કરેલી દુઃખદ વાતોએ આંખ નમ. મરવું કોને ગમે છે? તેમ છતાં; એવું કોણ છે કે જે મરતું નથી? મરે છે સૌ; જીવતા જ નથી આવડતું! જીવવું જ અઘરું છે; મરવું નહીં.જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી તો મરેલા હોઈએ એમ ના જીવીએ! કેટલાયે પુસ્તકો છે જેમાં જીવન અને મૃત્યુની વિભાવનાં સુપેરે કહેવાઈ છે. આ વિષય ઉપર ઓશો રજનીશનું એક પુસ્તક મૈં મૃત્યુ સિખાતા હું ખૂબ સરસ છે:
અહીં વજેસિંહની એમની પોતાની મૂંઝવણને રજુ કરતી મૂળ પંચમહાલી ભીલીમાં લખાયેલી એક કવિતા અને ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
તેમની બોલીમા શ્રવણ કરો
jugalkishor said,
September 29, 2023 @ 6:30 AM
સમાજના અન્યાયોનું દોઝખ અહીં નજર સામે જેવું છે તેવું પ્રગટ થયું છે.
એમનું કવન એમના સમાજનો ચોખ્ખો પડઘો પાડે છે. શહેરમાં વિદ્વાન તરીકેનું માન પામ્યા પણ એમનું ભીતર તો છલોછલ ભર્યું હતું સામાજિક વેદનાઓથી.
સમાજકારણને ઢસડી જનાર રાજકારણે આઝાદીથી માંડીને આજ સુધી સમાજના કેટલાક આખા વર્ગોને સબડતી જિંદગીમાં રાખ્યા છે. ‘અન ટુ થિસ લાસ્ટ’ એ શબ્દો પુસ્તકમાંથી ક્યારેય બહાર જ આવ્યા નથી.
વજેસિંહ આપણા સૌ માટે (સાહિત્ય અને સમાજ બન્ને માટે) તેજસ્વી તિખારો છે. એમના મરણે આ કલમને જબરો ધક્કો માર્યો છે. શબ્દો જાણે કે છેતરાય છે – કે છેતરે છે…….
સલામ, દોસ્ત.
મીનલ દવે said,
September 29, 2023 @ 11:23 AM
અદભૂત કાવ્ય એવું જ ઉત્તમ પઠન. વજેસિંહભાઇની ચેતનાને વંદન
Kanchankumari p parmar said,
September 29, 2023 @ 11:25 AM
આવી ને આવી પરિસ્થિતિ સમાજ મા રહેશે તો નક્સલવાદ ને કેવી રીતે ડામી શકાય? આપણો દેશ પાંચ મા પુછાય છે એવુ જાણ્યા પછી પછાત અને ગરીબ પ્રજા ની વેદના આવી કેમ ??
Kavita raval said,
September 29, 2023 @ 12:07 PM
અમર ચેતનાને વંદન
Varij Luhar said,
September 29, 2023 @ 12:18 PM
એક હોનહાર વ્યક્તિ,ઉમદા કવિ, ભાષાવિદ્દ શ્રી વજેસિંહ પારગી ની ખોટ કાયમ વર્તાશે
તેઓની દિવ્ય ચેતનાને વંદન
Arvind Gada said,
September 29, 2023 @ 12:24 PM
વજેસિંહ પારગી તો ગુજરાતી ભાષા નું ચિંથરે વિંટ્યું રતન. સતત અભાવો વચ્ચે જીવન વિતાવ્યું. અન્યાય અને ઉપેક્ષાઓનો સતત મારો સહેવા છતાં વજેસિંહે ગુજરાતી ભાષાને ભરપૂર પ્રેમ કર્યો. પ્રુફ રીડીંગના સાવ જ સસ્તા નોંધ પણ ન લેવાય તેવા વ્યવસાયને કેવળ પોતાની ભાષાને મઠારવાનું મધર ટેરેસાના ગજાનું રુગ્ણોપચારનું કામ તેમણે આજીવન કોઈ પણ ફરિયાદ વિના સ્વીકારી ભાષાને ધન્ય કરી. અનેક લેખકોના પુસ્તકો, અનેક અખબારો સામયિકોને તેમણે કેવળ પ્રૂફ રીડર તરીકે જ નહીં પણ ભાષા સુધારક તરીકે સજ્જ કર્યા પણ અફસોસની વાત તો એ છે કે જે તે લેખકો, અધિપતિઓ કે સંપાદકો કે જેમના પુસ્તકો, અખબારો કે સામયિકો ને વજેસિંહે મઠાર્યા તેનો બદલો તો છોડો – સરખી નોંધ પણ નથી લીધી.
પ્રસ્તુત કવિતા માં ગામમાં અભાવોનું જીવન અને શહેરના ઉપેક્ષિત જીવનની વાત કરતા કરતા તેમણે પોતાની અને પોતાના જેવા અનેકોની વાત કરી છે.
પોતાની ભીલી બોલીમાં તેમણે તેમના જેવા સર્વ પિડીતોની આંસુડા ધાર અને હાહાકાર માંથી કસુંબીનો રંગ રેલાવ્યો છે. કવિતા પોતે બોલે છે. તેને વિશે કાંઈ બોલવા જેવું નથી. હા, આપણે વજેસિંહ અને તેમના જેવા અનેક દલિતો, વંચિતો અને ઉપેક્ષિતો ની હ્રદયપૂર્વક ક્ષમા માંગીને પ્રાયશ્ચિત કરીએ તો વજેસિંહનો જીવ શાતા પામશે.
ચંદ્રશેખર પંડ્યા said,
September 29, 2023 @ 1:34 PM
વજેસિંગભાઈની દિવ્યચેતનાને વંદન! 🙏
Neerav Vyas said,
September 29, 2023 @ 2:12 PM
વંદન કવિની ચેતનાને… ઓમ શાંતિ.
Mehul A. Bhatt said,
September 29, 2023 @ 6:23 PM
આહા…હા…. હૃદયદ્રાવક 🙏🏻
ઓમ શાંતિ 🙏🏻
DILIPKUMAR CHAVDA said,
September 29, 2023 @ 7:21 PM
સાહિત્યમાં અમરત્વ પામેલ કવિને વંદન
ગામઠી ભાષામાં ગમી જાય એવી રચના
babu snagada said,
September 29, 2023 @ 7:30 PM
કવિતાની ખૂબ સુંદર સમજણ સાથે છણાવટ કરી વજેસિંહ પારગીને શ્રધ્ધાંજલિ આપી સર
Shah Raxa said,
September 30, 2023 @ 11:12 AM
વાહ…વાહ…સાદર વંદન..🙏💐
Mana vyas said,
October 1, 2023 @ 4:53 PM
કવિનું કોમળ હ્રદય કવિતામાં નીચોવાઈ ગયું છે. શબ્દોને બદલે ટપ ટપ આંસુ પડતાં હોય એવું લાગે છે.શ્રધાંજલિ.
Poonam said,
October 12, 2023 @ 12:28 PM
Sikka ni biji baju ! Kaya saal ma likhai aa rachana ?
Aaswad 👌🏻