શહેરનો ઈતિહાસ થઈને રહી ગયા,
ગામનો વડલો અને ઝૂલો હવે.

જાતને સળગાવવી એ શક્ય છે,
કેમનો સળગાવવો ચૂલો હવે ?
અંકિત ત્રિવેદી

ભૂખની આગ – વજેસિંહ પારગી

ભૂખની આગ
કંઈ બળતો ડુંગર નથી
કે ગામ આખાને દેખાય.
ભૂખની આગ તો
પેટમાં ઉકળતો લાવા.
જેના પેટમાં હોય
એ અંદર ને અંદર ખાક.

– વજેસિંહ પારગી

દાહોદ જિલ્લાના ભીલ જાતિના ખેતમજૂર દંપતીના ઘરે કવિનો જન્મ. ગુજરાત એટલે જેમના મન ખેડા, વડોદરા અને અમદાવાદ જિલ્લો હોય એવા દારુણ ગરીબીમાં સબડતા દલિત આદિવાસીજીવનના શિકાર કવિના માટે વિધાતાએ પણ ‘રોઝિઝ રોઝિઝ ઑલ ધ વે’ના સ્થાને ‘અક્કરમીનો પડ્યો કાણો,’ ‘દુકાળમાં અધિકમાસ’ અને ‘દાઝ્યા પર ડામ ને પડ્યા પર પાટુ’ જેવી કહેવતો જ સર્જી હતી. વતનના ગામ ઇટાવામાં કોઈક ધિંગાણા વખતે અકસ્માતે એક ગોળી એમના મોંના ભાગે વાગી અને છ-સાત વર્ષમાં એક પછી એક ચૌદવાર શસ્ત્રક્રિયાઓ કરાવીને દેવાદાર થઈ આગળ ઈલાજ કરાવવાનું અને અધ્યાપક થવાના સ્વપ્નોનું એમણે નાછૂટકે પડીકું વાળી દેવું પડ્યું. પ્રૂફરીડર બન્યા પણ એમાંય સતત જાતિવાદનો ભોગ બનતા રહ્યા. છેવટે એમના જ શબ્દોમાં ‘જિંદગીનો લય ખોરવાઈ ગયો છે. કશું સમજાતું નથી. બધું અર્થહીન લાગે છે. ઓછી પીડાવાળું જીવન ઝંખ્યું પણ જીવવું પડે છે પીડાથી ભરચક’ કહીને એમણે સાંઠ વર્ષની આયુમાં ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ વિદાય લીધી.

એમના મરણોત્તર સંગ્રહ ‘ડાગળે દીવો’માંથી વાંચતાસોત ઊભાને ઊભા ચીરી મૂકે એવું એક લઘુકાવ્ય અહીં રજૂ કરીએ છીએ…

રામબાણ તો વાગ્યા હોય એ જાણે… ખરું ને? એ જ રીતે પેટની આગ પણ જેણે વેઠી હોય એ જ જાણી શકે… પણ કવિતા એક એવો જાદુ છે, જે ન વાગેલ રામબાણની પીડા કે ન વેઠેલ આગની તકલીફ પણ અનુભવાવી શકે…

7 Comments »

  1. Varij Luhar said,

    July 4, 2024 @ 2:57 PM

    ટૂંકું અને ધારદાર

  2. Bharati gada said,

    July 4, 2024 @ 5:02 PM

    ટુંકી પણ ચોટદાર ગહન વાત કરી છે…એમના કાવ્યો સંવેદના સભર હોય છે.. ખૂબ સરસ 👌💐

  3. Asmita shah said,

    July 4, 2024 @ 5:29 PM

    એક આખું ચિત્ર આંખ સામે આવીને ઊભું થઈ જાય એક ગરીબ જેની છાતી અને પેટ સાતમે પાતાળે છે. ચોટદાર હ્રદય દ્રાવક.

  4. kishor Barot said,

    July 4, 2024 @ 6:12 PM

    ‘આહ’ કહેવું કે ‘વાહ’?

  5. પીયૂષ ભટ્ટ said,

    July 4, 2024 @ 6:28 PM

    અત્યંત અસરકારક, હૃદયસ્પર્શી અને સંવેદનશીલ રચના. હું તો આ રચનાને લઘુકથા કહીશ. કવિ પરિચય સાથે આસ્વાદ આસ્વાદ્ય થયો છે. આ બળકટ કાવ્ય માટે મૌન એ જ મહત્તા.

  6. બાબુ સંગાડા said,

    July 4, 2024 @ 8:37 PM

    કવિ સ્વ વજેસિંહ પારગીએ નરીવાસ્તવિક્તાને
    કવિતામાં ભરી છે.જે દેખાય રહ્યું,અનુભવાયું,જે સહ્સું
    એ બધું જ શબ્દસહ આકાર પામ્યું છે.પ્રીંડા જયારે
    મોભ ચડે ત્યારે આખું ઘર સળગે છે.એવા તો કેટલા ઘર
    તેની ઝાપટમાં આવી સળગી રહ્યા છે.એ આગની જવાળા
    જોઈ કવિ નિસહાય છે.પ્રીડાનો અનુભવ એને જ
    સમજાય જેણે અનુભવી છે.સાથે આપે પણ કવિના
    ભાવવિશ્વમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો ખરેખર કાબિલેદાદ છે.

  7. DILIPKUMAR CHAVDA said,

    July 5, 2024 @ 3:17 PM

    ખૂબ જ હૃદય સ્પર્શી,
    ગરીબીની વાસ્તવિકતા ઉજાગર કરતી..
    ટૂંકી પરંતું દરિયાઈ ગહનતા ધરાવતી ઉચ્ચ કોટિની રચનાં

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment