ડચૂરો – કાનજી પટેલ
સાંજના ગાડામાં
ભર્યો શિયાળો.
સીમની કરોડ પર ચાલે ગાડાવાટ.
ઊડતી ધૂળ કિરણોમાં થાય સોનું.
સૂરજ કાળા ઘડામાં પુરાય.
લબકારા લે કુહાડો જંગલ પર.
ઢળી પડે સીમ.
ગાડાવાળાની છાતીમાં ડચૂરો.
ઝણઝણે એની કરોડ.
નસોનું તાપણું તતડે.
ચાલે અંધારિયા પેટાળમાં આગિયાનાં ઝરણ.
બહુ દૂર નથી છાપરું.
આઘે નથી હોકો.
નથી છેટો ચૂડલો.
ને કરાંઠીનો ચળકતો અગ્નિ.
– કાનજી પટેલ
શિયાળો ઋતુઓના દરવાજે આગળિયો ખૂલવાની રાહ જોતો ઊભો હોય એ સમયે આવી રચનાની હૂંફ મેળવવાથી ચડિયાતો ઉપક્રમ બીજો કયો હોઈ શકે? શિયાળાની સાંજે સૂર્યાસ્ત પણ વહેલો થાય અને ભારી હવાના કારણે વાતાવરણ પણ થોડું વધારે બોઝિલ લાગે.રોજિંદો રચનાક્રમ અને રોજિંદુ અંતર જ કાપવાનું હોવા છતાં શિયાળો નિર્ધારિત મજલનેય લાંબી બનાવી દે છે. શિયાળો સીમની કરોડ પર ચાલતા સાંજના ગાડામાં બેસીને આવ્યો હોવાના અનૂઠા કલ્પના સાથે કાવ્યનો ઉઘાડ થાય છે. આથમતા સૂર્યના કિરણો શિયાળામાં વધુ સોનેરી હોવાથી હવામાં ઊડતી ધૂળા સોનામાં પરિવર્તિત થતી દેખાય છે. નાના નાના વાક્યોમાં કવિએ નવ્યકલ્પનો એ રીતે જમા કર્યા છે,જાણે કોઈએ તાપણું પેટાવવા સાંઠીકડા ભેગાં ન કર્યાં હોય! સાંજના ગાડામાં બેસીને આવતા શિયાળાનું દૃશ્યચિત્ર અને બદલાતા વાતાવરણના કારણે માનવહૈયામાં થતી ઉથલપાથલ કવિએ બહુ ઓછા શબ્દોમાં બહુ અસરદાર રીતે ઉપસાવી છે. ધારવા કરતાં વહેલી ઉતરી આવતી રાતના અંધારામાં ઘરે પરત ફરતા કોઈક ખેડૂતની છાતીમાં ડચૂરો ભરાય છે. ડચૂરો ભરાવા પાછળનું કોઈ દેખીતું કારણ કવિએ આપ્યું ન હોવા છતાં ભાવક પણ એની અનુભૂતિથી બચી શકતો નથી એ કવિ અને કવિતા ઉભયની ઉપલબ્ધિ ગણાય.