આમ તો આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.
રમેશ પારેખ

પિતૃવિશેષ: ૦૩ : હું મુજ પિતા! – ઉશનસ્

અરે, આ વેળા તો અનુભવ થયો અદ્ભુત નવોઃ
હતો પ્હેલી વેળા જનકહીન ગેહે પ્રવિશતો,
હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું;
બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જનમની,
અશા કૌતુકે, કો અપરિચયથી જોઈ રહું કૈં;
પ્રવાસી વસ્ત્રોને પરહરી, જૂનું પંચિયું ધરું
પિતા કેરું જે આ વળગણી પરે સૂકવ્યું હતું;
પછી નાહી પ્હેરું શણિયું કરવા દેવની પૂજા;
અરીસે જોઉં તો જનક જ! કપાળે સુખડની
ત્રિવલ્લી, ભસ્માંકો! અચરજ! બપોરે સૂઈ ઊઠયો
-પિતાજીની ટેવે! -અશી જ પ્રગટી પત્રની તૃષા!
સૂતો રાત્રે ખાટે જનકની જ, રે ગોદડુંય એ!
નનામીયે મારી નીરખું પછી-ને ભડ્ભડ ચિતા,
રહું જોઈ મારું શબ બળતું હું; હું, મુજ પિતા!

– ઉશનસ્

લયસ્તરોની બે દશકની કાવ્યયાત્રા નિમિત્તે આદરેલ પિતૃવિશેષનું આજે આ ત્રીજું ચરણ.

પિતા શબ્દ ‘पा’ ધાતુ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ રક્ષણ કરવું થાય છે. ‘यः पाति स पिता।’ (જે રક્ષા કરે છે તે પિતા છે.) પિતાનો એક અર્થ પરમેશ્વર પણ છે. મનુસ્મૃતિ કહે છે: ‘उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता। (દસ ઉપાધ્યાયથી વધીને એક આચાર્ય અને સો આચાર્યથી વધીને એક પિતા હોય છે.) ઋષિ યાસ્કાચાર્યના ‘નિરુક્ત’સૂત્રમાં પણ पिता पाता वा पालयिता वा। અને पिता-गोपिता અર્થાત, પિતા રક્ષણ કરે છે અને પાલન કરે છે એમ લખ્યું છે. મહાભારતમાં વનપર્વમાં મરણાસન્ન ભાઈઓને બચાવવા યુધિષ્ઠિર યક્ષપ્રશ્નોના જવાબ આપે છે. યક્ષના એક પ્રશ્ન, ‘किं स्विद्गुरुतरं भूमेः किं स्विदुच्चतरं च खात्।’ (કોણ પૃથ્વીથી ભારી છે? કોણ આકાશથી ઊંચું છે?)ના જવાબમાં યુધિષ્ઠિર કહે છે, ‘माता गुरुतरा भूमेः पिता उच्चतरश्च खात्।’ (માતા પૃથ્વીથી ભારી છે, પિતા આકાશથી ઊંચા છે). મહાભારતમાં જ લખ્યું છે: ‘पिता धर्मः पिता स्वर्गः पिता हि परमं तपः। पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवता।।’ (પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે અને પિતા જ સૌથી શ્રેષ્ઠ તપસ્યા છે. પિતાના પ્રસન્ન થવાથી બધા દેવ પ્રસન્ન થઈ જાય છે.) પદ્મપુરાણમાં લખ્યું છે: ‘सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता।’ (મા સર્વ તીર્થસ્વરુપ અને પિતા સર્વ દેવતાસ્વરુપ છે.)

પિતાના મૃત્યુ પછી પિતા વગરના ઘરમાં પ્રથમવાર પ્રવેશ કરતી વખતે પુત્રને જે નવો અને અદભુત અનુભવ થાય છે એને કવિએ ચૌદ પંક્તિઓમાં સંયત ભાષામાં આલેખ્યો છે. જે ઘરમાં પોતે જન્મ લઈ મોટો થયો હશે, એ જ ઘર આજે પુત્રને મોટા હવડ અવકાશ જેવું ખાલી અને અવાવરું ભાસે છે. ઘરમાં ઉપસ્થિત ચિરપરિચિત વસ્તુઓ-ફર્નિચર વગેરે સાથે કવિને વર્તમાન નહીં, પણ અન્ય કોઈ જનમનો પરિચય હોવાનું પ્રતીત થવાથી થોડા કૌતુક સાથે, થોડા અપરિચય સાથે એ જોઈ રહે છે. ઘરની વળગણી ઉપર સૂકવવા મૂકેલ પિતાજીનું પંચિયું હજીય ત્યાં જ લટકતું હતું. પંચિયું એટલે નહાવા જતી વખતે પહેરવાનું નાનું ધોતિયું. પ્રવાસ દરમિયાન પહેરેલ કપડાં કાઢીને દીકરો પિતાજીનું પંચિયું પહેરી સ્નાન કરે છે અને પછી દેવપૂજા કરવા માટે શણિયું પહેરે છે. શણિયું એટલે સ્નાન કર્યા પછી પહેરવાનું લૂગડું. પૂજા કરતાં પૂર્વે પિતાજી કપાળ પર ત્રણ આંગળીથી સુખડની ત્રિવલ્લી બનાવી ભસ્મ લગાડતા હતા એનું જ અનુસરણ દીકરો પણ અજાણતાં કરી બેસે છે પણ પછી અરીસામાં સ્વયંને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. દીકરાને અરીસામાં પોતાના સ્થાને પિતા નજરે ચડે છે. પિતાજીની જેમ જ બપોરે એક ઊંઘ ખેંચી ઊઠ્યા બાદ કોઈ ટપાલ આવી છે કે નહીં એની તપાસ પણ દીકરો કરે છે. રાત્રે પિતા સૂતા હતા એ જ પથારીમાં એ ઓઢતા હતા એ જ ગોદડું ઓઢીને દીકરો સૂઈ પણ જાય છે. નાનપણથી પિતાજીની દિનચર્યા જોઈ જોઈને જે સંસ્કારો ઘડાયા હશે, એ સંસ્કારવશ પુત્ર એ હદે પિતાજીની દિનચર્યાનું અનુકરણ કરે છે કે પુત્રને પોતે જ પિતા હોવાનું ભાન થાય છે. એટલે જ પુત્રને પોતાની નનામી, અને ચિતા પર બળતું પોતાનું શબ પણ નજરે ચડે છે. સંતાનને પોતે જ પોતાનો પિતા હોવાનું સત્ય સમજાય છે એટ્લે કે પોતાના પિતા પોતાનામાં હજી પણ જીવતા હોવાની પ્રતીતિ થાય છે, કારણ કે પુત્ર જીવતો રહે ત્યાં સુધી પિતા મૃત્યુ પામી જ ન શકે. પુત્રના સ્મરણમાં એના પિતા પુત્ર જીવતો રહે ત્યાં સુધી જીવતા જ રહેવાના. વિલિયમ વર્ડ્સવર્થનું બખુખ્યાત વિધાન પણ આ તબક્કે યાદ આવે: ‘the child is father of the man.’

4 Comments »

  1. Dhruti Modi said,

    December 8, 2024 @ 3:19 AM

    હું હું જ મુજ પિતા
    ‘The child is father of the man’
    પિતાની સ્મૃતિ રહી રહીને દરેક ચીજ – વસ્તુમાં કવિ જોઈ રહે છે!
    નનામીઓ મારી નિરખું પછી- ને ભડ્ભડ ચિંતા
    રહું જોઈ મારું શબ બળતું હું; હું, મુજ પિતા !

  2. Mita mewada said,

    December 8, 2024 @ 1:46 PM

    અદ્ભુત આસ્વાદ

  3. ધવલ said,

    December 8, 2024 @ 9:00 PM

    Becoming like his father after the father is gone, is his way to find his anchor in this world. It is a potent coping mechanism.

    At the psychological level, it is more acceptable to have himself die and his father survive than other way around.

  4. ઊર્મિ said,

    December 10, 2024 @ 7:19 AM

    હ્રદયસ્પર્શિ સૉનેટ… આસ્વાદ વાંચીને સૉનેટ જરા વધુ સમજાયું 

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment