જિંદગીને કેમ જીવવી જોઈએ ?
એ પરીક્ષામાં તો પૂછાતું નથી !
નિનાદ અધ્યારુ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for આર. બી. રાઠોડ

આર. બી. રાઠોડ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(જીવ્યા કરવાનું) – આર. બી. રાઠોડ

એકનું એક લગાતાર જીવ્યા કરવાનું.
બીજું શું હોય નવું યાર, જીવ્યા કરવાનું,

ઝીણું ઝરમર કે મુશળધાર જીવ્યા કરવાનું,
જીવવું એ જ છે પડકાર, જીવ્યા કરવાનું.

રોજ ખીલે છે, ખરે છે એ ફૂલોને જોઈ,
સાવ છોડીને અહંકાર જીવ્યા કરવાનું.

જિંદગી છે તો શરૂઆત ગમે ત્યાંથી થશે,
જિંદગીને જ કરી પ્યાર જીવ્યા કરવાનું,

આખરે કોણ નડ્યું, કેમ નડ્યું, છોડ બધું,
સાચવી સહેજ સદાચાર જીવ્યા કરવાનું.

– આર. બી. રાઠોડ

એક તો આ છંદ પરત્વે ગુજરાતી ગઝલકારોનું વલણ પહેલેથી જ સહેજ ઓરમાયું ને ઉપરથી ‘જીવ્યા કરવાનું’ જેવી અનૂઠી રદીફનો પડકાર ઝીલી ચુસ્ત કાફિયા વડે રચાયેલ દુરસ્ત ગઝલ– એટલે મારે તો પહેલી નજરના પ્રેમમાં પડવા જેવું થયું. ગઝલના પાંચેય શેર સંતર્પક થયા છે.

Comments (20)

(વિચારમાંથી) – આર. બી. રાઠોડ

તારા વિચારમાંથી, મારા વિચારમાંથી,
શીખી રહ્યો છું હું આ સૌના વિચારમાંથી.

શોધી શકાય છે જે થઈને વિચારશૂન્ય,
શોધી શકાય નહીં એ સઘળા વિચારમાંથી.

બેચાર જણની જ્યારે કોઈ સલાહ લઉં છું,
નોખું મળે છે ત્યારે નોખા વિચારમાંથી.

પાક્કા વિચારમાં પણ, રાખો ઘડીક ધીરજ,
થોડી કચાશ મળશે પાક્કા વિચારમાંથી.

એકાદ બીજ આખું વટવૃક્ષ થાય છે ને!
પુસ્તક રચાય છે બસ એવા વિચારમાંથી.

– આર. બી. રાઠોડ

નવું વર્ષ શરૂ થઈ ગયું છે… નવા વિચારો સાથે નવી શરૂઆત કરીએ. કવિએ પાંચેય શેરમાં બહુ જ સરળા ભાષામાં મજાની વાત કરી છે. ફરી ફરીને મમળાવવા જેવી ગઝલ…

Comments (14)