અરવિંદ ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
October 24, 2024 at 12:30 AM by વિવેક · Filed under અરવિંદ ભટ્ટ, ગઝલ
બત્તી કરું ને જેમ થતો અંધકાર ગુમ,
ક્યાં એમ થઈ શકે છે તમારો વિચાર ગુમ!
ને બર્ફ જેમ ઓગળી શકાય પણ નહીં
મારામાં કોઈ થઈ ગયું છે આરપાર ગુમ.
ઘર ભુલભુલામણી છે પુરાતન મહેલની,
અંદર પ્રવેશ આપીને થઈ જાય દ્વાર ગુમ.
પાદરના પથ્થરોને હજુ પણ પૂછ્યા કરું
કે ક્યાં થઈ ગયો છે એ ઘોડેસવાર ગુમ!
દેખાય જો મને તો સલામત રહે નહીં,
તેથી જ થઈ ગયો છે આ પરવરદિગાર ગુમ.
– અરવિંદ ભટ્ટ
પાંચ શેર. પાંચેય ટકોરાબંધ.
Permalink
September 13, 2024 at 10:54 AM by વિવેક · Filed under અરવિંદ ભટ્ટ, ગઝલ
તણખલે બાંધેલ સગપણ છોડીને ભાગી છૂટો,
પાંખથી આકાશને પરખોડીને ભાગી છૂટો.
કૈંક એવું પણ મળે ખંડેરને ફંફોસતાં
કે તમારું ઘર તમે તરછોડીને ભાગી છૂટો.
તે પછી પંપાળજો જીભથી પરિચયનો ખીલો,
ડોકમાં બાંધેલ સાંકળ તોડીને ભાગી છૂટો.
શક્ય છે કે બ્હાર નીકળવાથી દરિયો પણ મળે,
માછલીઓ, કાચને જો ફોડીને ભાગી છૂટો.
– એક ટોળું સ્તબ્ધતામાં ગુમ થઈ જાશે પછી,
ઊતરો ચિતા ઉપરથી, દેોડીને ભાગી છૂટો
– અરવિંદ ભટ્ટ
જે સગપણોને જીવસોતાં રાખીને આપણે આજીવન બંધાઈ રહીએ છીએ, એ તણખલાં જેવાં ક્ષણભંગુર છે. એને છોડીને ભાગી શકે એ સિદ્ધાર્થ જ બુદ્ધ બની શકે. પાંખથી આકાશને સાફ કરીને ભાગી છૂટવાના પ્રતીક વડે કવિ એ પણ કહે છે કે ભાગવું તો એ રીતે કે પાછળ કોઈ નક્શે-કદમ ન રહી જાય… બીજા શેરને ઘર-ખંડેરના સ્થૂળ અર્થમાં પણ લઈ શકાય અને ભીતરના ખંડેરને ફફોસતા થતી આધ્યાત્મિક અનુભૂતિને પામવા કાયાનું ઘર છોડી શિવ તરફ જવા મથતા જીવના સંદર્ભમાં પણ સમજી શકાય. ત્રીજો શેર પણ સંબંધ વિશે જ છે. પરિચયના ખીલાને જીભથી પંપાળતા પહેલાં ડોકમાં બાંધેલ સંબંધની સાંકળ તોડીને આઝાદ થઈ જવું જોઈએ, કારણ કે સાચો પ્રેમ સ્વતંત્રતા વિના સંભવ જ નથી. ચોથા શેરમાં પણ બંધન અને મુક્તિની જ વાત છે. આખરી શેરમાં પણ સંબંધની કેદમાંથી મુક્ત થવાની વાત સતી અને ચિતાના પ્રતીક વડે સુપેરે કહેવાઈ છે. ટોળાંએ સ્વીકારી લીધેલ નિર્ણયને અવગણીને કોઈ ચાલી નીકળે ત્યારે ટોળાંની પ્રથમ પ્રતિક્રિયા સ્તબ્ધ થઈ જવાની જ હશે. સતીના ચિતા પરથી ઉતરીને ભાગી જવાની વાત હોય કે દુનિયાએ આપણી ઉપર લાદી દીધેલ બંધનો ફગાવીને આઝાદીનો આહલેક લગાવવાની વાત હોય, સરવાળે તો સ્વ-ઇચ્છા અને સ્વ-તંત્રતા મુજબ જીવવાની જ વાત આ મુસલસલ કહી શકાય એવી ગઝલમાં વેધક રીતે કરાઈ છે.
પરખોડી શબ્દએ મને મૂંઝવ્યો. કોઈ શબ્દકોશમાં એનો અર્થ મળ્યો નહીં, પણ દુલા ભાયા કાગના એક ભજનમાં એ જડી આવ્યો:
સમતાની સાવરણીથી પરખોડી વાળ્યાં
જામ્યાં ત્યાં કંઈક જનમોનાં જાળાં રે
આ બે ઉદાહરણા પરથી ‘પરખોડવું’ એટલે સાફ કરવું એમ મને સમજાયું. કવિનો ખુલાસો પણ જોઈએ: ‘અમારા નાઘેર પંથકમાં ( વેરાવળ, પાટણ,માંગરોળ, કોડીનાર વગેરે) આ શબ્દનો વપરાશ બહુ સામાન્ય છે. મેં પણ લોકસાહિત્ય શબ્દકોશ સુધી પ્રાપ્ત બધું ફંફોસી નાખેલું. કશે આ શબ્દ ન મળલો. પરખોડવુંનો અર્થ તમે બરાબર પકડ્યો છે. માત્ર ઝાપટિયું કે કપડાંનાં નેપકિન જેવા કટકાઓથી સાફ કરવું એટલે પરખોડવું. ખાસ કરીને ઝાપટી અને વાળવું, કોશમાં ઝાપટિયું શબ્દ છે. સાવરણીથી પણ ઝાપટી તો શકાય, પણ એમાં પિચ્છાં ખરી જાય તો? કાગબાપુ વખતે ખજૂરીની સાવરણી આવતી તેમાંથી પિચ્છા ન ખરતાં. પાંખનો સંદર્ભ ઇંગિત કરવાની કોશિશ.’
Permalink
July 29, 2022 at 11:28 AM by વિવેક · Filed under અરવિંદ ભટ્ટ, ગીત
ભાણે બેસો તો થોડું ભાવશે
મનમોજી! તમે ભાણે બેસો તો થોડું ભાવશે
ખેતરમાં જેમ તમે હળને હાંક્યું છે આજ
એમ આ વલોણું ફર્યું છાસમાં
ગાડાનાં પૈ જેવા રોટલામાં ભાત્ય જેમ
ક્યારીઓ કરી છે તમે ચાસમાં
ભોમાં ભાર્યું તે બારું આવશે
મનમોજી, તમે ભાણે બેસો તો થોડું ભાવશે
વીંઝણામાં ઝાડવાના છાંયડા ગૂંથીને
હુંય ઢાળીને બેઠી છું પાટલો
નેજવું કરીને વાટ જુઓ વરસાદની
એમ હુંય જોતી’તી વાટ હો
ખાધું-પીધું તે ખભ્ભે આવશે
મનમોજી, તમે ભાણે બેસો તો થોડું ભાવશે.
– અરવિંદ ભટ્ટ
જે રીતે ખેડૂત આંખનું નેજવું કરીને વરસાદની વાટ જોતો હોય એ જ રીતે ખેડૂતની પત્ની પોતે પતિ બપોરે કામ પતાવીને ભોજનભેગો થવા આવે એની વાટ જોતી હોવાનો હલકારો દઈને અંતરની વાત સ-રસ રીતે રજૂ કરે છે. ગીતનો ઉપાડ ‘ભાણે બેસો તો થોડું ભાવશે’ના ‘તો’કારથી થયો છે, એ પરથી એમ સમજાય છે કે ખેડૂતને ખાવાની વરણાગી હોવી જોઈએ. બીજી જ પંક્તિમાં પતિને ‘મનમોજી’ સંબોધન અને ‘તો’કારવાળા ધ્રુવપદની પુનરુક્તિ કરીને ખેડૂતની સ્ત્રી આપણને આ વાતની ખાતરી કરાવે છે. ખ્યાલ પણ ન આવે એવું ચીવટભર્યું કવિકર્મ તે આનું નામ… ‘તો’માંથી જન્મતી સ્વભાવની પ્રતીતિ, વિશેષણ વડે એની પુષ્ટિ અને પુનરુક્તિ વડે અધોરેખાંકન – આ છે સારા કવિની નિશાની. પ્રયત્ન કરવાથી સારું ગીત લખાતું નથી. પથ્થર ફોડીને ઝરણું ફૂટે એમ સારું ગીત તો ભીતરથી આપોઆપ નીકળે. ગીત લખાઈ ગયા પછી આપણે વિશ્લેષણ કરીએ કે આવી-આવી તરકીબો કવિએ ગીતમાં પ્રયોજી છે, પણ હકીકત એ હોય છે, કે ગીતરચનાને સારી કવિતાની કક્ષાએ લઈ જતી આવી પ્રયુક્તિઓ સમર્થ કવિની રચનામાં અનાયાસે જ સંમિલિત થઈ જતી હોય છે…
ખેડૂતે ખેતરમાં જે રીતે હળ હાંક્યું છે, એ જે ખંત અને ચીવટથી સ્ત્રીએ વલોણું ફેરવીને છાશ બનાવી છે. ગાડાના પૈડા જેવા મસમોટા રોટલામાં ખેડૂત જે રીતે ચાસમાં ક્યારીઓ કરે એમ પત્નીએ ભાત કરી છે. વાવશો એ જ લણશોની ઉક્તિને નાયિકા ભોજન સાથે બખૂબી સાંકળી લે છે – મનમાં સારો ભાવ હશે તો ભોજન જેવું હશે, એવું ભાવશે. પત્નીએ ઢાળેલા પાટલે પતિ જમવા બેસે ત્યારે પત્ની એને જે વીંઝણાથી પવન નાંખે એમાં ઝાડવાના છાંયડા એણે ગૂંથી લીધા છે. કેવું ઉત્તમ કલ્પન! ખાઈ લે, વહાલા… કારણ, આખરે તો જે ખાધું-પીધું હશે એ જ ગુણ કરશે. તાકાત એમાંથી જ મળશે. ખભા એનાથી જ મજબૂત થશે…
સરવાળે મારે તો તમને એટલું જ કહેવાનું કે, હે મનમોજી! વાંચવા બેસશો તો આ ગીત ભાવશે…
Permalink
October 5, 2005 at 10:48 AM by ધવલ · Filed under અરવિંદ ભટ્ટ, ગીત
વાત વર્ષોની જર્જર પુરાણી હતી, એક રાજા હતો એક રાણી હતી,
સાવ ઈતિહાસથીયે અજાણી હતી, એક રાજા હતો એક રાણી હતી.
મેં અમસ્તી લખેલી કથાના સહુ પાત્ર સાચાં મળે છે તો હું શું કરું ?
કોના હોવાની ઘટના કહાણી હતી ? એક રાજા હતો એક રાણી હતી.
એક અવસ્થા હતી, ફૂલકન્યા હતી, તીરની સાથે છોડેલ ચિઠ્ઠી હતી,
ઊડતી એક ઘોડી પલાણી હતી, એક રાજા હતો એક રાણી હતી.
કે, ઝઝૂમ્યું હતું કોણ છેવટ સુધી શેરમાટીમા સપનાની સામે સતત ?
કોની વંશાવેલી ધૂંળ-ધાણી હતી? એક રાજા હતો એક રાણી હતી.
શાપ લાગ્યો હતો એક પળનો અને યુગ પથ્થર થઈને વિતાવ્યા હતા,
તોય વરદાન જેવી જ વાણી હતી, એક રાજા હતો એક રાણી હતી.
-અરવિંદ ભટ્ટ
Permalink