ખેડૂત સ્ત્રીનું ગીત – અરવિંદ ભટ્ટ
ભાણે બેસો તો થોડું ભાવશે
મનમોજી! તમે ભાણે બેસો તો થોડું ભાવશે
ખેતરમાં જેમ તમે હળને હાંક્યું છે આજ
એમ આ વલોણું ફર્યું છાસમાં
ગાડાનાં પૈ જેવા રોટલામાં ભાત્ય જેમ
ક્યારીઓ કરી છે તમે ચાસમાં
ભોમાં ભાર્યું તે બારું આવશે
મનમોજી, તમે ભાણે બેસો તો થોડું ભાવશે
વીંઝણામાં ઝાડવાના છાંયડા ગૂંથીને
હુંય ઢાળીને બેઠી છું પાટલો
નેજવું કરીને વાટ જુઓ વરસાદની
એમ હુંય જોતી’તી વાટ હો
ખાધું-પીધું તે ખભ્ભે આવશે
મનમોજી, તમે ભાણે બેસો તો થોડું ભાવશે.
– અરવિંદ ભટ્ટ
જે રીતે ખેડૂત આંખનું નેજવું કરીને વરસાદની વાટ જોતો હોય એ જ રીતે ખેડૂતની પત્ની પોતે પતિ બપોરે કામ પતાવીને ભોજનભેગો થવા આવે એની વાટ જોતી હોવાનો હલકારો દઈને અંતરની વાત સ-રસ રીતે રજૂ કરે છે. ગીતનો ઉપાડ ‘ભાણે બેસો તો થોડું ભાવશે’ના ‘તો’કારથી થયો છે, એ પરથી એમ સમજાય છે કે ખેડૂતને ખાવાની વરણાગી હોવી જોઈએ. બીજી જ પંક્તિમાં પતિને ‘મનમોજી’ સંબોધન અને ‘તો’કારવાળા ધ્રુવપદની પુનરુક્તિ કરીને ખેડૂતની સ્ત્રી આપણને આ વાતની ખાતરી કરાવે છે. ખ્યાલ પણ ન આવે એવું ચીવટભર્યું કવિકર્મ તે આનું નામ… ‘તો’માંથી જન્મતી સ્વભાવની પ્રતીતિ, વિશેષણ વડે એની પુષ્ટિ અને પુનરુક્તિ વડે અધોરેખાંકન – આ છે સારા કવિની નિશાની. પ્રયત્ન કરવાથી સારું ગીત લખાતું નથી. પથ્થર ફોડીને ઝરણું ફૂટે એમ સારું ગીત તો ભીતરથી આપોઆપ નીકળે. ગીત લખાઈ ગયા પછી આપણે વિશ્લેષણ કરીએ કે આવી-આવી તરકીબો કવિએ ગીતમાં પ્રયોજી છે, પણ હકીકત એ હોય છે, કે ગીતરચનાને સારી કવિતાની કક્ષાએ લઈ જતી આવી પ્રયુક્તિઓ સમર્થ કવિની રચનામાં અનાયાસે જ સંમિલિત થઈ જતી હોય છે…
ખેડૂતે ખેતરમાં જે રીતે હળ હાંક્યું છે, એ જે ખંત અને ચીવટથી સ્ત્રીએ વલોણું ફેરવીને છાશ બનાવી છે. ગાડાના પૈડા જેવા મસમોટા રોટલામાં ખેડૂત જે રીતે ચાસમાં ક્યારીઓ કરે એમ પત્નીએ ભાત કરી છે. વાવશો એ જ લણશોની ઉક્તિને નાયિકા ભોજન સાથે બખૂબી સાંકળી લે છે – મનમાં સારો ભાવ હશે તો ભોજન જેવું હશે, એવું ભાવશે. પત્નીએ ઢાળેલા પાટલે પતિ જમવા બેસે ત્યારે પત્ની એને જે વીંઝણાથી પવન નાંખે એમાં ઝાડવાના છાંયડા એણે ગૂંથી લીધા છે. કેવું ઉત્તમ કલ્પન! ખાઈ લે, વહાલા… કારણ, આખરે તો જે ખાધું-પીધું હશે એ જ ગુણ કરશે. તાકાત એમાંથી જ મળશે. ખભા એનાથી જ મજબૂત થશે…
સરવાળે મારે તો તમને એટલું જ કહેવાનું કે, હે મનમોજી! વાંચવા બેસશો તો આ ગીત ભાવશે…
Parbatkumar Nayi said,
July 29, 2022 @ 1:10 PM
વાહ મજાનું ગીત
વાંચવા બેઠા અને ખૂબ ભાવ્યું
ખૂબ શુભેચ્છાઓ કવિને
ચંદ્રશેખર પંડ્યા said,
July 29, 2022 @ 1:58 PM
ખૂબ સુંદર ગીત અને ભાવપૂર્ણ વિશ્લેષણ. ધન્યવાદ ડૉક્ટર સાહેબ!
DILIPKUMAR CHAVDA said,
July 29, 2022 @ 2:56 PM
વાહ
ગામડાના ખેડૂતની સ્ત્રીનું સુંદર ભાવવાહી ગીત
Neha said,
July 29, 2022 @ 4:12 PM
સરસ મજાનું ગીત. કરામત ત્યાં છે કે
એક પાત્ર બોલે છે ત્યારે બીજું એની
લગોલગ બેઠું છે એવી અનુભૂતિ
ભાવકને આપોઆપ થાય છે.
ખેડૂત ખાવામાં થોડો વરણાગી છે, પણ
પત્નીનું ભોજનેષુ માતા સ્વરુપ કવિએ સટીક
આલેખ્યું છે. પત્નીને ખ્યાલ છે કે મારો વાલીડો
કંઈ હું કહું ને જમવાનું શરૂ કરી દે એવો નથી..
ને સમજણનાં પગથિયે જ પ્રથમ પંક્તિ આવી છે કે-
ભાણે બેસો… તો થોડું ભાવશે… પછી આ જ ભાવને
ઘૂંટીઘૂંટી કવિએ કેવો ઘાટો કર્યો છે ! પત્નીની સમજદારી
પણ આબાદ વ્યક્ત થઈ છે. એ પોતે કેટલી રાહ જોઈને થાકી
છે એ દર્શાવવા માટે પણ પતિ જે કામમાં છે એની જ ઓથ
લે છે, ને બોલે… તમે આટલી મહેનત કરીને હવે જેમ વરસાદની રાહ
જોઈ રહ્યા છો એમ જ હુંય રસોડામાં તમારા માટે મહેનત કરી
જમવાનું બનાવી લાવી છું.. અને તમારા જમવા બેસવાની રાહમાં છું..
છેલ્લે સુધી છણકાનો સહેજે ભાવ લાવ્યા વગર, સમજાવટનાં સૂરે જ
પોતાની વાત રજૂ કરવાની કળા નાયિકાનું એક જાજરમાન સ્વરુપ ઉપસાવે છે..
વાહ કવિ.. આભાર લયસ્તરો..
Arvind Bhatt said,
July 29, 2022 @ 6:18 PM
આભાર કવિ,. એક ભૂલ હોવા છતાં તમે બરાબર પ્રમાણી છે ં. ખેતરમાં જેમ તમે….. (જેમ તેમ નહીં)
pragnajuvyas said,
July 29, 2022 @ 9:19 PM
અરવિંદ ભટ્ટનુ મજાનુ ગીત
ડો વિવેકનો સ રસ આસ્વાદ
Poonam said,
July 30, 2022 @ 11:04 AM
ખાધું-પીધું તે ખભ્ભે આવશે,
મનમોજી, તમે ભાણે બેસો તો થોડું ભાવશે…
– અરવિંદ ભટ્ટ – Mahenat ni Zahemat…!
Aaswaad swadisht che sir ji 😊
Amit chvada said,
February 28, 2024 @ 8:14 PM
નેજવું કરીને વાટ જુઓ વરસાદની
એમ હુંય જોતી’તી વાટ હો…..
અહા !!!! મજા પડી.